સાવરણીએ ઝપટાયેલો જરકશી જામો જોઈ લો!
ગિલેટ જેમ જ ગરી ગયાં સોનેરી નામો જોઈ લો!
ભીમનું ભાણું હળવું કરતો શકુનિ-મામો જોઈ લો!
તમાશાનું તેડું છે – મૂકી પડતાં કામો – જોઈ લો!
બૂંધિયાળ આડો ઊતરેલો બિલ્લો-ઓબામો જોઈ લો!
‘રઘુપતિ રાઘવ …’ રાખ વડે ઊટકાતાં ઠામો જોઈ લો!
ખુલ્લી ચકલી બંધ થશે શું ભડભડ બંબો બૂઝશે?
આખું કોળું શાક મહીં શું જતાં જતાં યે બચી જશે?
મુનશી ને કોઠારી જેવો નિપુણ રામો જોઈ લો!
પાણીમાં પતાસાં તળતો ખાનસમો જોઈ લો!
સાવરણીએ ઝપટાયેલો જરકશી જામો જોઈ લો!
‘રઘુપતિ રાઘવ …’ રાખ વડે ઊટકાતાં ઠામો જોઈ લો!
સડસઠ ઉંબર ઠેક્યા કેડે અડસઠ તીરથ જાતરા,
ત્રણનું ત્રેખડ સૂન શિખરનાં રચે ચઢાણો આકરાં,
કાશીને કરવત મેલાવે એવો વિસામો જોઈ લો!
મફલરનો બુનનારો ચૂંથશે હાડચામો જોઈ લો!
સાવરણીએ ઝપટાયેલો જરકશી જામો જોઈ લો!
‘રઘુપતિ રાઘવ …’ રાખ વડે ઊટકાતાં ઠામો જોઈ લો!
11/02/2015