ખેડૂતોના મુદ્દે કદાચ સરકારનો દોષ કાઢી શકાય, પણ વિદ્યાર્થીઓ મરે ત્યારે કોના કાન પકડવા ?
દુનિયાભરમાં દર વર્ષે આઠ લાખથી વધુ લોકો આત્મહત્યા કરતા હોવાનું કહેવાય છે, અને એમાં સત્તર ટકા એટલે કે લગભગ 1,36,000 લોકો ભારતમાં હોવાનું નોંધાયું છે. આ વિષયમાં સર્વેક્ષણ, અભ્યાસ કરતી જુદીજુદી સંસ્થાઓ દ્વારા અપાતા આંકડામાં થોડો ઘણો ફરક હોઈ શકે, પણ એટલું તો બધાં સ્વીકારે છે કે આપણે ત્યાં આપઘાત કરનારા લોકોની સંખ્યા પ્રતિવર્ષ વધતી જાય છે. દરેક વર્ગના, દરેક પ્રકારના લોકો એક યા બીજા કારણસર પોતાનો જીવ કાઢી નાખવાની હદે જાય છે. કમનસીબે સહુથી વધુ હોબાળો એવા કેસો માટે થાય છે, જેમાંથી રાજકીય પાર્ટીઓને માઇલેજ મળતું હોય.
બીજી ઘટનાઓ એટલી જ ભયાનક હોવા છતાં દબાઈ જાય. દાખલા તરીકે ખેડૂતોની આત્મહત્યાને મુદ્દે આપણે ત્યાં છેલ્લાં ઘણાં વર્ષોથી પુષ્કળ ચર્ચા, વાદવિવાદો ચાલે છે. વર્ષ 2013 પછીના આંકડા જોઇએ તો દર વર્ષે 12 હજાર જેટલા ખેડૂતો આત્મહત્યા કરે છે, આ મુદ્દે વિરોધ પક્ષો સતત રાજ્ય સરકારોને ખખડાવતાં રહે છે અને સરકારે પણ છાશવારે ખેડૂતો માટે કરજમાફી જેવી યોજનાઓ જાહેર કરવી પડે છે. મહારાષ્ટ્રમાં સહુથી વધુ ખેડૂતો મરે છે, એટલે અહીં આ મુદ્દે વધુ રાજકારણ ખેલાય છે. પરંતુ બીજી તરફ દેશમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પણ મહારાષ્ટ્રમાં આપઘાત કરે છે, એમના વિષે કોઈ વિરોધપક્ષે ઝાઝી ચિંતા દાખવી હોય કે સરકારે ખાસ કલ્યાણયોજના જાહેર કરી હોય એવું સાંભળ્યું નથી. કારણ એટલું કે એમાંથી કોઇને પોલિટિકલ માઇલેજ કે ચૂંટણીમાં ફાયદો નથી મળતાં.
મોટી કરુણતા એ છે કે, ભારતની અડધાથી વધુ વસ્તીની ઉંમર 25 વર્ષથી ઓછી છે, એ વિષે વડાપ્રધાનથી માંડીને સામાન્ય માણસો જાહેરમાં હર્ષ દાખવતાં રહે છે, પરંતુ એ યુવા વર્ગમાં, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ બધી રહ્યું છે, એની ચિંતા કે ચર્ચા જાહેરમાં ભાગ્યે જ થાય છે. આપણે ત્યાં રોજ લગભગ 26 વિદ્યાર્થી આત્મહત્યા કરે છે. મહારાષ્ટ્ર પછી એમાં બીજે નંબરે બંગાળ છે. વિદ્યાર્થીઓમાં છોકરાછોકરી બધાં હોય છે, અને વધતાઓછા અંશે દરેક રાજ્યમાં આ સમસ્યા છે. થોડા સમય પહેલાં દરેક રાજ્ય સરકારે કેન્દ્રને વર્ષ 2016ના આંકડા મોકલ્યા, એમાં કુલ મળીને 9,474 વિદ્યાર્થીની આત્મહત્યાની સત્તાવાર નોંધ હતી.
માત્ર સૌથી નાના કેન્દ્રશાસિત પ્રદેશ, લક્ષદ્વીપમાં આવી કોઈ ઘટના નહોતી બની. 2017ના સત્તાવાર આંકડા હજી આવ્યા નથી પણ બિનસત્તાવાર અહેવાલ કહે છે કે દિનપ્રતિદિન આ જોખમ વધી રહ્યું છે. બાર-તેર વર્ષના વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા કરે છે. ખેડૂતો આત્મહત્યા ન કરે એટલા માટે સરકાર એમની બૅન્કલોન માફ કરે છે, સસ્તાભાવે પાકવીમો ઉતારવી આપે છે, બિયારણ વગેરે રાહતદરે મળે એવી વ્યવસ્થા કરે છે, વગેરે. આ બધું કર્યાં પછીયે ખેડૂતો આત્મહત્યા કરે છે, એ અલગ વાત છે. એની પાછળ બીજાં અનેક કારણો છે. અહીં એની ચર્ચા કરવાનું ટાળીને માત્ર એટલું કહેવું છે કે ખેડૂતોની બાબતમાં સરકાર કમ સે કમ સમસ્યાના સમાધાન માટે પ્રયાસ તો કરે છે, પણ વિદ્યાર્થીઓ માટે?
ત્યાં આંખ આડા કાન કરવાનું એમને પરવડે છે. કારણ કે, વિદ્યાર્થીઓ માટે બોલી શકે એવો એમનો કોઈ નેતા નથી હોતો, અને જે કથિત યુવાનેતાઓ છે એ અત્યારે એજ્યુકેશન સિવાયના બીજા બધા મુદ્દે બોલે છે. બીજી વાત એ કે ખેડૂતોના મુદ્દે કદાચ સરકારનો દોષ કાઢી શકાય, પણ વિદ્યાર્થીઓ મરે, ત્યારે કોના કાન પકડવા જાવ? બલકે સાૈથી મોટા દોષી તો વડીલો જ હોય છે. વિદ્યાર્થીઓમાં આત્મહત્યા પાછળ સહુથી મોટું કારણ ક્લિનિકલ ડિપ્રેશન હોવાનું કહેવાય છે અને ડિપ્રેશન ઘણા કારણસર આવી શકે – ભણતરનો બોજ, પરીક્ષામાં નિષ્ફળતા, માબાપની વધુ પડતી અપેક્ષાઓ, પ્રેમપ્રકરણમાં નિષ્ફળતા, ડ્રગ એડિક્શન, વગેરે.
બાળકને ડિપ્રેશન ગમે તે કારણસર આવ્યું હોય, ઘરમાં એમની સાથે રહેતાં માબાપને આ કેમ નહિ દેખાતું હોય? ‘આમિર ખાનની બહુચર્ચિત ફિલ્મ ‘તારે ઝમીં પર’માં ‘તુજે સબ હૈ પતા મેરી મા’ ગીત સાંભળીને આપણે સહુ, ખાસ કરીને મમ્મીઓ ભીની આંખો લૂછવા લાગેલાં. પણ વાસ્તવિકતામાં મમ્મીઓને બધી જાણ હોય છે? અરે, એ જાણવાની કોશિશ પણ કેટલીવાર કરે છે? ભણતરથી માંડીને બીજી ઇતર પ્રવૃત્તિઓના બોજ નીચે બાળકને દબાવી દેતાં મમ્મીપપ્પાને કંઈ કહેવા જાવ તો એમની પાસે જવાબ તૈયાર હોય – શું કરીએ, આજે કોમ્પિટિશન એટલી વધી ગઈ છે કે આ બધું કરવું જ પડે.’ કોઈ મમ્મી એવું નહિ કબૂલે કે એ પોતે બીજી મમ્મીઓ સાથે કોમ્પિટિશનમાં ઉતરી હોય છે કે કોનો દીકરો કે દીકરી એક્ઝામમાં વધુ માર્ક્સ લાવે, કે ડાન્સિંગ સ્વિમિંગમાં ફર્સ્ટ આવે? બાપડું બાળક ભલે ત્રાસી જાય.
વર્ષ 2016માં લગભગ અઢી હજાર વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ પરીક્ષાએ ભાગ ભજવેલો. કોઈ નાપાસ થયેલું, તો કોઇએ રિઝલ્ટ આવતાની પહેલાં જ પોતે નાપાસ થશે એવા ભયે આત્મહત્યા કરી લીધેલી, તો ક્યાંક વળી કોમ્પિટિટિવ એક્ઝામ માટેની તૈયારીનો બોજ એટલો હતો કે ભાંગી પડેલા છોકરા છોકરીએ પરીક્ષાખંડમાં જતા પહેલાં જ જીવ આપી દીધો. આવું સાંભળીએ ત્યારે પહેલો વિચાર એ આવે કે પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓને થથરાવી દે છે. આ સાવ ખોટું નથી. ભણી લીધા પછીયે મનના એક ખૂણે એ ભય સંતાઈ રહે છે. મોટી ઉંમરે પણ મારા જેવા અનેક લોકોને વારતહેવારે એક્ઝામના બિહામણાં સપનાં આવતાં રહે છે.
બાળપણમાં જો કે એક્ઝામ કરતાંયે વધુ ડર માબાપના પ્રતિભાવનો હોય છે. નાપાસ થઇશ તો મમ્મીપપ્પા નિરાશ થશે, ગુસ્સે થશે, એમની આબરૂ જશે, એમણે ખર્ચેલાં પૈસા પાણીમાં જશે, એમણે બાંધેલી આશાઓ સપનાં ભાંગી પડશે, આવા વિચારો વિદ્યાર્થીને જીવ કાઢી નાખવાની હદે લઈ જાય છે. આત્મહત્યા કરનારાં અનેક વિદ્યાર્થીઓએ છેલ્લી ચિઠ્ઠીમાં ‘સૉરી, મેં તમને નિરાશ કર્યાં’ એવા પ્રકારનાં શબ્દોમાં માબાપની માફી માંગી હોય છે. સંતાનને લાગતા બધાય ભય જાણતી, કે જાણવાનો દાવો કરતી મમ્મીને આ એક્ઝામ રિલેટેડ ડર નહિ દેખાતો હોય?
ત્યાં તો ઉલટી એની વર્તણૂક ભયમાં વધારો થાય એવી હોય છે. ‘હું તો બાળકોને કારણે જ સાથે રહું છું, બાકી તો કયારનાં ડિવોર્સ લઈ લીધા હોત’ આવું કહીને પોતે બહુ રિસ્પોન્સિબલ પેરેન્ટ હોવાનો દેખાડો કરતી મમ્મી કે પપ્પા પછી સંતાનોની સામે સતત ઝઘડ્યાં કરે છે, અને પરવા નથી કરતાં કે કુમળા માણસ પર એની એવી ભયાનક અસર પડે છે, જે કદાચ જીવ પણ લઈ શકે. આમાં હવે સરકાર શું કરે? એ પછી બોર્ડ એક્ઝામના રિઝલ્ટ વખતે તળાવ અને દરિયાની આસપાસ પોલીસ પહેરો ગોઠવે કે સમાજસેવકો સાથે મળીને સ્ટુડન્ટ્સ માટે હેલ્પલાઇન ચાલુ કરે. સ્કૂલે જતાં વિદ્યાર્થીઓના દફ્તરનો ભાર ઓછો કરવા માટેના બિનઅસરકારક નિયમો ઘડે. અમુક ધોરણ સુધી એક્ઝામ લેવી જ નહિ, એવા આદેશ આપે, પણ સામે કેટલાં માબાપો અને સ્કૂલ સાથે લડવા જાય, જેમણે પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે વિદ્યાર્થીને કચડી નાખવાનું નક્કી કરી રાખ્યું હોય?
લક્ષદ્વીપમાં વસતાં માબાપો અને સ્કૂલો વધુ સારા, સમજુ હશે? ત્યાંનાં વિદ્યાર્થીઓ વધુ સુખી હશે?
e.mail : viji59@msn.com
સૌજન્ય : ‘લાખ રૂપિયાનો સવાલ’, “દિવ્ય ભાસ્કર”, 27 અૅપ્રિલ 2018