શનિવારની સવારે : ક્યાં ગયો એ શિયાળુ તડકો જ્યારે નેહરુ અને લોહિયા માથાદીઠ આવક કેટલા આના એની ચર્ચા કરતા
એમને અભિનંદન આપીએ, જરૂર આપીએ. હટ્રિક અલબત્ત મોટી વાત છે, અને બેઠકો ૨૦૦૨ કરતાં ઉત્તરોત્તર ઓછી થતી આવતી હોય તો પણ એન્ટિ-ઇન્કમ્બન્સીનો કોઠો ભેદનારને નાતે શીલા દીક્ષિત અને તરુણ ગોગોઈની પેઠે નરેન્દ્ર મોદી પણ જરૂર સિકંદર છે, અને પોતે હિંદનું મુકદ્દર હોવાનો દાવો કરી શકે તેવો જણ છે.
છેક “ન્યૂયાર્ક ટાઇમ્સે” અને “ટાઇમ મગેઝિન” પણ (મુખપૃષ્ઠ પરની પીઆર પેરવીની રીતે નહીં પણ) સમાચાર મૂલ્ય તરીકે ગુજરાત માહેલી મોદી ઘટનાની વિજયનોંધ લીધી છે. “ટાઇમ મેગેઝિને” તો નમોના એ બ્લાગની લિંક પણ આપી છે. જેમાં એમણે વિકાસ, વિશ્વાસ, વિજયની ત્રિમંત્રી ભૂમિકાએ 'આગે કદમ’નો ઉદ્દઘોષ કર્યો છે. 'વિકાસ’ એ અલબત્ત મોદીનો પ્રિય પ્રયોગ છે.
૨૦૦૨ના બટ્ટામાંથી નીકળી જવાની દૃષ્ટિએ (તલાવગાહી, તપાસ અને આત્મનિરીક્ષણથી નિરપેક્ષપણે) એના વ્યૂહાત્મક મૂલ્ય વિશે 'ઊંધે ઘડે પાણી’ની નિયતિ સાથે ગુજરાતમાં કંઈક બોલાતું અને લખાતું પણ રહ્યું છે. પણ ગુજરાતમાં અને ગુજરાત બહાર નમો જે ક્ષેત્રવિસ્તારને અગર કાન્સ્ટિટયુઅન્સીને સંબોધીને વિકાસવાર્તા માંડે છે એને સંબંધ છે ત્યાં સુધી વિકાસનો અર્થ આર્થિક વિકાસ છે, અને એમાં આવીતેવી કોઈ આગળપાછળની આડીતેડી ચર્ચાને સારુ રજ પણ અવકાશ નથી.
વૃદ્ધિ અને વિકાસની ચાલુ ચર્ચામાં તમે માનવ વિકાસ આંક જોડો અગર તો જીડીપી પોતે થઈને બેહદ એટલે કે બેહદ અપૂરતી બાબત છે એવી સાદી સમજનો મુદ્દો છેડો તો વિવેકવ્યૂહવશ તમને સાંભળી તો લે પણ તમારી સામે એવી આંખે જુએ જેવી કોઈ લશ્કરી કપ્તાન, લશ્કરમાં ડાબાજમણી એક દો કરતે કરતે કતાર બહાર ચાલી ગયેલા સૈનિકની સામે કરતો હોય છે. નમોની જેમ જ નીતિશકુમારનું યે નામ લેવાતું હોય છે.
એનડીએની એ વૈકલ્પિક ગરજ પણ છે, અને ભાજપ પ્રવકતાઓને સારુ ગુરુવાર બપોર પછીનું સ્પિન ડાકટરું આ સંદર્ભમાં હતું પણ તંગ જીભ ઉપરની મુખચાલ જેવું : ગુજરાતના મોદીવિજયને એવો માપબહાર ન વધાવવો કે જેથી પક્ષના બીજા વડાપ્રધાનપદવાંચ્છુઓને તેમ જ સાથી પક્ષોના નીતિશ જેવાઓને માઠું લાગે. અરુણ જેટલી-સુષ્મા સ્વરાજની દફતરી ગુફતગૂ પછી શેષાદ્રિ ચારી વગેરેને મળી રહેલી ક્યુ એથી સ્તો 'મોડેસ્ટ વિકટરી’ની તરજ પર ચાલવાની હતી.
ગમે તેમ પણ, નમો-નીતિશ સહિતના એનડીએના આ વિકાસપુરુષોની ખિદમતમાં કોઈકે પૂછવું રહે છે કે વિકાસની તમારી વ્યાખ્યામાં ગાંધીદીધા તાવીજવાળો પેલો દીનહીન એવો છેવાડાનો જણ ક્યાં છે ? જેને ગુજરાત મોડેલ કહેવામાં આવે છે એમાં અને નરસિંહરાવ-મનમોહનસિંહે લીધેલા નિયો લિબરલ રાહમાં છે કોઈ તાત્ત્વિક તફાવત ? કથિત સાંસ્કૃિતક રાષ્ટ્રવાદને સારુ જેમ 'ધ અધર’ તેમ નિયો લિબરલ વિકાસવ્યૂહને સારુ આ દીનહીન જણ હાંસિયે હડસેલવાનું વાનું છે.
ગુજરાતમાં અને બીજે જે આ બધા વિકાસપુરુષો (મતદાનપ્રાપ્ત સંમતિ સહ) ઉભરી રહ્યાં છે એ સૌ અને નિયો લિબરલ આર્થિક પ્રવાહોની પેદાશ રૂપ નવ્ય મધ્યમવર્ગ એકમેકના કાયલ તેમ જ હેવાયા છે. વિકાસની કિંમત ચૂકવવી પડે છે. એ તો આ સૌ સ્વીકારશે પણ એ કિંમત અલબત્ત બીજાઓએ ચૂકવવાની છે તે વિશે એમના સૌમાં અદ્દભુત એટલે કે અદ્દભુત સંમતિ પ્રવર્તે છે. પૂછો મહુવાના ખેડૂતોને અને એમના દેખીતા પરાજયે પ્રકાશિત નેતા કનુ કલસરિયાને. વિકાસના વેશમાં સેંજળ ધરાને બિનઉપજાઉ જમીનમાં ઘટાવી કોર્પોરેટ ક્ષેત્ર સમક્ષ બલિરૂપે ધરવામાં આવે છે, અને સ્થાપિત પક્ષોને મહુવાના ખેડૂતોના સાચા પ્રતિનિધિ સારુ જગ્યા કરવાની તમા નથી.
આ આખી પ્રક્રિયા (જેમાં ભારતનું એકે રાજ્ય અપવાદ નથી), નવ્ય મધ્યમવર્ગી ધનિકશાહી અને જૂની ધનિકશાહી તેમજ શાસનશાહી સાથે મળીને પોતાનો એ ખેલ પૂરો પાડતી હોય છે. જેમાં દીનહીન જણ એ વિમર્શનો વિષય નથી. માથાદીઠ આવક કેટલા આના, રિપીટ, આના છે એવો સવાલ રામ મનોહર લોહિયાએ નેહરુના શાસનકાળમાં ઉપસ્થિત કર્યો હતો. પણ વિકાસનો જે વેશ, એમાં નવ્ય મધ્યમવર્ગને અને એના જનમનલુભાવન નેતૃત્વને સારુ આ આનાપાઈ કિસ ગિનતી મેં એવો ઘાટ છે અને લવરમૂછ લિટરસી એને વળી નેહરુ શું અને લોહિયા શું.
મહુવા કૂચે જેમ પારડી ખેડ સત્યાગ્રહ પછીના અનન્ય લોકઆંદોલનનું ઉદાહરણ તાજેતરનાં વરસોમાં પૂરું પાડયું છે તેમ હાલના માહોલમાં આવી ચળવળોનું પ્રભાવક પ્રતિનિધિત્વ ચૂંટણી પરિણામમાં રૂપાંતરિત નથી કરી શકાતું એનુંયે ઉદાહરણ આ દિવસોમાં પૂરું પાડયું છે. ચવાઈને કુટયો થઈ ગયેલ પત્રકારી પ્રયોગને સહારે કહેવું હોય તો આ એક નેત્રદીપક બીના છે.
અરે ભાઈ, બહુ તાત્ત્વિક તપાસમાં ન જવું હોય તો ગમે તે રાજકીય સમીકરણોસર નેનો અને મારુતિ સુઝુકી સરખી બે બિલકુલ 'શો કેસ’ લાયક મતભૂમિઓએ સત્તાપક્ષને યારી ન આપી એ તો જુઓ. તમારાં સૂચિત નંદનવનો સ્થાનિક નિવાસીઓને કેમ સોરવાતાં નથી, કંઈક તો વિચારો. વાત એમ છે સાહેબો કે રાજ્ય અને કોર્પોરેટ પરિબળો વચ્ચેની સાંઠગાંઠ થકી એક પ્રકારે ધનિકશાહી શાસનશાહીનો (પારિભાષિક છૂટછાટ સાથે કહીએ તો 'પ્લુટોક્રસી’નો) યુગ જાણે કે આવી રહ્યો છે. એના સંદર્ભવ્યૂહો પણ વિલક્ષણ પ્રકારે કાળગ્રસ્ત અને દિગ્ભ્રમિત કરનારા હોય છે.
તમે કુપોષિત બાળકોનો પ્રશ્ન ઊભો કરો તો પ્લુટોક્રસીના વૈખરી છૂટા બડકમદારો કહેશે કે આપણે તો કૂતરી વિયાય ત્યારે શીરો ખવડાવનારા (અને પાછા કીડિયારું પૂરનારા), અહીં વળી કુપોષિત બાળકો તો હોય જ શાનાં. હશે ભાઈ, શરૂઆત સિકંદરથી કરી તો સમેટીએ પણ સિકંદરથી. વિજયી સિકંદરે શિયાળુ સવારે દાર્શનિક ડાયોજીનસને પૂછયું : શું સેવા કરું આપની ? ડાયોજીનસે કહ્યું : રાજા, આઘો હટ અને તડકો આવવા દે. શનિવારની સવારે ઉમેરવાનું એટલું જ કે આટલું કહેવા વાસ્તે દાર્શનિક હોવાની જરૂર નથી. નાગરિક હોવું પૂરતું છે.
(સૌજન્ય: “દિવ્ય ભાસ્કર”, Dec 22, 2012)