શીત લહર અને રાજકીય ગરમીના સંમિશ્ર માહોલમાં ૨૦૧૯માં પ્રવેશતાં કિયું ચિત્ર સામે આવે છે? તમે કદાચ કહી શકો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને સવિશેષ તો છતીસગઢનાં વિધાનસભા પરિણામો પછી કૉંગ્રેસને રાષ્ટ્રીય સ્તરે પુનઃ પ્રતિષ્ઠાની આશા એક અંતરાલ પછી વરતાવા લાગી છે. ઉલટ પક્ષે, તમે જોઈ પણ શકો છો કે ભા.જ.પ.ને લોકસભામાં મે ૨૦૧૯માં સુવાંગ બહુમતી ન મળે એ સંજોગોમાં બીજાઓને સ્વીકાર્ય વૈકલ્પિક નેતૃત્વ માટે નાગપુરે કવાયત ચાલુ કરી દીધી છે.
નહીં કે આ પ્રવાહો અને પરિબળોની ચર્ચા અસ્થાને છે. પણ નાગરિક છેડેથી જોતાં પરિવર્તન ભણીની આશાલેરખી છતાં મુખ્ય નિસબતમુદ્દો ખરું જોતાં એ છે કે સ્વરાજના સાત સાત દાયકા વટી ગયા પછી આપણી અમૂઝણ ધોરણસરની રાજકીય સંસ્કૃતિનું જે ટાંચું પડેલું છે તે વાતે છે. નેહરુશાસ્ત્રી પછી જે આગળનો ટપ્પો હાંસલ કરવાનો હતો એને બદલે કેમ જાણે કંઈક પાછળ પડવા જેવું બાંગલા ફતેહકલગી છતાં ઇંદિરાજીના નેતૃત્વમાં વરતાવા લાગ્યું હતું, અને જયપ્રકાશ જેવાઓની ચિંતા કટોકટીરાજ સાથે ભેંકારપણે સાચી પડી હતી. જનતા રાજ્યારોહણ પછી લોકશાહી પુનઃ સ્થાપન એ ઠીક પથસંસ્કરણ હતું, પરંતુ સંપૂર્ણ ક્રાંતિના ધ્રુવતારક સામે આશાની પછડાટનો જ નહીં ખુદ દૈનંદિન રાજકારણનાં શીલ અને શૈલીનો સવાલ ત્યારે અને ત્યાર પછી ઢેકો કાઢતો રહ્યો છે. વિશ્વનાથ પ્રતાપ સિંહનો ઉદય કે અટલ બિહારી વાજપેયીનો કાર્યકાળ જો કંઈક આશાએશ સંપડાવનારાં રહ્યાં તો નરસિંહ રાવ – મનોમોહન સિંહનાં પોતપોતાનાં યોગદાન પણ અંશતઃ સમો સાચવી લેનારાં રહ્યાં. વિખંડિત જનાદેશ અને ટૂંકજીવી સરકારોના દોર વચ્ચે આ બધાં વર્ષો સહ્ય અને નિર્વાહ્ય અનુભવોની અધવચ્ચ એક પ્રજા તરીકે આપણે રોડવી તો શક્યાં, પણ સુશાસનપૂર્વકની રાજકીય સંસ્કૃતિ હજી સુધી તો છેટેની છેટે છે.
ગમે તેમ પણ, જસદણની ઘણુંખરું તો કુંવરજીની પક્ષનિરપેક્ષ સ્વીકૃતિવશ ફતેહ ભલે ગુજરાત ભા.જ.પ.ને સારુ ભર શીત-લહરે તાપણા શી બની રહી હોય અને ભ્રષ્ટાચારના સરકારમાન્ય બુમાટા છતાં હમણે મળી ગયેલ રાષ્ટ્રીય મહિલા મોરચાથી માંડીને આ લખાઈ રહ્યું છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય અધિવેશન સહિતની વૉર્મિંગ અપ હિલચાલ ખેડૂતોને માફી સરખી જુગલબંધી સાથે મુખ્યમંત્રી રૂપાણીને પોતાના નામ સાથે મેળનો અનુભવ કરાવતી હોય …
… પણ વાસ્તવિકતા એ છે કે રાજ્ય વિધાનસભા વખતની ચૂંટણીહાંફમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢનાં પરિણામોનો આગોતરો સંકેત પડેલો હતો. અને રાષ્ટ્રીય સ્તરે એ ચિત્ર આજની તારીખે પણ યથાવત્ છે. આ સંદર્ભમાં જોઈએ તો જસદણ જરૂર એક અપવાદરૂપ ઘટના છે, પણ એને હમણાં તો નિયમસિધ્ધકર અપવાદરૂપે જ ઘટાવવી રહે છે. વાસ્તવિકતા એ પણ છે કે રાજ્યે રાજ્યે ભાજપભિલ્લુઓ લોકસભા ચૂંટણી માટેની બેઠક ફાળવણીમાં ૨૦૧૪માં થયેલી વહેંચણીથી વધુ હિસ્સો માગી રહ્યા છે. ઉત્તર પ્રદેશનાં ભાજપી સાંસદ સાવિત્રી ફૂલેના ઉદ્ગારમારાને ધારો કે સ્થાનિક સંદર્ભમાં ચાના કપ માંહેલા તોફાન તરીકે છોડી દઈએ, પણ પૂર્વ પક્ષપ્રમુખ અને સંઘશ્રેષ્ઠીઓના ચહેતા ગડકરીની આ દિવસોની ગુગલી લીલા એટલી સહેલાઈથી પડતી મૂકી શકાય એવી તો નથી સ્તો. એમાં પણ એમણે હમણાં જે એક વિધાન કર્યું કે આર્ટિફિશિયલ માર્કેટિંગ પોતાને ઠેકાણે ઠીક હોય તો પણ એથી આપણે દરેક બાબતમાં વિદ્વાન ઠરતા નથી તે વિચારણીય છે. અરુણ શૌરીની માર્મિક નુક્તેચીની મુજબ દેશમાં અઢી માણસ હસ્તક સમેટાઈ ગયેલી નિર્ણય-અને-શાસન-પ્રક્રિયામાં સૌથી વડા માથા બાબતે વિદ્વત્તાના વહેમની અસંદિગ્ધ આલોચના ઉક્ત ગડકરીઝમમાં ખસૂસ છે.
મે ૨૦૧૪માં જેણે કદાચ કશું ખોવાનું નહોતું તે પક્ષ બીજી વાર પરવાનો તાજો થાય એ પહેલાં જ આમ અસ્તિત્વની લડાઈમાં મુકાઈ ગયો છે ત્યારે એક ગાળા પછી પોતાને સત્તાસમીપ સમજવા લાગેલ કૉંગ્રેસ કૅમ્પનું ચિત્ર કેવુંક છે? ખેડૂતોની દેવાનાબૂદી સાથે છાકો પાડી દેતી પહેલ બાદ હમણેના દિવસોમાં કૉંગ્રેસનું સર્વાધિક સરાહનીય પગલું છતીસગઢમાં સરકારે અધિગ્રહિત કરી તાતાને સોંપેલી જમીન મૂળ માલિકોને પરત કરવાનું છે. ખરું જોતાં એના આ કદમની ભાવનાત્મક ને નાટ્યાત્મક અપીલ એટલી મોટી હતી અને છે કે અગ્રલેખની શરૂઆત એનાથી જ કરી શકાઈ હોત. જમીનોનું કોર્પોરેટીકરણ કથિત નવી આર્થિક નીતિની ઓળખ જેવું બની રહેલ છે. ગુજરાત મૉડેલ વેચીવેચીને ૨૦૧૪માં દિલ્હી પુગેલ શીર્ષ નેતૃત્વ કાર્યકાળનાં આરંભિક અઠવાડિયાઓમાં જ કોર્પોરેટીકરણમાં સુવાણ રહે એવા કાનૂનબદલની ખાસી કોશિશ કીધી હતી (જો કે એમાં એને યારી મળી નહોતી) તે આ લખતાં સાંભરે છે.
કૉંગ્રેસે ફતેહથી અને આવી આરંભિક કારવાઈથી છાકો જરૂર પાડ્યો, પણ એની કામગીરી વણછાયેલી અને મોચવાતી ચાલે છે એ પણ આ તબક્કે કહેવું જોઈએ. સજ્જનકુમારની સજાની જાહેરાત અને કમલનાથનો શપથવિધિ, બેઉ એક જ અરસામાં આકાર લઈ રહ્યાં હોય ત્યારે એ બંનેની સહોપરિસ્થિતિથી આ પક્ષની જે દિલચોરી અને મજબૂરી તેમ જ કમજોરી ખાસી મુખર થઈ ઊઠે એ વિશે કદાચ કશું જુદેસર કહેવાનું રહેતું નથી. ત્રણે રાજ્યોમાં પ્રધાનપદ માટેની પડાપડી અને ખેંચતાણની કૉંગ્રેસકુલરીતિ પણ આ ગાળામાં સામે આવી છે.
કૉંગ્રેસે કર્ણાટકમાં જે ગરવાઈથી જનતાદળ(એસ)ને આગળ કરી ગઠબંધન રચ્યું તે બધા કૉંગ્રેસજનોને એટલું રાસ નયે આવ્યું હોય. પણ હમણેનો વિવાદ, મુખ્યમંત્રી કુમારસ્વામીના એ લગભગ આદેશવત્ વરતાયેલા ઉદ્ગારો સબબ છે કે ‘એ લોકોને મારી નાખો.’ અલબત્ત, એ આવેશમાં ઉચ્ચરાયું છે તે સમજી શકાય એમ છે છતાં, એમાં પડતો પડઘો જે એન્કાઉન્ટરની શાસકીય-રાજકીય પદ્ધતિ હવે ન્યાય્ય ને ધર્મ્ય લેખાવા લાગી છે એનો છે. અને એ દિશામાં વડી જવાબદારી એક ઇતિહાસવસ્તુ તરીકે વર્તમાન શાસનની છે. ગુજરાતનું કથિત મોડેલ, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને કઈ હદે ગોઠી ગયું છે એ સૌ જાણે છે. વાત ને વાજું એ હદે વણસ્યાં છે કે વડોદરાની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બધા સાક્ષી એક પછી એક ફરી ગયા (હૉસ્ટાઈલ થઈ ગયા – એટલે કે કરાયા) અને ‘ન્યાયની કસુવાવડ’ થઈ ત્યારે બેસ્ટ બેકરી કેસ ગુજરાત બહાર ચલાવાઈ ન્યાય શક્ય બન્યો હતો. પણ, હવે તો, નોબત એ આવી છે કે ‘શું કરીએ સાક્ષીઓ ફરી ગયા છે’ એવી લાચાર ભાષામાં ન્યાયમૂર્તિએ પેશ આવવું પડે છે, અને આખો સોરાબુદ્દીન કેસ ‘મારનાર કોઈ નહીં ને મરી ગયા તે મરી ગયા’ એમ ન્યાયતંત્રની કમજોરી અને લોકતંત્રની લાચારી પ્રગટ કરતો માલૂમ પડે છે. ઉત્તરોત્તર પિંજરના પોપટ રૂપ પુરવાર થતી ચાલતી સી.બી.આઈ. વિશે અને એમાં પોતપોતાની ભૂમિકા ભજવતી રહેતી જતીઆવતી સરકારો વિશે શું કહેવું. શાસક વર્ગ જવાબદેહી જેવી સામાન્ય વાત સ્વીકારતો જ નથી. વસ્તુતઃ ઉત્તરદાયિત્વ એ રાજકીય સંસ્કૃતિની પાયાની શરતો પૈકી છે.
ત્રણ રાજ્યોનાં પરિણામોએ બિનભા.જ.પ. મોરચાની જે આશા અને શક્યતા જગવી છે તે અને તેલંગણના ચંદ્રશેખર, ઓરિસાના પટનાયક, પશ્ચિમ બંગાળનાં મમતા તેમ જ ઉત્તર પ્રદેશમાં અખિલેશ અને માયાવતીની ભૂમિકા કેટલે અંશે મેળમાં હશે તે કળી શકાતું નથી. કે.સી.આર.ની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા હવે છાની નથી, અને અખિલેશ તેમ જ માયાવતીનો જનાધાર કૉંગ્રેસને ખસેડીને બનેલો છે એમાં તેઓ શું કામ જોખમ લે એ સવાલ પણ એમની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા ઉપરાંત અગત્યનો બની રહે છે.
નમો-અમિતની કોશિશ સ્વાભાવિક જ (પક્ષ જ્યારે ૨૦૦થી વધુ બેઠકોની આશા ન રાખતો હોય ત્યારે) પક્ષોને બદલે વ્યક્તિઓ વચ્ચેની (જેમ કે નમો-રાહુલ) લડાઈમાં ચૂંટણીને ફેરવવાની હશે. રાહુલનો કેરિયરગ્રાફ જરૂર ઊંચો ગયો છે, પણ વક્તૃત્વગત સંમોહનમાં મોદી હજી સુધી તો આગળ છે. સોશ્યલ મીડિયામાં એમને પૂર્વવત યારી નથી મળતી એ સાચું હોવા છતાં બે વ્યક્તિઓ વચ્ચેના મુકાબલામાં એમની સરસાઈ સવિશેષ સંભવ જણાય છે. સરસંઘચાલક મોહન ભાગવતે વિજ્ઞાન ભવન વ્યાખ્યાન સત્ર મારફતે ધોરણસરની રાજકીય સંસ્કૃતિ ભણીના કેટલાક સંકેતો ખચિત આપ્યા હતા, પણ વિજયાદશમી વ્યાખ્યાનમાં એ જ પુરાણી ગતથી જે સમજાઈ રહ્યું તે એ હતું કે વિજ્ઞાન ભવન વ્યાખ્યાનો નમો શાસનની સ્વીકૃતિ (લેજિટિમસી) સાચવી લેવાની અને વસમા સંજોગોમાં ટકી જવાની વ્યૂહાત્મક ગણતરી વિશેષે કરીને હતી.
આ બધાં પરિબળો અને પ્રવાહો વચ્ચે નાગરિકે પક્ષમાત્ર પરત્વે રાજકીય સંસ્કૃતિનાં ધોરણોનો આગ્રહ રાખવા સાથે જે એક નિકષ સવિશેષ વાપરવો રહેશે તે તો એ કે કૉંગ્રેસનાં વર્ષો આવાં હતાં ને તેવાં હતાં એ ૨૦૧૪ની ચૂંટણીઝુંબેશનું વસ્તુ હતું, પણ ૨૦૧૯નું વસ્તુ ઉછાળાયેલાં વચનો (એમાં પણ ખાસ તો જુમલે સે જુમલે શૈલી) સામે પાંચ વરસનો કાર્યહિસાબ હોવો જોઈશે. આખો વિમર્શ હવે ફેંકુ અને પપ્પુના કુંડાળાની ક્યાં ય બહાર નીકળી ગયો છે.
હમણાં વિમર્શની જિકર કરી, પણ એ તો જરી મોટી સંજ્ઞા છે અને ગુણાત્મકપણે ખાસી ભારઝલ્લી પણ છે. છેલ્લાં વર્ષોમાં ભા.જ.પ.નો દાવો એક પા જો આખો રાજકીય વિમર્શ બદલવાનો રહ્યો છે – જેમાં અચ્છા કૉપીકાર અડવાણીનો સિંહહિસ્સો છે – તો કથિત ગુજરાત મોડેલથી માંડી રથયાત્રા અને અણ્ણા હિલચાલના વડા લાભાર્થી નમોની વિશેષ ચેષ્ટા એક પછી એક સ્વરાજસુભટોને અંગે સહવરણ(કૉ-ઑપ્શન)ની રહી છે.
વસ્તુતઃ સંઘપ્રેરિત મંચો પરથી આ સંદર્ભમાં જે પણ વિગતમુદ્દા ઉછાળાય છે એમાં નીતરી સમજ કે પ્રામાણિક (અને પ્રમાણભૂત) અભિગમ ભાગ્યે જ વરતાય છે. એક બાજુ પુણેમાં હિસ્ટરી કૉંગ્રેસને છેલ્લી ઘડીએ રદ્દ કરવાના સંજોગો સરજવામાં આવે અને બીજી બાજુ અમદાવાદમાં વિદ્યાર્થી પરિષદ ઇતિહાસ બાબતે બુનિયાદી ધારાધોરણ વગરનાં વિધાનોમાં રાચે અને તથ્યનિરપેક્ષપણે બાંયચડાઉ હાકોટાછીંકોટા કરે તે અધ્યયન અને અધ્યાપનનાં ધોરણોની કસોટીએ અને જાહેર ચર્ચાની દૃષ્ટિએ કાં તો હાસ્યાસ્પદ છે કે પછી, ખરું જોતાં, કેમ કે આપણી સહિયારી સંડોવણી હોઈ કેવળ કમનસીબ છે.
નમૂના દાખલ, ભગતસિંહની વાત લઈએ. ખબરદાર, તમે એમને ‘આતંકવાદી’ કહ્યા તો, એવો પડકાર આવા મંચો પરથી અપાતો રહે છે. ભાઈ આતંકવાદી ઉર્ફે ટેરરિસ્ટ એ તે જમાનાનો સ્વીકૃત પ્રયોગ હતો. શાંતિમય સંસદીય હિલચાલથી જુદી પડતી એ ઓળખ હતી જે ક્રાંતિકારીઓ પોતાને વિશે (અને અંગ્રેજ સરકાર એમને વિશે) છૂટથી વાપરતા હતા. આગળ ચાલતાં સાંસ્થાનિક ઇતિહાસકારો પછીના તબક્કામાં બિપનચંદ્ર આદિએ એમને ‘રેવોલ્યુશનરી ટેરરિસ્ટ’ કહી ગુણાત્મકપણે જુદા ઉપસાવી આપ્યા હતા. અને થોડું ઉતાવળે પણ સહવિચાર તેમ જ સફાઈની રીતે ઉમેરીએ તો ભગતસિંહ આજે સંઘ પરિવાર જેને રાષ્ટ્રવાદી કહે છે તે અર્થમાં રાષ્ટ્રવાદી પણ નહોતા. બોલીવુડ બૌદ્ધિક વિવેક અગ્નિહોત્રીના ‘અર્બન નકસલ’ની વ્યાખ્યામાંયે ભગતસિંહે કંઈક બંધ બેસતા હોઈ શકે, એ વાત વિદ્યાર્થી પરિષદ સમજશે?
૨૦૧૯માં ધોરણસરના લોકચુકાદાની દિશામાં તરતમવિવેક પૂરતાં થોડાંક ઇંગિત માત્ર આ તો છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 01, 02 અને 14