શું આપણે આ વરસની પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવતા હોય અને તેમને સાંભળવા જનમેદની એકત્ર થઈ હોય એ દૃશ્યની કલ્પના કરી શકીએ છીએ? શું એ વિચારી શકીએ છીએ કે આપણે ત્રણ મહિના પછી ઉપલબ્ધિઓના કયા પડાવ પર હોઈશું અને વડાપ્રધાન એ દિવસે જનતાને સાવ જ નવો ક્યો સંદેશ આપશે? આગામી ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વે દિલ્હીના રાજપથનો નજારો આ વખતે કેવો હશે તે કલ્પી શકીએ છીએ? હમણાં ચાર મહિના પહેલાંની ૨૬મી જાન્યુઆરીએ સમૃદ્ધિનું જે પ્રદર્શન કર્યું હતું, તે આ વખતે પણ કરવા ઈચ્છીશું ?
આપણા રાજનેતાઓ જ્યારે આપણને એવું સમજાવે છે કે હાલની આ મહામારી આપણી સમગ્ર જીવનશૈલીને બદલી નાખનારી છે, ત્યારે દુનિયાભરની પ્રજા એમના શાસકોથી નારાજ છે એ સચ્ચાઈ તે જાણેઅજાણે છુપાવી દે છે. આ સ્થિતિ સરમુખત્યારી શાસનવ્યવસ્થાવાળા દેશોમાં પણ જોવા મળે છે. રશિયામાં રોજ કોરોના સંક્રમણના હજારો કેસ નોંધાઈ રહ્યા છે. આખી દુનિયાને તેની અને રશિયન પ્રજાની નારાજગીની પણ જાણ થાય છે. અમેરિકા અને યુરોપમાં જો લોકો છીંકે એટલી અમસ્તી વાતને ય ત્યાંના રાજનેતાઓની લોકપ્રિયતા સાથે જોડીને જોવાતી હોય છે. ત્યાં (હાલની મહામારી દરમિયાન) અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું જનસમર્થન અને લોકપ્રિયતા ઘટી રહ્યાના અહેવાલો છે. એવું પણ કહેવાય છે કે નવેમ્બર-૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણી જો ટ્રમ્પ હારશે, તો તે ચૂંટણીમાં ગેરરીતિના આરોપ ઊભા કરીને પરિણામો સ્વીકારશે નહીં. ચૂંટણીમાં ગેરરીતિઓ આચરવાના કારણે લોકસભાના સભ્યપદેથી ઇન્દિરા ગાંધીને ગેરલાયક ઠેરવતો અલાહાબાદ હાઈકોર્ટનો 12 જૂન 1975નો ચુકાદો ન સ્વીકારવાના ઇન્દિરાના વલણ અને ત્યાર પછીના ઇતિહાસને પણ આ ક્ષણે આપણે સંભારવો જોઈએ.
કોરોના સંકટની ગંભીરતા સમજવામાં અને તેને પહોંચી વળવામાં જે વિલંબ કરાયો તેનાથી મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે અને ઘણી હાડમારી વેઠવાની આવી છે. આ કારણે દુનિયાભરના શાસકોથી પ્રજા નારાજ છે. લોકોની તકલીફો જેમ જેમ વધતી જશે, ટાળી શકાય એવાં મોતના આંકડા વધતા રહેશે તેમ લોકોનો ગુસ્સો પણ વધતો રહેશે. સારું એ છે કે આ ત્રણ મહિનામાં જ શાસકોને સમજાઈ ગયું છે કે આગામી ત્રીસ મહિના કેટલા પડકારજનક હશે. તેમની બદલાયેલી મુખમુદ્રા તેની ગવાહી પૂરે છે.
લોકોની આ નારાજગીની એક બીજી બાજુ એ પણ છે કે લોકો તેમના વ્યવહાર અને વિચારોમાં વધારે ચીડિયા, કઠોર અને અસહિષ્ણુ બની રહ્યા છે. રાજકારણ પ્રત્યેનો તેમનો કાયમી ઉત્સાહ હવે અણગમામાં બદલાઈ ગયો છે. ધાર્મિક ઉન્માદને બદલે રોજગારી, બાળકોનું ભવિષ્ય અને સ્વજનો-પરિચિતના મોત જેવા મુદ્દાને પ્રાથમિકતા મળી રહી છે. પરસ્પરની વાતચીત અને સંવાદના મુદ્દા બદલાયા છે. સોશિયલ મીડિયા પર પણ જે ખરીખોટી વાતો ફેલાવાઈ રહી છે, તેમાં ધાર્મિક ઉન્માદ અને કોમી વૈમનસ્યનું પ્રમાણ ઘટ્યું છે. હવે તેને બદલે જેમને નિર્દયતાથી જાહેર રસ્તે કચડી નંખાય છે તે લાચાર-ભૂખ્યાં-તરસ્યા શ્રમિકોની તકલીફો વધુ ચર્ચાય છે. ધોમધખતા તાપમાં એ પણ ખબર નથી પડતી કે તેમના શરીરમાં લોહી વહે પણ છે કે નહીં.
જે લોકો ધાર્મિક રીતે બહુ કટ્ટર મનાતા હતા, તેમને એ વાતનો ઝાઝો ફરક નથી પડતો કે ધર્મસ્થાનોમાં ગયા વિના પણ તે જીવી શકે છે. જે લોકો કટ્ટર લોકોને હાથો બનાવીને સત્તાના શિખરે અત્યાર સુધી પહોંચ્યા છે તે ખૂબ ચિંતિત છે. તેમને ચિંતા એ વાતની છે કે હજારો લાશોના ભારથી મુક્ત મહામારી પહેલાંના સંસારને કઈ રીતે સજીવન કરી શકાશે.
જે લોકો કોરોનાકાળ પછીની દુનિયા અંગે ચિંતિત છે, તેમના માટે એક સમાચાર છે. હવે રાજનીતિ પણ કેટલીક હદ સુધી વર્ચ્યુઅલ અથવા ઑનલાઇન થઈ જશે અને નેતાઓએ પણ ઘરે રહીને કામ કરવું પડશે. સંક્રમણનો ખતરો વધે નહીં એ માટે જનતા એમના સીધા સંપર્કમાં નહીં આવે. જો કે, આવી સ્થિતિ લોકશાહી માટે જોખમકારક સાબિત થઈ શકે છે. દુનિયાભરમાં આજે અર્થતંત્ર બચાવવું કે જિંદગી બચાવવી એ બે પૈકી એકની પસંદગી કરવાનો સવાલ ઊભો થયો છે. શક્ય છે કે સરકારો આ સવાલને બદલીને આપણને એવો સવાલ કરે, 'તમારે જીવ બચાવવો છે કે જનતંત્ર'? આ સવાલનો જવાબ બધાને ખબર જ છે. પરંતુ જવાબ એ પણ હોઈ શકે કે, અમારે જીવ અને જનતંત્ર બંને બચાવવા છે. સઘળો દારોમદાર જનતાના ખમીર પર છે.
અનુવાદ: ગૌતમ ડોડીઆ
e.mail : gautamdodia007@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 મે 2020