આશા ચૂંટે છે પોતાને માટે એક નાનકડો શબ્દ
’કદાચ’
જયારે એમ થાય છે અધરાતે કે
હમણાં બારણું ખટખટાવશે વરદીધારી,
કોઈ ન કરેલા ગુનાની તપાસ અર્થે,
ત્યારે અંધારા ખૂણામાં
પાળેલી બિલાડી પેઠે ભરાઈ જાય છે આશા,
એમ માનીને કે બહાર હશે ખાલી હવા
કદાચ.
ફૂલોથી લદાયેલા શંકાસ્પદ દેવની સામે થતી
કાન વીંધતી આરતી ને કીર્તનમાં
અને
ઘી-તેલની ચીકણી ગંધમાં
કોઈ ભૂલી જવાયેલા મંત્રની જેમ
સળવળે છે આશા,
કાચાપાકા નૈવેદ્ય અને કચકચતી ભક્તિની નીચે
બચેલી
પડી રહી હશે થોડીક પ્રાચીન પવિત્રતા.
જ્યારે એમ થાય છે કે
ભીડથી ઊભરાતી સડક પર
સામેથી ધસી આવતી
બેકાબૂ બેરહમ ટ્રક
કચડી નાખીને ચાલી જશે,
પેલી કોણ જાણે ક્યાંથી આવી પહોંચેલી બાલાને;
એ વેળા આશા
કોઈ ખખડી ગયેલી ડોસીની જેમ
કોણ જાણે ક્યાંથી ઝાપટ મારીને
તેને ઉપાડીને લઈ જશે,
નિયતિ અને દુર્ઘટનાની શણગારેલી દુકાનની ચીજવસ્તુઓને
વેરણછેરણ કરી નાખીને.
’કદાચ’ છે એક શબ્દ,
જે શૈશવકાલે ખેલતી વેળા ખર્યો હતો
ફૂલની જેમ એકાએક
પુષ્પાચ્છાદિત વૃક્ષ પરથી .
’કદાચ’ છે એક પથ્થર,
જે કોકે જોરથી માર્યો હતો,
પરીક્ષામાં સારા ગુણ ન મળવાથી ખિન્ન થઈને.
’કદાચ’ તો છે એક બારી,
જેમાંથી જોઈ હતી
ધૂંધળી થતી જતી પ્રિય છવિ.
’કદાચ’ છે એક બળ્યા વગરનું અસ્થિ,
મિત્રના શબને દાહ દીધા પછી
અમે ચિતા પાસે જ ભૂલી આવ્યા હતા એને
અને આજ સુધી કોઈ નદીમાં જેને સરાવી શક્યા નથી .
આશાએ ચૂંટ્યો છે
એક રઝળી પડેલો નાનકડો શબ્દ.
’કદાચ’.
(અનુવાદક : ધીરેન્દ્ર મહેતા)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2016; પૃ. 19