લા.ઠા. : રમ્યઘોષાથી આંતરઘોષા
એમની કોલમકારી અને ગદ્યલેખન આપણા સમય સાથે કામ પાડવામાં સંવેદનસંબલ બની શકે એ બરનું
કવિ લાભશંકર ઠાકર ગયા ત્યારે ચાળીસીએ ઊભેલી એક મિત્રે કરેલું એનું પહેલું સ્મરણ પોતે ચોથા ધોરણમાં હશે ત્યારે એમનો જે પાઠ ભણવામાં આવેલો એનું-‘ચોંટડૂક…’નું કર્યું હતું. એનું બાલપાત્ર કેવું તો સત્યવક્તા છે અને એને મળેલી રકમ કૂવો ગળાવવામાં વાપરે છે, અને આ વારતામાં વળી પરીની પણ હાજરી અને કામગીરી છે એ એણે હોંશે હોંશે સંભાર્યું હતું. દેખીતી રીતે જ ‘રે મઠ’ના વારાથી લાભશંકરની જે ઓળખ બની હશે એના કરતાં આ એક જુદી છાપ છે.
શું એમાં ‘કૉન્ટ્રાડિક્શન’ છે? આ લખું છું ત્યારે લાઠાને જાણે બોલતા સાંભળું છું કે ‘યસ, લાઠા કૉન્ટ્રેડિક્ટ્સ હિમસેલ્ફ!’ મનમરજીના માલિક – એક વાર એમને મેં કવિ મનસ્વી પાટડીવાળા તરીકે ઓળખાવ્યા હતા – લાઠા આજે રણજિતરામ ચંદ્રક નકારે પણ ખરા અને આવતી કાલે સ્વીકારે પણ ખરા. પણ ‘કુમાર’માં ઘડાઈ બચુભાઈ રાવતને ‘રે મઠ’ મિજાજમાં ફાંસીએ ચડાવી શકાતા લાભશંકરને તમે બચુભાઈના અમૃતમિલાપનું આયોજન કરતા પણ જુઓ તો એમ માનવાનું મન થાય કે એમના પ્રયોગો જ્યારે વ્યુત્ક્રાંન્તિના લાગ્યા ત્યારે પણ, ભલે વાયા વ્યુત્ક્રાન્તિએ ઉત્ક્રાન્તિ ભણીના હશે, અને ઉપશમે કરીને સમુત્ક્રાન્તિના.
લાભશંકર નામનું આ જે એક ઉખાણું તે સિત્તેર આસપાસનાં એક સનન્નારીના આ દિવસોના સહજ ‘સુમિરન’ની સહાયથી છોડાવવાની કોશિશ કરવા જેવી છે: ‘આકંઠ સાબરમતી’ની એક બેઠકમાં લાભુભાઈએ પોતાના એક અંગત વલણની વાત કરી હતી. એમણે કહ્યું કે એવું માનનારા ય લોકો છે કે કોઈ પણ ભિખારીને ભિક્ષા આપવી જોઈએ નહીં, કેમ કે કોઈની ય ભિક્ષાવૃત્તિને પ્રોત્સાહન ન અપાય. પણ હું મારી પાસે ભીખ માગનારા એકેએક ભિક્ષુકને કંઈને કંઈ આપું છું. કેમ કે મારો તર્ક એવો છે કે જે માણસને ભીખ માગવી પડે એની લાચારી હશે? લાચાર ન હોય એ તો ભીખ જ ન માગે ને ભીખ માગનારની લાચારીને તમે વધુ ઘેરી ને દુ:ખદ જ બનાવો છો જ્યારે તમે એને ભિક્ષામાં કંઈ આપતા નથી. હું કોઈ જ અભાવગ્રસ્ત લાચારીની દુ:ખદ લાગણીને ઊંડી કરવા નથી માગતો ને એટલે કે પ્રત્યેક ભિક્ષુકને યત્કિંચિત દાન કરું જ છું.
વાર્તાકાર સુવર્ણાનું આ લાભ-સુમિરન ઉતારું છું ત્યારે લાભશંકરની કોલમકારીની દૃષ્ટિએ સ્મૃિતમાં અવગાહન કરવાનું મન થઈ આવે છે. હરિશ્ચંદ્ર ભટ્ટનો કાવ્યસંગ્રહ ઉમાશંકરે સંપાદિત કરી રસિકજનસુલભ કર્યો ત્યારે કાકાસાહેબે થોડું જીવન અને સમાજચિંતન કરવાની તક ઝડપી હતી. એનો ઉલ્લેખ કરીને કાકાસાહેબે એ મતલબની ટિપ્પણી કરી હતી કે આવું સાંભળવાનું બને ત્યારે ત્યારે મનમાં ગ્લાનિ થાય છે. આપણા સમાજના એક પ્રતિનિધિ તરીકે હું પોતે જ બેદરકારીના પ્રતિનિધિ તરીકે ગુનાગાર હોઉં એવું દુ:ખ થાય છે. દુનિયાભરના શાસ્ત્રોએ કહ્યું છે કે આત્મહત્યા એ મહાપાપ છે. જો એ વાત સાચી હોય તો એ પાપ આત્મહત્યા કરનારને ચોંટે છે એના કરતાં સમાજને વધારે ચોંટવું જોઈએ, કેમ કે એવી આત્મહત્યા માટે ઘણી વાર સમાજરચના અને સમાજનું માનસ જ જવાબદાર હોય છે.
હરિશ્ચંદ્ર ભટ્ટ કૃત ‘સ્વપ્નપ્રયાણ’ વિશે લખતાં લાભશંકરે કાકાસાહેબની આ ટિપ્પણી એમની કોલમમાં સંમતિપૂર્વક ઉતારી હતી. એમના ભિક્ષુકચિંતન અને આ ટિપ્પણી બંનેને સાથે મૂકીને જોઈએ તો એમાંથી અનુકંપા, સહાનુકંપા, સમસંવેદનથી સિક્ત સમાજચિંતન અથવા સામાજિક નિસબતનો એક રણકો નિ:શંક ઊઠવા કરે છે. લાભશંકરની શ્રદ્ધાંજલિસભામાં ચંદ્રકાન્ત ટોપીવાળાએ પ્રમુખપદેથી એમની કાવ્યયાત્રાને ‘વહી જતી પાછળ રમ્યઘોષા’થી આરંભી કવિના ખુદના શબ્દોમાં ‘આંતરઘોષા’માં વિરમતી (કે વિલસતી) કહી હતી. રમ્યઘોષાથી આંતરઘોષા લગીની આ યાત્રા ચોક્કસ જ કોઈ સુરંગ કે બોગદામાંથી – શું કહીશું એને, ‘પર્ગેટોરિયો’માંથી – પસાર થઈ હોવી જોઈએ. ન કવિ, ન વિવેચક એવા મને આવું વિધાન કરવાનું સાહસ (અને કંઈક સમજ) એમની લાંબી કોલમકારી થકી મળે છે એ માટે તરત જ કહી દેવું જોઈએ.
નમૂના દાખલ, રમ્યઘોષાથી આંતરઘોષાના વચગાળાની પ્રક્રિયાની ખોજસમજના હું ‘પ્રવાહણ’ દીર્ઘકાવ્યનું સ્મરણ કરવા ચહું. અહીં હું એ આખું નહીં ટાંકતા માત્ર સાર રૂપે કહું કે આ કાવ્યમાં મળોત્સર્ગની લગભગ જુગુપ્સા જગવતી ક્રિયાની જોડાજોડ (‘જક્સ્ટાપોઝ’ કરવાની રીતે) કાવ્યોત્સર્ગ કહેતાં સર્જનની ચિત્રણા થયેલી છે. કવિ પાછા આવું બધું કહેતે કહેતે ‘લેટ મી સ્ટૉપ ફૉર અ મિનિટ!’ એવું પણ કહે. (ટાગોર હૉલમાં એમણે કરેલું પઠન આ ક્ષણે સાંભળું છું.) ગમે તમે પણ આ ‘લેટ મી સ્ટૉપ ફૉર અ મિનિટ! સાથે મને થતો ઝબકારો એમની ‘એક મિનિટ’ અને ‘ક્ષણ-તત્ક્ષણ’ એ જનસત્તા દિવસોની કોલમકારીનો છે.
‘પ્રવાહણ’ અને આ કોલમલેખન, એક જ દસકામાં લગભગ લગોલગ ચાલેલાં આવેલાં છે. જે બધા ઉત્સર્ગો, તે કોઈ નિ:સારવાદી બંસીબોલ નથી પણ એમાં રચના પડકારનો કશોક અજંપો, કશીક ખોજ, કશોક દિશાબોધ પણ પડેલા છે, કેમ કે કાવ્ય રચનાનો ધક્કો આખરે તો અનુભૂતિની એ તીવ્રતામાંથી આવેલો છે કે ‘વનમાં/મનમાં/તનમાં/ધનમાં/સળગતા/રાજમાં/વૈદેહી/મારી કાવ્યચેચન વલવલે’ આ વલવલાટને જેમ કલા અને સાહિત્ય વિશે તેમ રાજ્ય, ધર્મ અને સાહિત્ય વિશે તેમ રાજ્ય, ધર્મ અને શિક્ષણ વગેરે વિશે વ્યક્ત થવાની સગવડ કોલમલેખન થકી સુલભ ગદ્યકારીએ આપેલી છે.
સહેજ ખસીને કહું કે હમણાં રૂસી લેખિકા સ્વેતલાનાને નોબેલ પારિતોષિક અપાયું તે વાર્તા-કવિતા નહીં પણ ગદ્યલેખનનું છે. પ્રજાને રાજ્યાદિ થકી જે વેઠવાવારો આવ્યો એના, પ્રત્યક્ષ અભ્યાસનિષ્ઠ સુદીર્ઘ રિપોર્તાજ તે સ્વેતલાનાનો વિશેષ રહ્યો છે. લાભશંકર કવિ મોટા, ઉમાશંકર-સુંદરમ, રાજેન્દ્ર-નિરંજન એમ લાભશંકર-સિતાંશુ કવિયુગ્મ એક પ્રતિમાન ખરું, પણ એમની કોલમકારી અને ગદ્યલેખન (અને કે પેલું પદ્યલેખન ઝમતે ઝમતે) આપણા સમય સાથે કામ પાડવામાં સંવેદનસંબલ બની શકે એ બરનું.
નાટ્યકાર હેરોલ્ડ પિન્ટરને 2005નું નોબેલ મળ્યું ત્યારે એમને અંગેની અધિકૃત અભિવાદન નોંધમાં એમને જેમ ‘પોલિટિકલ પ્લેરાઇટ’ તેમ ‘પબ્લિક ન્યુસન્સ’ કહેવાયા હતા. પિન્ટર એક નમૂનેદાર ‘ન્યૂસન્સ’ એ વાસ્તે હતા કે કલાવિધાનમાં શું વાસ્તવિક છે અને શું અવાસ્તવિક છે એ બે વચ્ચે કે સત્ય અને અસત્ય વચ્ચે પણ ચોખ્ખા ભેદ ન હોય તો પણ નાગરિક તરીકે મારે પૂછવું જોઈએ કે સાચું શું છે, ખોટું શું છે. લાભશંકરની કોલમકારીમાં સ્વેતલાના તરેહનો વ્યાપ અને સઘન કામગીરી ન હોય પણ એમાં સમાજનિસબતના સ્ફુિલંગો તમને સતત મળશે. રમ્યઘોષાથી આંતરઘોષાના પુણ્યોદકમાં આ તો લગરીક ડૂબકી …
e.mail : prakash.nirikshak@gmail.com
સૌજન્ય : ‘સ્મરણાંજલિ’, “દિવ્ય ભાસ્કર”, 16 જાન્યુઆરી 2016