[15મી ઑગસ્ટ 1947 બાદ બે સરકારો બની; બે નવી સીમાઓ દોરવામાં આવી. તેથી હવે પડકારો પણ બે થયા − સાંપ્રદાયિકતાને રોકવી, તેમ જ તેનો ક્ષય કરવો. ઝેરી સાંપ્રદાયિક્તા, મૂઢતાપૂર્ણ વિભાજન, બાપુની હત્યા, આ બધું જ જાણે એક પછી એક ઝંઝાવાતની જેમ બનતા ગયા … તેના દોઢ મહિના પછી, 15 માર્ચ 1948એ વિનોબાએ બે પ્રસંગે ગાંધીજનો વચ્ચે પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.]
•
હું કંઈક કહેવા માંગું છું. હું એ રાજ્યનો છું, જેમાં આર.એસ.એસ.નો જન્મ થયો. જાતિ છોડીને બેઠો છું તો પણ એ ભૂલી નથી શકતો કે હું એની જ જાતિનો છું, જેના દ્વારા આ ઘટના બની છે. કુમારપ્પાજી અને કૃપલાણીજીએ સૈન્યના બંદોબસ્તની વિરુદ્ધ ખૂબ સખત શબ્દોમાં વાત કરી. હું ચૂપ બેસી રહ્યો. તેઓ દુ:ખ સાથે બોલતા હતા; હું દુ:ખ સાથે ચૂપ હતો. જેઓ નથી બોલતા તેમનું દુ:ખ જાહેર નથી થતું. હું એટલા માટે નહીં બોલ્યો કે દુ:ખની સાથે મને શરમ પણ આવતી હતી. અહીંથી પણ ચાર-પાંચ લોકોની ધરપકડો કરવામાં આવી છે. પવનારમાં હું વર્ષોથી રહું છું. બાપુની હત્યા સાથે કોઈક પ્રકારનો સંબંધ હોવાની તેમના ઉપર શંકા છે. વર્ધામાં પણ ધરપકડો થઈ છે, ઠેર ઠેર થઈ રહી છે. આ સંગઠન આટલા મોટા પ્રમાણમાં સંપૂર્ણ કુશળતાપૂર્વક ફેલાવવામાં આવ્યું છે. આનાં મૂળિયાં ખૂબ ઊંડે સુધી પહોંચી ગયાં છે. આ સંગઠન બિલકુલ ફાસીવાદી પદ્ધતિનું છે. તેમાં મહારાષ્ટૃની બુદ્ધિનો મુખ્યત્વે ઉપયોગ થયો છે. તે ભલે પંજાબમાં કામ કરતો હોય કે મદ્રાસમાં, બધાં રાજ્યોમાં તેના ચલાવનાર તેમ જ મુખ્ય સંચાલક મહદ્દ અંશે મહારાષ્ટૃીયન અને મુખ્યત્વે બ્રાહ્મણો જ મળી આવે છે. … આ સંગઠન બીજાને વિશ્વાસમાં નથી લેતું. ગાંધીજીનો નિયમ સત્યનો હતો. એવું જાણવા મળે છે કે, આમનો (આ સંગઠનનો) નિયમ અસત્યનો હોવો જોઈએ. આ અસત્ય તેમની ટેક્નિક – તેમના તંત્ર તેમ જ તેમની ફિલસૂફીનો ભાગ છે.
એક ધાર્મિક છાપામાં મેં તેમના ગુરુજીનો એક લેખ (ભાષણ) વાંચ્યો. તેમાં લખ્યું હતું કે ‘હિંદુ ધર્મનો ઉત્તમ આદર્શ અર્જુન છે. તેને પોતાના ગુરુજનોને માટે આદર તેમ જ પ્રેમ હતો. તેણે પોતાના ગુરુજનોને પ્રણામ કર્યા અને તેમની હત્યા કરી. આ પ્રકારની હિંસા જે કરી શકે છે તે સ્થિતપ્રજ્ઞ છે.’ એ લોકો ગીતાના મારાથી ઓછા ઉપાસક નથી. તેઓ એટલી જ શ્રદ્ધાથી રોજ વાંચતા હશે, જેટલી શ્રદ્ધા મારા મનમાં છે. માણસ જો પૂજ્ય ગુરુજનોની હત્યા કરી શકે તો તે સ્થિતપ્રજ્ઞ કહેવાય, એ તેમની ગીતાનું અર્થઘટન છે. બિચારી ગીતાનો આ રીતે ઉપયોગ થાય છે ! એનો અર્થ એ થયો કે આ માત્ર તોફાન કરનારા ઉપદ્રવકારીઓની જમાત માત્ર નથી, આ તો ફિલોસોફરોની જમાત છે. એમની પાસે એમનું એક તત્ત્વજ્ઞાન છે અને તે પ્રમાણે, નિશ્ચયની સાથે તેઓ કામ કરે છે. ધર્મગ્રંથોનું અર્થઘટન કરવાની પણ તેમની પોતાની એક ખાસ પદ્ધતિ છે.
ગાંધીજીની હત્યા પછી મહારાષ્ટૃ એક વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયું છે. અહીં બધું જ આત્યંતિક સ્વરૂપમાં થાય છે. ગાંધી-હત્યા પછી, ગાંધીવાળાઓના નામ પર જનતા તરફથી જે પ્રતિભાવ આવ્યા તે પણ એટલા ભયાનક હતા, જેવા પંજાબમાં પાકિસ્તાનના નિર્માણ સમયે આવ્યા હતા.
નાગપુરથી કોલ્હાપુર સુધીના વિસ્તારમાં આ પ્રતિક્રિયા થઈ. સાને ગુરુજીએ મને કહ્યું કે મારે મહારાષ્ટૃમાં ફરવું જોઈએ. પરંતુ હું જે માત્ર પવનારને પણ સંભાળી ન શક્યો, વર્ધા-નાગપુરના લોકો ઉપર અસર પાડી ન શક્યો, તે મહારાષ્ટૃમાં ફરીને શું કરી શકત ? હું ચૂપ બેસી રહ્યો.
આજની પરિસ્થિતિમાં મુખ્ય જવાબદારી મારી છે, મહારાષ્ટૃના લોકોની છે. આ સંગઠને મહારાષ્ટૃમાં જન્મ લીધો છે. મહારાષ્ટૃના લોકો તેનાં મૂળિયાં સુધી પહોંચી શકે. તેથી તમે મને માહિતી આપો, હું મારું મગજ સાફ રાખીશ અને પોતાની પદ્ધતિથી કામ કરીશ. આર.એસ.એસ.થી જુદા, ઊંડાણવાળા તેમ જ દૃઢ વિચાર ધરાવનારા બધા લોકોની હું મદદ લઈશ. જે એ વિચારમાં સહમત હશે કે અમે માત્ર શુદ્ધ સાધનોથી જ કામ કરીશું, એ સૌની મદદ લઈશ. આપણો સાધન-શુદ્ધિનો મોરચો બનવો જોઈએ. તેમાં સમાજવાદી પણ આવી શકે છે અને બીજા સૌ તેમાં ભળી શકે છે.
આપણી આ પરિષદ પોલીસ બંદોબસ્ત હેઠળ થઈ રહી છે, તે કેટલા દુ:ખની વાત છે. આ હકીકતથી વ્યાકુળ બનીને કુમારપ્પાએ તો થોડા સમય માટે પરિષદમાંથી ગેરહાજર રહેવાનું પસંદ કર્યું. પરંતુ, તેમની સાથે સહાનુભૂતિ ધરાવવા છતાં મારું માનવું છે કે તેનો કોઈ બીજો વિકલ્પ ન હતો. આ બાબતનું સૌથી વધારે દુ:ખ તો પંડિત જવાહરલાલજીને છે.
દોષનો આખો ટોપલો આર.એસ.એસ.વાળાઓ પર નાંખી દેવાથી આપણું કામ નહીં થાય. તેઓ તો આપણાથી જુદો વિચાર ધરાવનારા છે જ. દોષ તો આપણે પોતાનો જ જોવો જોઈએ. 1942માં આપણે શું કર્યું? આ આંદોલનમાં આપણે છૂપી રીતે કામ કર્યું, હિંસા પણ કરી, અને પાછું આ બધું ગાંધીજીના નામે કર્યું, એટલું જ નહીં, તેનો બચાવ પણ કર્યો ! તો પછી આપણાથી જુદા વિચાર ધરાવનારા એવી જ રીતે છૂપી તેમ જ હિંસાત્મક પદ્ધતિઓથી કામ કરે, તો આપણે એમને શું કહીએ?
બાપુની હત્યાની જવાબદારી આપણી છે. બાપુએ આપણને વારંવાર કહ્યું હતું કે આપણાં સાધન શુદ્ધ હોવાં જોઈએ. આપણે ઉપર ઉપરથી તો એમને ‘હા’ કહી દેતા હતા પરંતુ તે પ્રમાણે પોતાના જીવનમાં જે ફેરફાર કરવો જોઈએ તે આપણે નહીં કર્યો. વખત આવ્યે આપણે અસત્ય અને હિંસાથી જ કામ લીધું. એનું જ ફળ ભગવાન આપણને ચખાડી રહ્યા છે, એવું હું માનું છું.
અહિંસાના પાલનમાં વળી છૂટછાટની માંગણી કેવી ? અહિંસાની શરત આપણને અઘરી કેમ લાગે છે ? માની લો કે આપણે એક મકાન બનાવવું છે. વિજ્ઞાન કહે છે કે દીવાલો કાટખૂણે એટલે કે 90 ડિગ્રી પર ઊભી કરવી જોઈએ, તો શું આપણને એ શરત અઘરી લાગશે ? જ્યારે આપણે જાણીએ છીએ કે દીવાલ કાટખૂણે ન હોય તો તે પડી જશે, તો આપણે એવું કહીએ છીએ ખરા કે તે 95 ડિગ્રી કે 80 ડિગ્રી (અંશ) પર કેમ ન ઊભી કરી શકાય ?
આપણાં સાધન સાચાં જ હોવાં જોઈએ, આ એક ક્રાંતિકારી સિદ્ધાંત છે. સાધનશુદ્ધિનો સંકલ્પ કરતા કરતા જો આપણે જનતાની સેવામાં લાગી જઈએ તો આપણા જીવનમાં ક્રાંતિ થઈ જશે. અને આપણા જીવનમાં જ્યારે ક્રાંતિ થઈ જશે તો અંતમાં આખી દુનિયામાં તે થશે જ …
•••
[30 જાન્યુઆરી 1948ના દિવસે મહાત્મા ગાંધીજીની હત્યા ન કરવામાં આવી હોત તો 2જી ફેબ્રુઆરી 1948ને દિવસે સેવાગ્રામમાં એ રચનાત્મક કાર્યકર્તા સંમેલન થયું હોત જેની તારીખ, સ્થાન, વિષય, તેમાં ભાગ લેનાર સભ્યોનાં નામ વગેરે બધું જ તેમણે પોતે નક્કી કરેલું. પરંતુ તેઓ ચાલ્યા જતાં આ સંમેલન પણ મોકૂફ રાખવામાં આવ્યુ, જેમાં તેઓ પોતાનાં આગલાં પગલાંઓની જાહેરાત કરવાના હતા. એ સંમેલન જુદા સ્વરૂપે, જુદા લોકો સાથે તેમની હત્યાનાં છ અઠવાડિયાં બાદ એ જ સેવાગ્રામમાં થયું, જેનું આયોજન-સંયોજન વિનોબાજીએ કર્યું હતું. આ સંમેલનમાં વિનોબા જુદા જુદા પ્રસંગે બોલેલા − ક્યારેક ઓછું, તો ક્યારેક વિસ્તાર-પૂર્વક ! એ સંમેલનની કાર્યવાહીની અધિકૃત નોંધમાંથી આ અંશ લેવામાં આવ્યા છે. — “ગાંધીમાર્ગ”માંથી આભાર સહ અનુવાદિત.]
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 જાન્યુઆરી 2020; પૃ. 04 તેમ જ 20