ગુજરાતના પ્રભાવશાળી નટ, દિગ્દર્શક, લેખક, ચિંતક, ક્રાંતિકારી, ડાબેરી વિચારધારા ધરાવનાર રાજકીય-સામાજિક કર્મશીલ અને નાટ્યકલાના પ્રખર વિદ્વાન એવા જશવંત ઠાકરને ગુજરાતે નાટ્યાચાર્ય, નટસમ્રાટ, નાટ્યગુરુ, ગુજરાતી રંગભૂમિના ભીષ્મ પિતામહ વગેરે વગેરે વિશેષણોથી નવાજેલા છે. પાછલાં વર્ષોમાં ગુજરાતી રંગભૂમિની તવારીખને ચકાસીએ તો રાષ્ટ્રીય સ્તરની બે જ વ્યક્તિઓ નજર સામે આવે છે : એક જશવંત ઠાકર અને બીજા ચં.ચી. અથવા સી.સી. તરીકે જાણીતા ચંદ્રવદન ચી. મહેતા. ચં.ચી. સામાન્ય રીતે નટ-દિગ્દર્શક કરતાં વધારે તો નાટ્યલેખક, કવિ, સાહિત્યકાર, નાટ્યશિક્ષણ અને તેની તાલીમના પ્રચારક-પ્રસારક. ચં.ચી.ની વિશેષ ખ્યાતિ તો નવું પ્રગતિશીલ કલેવર ધરાવતી મૌલિક ગુજરાતી રંગભૂમિ ઊભી કરવા માટે સમાજ અને શાસન સામે આજીવન લડત આપનાર પ્રખર વકતા અને ચિંતક તરીકેની રહી છે. તેમની સામે જશવંત ઠાકર, સિંહ જેવા બુલંદ અવાજ અને બળવાખોર મિજાજના સમર્થ નટ તેમ જ દિગ્દર્શક અને ખરા અર્થમાં પૂરેપૂરાં રંગકર્મી. નાટ્યશિક્ષણમાં પણ તેમનો ફાળો સહેજે ય ઓછો નહીં, પણ તેમની મુખ્ય ખ્યાતિ નટ-દિગ્દર્શક તરીકેની. જેવા ઉમદા કલાકાર તેવા જ ઉમદા, નીડર, વિચારશીલ નાગરિક. જશવંત ઠાકર એટલે જ્યાં ક્યાં ય ખોટું દેખાય ત્યાં ભલભલાની સાડીબાર ન રાખે, સીધેસીધું મોં પર પરખાવી દે, સત્તા કે પૈસાની જોહુકમી સામે કદી ય મસ્તક ન નમાવે, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ લાચાર કે ઓશિયાળા બનીને પોતાનું સ્વમાન ગીરવે ન મૂકે એવા ગર્વિષ્ઠ, નિર્ભિક, સત્ય વકતા, અને વધુમાં અકિંચન, અપરિગ્રહી, અને જીવનભર કેવળ ને કેવળ સત્ત્વશીલ રંગભૂમિ માટે જ મથનારા ભેખધારી કે અલગારી નાટ્યવિભૂતિ. છેલ્લાં પચાસ વર્ષની રંગભૂમિ પર નજર નાખો તો ભૂતકાળ, વર્તમાન કે આવતાં પચાસ વર્ષમાં પણ આવો સ્વમાની મિજાજ, આવું બહુપરિમાણી ચિંતન અને આટલું ઉત્કૃષ્ટ કલાકૌશલ્ય ધરાવનાર બીજો જશવંત ઠાકર ગુજરાતને મળવો અસંભવ છે.
જશવંત ઠાકરનો જન્મ 1915માં મે મહિનાની પાંચમી તારીખે, માતા લલિતાબહેનને કુખે, ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ પાસેનાં ગામ મ્હેળાવમાં થયેલો. માતા લલિતાબહેન, પિતા દયાશંકર ઠાકર અને શિશુ જશવંતનું નાનપણમાં જતન કરનાર માની મા, એટલે કે નાનીમા – પાર્વતીબહેન. જશવંત ઠાકરના પિતા દયાશંકર માંડ સાત ગુજરાતી ચોપડી સુધી ભણેલા. મ્હેળાવમાં બાર વીઘા જમીન અને ચૌદ આંબા હતા. પણ ખેતીમાં દયાશંકરને બિલકુલ રસ નહોતો. તેમને ધંધા-નોકરીનું વધારે આકર્ષણ હતું. તેઓ વધારે ઔપચારિક શિક્ષણને બદલે જાતમહેનતથી જ તૈયાર થયેલા. તેમણે પોતાની જાતે સંસ્કૃતનો પણ અભ્યાસ કરેલો. પરિવારમાં સ્વામી અખંડાનંદ અને તેમના ગુરુ સ્વામી પ્રકાશાનંદ પ્રત્યેની ભક્તિને કારણે નિર્મળ, આધ્યાત્મિક વાતાવરણ હતું. તેને કારણે જશવંતમાં પણ યુવા ઉંમરથી જ અધ્યાત્મ અને વૈરાગ્ય તરફ ખાસ આકર્ષણ હતું. આ જ આકર્ષણ તેમને આગળ ઉપર આઝાદીની લડતથી માંડીને પોંડિચૅરી, અરવિંદ આશ્રમ સુધી દોરી ગયું.
જશવંતના પિતા સિટી સર્વે ઑફિસર હતા એટલે તેમને નોકરીમાં ફરતા રહેવું પડેલું. પરિણામે જશવંત ઠાકરનો અભ્યાસ પણ જુદાં જુદાં સ્થળોએ થયેલો. શાળામાં ચોથા ધોરણ સુધી નડિયાદમાં અને ત્યારબાદ જામનગરમાં અને ફરી મેટ્રિક માટે તેમને નડિયાદમાં ભણવા પરત આવવું પડેલું. નડિયાદમાં અંગ્રેજીના શિક્ષક શાંતિલાલ ઠાકરે જશવંતને પહેલીવાર સાહિત્યમાં રસ લેતા કરેલા. અલબત્ત આગળ ઉપર સાહિત્યકાર મનસુખલાલ ઝવેરીએ પણ તેમને મૌલિક લેખન કરવા માટેની પ્રેરણા પૂરી પાડેલી. નડિયાદમાં અભ્યાસ દરમ્યાન તેઓ વિખ્યાત પુરાણી બંધુઓના પરિચયમાં આવેલા. ગુજરાતમા ઠેર ઠેર વ્યાયામ પ્રવૃત્તિઓ શરૂ કરાવવામાં તેમ જ કસાયેલા શરીર દ્વારા વ્યક્તિની નિર્ભયતાને આઝાદીની લડત સાથે જોડવાનો આ પાછળ તેમનો મુખ્ય ઉદ્દેશ હતો. ખાસ કરીને અંબુભાઈ પુરાણી તે કાળે તેમનો આદર્શ બની ગયેલા. ગાંધીની અસર નીચે દેશભરમાં રાષ્ટ્રીય આંદોલન ચાલી રહ્યું હતું. જશવંતે તેમાં ઉત્સાહપૂર્વક ઝંપલાવ્યું. પરંતુ 1930માં તેમનો સૌપ્રથમ પરિચય આંતરરાષ્ટ્રીય સામ્યવાદી મણિલાલ શાહ જોડે થયો અને તેમના પર વીજળિક અસરો પેદા થઈ. તેઓ માર્કસવાદી વિચારધારા તરફ ખેંચાયા. નડિયાદમાં તે કાળે બીજા એક સામ્યવાદી સી.જે. શાહ પણ આવેલા જેમણે ગાંધીવાદ પર આકરા પ્રહારો કર્યા અને જશવંત એ પ્રવાહમાં ખેંચાયા. એ સમયગાળામાં તેમણે માર્કસના એક પુસ્તક ‘પગાર, મજૂરી અને મૂડી’નો અનુવાદ કરીને તેને પુસ્તકરૂપે પ્રગટ પણ કરેલો.
જશવંત ઠાકરની કલા પ્રત્યેની અભિરૂચિ જામનગરથી આરંભાઈ. સંગીતમાં રસ પેદા થતાં વર્ષ 1928માં તેઓ જામનગરની સંગીતશાળામાં દાખલ થયા. આ માટે તેમને જામસાહેબ તરફથી શિષ્યવૃત્તિ પણ આપવામાં આવી. જશવંતનો અવાજ નાનપણથી જ ખરજવાળો (baritone) ઘેરો હતો. તેને સાંભળનારા સૌ કોઈ તેમના આ અવાજની ગુણવત્તાથી તરત પ્રભાવિત થઈ જતા. આ જ કારણે શાળાશિક્ષણ દરમ્યાન જશવંત દરેક વખતે વર્ગમાં અંગ્રેજી કવિતાઓનું પઠન અત્યંત અધિકૃત ઉચ્ચારો સાથે સ્પષ્ટ અવાજમાં પ્રભાવકારી ઢબે કરી શકતા. આ કૌશલ્ય માટે તેમણે શાળામાં સળંગ ત્રણ વર્ષ સુધી પ્રથમ નંબરે ઈનામો જીતેલા. નાટ્યકલાના પ્રથમ બીજ પણ જામનગરમાં રહેતા વલસાડવાળા છોટુભાઈ દીક્ષિતના પરિવાર થકી જ રોપાયેલાં. જશવંતના મોટા ભાઈ કમલેશ ઠાકર તો અગાઉથી જ નાટ્યપ્રવૃત્તિ તરફ વળી ગયેલા એટલે ઘરમાં તો એક દાખલો હતો જ. વળી છોટુભાઈના પુત્ર શાંતિભાઈ દીક્ષિત અગાઉ કરાંચી અને પછી જામનગરમાં નાટકોમાં ભાગ લઈ ચૂકેલા. તેમના સ્ત્રીચરિત્રમાં પાડેલા ફોટા જશવંતે જોયા ત્યારથી તેમનાં મનમાં પણ નાટકમાં કામ કરવાની લગની લાગેલી. તે ઉપરાંત, જામનગર પાસે આવેલ ગામ જાંબુડાના ગોવિંદભાઈ ચારણે જશવંતમાં લોકસાહિત્યનો રસ પણ પેદા કરેલો. વધુમાં 1931ની સાલમાં તેમનો પરિચય સાહિત્યકાર અને સાધક એવા કિસનસિંહ ચાવડા સાથે થયો જેમણે તેમનાં મનમાં મહર્ષિ અરવિંદ પ્રત્યેનું આકર્ષણ ઊભું કર્યું. આમ યુવાન જશવંતના માનસપટ ઉપર જાત જાતના બહુઆયામી પ્રભાવો પડ્યા.
જશવંત ઠાકરમાં નાટ્યકલાનાં બીજ તો પહેલેથી જ રોપાઈ ગયેલાં. તેમનાં કુટુંબમાં રામચંદ્ર ગડબડરામ નામે એક નાટ્યલેખક પણ હતા. જશવંતને નાટક લખવાની પ્રેરણા તેમણે જ આપેલી. 1929માં રામચંદ્રના દીકરા કપિલરાય અને જશવંતે ‘ગુજરાતનો નાથ’ નાટક ભજવવાનું વિચારેલું. સુરતની એક કૉલેજમાં આચાર્ય અત્રેનાં ‘ઉંબર બહાર’ નામનાં નાટકમાં એક સ્ત્રી પાત્રમાં જશવંત છવાઈ ગયા. અમદાવાદની ગુજરાત કૉલેજમાં ’પુરંદર પરાજય’ અને ક. મા. મુનશીનાં બે નાટકોમાં મુખ્ય પાત્રમાં અભિનય આપ્યો. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉમ્મર ખય્યામની રૂબાયતમાં ઉમ્મર ખય્યામનું પાત્ર ભજવ્યું. 1939માં જેલયાત્રા દરમ્યાન ચેખૉવ અને સિન ઑકેસી અને કિલફૉર્ડ ઑડેટ્સનાં નાટકો નાસિકની જેલમાં વાંચેલાં. જશવંતે જેલવાસ દરમ્યાન છ નાટકો લખ્યાં જેમાંનું એક ‘રઝિયા સુલ્તાન’ હતું. બાકીનાં નાટકો તેઓ પૂરા કરી શક્યા નહીં. પોંડિચૅરીમાં તેમનો અરવિંદ આશ્રમનો વસવાટ પણ કોરો રહ્યો નહીં. ત્યાં પણ જશવંતે ચેખૉવના ‘સીગલ’નો અનુવાદ કર્યો અને ‘દેવોનો યજ્ઞ’ નામનું એક એકાંકી પણ લખ્યું.
નાનપણથી જ ચિંતનશીલ પ્રકૃતિ ધરાવનાર જશવંત રાષ્ટ્રવાદી તરીકેની લાગણીથી લાંબો સમય અળગા રહી શક્યા નહીં અને એ દિશામાં સક્રિયપણે વિચારવું શરૂ કરી દીધું. જશવંત ઠાકરને ગાંધીજી પ્રત્યે પૂરો આદર હતો પણ તેમનું બળવાખોર માનસ ગાંધીના આદર્શો જોડે સુસંગત નહોતું. જશવંતને પાક્કા રાષ્ટ્રવાદી બનાવનાર ભારતીય સંસદના પહેલા અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ હતા, જેમણે ગાંધીજીની વિદેશી વસ્ત્રોનો બહિષ્કાર અને ખિતાબોને પરત કરી દેવાની હાકલ વિરુદ્ધ બગાવતનો બૂંગિયો ફૂંકેલો. જશવંત ઠાકર તેમની આ હિંમત પર વારી ગયેલા. અહીં એક વાત ખાસ નોંધવી જોઈએ કે જશવંત ગાંધીવાદી નહોતા છતાં ય ગાંધીજીએ તે કાળે ગુજરાતમાં સૌ કિશોરોને કોઈ પણ એક એક વ્રત લેવાની હાકલ કરેલી ત્યારે જશવંતે અપરિગ્રહનું વ્રત લીધેલું જે તેમણે લગ્ન અને સંતાનોના જન્મ પછી પણ જીવનભર પાળી બતાવ્યું. પ્રાથમિક જરૂરિયાતોથી વધીને તેમણે ક્યારે ય ધનની ઇચ્છા ન કરી કે ન મળેલાં ધનનો સંચય કર્યો.
ખબર નહીં, આ બધા વચ્ચે શાથી જશવંત ઠાકરનાં મનમાં ડૉકટર બની સમાજની સેવા કરવાનો વિચાર આવ્યો અને 1932-33માં તેઓ અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજમાં મેડિકલનું ભણવા આવ્યા. મેડિકલના અભ્યાસ સાથે સાથે તેમની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિ પણ જોરશોરથી ચાલતી હતી. અમદાવાદમાં તે સમયે ચાલેલી સામ્યવાદી ચળવળમાં ભળવાથી જશવંતને મેડિકલનો અભ્યાસ અધવચ્ચે છોડીને ધરપકડ ટાળવા ભૂગર્ભમાં જતાં રહેવું પડેલું. તેમના પર રાષ્ટ્રદ્રોહના આરોપ સાથે વૉરંટ નીકળેલું. પોલીસની ઘોંસ વધતા અંતે તેઓ અમદાવાદમાંથી નાસી છૂટીને મુંબઈ ગયા. થોડોક સમય કામદારોમાં ઘૂમી કાનપુર અને સોલાપુર થઈને દક્ષિણમાં એક કારખાનામાં કોઈ કામદાર શહીદ થયાની વાત સાંભળતાં ગોકાક, કર્ણાટક ગયા. ત્યાર બાદ વોરંટથી બચવા પહેલાં મદ્રાસ અને પછી પોંડિચૅરી જતા રહ્યા.
પોંડિચૅરીમાં અરવિંદ આશ્રમના ત્રણેક વર્ષના વસવાટ દરમ્યાન તેમનો પરિચય ઑકસફર્ડના પ્રો. ચેડવિક સાથે થયો. આ ચેડવિકે જ જશવંતને દોઢેક વર્ષ અંગ્રેજી કાવ્યશાસ્ત્ર અને અંગ્રેજી સાહિત્ય શીખવ્યું. અંગ્રેજીમાં અણીશુદ્ધ ઉચ્ચાર કરતા પણ તેઓ પ્રો. ચેડવિક પાસેથી જ શીખ્યા. બીજા એક આશ્રમવાસી લુઈ ટૉમસને પણ તેમને અંગ્રેજી કાવ્યશાસ્ત્રની સાથે સાથે ટી. એસ. ઈલિયટ અને ઍઝરા પાઉન્ડ જેવા અંગ્રેજ કવિઓની કવિતાઓને વાંચતા ને સમજતા કર્યા. આ ઉપરાંત સાધક, કવિ અને કલાકાર દિલીપકુમાર રૉય સાથે પણ તેમનો સત્સંગ થયો અને ભક્તિસંપ્રદાય, અને ખાસ તો ટાગોર અને તેમનાં સાહિત્યનો પણ ઊંડાણથી પરિચય મેળવ્યો. પોંડિચૅરીનાં સમૃદ્ધ નૈસર્ગિક વાતાવરણ અને આવા સાધકો ને સારસ્વતો વચ્ચે રહેવાથી નવસંચારિત બનેલા જશવંતે 17 પુસ્તકો લખ્યાં. તેમાં એક ‘ઉર્વશી’ નામનું કાવ્ય પણ તેમણે રચ્યું જેને રસિકલાલ પરીખે ખૂબ બિરદાવેલું. આગળ ઉપર કવિ બ. ક. ઠાકોર અને રા. વિ. પાઠકનાં પ્રોત્સાહનથી જશવંતે વનવેલી છંદમાં ‘દ્યુતિ’ નામે એક દીર્ઘકાવ્યની પણ રચના કરેલી.
પોંડિચૅરીથી પરત ફર્યા બાદ જશવંત ઠાકર ફરી સામ્યવાદીઓની રાજકીય ચળવળ સાથે સંકળાયા અને છેવટે પકડાયા. તેમને જેલની સજા થઈ. જેલવાસ દરમ્યાન જ તેમણે ‘સીતમની ચક્કી’ નામની ક્રાંતિકારી નવલકથા લખી જે પછીથી અમદાવાદના નવયુગ પુસ્તક ભંડારના જ્યંતી દોશીએ 1931માં છાપીને પ્રકાશિત કરી. જેલમાંથી છૂટ્યા બાદ તેમણે મરાઠી લેખક શર્મલકર લિખિત ‘દાદા’ અને અલી સરદાર જાફરી લિખિત ‘યહ ખૂન કિસ કા હૈ’ના નાટ્યપ્રયોગો જોયા. કામદારોના વિકટ પ્રશ્નોને ચોટદાર રીતે રજૂ કરતાં આ નાટકો જોઈને જશવંત ખળભળી ગયા અને તેમનાં જીવને ક્રાંતદર્શી વળાંક લીધો. મુંબઈના કામદાર વિસ્તારોમાં ‘યહ ખૂન કિસકા હૈ’ના પ્રયોગો સરદાર જાફરીના દિગ્દર્શનમાં ભજવાયા. દીના ગાંધીએ તેમાં મુખ્ય ભૂમિકા કરી. ઈપ્ટાનું સંચાલન તે વખતે ટી. ગોદીવાલાના હાથમાં હતું.
જશવંત ઠાકરે લોકનાટ્ય સંઘનો ઝંડો ફરકાવ્યો અને નાટ્યકલાનાં ક્ષેત્રને જીવનનાં એક ધ્યેય તરીકે સ્વીકાર્યુ ત્યારે નાટ્યકલાના વિવિધ પાસાંઓ અને અંગોથી તેઓ સંપૂર્ણપણે પરિચિત નહોતા, એવો તેમનો દાવો પણ નહોતો. પરંતુ રંગભૂમિની નવી સજાવટ, નવી દૃષ્ટિ, લલિતકળાઓનાં નવાં સ્વરૂપ, નવી કથાવસ્તુ, ક્રાંતિકારી વિચારધારા અને બગાવતી માનસ, આગવો અભિનય, નવી ટેકનિક, નિષ્ઠા અને સંગઠનનું ભાથું લઈને તેમણે નાટ્યકલાનાં ક્ષેત્રે પ્રવેશ કર્યો.
બંગાળના ભયંકર દુષ્કાળપીડિત લોકોની મદદ માટે ઉદયશંકર, પી.સી. જોશી, શાંતિ બર્ધન, શાંતા ગાંધી, બિનોય રોય વગેરે મદદે આવ્યા. આ દુકાળ પરની નાટિકા ‘અંતિમ અભિલાષા’માં જશવંતે પણ મુખ્ય ભૂમિકા કરી. ચીનમાં જે રીતે માઓના નેતૃત્વ નીચે ક્રાંતિકૂચ કરતાં સૈન્યમાં લોકકલાકારોનાં જૂથો નાના પ્રયોગો કરી મનોરંજન સાથે શિક્ષણ આપવાના પ્રયોગો કરતા તેવી જ રીતે આપણી આઝાદીની લડતમાં પણ જનજાગૃતિ લાવવા જશવંતે ‘ઈપ્ટા’ તરફથી શ્રમજીવી થિયેટરની શરૂઆત કરી. તેમણે મુંબઈનાં દલિતોની વસ્તીથી ગૂંજતા શ્રમજીવીઓનાં વસવાટ મઝગાંવ ખાતે ‘દાદા’, ‘અંતિમ અભિલાષા’ વગેરે નાટકો સેંકડો પ્રેક્ષકો વચ્ચે ભજવ્યાં.
ઈપ્ટાના ગુજરાતી નાટ્યવિભાગનું કાર્યક્ષેત્ર શરૂઆતમાં મુંબઈ જ રહ્યું. તે વખતે મુંબઈ, ગુજરાત સાથે સંકળાયેલ દ્વિભાષી રાજ્ય હતું. તેમાં જશવંત ઠાકર ઉપરાંત ચંદ્રવદન મહેતા (ચંચી), કરસનદાસ માણેક, રમેશ સંઘવી, ભોગીલાલ ગાંધી, દીના ગાંધી વગેરે કલાકારો અને લેખકો પણ કાર્યરત હતાં. આ ગાળામાં જશવંતનો પરિચય નૃત્યશૈલીમાં ખ્યાતનામ એવા કલાકાર નટરાજ વશી સાથે થયો. નૃત્ય, નાટક અને સંગીતના સમન્વયથી રંગભૂમિની ભારતીય સંદર્ભે કાયાપલટ કઈ રીતે કરવી તેની નવી દૃષ્ટિ જશવંતને સાંપડી. નટરાજ વશી ઉપરાંત તેમની ઓળખાણ પ્રો. આલ્તેકર અને અદી મર્ઝબાન સાથે પણ થઈ. તેમની પાસેથી નાટક ભજવવાની નવી આધુનિક ટેકનિક બાબતે તેમને ઘણું બધું શીખવા મળ્યું. અંગ્રેજી થિયેટરના ડેરિક જેફરી ત્યારે મર્ઝબાનનાં નાટકોમાં પ્રકાશ તેમ જ વ્યવસ્થા સંચાલનની જવાબદારી ઊઠાવતા હતા. નાટ્યસંઘ તરફથી મર્ઝબાને ‘અમર હિંદ’ અને ‘બંગાળનો સાદ’ નામની નૃત્યનાટિકાઓ તૈયાર કરાવેલી.
ત્યારબાદ નાટ્ય સંઘ તરફથી જશવંત ઠાકરે કવિ નર્મદનાં જીવન પર ચં.ચી.એ લખેલ નાટક ‘વીર નર્મદ’ ભજવ્યું જેમાં નર્મદની મુખ્ય ભૂમિકા પણ જશવંતે કરી. ‘વીર નર્મદ’ના પાંચ પ્રયોગો મુંબઈમાં સફળતાપૂર્વક ભજવાયાં. ત્યાર બાદ ચં.ચી.નું બીજું નાટક ‘આગગાડી’ ભજવાયું. લોકનાટ્ય સંઘનું જશવંત દિગ્દર્શિત ત્રીજું નાટક, કેરેલ કૉપેકનાં ‘મધર’નું તેમણે જાતે જ કરેલ રૂપાંતર ’મા’ હતું. હરીન્દ્રનાથ ચટોપાધ્યાયે પણ તેનાં નિર્માણમાં ખૂબ મદદ કરેલી. ફાસીવાદ વિરોધી આ નાટકમાં પ્રતાપ ઓઝા અને અનસૂયા ગોદીવાલાએ અગત્યની ભૂમિકાઓ ભજવેલી. મધ્યપ્રદેશના ગામડાંઓમાં કિસાનોના બળવા સામે બ્રિટિશરોએ કરેલ આક્રમણ પર આધારિત એક એકાંકી પણ જશવંતે તૈયાર કરાવેલું. તેમણે દ્વિજેન્દ્રલાલ રૉયનું બંગાળી નાટક, ઝવેરચંદ મેઘાણી રૂપાંતરિત ‘શાહજહાં’ પણ ભજવેલું જેમાં તેમણે શાહજહાંની મુખ્ય ભૂમિકા ભજવેલી. ગુણવંતરાય આચાર્ય લિખિત ‘અલ્લાબેલી’માં પણ જશવંતનું દિગ્દર્શન હતું. અંગ્રેજો અને ગાયકવાડી હકૂમત સામે ઓખા-દ્વારકાના વાઘેરોના બગાવતની એ કથા હતી. આ નાટકની વ્યવસ્થામાં બલરાજ સહાની પણ સામેલ હતા. જશવંતે બોધાયન લિખિત સંસ્કૃત નાટકનો કવિ સુંદરમે કરેલ અનુવાદ ‘મૃચ્છકટિક’ પણ ભજવેલો. ચં.ચી. લિખિત ‘આણલદે’ ભાંગવાડીમાં ભજવેલું જેને જોવા ફિલ્મસ્ટાર રાજકપૂર પણ આવેલા. તેને નાટક એટલું બધું ગમી ગયેલું કે પ્રેક્ષકો આ નાટક નિ:શુલ્ક જોઈ શકે તે માટે તેણે પોતાના ખર્ચે એ નાટકના ચાર પ્રયોગો ઑપેરા હાઉસમાં ભજવવાની ગોઠવણ કરેલી. એ પ્રયોગો દરમ્યાન નાટ્ય સંઘના કસબીઓના આગ્રહને માન આપીને રાજકપૂરે જાતે નાટકનું નવેરસથી લાઈટિંગ કરી આપેલું. મુંબઈમાં ‘આણલદે’ જશવંત ઠાકરનું છેલ્લું નાટક હતું. આ નાટક પછી તેમણે મુંબઈને અલવિદા કરી.
લોકનાટ્ય સંઘના ગુજરાતી એકમને મુંબઈથી ગુજરાત લાવનાર બે કલાકારો હતાં : મૃણાલિની સારાભાઈ અને મૂળ શ્રીલંકાના અનિલ દ’ સિલ્વા. 1945માં જશવંતે ગુજરાતની ધરતી પર લોકનાટ્ય સંઘની શરૂઆત કરી. અહીં સંઘે ત્રણ નાટકો ભજવ્યાં: ઈબ્સનનાં Wild Duck પરથી ‘હંસી’, Doll’s House પરથી ‘ઢીંગલીઘર’ અને ગુણવંતરાય આચાર્યનું ‘અલ્લાબેલી’. આ ગાળામાં જશવંતે શેકસપિયર, મેકિસમ ગોર્કી, શરદચંદ્ર, ચૅખૉવ, લોર્કા, જે.બી. પ્રિસ્ટલી, વગેરે વિશ્વવિખ્યાત નાટ્યકારોનાં નાટકો અને રૂપાંતરો ભજવી દિગ્દર્શન અને તાજગીસભર હવા ઊભી કરી. અભિનયની દૃષ્ટિએ આ નાટકો બેનમૂન હતાં. તેમાં જશવંત ઠાકર, દીના પાઠક, પ્રાણસુખ નાયક, કૈલાસ પંડ્યા, પછીથી જ્યશંકર સુંદરી, પ્રભા પાઠક વગેરે અભિનય આપતા હતાં. તેમની અવાજ, પ્રકાશ, મંચસજજા વગેરેની ટેકનિકમાં આધુનિકતા અને વાસ્તવિકતા હતાં. આ તમામ નાટકોની ભજવણીઓ ગુજરાતી તખ્તા પર સીમાસ્તંભરૂપ બની ગઈ. અવેતન પ્રયોગશીલ રંગભૂમિને તેમણે નવું વાતાવરણ આપ્યું, નવી દૃષ્ટિ આપી. નવો માર્ગ ચીંધ્યો.
જશવંત અમદાવાદમાં આવ્યા ત્યારે નાટ્યક્ષેત્રે ‘રૂપક સંઘ’ નામે સંસ્થા કાર્યરત હતી જેમાં રવિશંકર રાવળ, કનુ દેસાઈ, અનંતરાય રાવળ, વિનોદિની નીલકંઠ, ઉમાશંકર જોશી, શિવકુમાર જોશી, દામુભાઈ શુકલ, ધીરુભાઈ ઠાકર, ધનંજય ઠાકર વગેરે સંકળાયેલા. વળી ગુજરાતમાં જશવંતની મહેનત પણ કંઈ સરળ નહોતી. મોરારજી દેસાઈએ ‘લોકનાટ્ય સંઘ’ સામ્યવાદી છે કહીને તેમની પ્રવૃત્તિઓની આકરી ટીકાઓ કરી હતી. જશવંતે મોરારજીભાઈ સામે જઈને સ્પષ્ટ પડકાર ફેંક્યો કે “તમે ગમે તેટલો મારો વિરોધ કરશો તો પણ હું અહીં નાટક સાથે આવીશ, હું નાટકો ભજવીશ અને લોકો પણ તે જોવા ચોક્કસ આવશે” જશવંતે ચં.ચી.નું નાટક ‘સીતા’ ભજવવાની તૈયારીઓ શરૂ કરી. એક બાજુ મોરારજી દેસાઈની ધમકીઓ અને બીજી બાજુ તંગ આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ જશવંતે અમદાવાદના તખ્તા પર સફળતા સાથે ‘સીતા’ ભજવી બતાવ્યું. આ પછી પરસી વકીલે લખેલ એક નાટક ‘અટલ રાજપૂત’ પણ જશવંતે ભજવેલું. આ નાટક અંબાલાલ સારાભાઈના શાહીબાગમાં આવેલ બંગલાની પાછળ આવેલા પરસીના પોતાના બંગલાની બહાર ભજવવામાં આવેલું. તેમાં દીના ગાંધીએ પણ અભિનય કરેલો.
જશવંત ઠાકરના નાટય સંઘ સામે ફકત સામ્યવાદી તરીકેના પૂર્વગ્રહને કારણે સ્થાનિક કોંગ્રેસી નેતાઓ તરફથી ઘણાં વિઘ્નો ઊભાં કરવામાં આવ્યાં પણ પ્રેક્ષકો તરફથી નાટકને ઉષ્માભેર આવકાર મળતો રહ્યો. વાસ્તવમાં આમાંથી કોઈ જ નાટક શાસનવિરોધી નહોતું. જે વાંધાવચકાં હતાં તે ફકત પૂર્વગ્રહો પર જ આધારિત હતા! છેવટે મોરારજીભાઈએ સામ્યવાદીઓના વિરોધના નામે જયંતી દલાલ જેવા સાહિત્યકારને લોકનાટ્ય સંઘ સામે સંઘર્ષમાં ઉતરવાની કપરી કામગીરી સોંપી. તેમણે જશવંત ઠાકરની નાટ્યપ્રવૃત્તિને રોકવા ખૂબ પ્રયત્નો કર્યા જેની સામે સહેજ પણ ડગ્યા કે ડર્યા વગર જશવંત ઠાકર સતત લડતા રહ્યા. 1944-46નો એ ગાળો હતો. નાટક માટેનાં વસ્ત્રો, વાળની વીગ, ઘરેણાં વગેરે અનેક ચીજવસ્તુઓ પૃથ્વીરાજ કપૂર અને વ્હી. શાંતારામ તરફથી મિત્રભાવે મળેલી એ ઘટના ખાસ દાદ આપવા યોગ્ય ગણવી જોઈએ. આ બધું છતાં ય નાટ્યનિર્માણ અને ભજવણી દરમ્યાન થયેલ ખર્ચાઓને કારણે ‘સીતા’ના પ્રયોગોએ જશવંત ઠાકરને આર્થિક રીતે ખંખેરી નાખ્યા.
1947માં જશવંત ઠાકરનાં અંગત જીવનમાં એક પરિવર્તન આવ્યું. તેમને લગ્ન સામ્યવાદી વિચારધારાને વરેલા વજુભાઈ શુક્લના પુત્રી ડૉ. ભારતી શુક્લ સાથે થયું. જીવનભર ડૉકટર તરીકે કામ કરતાં રહીને ભારતીબહેને ઘરને, પરિવારને આર્થિક ટેકો આપ્યો અને સામે જશવંત ઠાકરને તેમનું જીવનધ્યેય – રંગભૂમિ પર છૂટથી પ્રવૃત્તિ કરતાં રહેવાની મોકળાશ કરી આપી. આજ વર્ષના ડિસેમ્બરમાં અમદાવાદમાં અખિલ હિંદ લોકનાટ્ય પરિષદ મળી. દેશભરમાંથી 1500 કલાકારોએ ભાગ લીધો. આ પરિષદની એક ફળશ્રુતિ ક્રાંતિકારી થિયેટરની હતી. લોકનાટય એ ભૂમિજાત નાટયકલા તરીકે સ્વીકારાયેલી. રસિકલાલ છો. પરીખે ભૂમિજાત નાટ્યકલા તરીકે સ્વીકારાયેલી. રસિકલાલ છો. પરીખે ભૂમિજાત નાટ્યકલાનો મેનિફેસ્ટો તૈયાર કર્યો અને પરિષદમાં હાજર રહેલા સૌએ તે અપનાવ્યો. આ સાથે જશવંત ઠાકરે અમદાવાદના નાટ્ય સંઘ તરફથી ‘નાટક’ નામનું એક સામયિક કાઢવાનો પણ નિર્ણય લીધો. 1948માં તેનો પહેલો અંક પ્રગટ થયો. ’નાટક’નાં નિયમિત પ્રકાશન દ્વારા સતત ત્રણ વર્ષ સુધી નાટ્યકસબ, દિગ્દર્શન, અભિનય, પ્રકાશઆયોજન, મંચસજ્જા, વિશ્વવિખ્યાત નાટકોની વિગતો વગેરે કલારસિકો સુધી પહોંચાડવાના પ્રયત્નો જશવંત ઠાકરે એકલપંડે કર્યા. તેમાં કુલ મળીને 14 નવાં ત્રિઅંકી નાટકો પ્રસિદ્ધ કરવામાં આવેલાં.
1948માં ગુજરાત વિદ્યાસભા નીચે નાટ્યવિદ્યામંદિરની સ્થાપના થઈ. તેમણે નાટ્યવિદ્યાના અભ્યાસવર્ગો પણ ચાલુ કરાવ્યા. નાટ્યવિદ્યાનો કૉર્સ વિચારવામાં આવ્યો. ગુજરાતનં શિક્ષણક્ષેત્રે નાટ્યવિદ્યા અભ્યાસની એક શાખા તરીકે સ્થાન પામી તેમાં જશવંત ઠાકરનો બહુ મોટો ફાળો હતો.
1949માં ગુજરાત વિદ્યાસભાએ રમણભાઈ નીલકંઠનું નાટક ‘રાઈનો પર્વત’ જયશંકર ‘સુંદરી’ને સાથે રાખીને જશવંતભાઈનાં દિગ્દર્શન તળે તૈયાર કરાવ્યું. લગાતાર સાત વર્ષ સુધી જશવંતે તેમ જ તેના સાથીઓએ ગુજરાતમાં લોકનાટ્ય સંઘને ઊભો કરવા સખત મહેનત કરી. પરંતુ તેને આર્થિક ભીંસમાંથી કાઢવાની તૈયારી કે શક્તિ લોકનાટ્ય સંઘના વડાઓએ નહીં દર્શાવી. જશવંત ઠાકર અને લોકનાટ્યસંઘ વચ્ચે કલાક્ષેત્રે કોઈ જ તાત્ત્વિક મતભેદ નહોતા. કારણ કે નાટ્ય સંઘ પણ તે કાળે કંઈ ખાસ સમૃદ્ધ નહોતું કે દરેક રાજ્યોમાં તેની શાખાઓને મદદ પહોંચાડે. પરિણામે અંતે નાટકના આર્થિક પાસાએ જશવંત ઠાકરને કોઈ બીજો વિકલ્પ શોધવા મજબૂર કર્યા અને આમ 1949માં તેમણે લોકનાટ્ય સંઘથી છૂટા પડી પોતાની સ્વતંત્ર નાટ્યસંસ્થા ‘ભરત નાટ્યપીઠ’ની સ્થાપના કરી.
લોકનાટ્ય સંઘનો જ મેનિફેસ્ટો હવે ભરત નાટ્યપીઠનો મેનિફેસ્ટો બન્યો. લોકનાટ્ય સંઘ છોડ્યું ત્યારે જશવંતે છેલ્લું નાટક ‘મોચીની વહુ’ કરેલું. સ્પેનના ક્રાંતિકારી કવિ નાટ્યકાર લોર્કાએ Shoemaker’s Wife લખેલું. અમદાવાદના ભારતભુવન(પછીની પ્રકાશ ટોકિઝ)માં તેનો પહેલો પ્રયોગ પૃથ્વીરાજ કપૂરની ઉપસ્થિતિમાં ભજવાયો. અમદાવાદના મોચીસમાજને એ નાટકમાં પોતાની માનહાનિ થયેલી લાગતાં નાટક બંધ કરાવવા માટે કોર્ટમાં બદનક્ષીનો દાવો માંડ્યો. આ નક્કી કરવા નાટ્ય સંઘના વકીલે મેજિસ્ટ્રેટને જાતે જ નાટક જોઈને આખરી નિર્ણય લેવા સૂચન કર્યુ. મેજિસ્ટ્રેટે સ્વીકાર્યુ અને નાટક જોયું. નાટકમાં તેમને ક્યાં ય કોઈ વાંધો નહીં જણાતા અંતે એ નાટકને જાહેરમાં ભજવવાની મંજૂરી આપવામાં આવી.
આ પછીના સમયગાળામાં ગમે તેવી પૈસાની કે સાધનોની મુશ્કેલીઓ વચ્ચે પણ ‘ભરત નાટ્યપીઠે’ નવાં નાટકોની હારમાળા સર્જી. સર્વપ્રથમ જશવંત ઠાકરનાં દિગ્દર્શન હેઠળ રશિયન નાટ્યકાર મેકિસમ ગોર્કીનાં Lower Depthsનું ગુજરાતી ભાષાંતર, ‘ઊંડા અંધારેથી’ ભજવ્યું. ત્યારબાદ આ સંસ્થાએ લગાતાર અનેક નાટકો ભજવ્યાં જેમાં અગત્યનાં છે બંગાળી તુલસી લાહિડી લિખિત ‘દુઃખીનો બેલી’, શેકસપિયર લિખિત ‘હેમ્લેટ’, વિશાખા દત્તનું સંસ્કૃત નાટક ‘મુદ્રારાક્ષસ’, સ્ટેઇનબૅકનું ‘મૂષક અને મનુષ્ય’ (Man and the Mice), ગુલાબદાસ બ્રોકરનું મૌલિક નાટક ‘ધુમ્રસેર’, શરદબાબુની બંગાળી વાર્તા પરથી નાટ્યરૂપાંતર પામેલું ‘બિંદુનો કીકો’, કનૈયાલાલ મુનશીનું ‘બ્રહ્મચર્યાશ્રમ’, રવીન્દ્રનાથ ટાગોરનું ‘અચલયાતન’, આ ઉપરાંત ‘હુતાશની’, ‘પૂજારિણી’ વગેરે. આમાં ‘હેમ્લેટ’ સૌથી વધારે સફળ રહેલું. તે જમાનામાં તેનાં 30 પ્રયોગો થયા હતા.
હેમ્લેટની મુખ્ય ભૂમિકા જશવંત ઠાકરે શાનદાર રીતે ભજવેલી. તેની ખ્યાતિ સાંભળીને મુનશીએ ભારતીય વિદ્યાભવનની સ્થાપના વેળાએ જશવંત ઠાકરને મુંબઈમાં ‘હેમ્લેટ’ ભજવવાનું ખાસ આમંત્રણ આપેલું અને ત્યાં આગળ તેના ત્રણ પ્રયોગો ભજવાયેલા. આ ઉપરાંત ‘હેમ્લેટ’ના વધુ પ્રયોગો ગુજરાતનાં બીજા શહેરોમાં – જામનગર, ભરૂચ, સુરત, વલસાડ વગેરે સ્થળોએ પણ સફળતાપૂર્વક થયેલા. સંસ્કૃત નાટક ‘મુદ્રારાક્ષસ’માં પણ જશવંત ઠાકરનો ચાણક્ય તરીકેનો અભિનય ખૂબ બિરદાવવામાં આવેલો.
1950માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીએ ‘ફાઈન આર્ટ્સ ફેકલ્ટી’ ચાલુ કરી. તેનો અભ્યાસક્રમ બનાવવાની સમિતિમાં બીજા સદસ્યો જોડે જશવંત ઠાકર પણ હતા. આગળ ઉપર યુનિવર્સિટીએ ગાયકવાડની જૂની સંગીતશાળા લઈને શાસ્ત્રીય સંગીત શીખવવા માટેની શાળા (Music College) શરૂ કરી. સંગીતની સાથે સાથે એક પછી એક શાસ્ત્રીય નૃત્યોના તેમ જ નાટ્યવિદ્યાના અભ્યાસક્રમો પણ ચાલુ કરાયા. વડોદરામાં મયુઝિક કૉલેજમાં નાટ્યવિભાગ શરૂ કરાવનાર જશવંત ઠાકર પ્રથમ હતા. તેમના પછી ચં. ચી. તેના વડા બનેલા. આ સમય દરમ્યાન તેમણે ટાગોરનું ખ્યાતનામ નાટક ‘લાલ કરેણ’ (રક્તકરબી) ભજવેલું. ત્યાર બાદ જશવંત ઠાકરે ચં.ચી.નું મૌલિક ‘આગગાડી’ ભજવેલું. તેમનું બીજું એક મૌલિક નાટક ‘અત્રલુપ્તા સરસ્વતી’ પણ ભજવેલું. ગુજરાતી સાહિત્ય પરિષદના નેજા હેઠળ જશવંત ઠાકરે ગુજરાતના મૂર્ધન્ય કવિ સુંદરમ ભાષાંતરિત સંસ્કૃત કવિ બોધાયનનું વિનોદી નાટક ‘ભગવદ્જજુકિકયમ’ તૈયાર કરાવીને રજૂ કરેલું. આ નાટક પછીથી જવાહરલાલ નહેરુ અને ડૉ. રાધાકૃષ્ણને પણ જોયેલું.
1951માં સૌરાષ્ટ્ર સરકારે રાજકોટ ખાતે ‘સંગીત નાટક અકાદમી’ની સ્થાપના કરી અને તેને સંભાળવા જશવંત ઠાકરને આમંત્રણ પાઠવ્યું. રાજકોટની રાષ્ટ્રીયશાળામાં નાટ્યવિભાગની સ્થાપના થઈ. રાજકોટના કલાકારો સાથે તેમણે કવિ સુંદરમ ભાષાંતરિત સંસ્કૃત નાટક ‘મૃચ્છકટિક’ની ભજવણી કરી. પરંતુ અકાદમીની આ પ્રવૃત્તિ બહુ લાંબો સમય ટકી નહીં. જશવંત ફરી વડોદરા નાટ્યવિભાગમાં પાછા ફર્યા.
1955-60નાં વર્ષો જશવંત ઠાકરની નાટ્યપ્રવૃત્તિ માટે વાવાઝોડાં સમાન હતાં. તેમણે વીસેક જેટલાં નાટકો તૈયાર કરાવીને વડોદરામાં ભજવ્યાં. તેમાં તેમના ક્રાંતિકારી વિચારોને અનુરૂપ નાટક ચંદ્રવદન મહેતા લિખિત ‘ધરાગુર્જરી’, ઉપરાંત ચં.ચી.નાં બીજાં નાટકો ‘ઘૂંઘટપટ’, ‘હોહોલિકા’, ‘સતી’, ‘કચદેવયાની’, સાર્ત્રના ‘No Exit’નું રૂપાંતર ‘કરોળિયાનું જાળું’, ‘શકુન્તલાવિદાય’ (એક જ દૃશ્ય), વગેરે તેમણે ભજવ્યાં. આ ઉપરાંત કવિ ભાસનાં બે નાટકો ભજવ્યાં. ‘કર્ણભાર’ અને ‘દૂતવાક્યમ’, ચેખોવ લિખિત એકાકી The Bear અને The Proposalનાં ભાષાંતરો – અનુક્રમે ‘રીંછ’, અને ‘ઘરઘરણું’, યશવંત પંડ્યા લિખિત ‘અ.સૌ. કુમારી’, કવિ પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનાં મામેરું’, શેક્સપિયરનું ‘ઓથેલો’ (અંગ્રેજી ભાષામાં) તથા જશવંત ઠાકરનું પોતાનું લખેલું નાટક ‘મીઠો મહેમાન’, તે ઉપરાંત ‘નિશાચર’, ‘કાશીનાથ’ વગેરે નાટકો આ ગાળામાં ભજવ્યાં.
જશવંત ઠાકરનું નાટ્યવિષયક લેખનમાં પણ મહત્ત્વનું પ્રદાન છે. તેમણે કેટલાંક મૌલિકો નાટકો તેમ જ ભાષાંતરો કરેલાં છે. આ ઉપરાંત નાટ્યશિક્ષણ પરનાં પુસ્તકો પણ તેમણે લખ્યાં છે. 1957માં જશવંત ઠાકરે નાટ્યશિક્ષણ પર લખેલું પુસ્તક ‘નાટ્યશિક્ષણનાં મૂળતત્ત્વો’ને મ. સ. યુનિવર્સિટીએ પાઠ્યપુસ્તક તરીકે સ્વીકાર્યું. 1959માં તેમનું બીજું પુસ્તક ‘નાટ્યશિલ્પ’ પણ અધ્યાપકો ને વિદ્યાર્થીઓમાં ખૂબ આવકાર પામ્યું. નાટ્યશિક્ષણ પર તેમણે લખેલાં અન્ય પુસ્તકોમાં ‘જયશંકર સુંદરી’ની દિગ્દર્શનકલા’, ‘સ્ટાનિસ્લાવ્સ્કી’, ‘નવા નટો માટે કેટલાંક સૂચનો’ વગેરેનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત તેમનાં મૌલિક તેમ જ ભાષાંતરિત કરેલાં નાટકોમાં મોલિયેરનું ‘શ્રુતિપતિ’ (Tartuffe), જે. બી. પ્રિસ્ટલીનું ‘કલ્યાણી’ (Inspector Calls), મિગ્વેલ પિનેરોનાં નાટકોનાં રૂપાંતરો ‘સુપ્રિયા’ તથા ‘મિસીસ ટેન્કરે’ (ભાષાંતર), તેમનું પોતાનું ભાષાંતર ‘શકુન્તલા’, તે ઉપરાંત ‘જીવનનો જય’ (મૌલિક), ‘ઉર્વશી’ (સર્ગાત્મકકાવ્ય) વગેરેનો સમાવેશ થાય છે. 1961થી 1970માં પ્રગટ કરેલાં તેમનાં પુસ્તકોમાં ‘સાબદાં થાઓ’, ‘માટીમાંથી સોનું’ (મૌલિક નાટકો) અને શેક્સપિયર fરચિત ‘મેકબૅથ’તથા ‘રિચાર્ડ ત્રીજા’નો અનુવાદ સામેલ છે.
પુસ્તકો લખવા અને વાંચવા, જાતે ખરીદીને ઘરમાં વસાવવા અને બીજાઓને વંચાવવા બાબતે જશવંત ઠાકર એટલા બધા ઉત્સુક અને આગ્રહી હતા કે એકવાર આ વિષય પરની એક ચર્ચામાં એવું બોલી ગયેલા કે “કોઈ મને બેપાંચ કરોડ રૂપિયા આપે તો હું શહેરનાં બધાં પ્રકાશન મંદિરો ખરીદી લઉં અને રસ્તે ચાલતાઓને બેપાંચ ચોપડીઓ મફત આપી બધાને ઉત્સાહભેર વાંચતા કરું. એકવાર લોકો આપમેળે વાંચતા થઈ જાય પછી પુસ્તકો ખપાવવા વિક્રેતાઓની જરૂર નહીં રહે!” જશવંત ઠાકરે નાટ્યકલાને નાટક કંપનીઓના વેપારલક્ષી બંધિયાર ચોકઠાંમાંથી બહાર કાઢી, તેના પર શિક્ષણ અને સંસ્કારનો ઓપ ચઢાવી, સમાજમાં તેને ગૌરવપૂર્ણ સ્થાન અપાવવા માટેની કઠણ સાધના જીવનપર્યંત કરી છે. તેમણે તેમની લાંબી કારકિર્દીમાં ઉચ્ચ કક્ષાનાં દોઢસો જેટલાં નાટકો આજ સુધીમાં ભજવ્યાં છે. તેમની નાટ્યપ્રવૃત્તિ ટિકિટબારી સામે નજર રાખીને કદી ય નથી ચાલી.
1960માં વડોદરામાં રાજીનામું આપી ગુજરાત વિદ્યાસભા સંચાલિત એચ. કે. આર્ટસ કૉલેજ અમદાવાદમાં ચાલતા નાટ્યવિભાગના વડા તરીકે જોડાયા. 1962થી શરૂ કરીને 1977 સુધી તેઓ ગુજરાતની સંગીત નાટક અકાદમી સાથે સલાહકારરૂપે સંકળાયેલા રહ્યા. 1961થી 1967 સુધી અનેક નાટકોમાં દિગ્દર્શન કર્યું અને કેટલાંકમાં અભિનય પણ આપયો. 1964માં ગુજરાત રાજ્ય નાટ્ય સંઘની સ્થાપના કરવામાં તેમણે મુખ્ય ભાગ ભજવ્યો. 1968માં જશવંત ઠાકરને નાટ્યક્ષેત્રે આપેલી તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ સંગીત નાટક અકાદમી તરફથી રાષ્ટ્રીય અવોર્ડ આપવામાં આવ્યો.
જશવંત ઠાકરે રેડિયો આકાશવાણી પર પણ ઘણું કામ કર્યું. 1944થી 1948, તેમણે રેડિયો પર વીસેક નાટકો તૈયાર કરાવેલાં અને ભાગ પણ લીધેલો. અમદાવાદ અને વડોદરા આકાશવાણી પર જશવંત ઠાકરે કુલ મળીને ચાલીસેક નાટકો તૈયાર કરાવ્યાં, તેમાંથી આઠ નાટકો રાષ્ટ્રીય પ્રસારણ માટે હતાં. ટેલિવિઝન પર પણ તેઓ સક્રિય હતા. 1975-80 વચ્ચે તેમણે અમદાવાદ દૂરદર્શન પર રસિકલાલ પરીખ, યશોધર મહેતા, સોહરાબ મોદી વગેરેની મુલાકાતો લીધેલી. તે ઉપરાંત તેમણે મંચ ઉપર ભજવેલ કેટલાંક નાટકો ‘પરિત્રાણ’, ‘નટસમ્રાટ’, ઉપરાંત તેમની કેટલીક પ્રસિદ્ધ સ્વગતોકિતઓ પણ ટીવી પર રેકોર્ડ કરવામાં આવેલી.
જશવંત ઠાકરે બહારના દેશોમાં સાંસ્કૃિતક પ્રવાસો પણ ખેડ્યા છે. 1968માં તેમણે પૂર્વ આફ્રિકાનો પ્રવાસ ખેડ્યો. ત્યાંથી ગ્રીક રંગભૂમિના અભ્યાસાર્થે ગ્રીસ પણ ગયા. 1968માં ભારત સરકાર તરફથી વીસેક જેટલા પ્રતિનિધિઓ સાથે એઝરબૈજાન અને સોવિયેટ રશિયાનો સાંસ્કૃિતક પ્રવાસ પણ કર્યો. 1976માં તેમણે જર્મન ડેમોક્રેટિક રિપબ્લિક તરફથી પૂર્વ જર્મનીનો પ્રવાસ કર્યો અને બ્રેખ્તનાં ‘બર્લિનેર એન્સેમ્બલ’ એપિક થિયેટર વિશે તેમને ઘણું બધું જોવા જાણવા મળ્યું. 1979માં તેમણે લંડનનો પ્રવાસ પણ ખેડેલો. જ્યાં જતા ત્યાંથી ઢગલાબંધ પુસ્તકો ખરીદી લાવતાં અને એ જ તેમનો મોટામાં મોટો શોખ હતો. ઘરમાં ખૂબ મોટું ખાનગી પુસ્તકાલય હતું જેમાં હજારો પુસ્તકો હતાં. તેમાં યોગ, રાજકારણ, અર્થકારણ, અધ્યાત્મ, નાટ્યશાસ્ત્ર, સંસ્કૃત નાટકો, વિદેશી નાટકો, કવિઓ ને નાટ્યકારોનાં જીવનચરિત્રો વગેરે અનેકવિધ વિષયો પરનાં પુસ્તકો હતાં.
જશવંત ઠાકર તેમના નવા, યુવા કલાકારોના કુદરતી અવાજ પર, ઉચ્ચારો ને આરોહ-અવરોહ પર ખૂબ બારીકાઈથી કામ કરતા. કાચા, નવશીખિયા કલાકારો જોડે મહેનત કરવામાં તેમને ક્યારે ય આળસ કે કંટાળો નહોતા. તેઓ સાચા અર્થમાં ધૈર્યવાન શિક્ષક હતા. સંવાદોના આરોહઅવરોહ શીખવતી વખતે નાટક પણ સમજાવતા જાય, પાત્રની વિશિષ્ટતાઓ પણ યાદ દેવરાવતા જાય અને કલાકારને તાલીમના અંતે તેને ભાન કરાવે કે કોઈ પણ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક મહેનત કરે તો તેના અભિનયમાં નિશ્ચિત સુધારો લાવી શકે. એક દિગ્દર્શક તરીકે જશવંત ઠાકર ખૂબ કડક શિસ્તના આગ્રહી અને સમયના પાક્કા હતા. આઠ વાગે રિહર્સલ હોય એટલે ચોક્કસ આઠ વાગે જ શરૂ થઈ જાય. પછી મોડો આવનાર દાખલ થઈ શકે નહીં, અને ગેરશિસ્ત માટે જશવંત ઠાકરનો પુણ્યપ્રકોપ ભલભલા માથાભારે કલાકારોને પણ ધ્રુજાવી દે તેવો! ચાલુ રિહર્સલે બાજુ પર બેઠેલા કલાકારો વચ્ચે વ્યર્થ ચાલતી રહેતી ગપશપ તેમનાં રિહર્સલોમાં સંપૂર્ણપણે નિષિદ્ધ ગણાતી.
જશવંત ઠાકરને રિહર્સલનું સંચાલન કરતા જોવા તે એક લ્હાવો હતો. અસલ નાટકના વર્ગો ચાલતા હોય તેવું લાગે. વળી તેમનો ખાસ આગ્રહ કે નાટકમાં બે કલાકાર હોય કે બત્રીસ રિહર્સલમાં દરેકેદરેક કલાકારે અચૂક હાજરી આપવાની ને આખા ય રિહર્સલને ધ્યાનપૂર્વક જોવાનું. કલાકાર તરીકે માત્ર તમારા પૂરતાં જ દૃશ્યને સમજો તે ન ચાલે. આખું ય નાટક તમારી સમજમાં હોવું જ જોઈએ એવો તેમનો આગ્રહ રહેતો. તેમનું રંગભૂમિને લગતું જ્ઞાન, તેમનો વિશાળ અનુભવ, તેમનું આધિકારિક વ્યક્તિત્વ પણ એવાં હતાં કે કોઈ પણ કલાકારમાં તેમની સામે થવાની હિંમત ન ચાલતી. તેમનો ઠપકો ખાતા કલાકારોને ક્યારે ય વ્યક્તિગત માનઅપમાન જેવું ન લાગતું કારણ કે સૌ પહેલાં તો તેમને બધાને તેમને માટે ભરપૂર આદર હતો. વિશેષમાં સૌ કોઈ જાણતું હતું કે તેમનો આ ઉગ્ર મિજાજ ફક્ત નાટકના રિહર્સલ પૂરતો જ છે, તેમાં વ્યક્તિગત કશું જ નથી. કારણ કે તેઓ જાણતા જ હતા કે રિહર્સલ વચ્ચેના વિરામમાં જશવંત ઠાકર નાનામોટા – સૌ કોઈ કલાકારો સાથે બેસીને હળવાશથી ટોળટપ્પાં કરતાં કરતાં દાળવડા ખાતા, ચાપાણી કરતા ને નિર્દોષ આનંદ-વિનોદ પણ કરતા. એટલે કલાકારોનો તેમના પ્રત્યેનો પ્રેમ અને આદર યથાવત જળવાઈ રહેતા.
જશવંત ઠાકરે ચાલીસના દાયકામાં નાટકો શરૂ કર્યાં તે સિત્તેરનો દાયકો આવતા સુધીમાં તો રંગભૂમિક્ષેત્રે ટેકનિકની દૃષ્ટિએ અનેક ફેરફારો આવી ગયા. આઝાદી પછી ભારતીય રંગમંચ ઉપર પણ ઘણા બધા આધુનિક પરિવર્તનો આવ્યાં. રંગમંચ પર કામ કરતી ટેકનોલોજી પણ ધરખમ રીતે બદલાઈ ગઈ. અગાઉના મુકાબલે નાટકો વધુ વાસ્તવવાદી બન્યાં. અભિનય તથા દિગ્દર્શનમાં સહજતા તથા કુદરતી ભાવોને પ્રાધાન્ય મળવા લાગ્યું. નાટકીય ગણાતી બોલકી- loud અભિનયપદ્ધતિને બદલાયેલા સમયમાં તદ્દન નકારી કાઢવામાં આવી. જશવંત ઠાકરે પણ આ સમયના પરિવર્તનને ખુલ્લાં તટસ્થ મને સ્વીકાર્યું. જેમ કે ચિતરેલા પડદાઓને સ્થાને ત્રિપરિમાણી સેટ્સ આવ્યા. પ્રકાશનો ઉપયોગ મંચ પર ભજવાતાં દૃશ્યોને માત્ર દેખાડવા માટે જ નહીં પણ પાત્રોના આંતરિક મનોમંથનને પ્રગટ કરવા માટે પણ થઈ શકે તે સ્વીકારાયું. વિશાળ રંગમંચ પર જુદાં જુદાં દૃશ્યોને અનુરૂપ માત્ર સીમિત વિસ્તાર પૂરતું જ પ્રકાશઆયોજન(area lighting) થવા લાગ્યું. લાઈટ્સનાં સાધનોમાં સ્પોટ લાઈટનું મહત્ત્વ વધી ગયું, લટકતાં માઈકને સ્થાને જમીન પર ગોઠવાતાં માઈક આવ્યાં જે જોનારને વિઘ્નરૂપ ન લાગે, આ બધા ફેરફારો જશવંત ઠાકરે સમજપૂર્વક સ્વીકાર્યા અને ખાસ તો આ વિષયોમાં કાબેલ હોય તેવા નાટકનું ભણેલા જુવાનિયાઓને પણ પોતાની સાથે આગ્રહપૂર્વક જોડ્યા.
1978માં સાઠ વર્ષ વીતાવ્યા બાદ જશવંત ઠાકરે ભરત નાટ્યપીઠ તરફથી જે નાટકો કર્યાં તેમાં સૌથી વધારે અગત્યનાં નાટ્યનિર્માણ છે મનુભાઈ પંચોળી ‘દર્શક’નું મહાભારત પર રચાયેલું મૌલિક નાટક ‘પરિત્રાણ’ અને રસિકલાલ છો. પરીખ લિખિત મૌલિક નાટક ‘શર્વિલક’. શર્વિલકમાં તો પાંચ અંક અને 30થી વધારે કલાકારો – જશવંત ઠાકરે લગભગ એકાદ વર્ષ સુધી રિહર્સલ કર્યા અને અંતે પ્રેમાભાઈ હૉલમાં આ પાંચ કલાક ચાલતું નાટક ભજવ્યું. સમીક્ષકો અને નાટ્યયરસિકોએ તે ખૂબ વખાણ્યું. આ ઉપરાંત તેમણે ‘નટસમ્રાટ’ નાટકના પચાસેક પ્રયોગો કરેલા. દોસ્તોવ્સ્કીનાં Crime and Punishment પર આધારિત સુભાષ શાહ રૂપાંતરિત ‘અંતરનો અપરાધી’ પણ સફળ રીતે ભજવેલું જેમાં ટીવી અને ફિલ્મના ગુજરાતી અભિનેતા અજિત વચ્છાનીએ મુખ્ય ભૂમિકા કરેલી. પછીનાં વર્ષોમાં તેમણે રઘુવીર ચૌધરી લિખિત ‘સિકંદર ઔર સાની’, મરાઠી નાટ્યકાર વસંત કાનેટકરનાં નાટકનું ગુજરાતી ભાષાંતર ‘રાયગઢ જ્યારે જાગે છે’, ભારતી સારાભાઈ લિખિત ‘બે નારી’ તથા ‘ઘરલખોટી’, કાલિદાસ રચિત પોતાના દ્વારા જ ભાષાંતરિત નાટક ‘શાકુન્તલ’ અને વિશાખાદત્ત લિખિત ‘મુદ્રારાક્ષસ’ ભજવેલાં.
જ્યારે જ્યારે જશવંત ઠાકાર પોતાનો પિત્તો ગુમાવતા ત્યારે આસપાસના લોકોને તેમનું ખરું રૌદ્રરૂપ જોવા મળતું. અને તેમનો આ ગુસ્સો ક્યારે ય તેમના વ્યક્તિગત અપમાન કે અહંકાર માટે નહોતો. સામેની વ્યક્તિઓ પાસેથી જ્યારે શિસ્ત અને સદ્વર્તનની ભારે અપેક્ષા હોય અને તે ન મળે ત્યારે તે પોતાના મગજ પરનો કાબૂ ગુમાવતા. એકવાર પ્રેમાભાઈ હૉલમાં તેઓ ‘હેમ્લેટ’ ભજવતા હતા. પ્રેક્ષકોમાં બેઠેલ જાણીતા કલાકાર નરોત્તમ શાહ વચ્ચે વચ્ચે આવતા સંવાદો પર ખૂબ મોટે અવાજે બેહુદું અટ્ટહાસ્ય કરતા હતા. બેત્રણ વાર તો જશવંતભાઈએ સહન કરી લીધું પણ વારંવાર થવાથી તેમની અભિનયની એકાગ્રતા તૂટી અને નાટક અધવચ્ચેથી અટકાવી, હાથમાં માઈક પકડી, મંચ પર આગળ આવી નરોત્તમ શાહને આંગળી ચીંઘી ભયંકર રીતે ખખડાવી નાખ્યા અને તત્કાળ હૉલ છોડી જવાનું કહ્યું. હૉલમાં સોપો પડી ગયો. નાટક આગળ ચાલ્યું.
આવી જ રીતે બીજા એક પ્રસંગે કેટલાક વરિષ્ઠ કલાકારોના ઈનામવિતરણ માટેના સરકારી કાર્યક્રમમાં જશવંત ઠાકર સાથે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનું પણ સન્માન થવાનું હતું. પુરસ્કાર આપી દીધા પછી રસકવિ તેનો પ્રતિભાવ આપશે તેવું અગાઉ જાહેર કર્યું હોવા છતાં સરકારી આયોજકોએ પોતાની કોઈક અનુકુળતા ન હોવાથી રસકવિની સરાસર અવગણના કરીને આખેઆખો કાર્યક્રમ અચાનક વચ્ચેથી જ આટોપી લીધો. આ જોઈને મંચ પર બેઠેલા જશવંત ઠાકર પોતાનાં પુરસ્કારમાં મળેલ પ્રતીકનો મંચ પર ઘા કરી દઈને એકદમ જોશપૂર્વક તાડૂકી ઊઠ્યા. સરકાર તરફથી ત્યાં હાજર રહેલ તમામ ઉચ્ચ અધિકારીઓને તેમની આ ઉદ્ધતાઈ વિરુદ્ધ બરાબરના ખખડાવી નાખ્યા. પ્રેક્ષકોમાં બેઠેલા મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ અને ખાસ તો સાંસ્કૃિતક ખાતું સંભાળતા પોપટલાલ વ્યાસને સંબોધીને ખૂબ ઉગ્ર અવાજમાં રસકવિ રઘુનાથના અપમાનની આ ઘટના સામે પોતાનો ઉગ્ર રોષ પ્રગટ કર્યો. “84 વર્ષના વૃદ્ધ કલાકારનું જો તમે આટલું પણ માન ન જાળવી શક્તા હોવ તો આ રીતે તેમને પુરસ્કૃત કરવાના જાહેર દેખાડા કરવાનું બંધ કરો. અમે કોઈ કલાકારો તમારા સરકારી ઈનામોના મોહતાજ નથી” કહીને ઉગ્રપણે સડસડાટ હૉલ છોડી બહાર નીકળી ગયેલા.
ગુજરાતમાં નાટ્યક્ષેત્રે જશવંત ઠાકરનાં નાટકો દ્વારા તો ઘણુંબધું પ્રદાન છે જ પરંતુ વિશિષ્ટ અને અતિ અગત્યનું પ્રદાન તો એ છે કે તેમણે તમામ સારા કે વિકટ સંજોગો વચ્ચે, જૈફ વયે પહોંચ્યા પછી પણ અવિરત નાટકો કરતાં રહીને ગુજરાતમાં જેનો અભાવ વર્તાતો હતો એવી ગતિશીલ થિયેટર મૂવમેન્ટને ગાજતી રાખી. ખાસ કરીને તેમણે મૌલિક ગુજરાતી નાટકો થોડાંક કાચાં હોય તો પણ વિદેશી ભાષાંતરો ને રૂપાંતરોને બદલે પ્રેક્ષકો આપણાં પોતાનાં નાટકો જોતા થાય. આપણા લેખકો વિધવિધ વિષયો પર નવાં મૌલિક નાટકો લખતા થાય તે ઉમદા હેતુથી ગુજરાતી ભાષાનાં નાટકો પર જ પોતની પસંદગી ઉતારી. આ ઉપરાંત અમદાવાદમાં ‘ભરત નાટ્યપીઠ’ સ્થાપી હોવા છતાં એક જ સ્થાને બંધાઈ ન રહેતા જેણે જેણે તેમની મદદ કે માર્ગદર્શન માંગ્યાં તેમને એક પૈસા કે પ્રસિદ્ધિની લાલચ રાખ્યા વગર સતત આપતા રહ્યા.
જશવંતભાઈનો મોટો ગુણ તેમની નિર્ભયતા – તેમની સત્ય અને સ્પષ્ટવાદિતા. તેમણે તેમની રંગમંચીય કારકિર્દી દરમ્યાન ભજવેલી નાટ્યભૂમિકાઓમાં અનેક મહોરાં પહેર્યાં છે, કલાક્ષેત્રે પણ અતિદીર્ઘકાલીન સેવા દરમ્યાન પણ વિભિન્ન મ્હોરાંઓ ધારણ કર્યા છે. પણ બહુધા ગમતાં ને ક્યારેક ન ગમતાં આ મ્હોરાં પાછળનો જશવંત ઠાકરનો સાચો ચહેરો તો હતો વાત્સલ્યપૂર્ણ પિતાનો, સન્નિષ્ઠ કલાકારનો, પ્રયોગશીલ સર્જકનો, ગરીબોના બેલીનો અને અતિ સ્નેહાળ મૈત્રીપૂર્ણ માનવીનો.
જરૂરતમંદ માણસ પ્રત્યેની જશવંત ઠાકરની નિસબત અને જૂઠ અને અન્યાય સામે નિર્ભય બની પ્રતિકાર કરવાનું તેમનું જીવનદર્શન આજે તેની કલાકાર પુત્રી અદિતિમાં ઉતરેલું જોવા મળે છે. શરૂઆતના ઘણાં વર્ષો પિતા જશવંત ઠાકરનાં તેમ જ અન્ય સ્થાનિક જૂથોનાં નાટકોમાં તેમ જ ટેલિવિઝન પર અભિનય કર્યા બાદ, તેણે પોતાનું સમગ્ર લક્ષ્ય સામાજિક પરિવર્તન તેમ જ મહિલાઓ તેમ જ અભાવગ્રસ્તોના માનવીય અધિકારો માટેની લડત પર કેન્દ્રિત કર્યું છે. અલબત્ત, વારસામાં મળેલ નાટ્યકલાને તે સહેજે ય ચૂકી નથી. આ સમગ્ર સામાજિક ચળવળ માટેનું તેનું સંપર્ક માધ્યમ કાયમ રંગભૂમિ જ રહી છે. ગુજરાતનાં વિવિધ સ્વૈચ્છિક સેવા સંગઠનો સાથે વર્ષો સુધી જોડાઈ રહીને તેણે શેરીનાટકો, નાટ્યશિબિરો, દસ્તાવેજી ફિલ્મો વગેરે કરતાં રહીને લોકજાગૃતિનું ગણનાપાત્ર કામ કર્યું છે. પાછલાં વર્ષોમાં પિતાની યાદમાં ‘જશવંત ઠાકર મેમૉરિયલ ફાઉન્ડેશન’ની વિધિવત સ્થપના કરીને શહેરના અભાવગ્રસ્તો, ગામડાંની સ્ત્રીઓ, આદિવાસીઓ, બાળકો, જેલમાં કારાવાસ ભોગવતી સ્ત્રીઓ વગેરે સાથે નાટ્યશિબિરો, નાટ્યલેખન શિબિરો, અભિનયશિબિરો, સમસ્યાપ્રધાન ફિલ્મોના ફેસ્ટીવલ્સ વગેરે યોજીને સમાજ તેમ જ રંગદેવતા બંનેના ઉત્કર્ષ માટેનો તેનો સેવાયજ્ઞ ચાલુ રહેવા પામ્યો છે.
આ જોઈને ક્યારેક ઊંડો ખેદ પણ અનુભવાય છે કે આવડા મોટા નાટ્યકારાનાં જીવનકાર્યને કે તેમની ઉદાત્ત ભાવનાને જીવંત રાખવા સરકાર, શૈક્ષણિક-સાંસ્કૃિતક સંસ્થાઓ કે જાગૃત નાગરિક સમાજ જ્યારે પહેલ નથી કરતો ત્યારે તેના પરિવારના જ એક સદસ્યે – જે સ્વયં પણ એક સિદ્ધહસ્ત નાટ્યકલાકાર છે – તેમનાં મહાન જીવનકાર્યનું યથાશક્તિ તર્પણ કરવા આગળ આવવું પડે છે. તેમાં કશું જ ખોટું કે અનુચિત નથી પણ આ માટે જેઓની પ્રાથમિક જવાબદારી છે – શાસકો અને કલા-સાહિત્ય જગતની – તેઓમાંથી કોઈ આગળ આવે તો એ મહાન કલાકારનું ગૌરવ કંઈક વિશેષ જળવાય એવી લાગણી અનુભવ્યા વગર રહી શકાતું નથી. બીજા રાજ્યોમાં પુ. લ. અને તેન્ડુલકર, કારંથ અને શંભુ મિત્રા, હબીબ તનવીર અને બી. એમ. શાહની સ્મૃિતરૂપે રાષ્ટ્રીય કક્ષાનાં નાટ્યમહોત્સવો યોજાય છે, તેમનાં નામનાં રાષ્ટ્રીય પુરસ્કારો ઘોષિત કરાય છે, તેમનાં વિશેનાં પુસ્તકો ને જીવનચરિત્રો પ્રકાશિત કરાય છે ત્યારે આપણે ત્યાં કલાકારની વિદાય સાથે ત્રણ પંક્તિની ઔપચારિક અંજલિ આપી દીધાંથી વિશેષ આપણે કશું જ કરી શકતા નથી અને આ હકીકત રંગભૂમિ પ્રત્યેની આપણી ઘોર ઉદાસીનતા વ્યક્ત કરે છે. ફિલ્મસ્ટાર્સ પાછળ આપણે મરી પડીએ છીએ પણ તખ્તા માટે પોતાનું સમસ્ત જીવન નીચોવી નાખનાર પ્રતિબદ્ધ રંગમંચ કલાકારની આપણાં મનમાં કોઈ જ ગણતરી નથી.
જશવંત ઠાકર, જેણે પોતાનાં લાંબા જીવનમાં ક્યારે ય કોઈ જ વસ્તુ માટે સત્તાવાળાઓ પાસે હાથ ન લંબાવ્યો તે જ વ્યક્તિનાં નામે ઊભાં થયેલાં ફાઉન્ડેશનને ચલાવવા માટે આજે હાથ લંબાવવો પડે અથવા ટાંચા સાધનો વડે સંઘર્ષ કરતા રહેવો પડે તે આખી ય બાબત જ આપણા નાગરિક સમાજ માટે તેમ જ શાસન માટે શરમજનક ગણાવી જોઈએ. જશવંત ઠાકરે તેમ જ ચંદ્રવદન મહેતાએ જિંદગીમાં ક્યારે ય પોતાના અંગત સ્વાર્થ માટે જાહેરમાં ફરિયાદો નહોતી કરી. તેમનો બધો જ કકળાટ કલા પ્રત્યે અસંવેદનશીલ શાસન તેમ જ કહેવાતા જાગરુક સમાજની સાંસ્કૃિતક અજ્ઞાનતા અને સુસ્તી વિરુદ્ધ હતો. આજે પણ ચિત્ર ખાસ બદલાયું નથી. આટલાં વર્ષોમાં ગુજરાતમાં પૈસો ખૂબ વધ્યો છે પણ રંગભૂમિને લઈને ચં.ચી. અને જ.ઠા.નાં જે સપનાં હતાં તે હજુ પણ અધૂરાં જ રહેવા પામ્યાં છે.
જશવંત ઠાકરે પોતાની કારકિર્દી દરમ્યાન ગુજરાતના અનેક કલાકારોને તેમ જ નાટ્યસંસ્થાઓને પ્રેરણા આપી. આજે ગુજરાતમાં પ્રતિષ્ઠિત થઈ ગયેલા કેટલા ય કલાકારો જશવંત ઠાકરના હાથ નીચે તૈયાર થયેલા છે. જશવંત ઠાકર જિંદગીમાં ક્યારે ય કોઈના મોહતાજ નહોતા. ‘જશવંત ઠાકર ફાઉન્ડેશન’ પણ એ જ સ્વાભિમાન જાળવી રાખી સમાજલક્ષી તેમ જ કલાત્મક નાટ્યપ્રવૃત્તિમાં કાર્યરત છે અને રહેશે. ગુજરાતના કલાકારોમાં જ્યાં સુધી સામાજિક નિસબત સાથેનાં કલાત્મક અને પ્રયોગશીલ નાટકો ભજવતાં રહેવાની ખેવના કાયમ રહેશે ત્યાં સુધી જશવંત ઠાકર પણ હંમેશાં અમર રહેશે.
e.mail : bharatdave50@yahoo.co.in