Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9330527
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાત દરિયા વીંધીને … મોતીડાંના દેશમાં

વિપુલ કલ્યાણી|VK - Ami Ek Jajabar|5 June 2015

આપણા લોકલાડીલા કવિ ઝવેરચંદ મેઘાણીએ, સન 1929ના અરસામાં, ‘કિલ્લોલ’ નામે કાવ્યસંગ્રહમાં એક બાળકાવ્ય લીધું છે. 1922 દરમિયાન લખાયેલું આ બાળગીત ‘દાદાજીના દેશમાં’, દાયકાઓથી માણતો રહ્યો છું. દાદાજીના દેશથી દૂરસુદૂર જન્મ, ઉછેર થયો હોવાને કારણે એ કાવ્યનું એક અલાયદું પરિમાણ પણ અમને રહ્યું છે. કવિની આ પંક્તિ, ચાલો, જોઈએ :

સાત દરિયા વીંધીને વ્હાણ હાલશે,
નાગ-કન્યાના મ્હેલ રૂડા આવશે,
એની આંખોમાં મોતી ઝરતાં હશે,
હાં રે દોસ્ત ! હાલો મોતીડાંના દેશમાં.

બ્લાન્ચ રોચ દ’સૂઝાકૃત ‘હારનેસીંગ ધ ટ્રેડ વીન્ડ્સ’ નામની એક ચોપડી નાયરોબીસ્થિત પ્રકાશન સંસ્થા ‘ઝેન્ડ ગ્રાફિક્સ’ દ્વારા તાજેતરમાં પ્રગટ થઈ છે. વરસાદી વાયરાઓના સહારે સહારે, સૈકાઓથી, આફ્રિકાના ઊગમણા કાંઠા વિસ્તારના મુલકો સાથે હિંદનો જે વેપારવણજ થતો રહ્યો છે, તેની ઐતિહાસિક સામગ્રી અને દાસ્તાઁ આ ચોપડીમાં ભરી પડી છે. કેન્યામાં જન્મેલાં અને ઉછરેલાં બ્લાન્ચ રોચ દ’સૂઝાએ કરાંચી ને મુંબઈમાં શિક્ષણ લીધેલું તથા શિક્ષક થવાની તાલીમ મેળવી હતી. ગ્રંથાલય વિજ્ઞાનનો ઉચ્ચ અભ્યાસ તેમણે કેન્યામાં આટોપીને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાની લાયબ્રેરી ઑવ્ કાઁગ્રેસમાં વરિષ્ટ સૂચિકાર તરીકેની સેવાઓ ય આપી છે. આ પુસ્તકનાં અધ્યયન-સંશોધન માટે બ્લાન્ચબહેને નાયરોબી, ઝાંઝીબાર, મુંબઈ તેમ જ ગોવાના વિવિધ દફ્તર ભંડારોમાં સારો એવો વખત પસાર કરેલો છે.

હિંદી મહાસાગરમાં, સૈકાઓથી, વેપારવણજ સારુ આરબો, અંગ્રેજો તેમ જ ફિરંગીઓ વચ્ચે ચડસાચડસી થતી રહેલી, તેમ ઇતિહાસ નોંધે છે. તેની જ પછીતે વેપારવણજ, કામદારો અને વસાહતીઓનાં સ્થળાંતરની વિધવિધ કથાઓ આલેખાતી રહી છે. આથીસ્તો, તેની જ ચોપાસ, ‘તપખીરિયા આદમી’ની રોમાંચક દાસ્તાઁને કેન્દ્રસ્થ રાખવાનો ઉજમાળો પ્રયાસ આ લેખિકાએ કર્યો છે. આરબો અને હિંદી લેખકોની અને ઇતિહાસકારોએ લખી સામગ્રીઓ લેખિકાને જૂજ જ મળેલી. ઇતિહાસ સાથે જાણે કે આપણને કોઈ સ્નાનસૂતકનો વ્યવહાર પણ નથી, એમ આજે ય જ્યાં આપણે માનતા હોઈએ, ત્યારે તે વેળાની આપણી ઉદાસીનતાઓ અને ઉપેક્ષાઓ પ્રત્યેનો રંજ હોવા છતાં, તે સમજાય છે.

“ધ ઇસ્ટ આફ્રિકન”ની તાજેતરની એક પૂર્તિમાં, કેન્યાના એક વિચારક લેખક વામ્બૂઈ મ્વાન્ગી લખતા હતા : ‘રોટલી સાથેનો આપણો સંબંધ કેવો મજેદાર છે ! આપણે પૂરી સ્વસ્થતા સાથે એમાં ચેવડો ભરીને આરોગીએ છીએ. મટોકે(કાચાં કેળાંની એક સ્વાદિષ્ટ વાનગી)ની જેમ, આપણે આફ્રિકાની જ વાનગી હોય તેમ જાણીને સમોસાં ય ઝાપટીએ છીએ. આપણા ખોરાકથી માંડીને આપણી વેષભૂષામાં, આપણા રાજકીય દૂરાચરણોમાં, આપણાં વ્યક્તિગત ગમાં-અણગમાંમાં, આપણા જીવનવ્યવહારમાં આપણને ચોમેર હિંદી અસર જોવા સાંપડે છે.’ નાયરોબીના સંગીતકાર એરિક વાઈનાઈનાએ ભારતીય સંગીતને આફ્રિકી પરંપરાનાના સંગીત સાથે મિશ્રણ કરીને આમ લોકોમાં લોકપ્રિય થયેલાં જે ગીતસંગીત આપ્યાં છે, તેને, ભલા, શું કહીશું ?

ગયા સૈકાના પાંચમા દાયકાના ઉત્તરાર્ધમાં, લેખિકા, એક વેળા, નાયરોબીના ઇન્ડિયન બજાર વિસ્તારમાં ખરીદીએ ગયાં હતાં. કરાંચીના બહોરી બઝારની પેઠે અહીં પણ તેમને દુકાનવાળાઓ ચોમેર જોવા મળ્યા. સરખાપણું ભાળતાં લેખિકાને થયું કે સંબંધીઓ થતા હશે. આમ તો તે સૌ સંબંધીઓ જ હતા, કેમ કે, તે સૌ એક જ મુલકમાંથી આવતા હતા. બંને દેશોમાં આ લોકોનું અંગ્રેજી ભારે નબળું હતું. બ્રિટિશ તાબા વિસ્તારમાં લાંબા સમયથી રહેવા છતાં, ભલા, આવું કેમ બનતું હશે ? પછી લેખિકાને સમજાયું કે એ સૌ પોતાના વારસા અંગે ઊંચો મત ધરાવતા હતા. પોતાની માદરી જબાન માટે તેમને ઊંડી લાગણી ય હતી. લેખિકાને આથી સવાલ રહ્યો : તો પછી તે લોકો અહીં આવ્યા કેમ હશે ?

પૂર્વ આફ્રિકાસ્થિત લેખિકા સિન્થિયા સાલવાડોરીએ, ‘વી કેમ ઈન ડાઉસ’ (આશરે બસ્સો ટન વજનના, અરબી સમદ્રમાંનાં વહાણો) નામે, ત્રણ ભાગમાં, ઐતિહાસિક પુસ્તકો આપણને આપ્યાં છે. તેમ ડાના એપ્રિલ સીડનબર્ગે, સન 1996માં, ‘મર્કનટાઈલ એડવેન્ચર્સ’ નામે એક પુસ્તક આપ્યું છે. આ પુસ્તકમાં નોંધાયું છે કે ઇતિહાસ, અલબત્ત, વિજેતાઓ દ્વારા લખાય છે, પરાજિતો વાટે નહીં. બ્લાન્ચબહેન, આથીસ્તો, સિક્કાની બીજી બાજુની શોધમાં રહ્યાં છે.

આજકાલ પશ્ચિમમાં વૈશ્વિકરણની જે વાતો થાય છે તે લગીર નવી નથી. અમર્ત્ય સેનના મત મુજબ, એ હજારો સાલથી અસ્તિત્વમાં છે. મુસાફરીઓ, વેપારવણજ, સ્થળાંતર, સાંસ્કૃિતક અસરોનો વિસ્તાર તેમ જ માહિતી તથા સમજણના ફેલાવામાં તેનો વિકાસ થતો રહ્યો છે. યુરોપ, અમેરિકા અને જાપાન જેવા દેશો સાથે વેપારવણજના સંબંધો કેળવવામાં હિંદી નસ્સલની કેટકેટલી પેઢીઓ અહીં અસ્તિત્વમાં હતી તેની પણ લેખિકા સ-આદર નોંધ કરે છે.

જંગબાર યાને કે ઝાંઝીબારમાં, 1884ના અરસામાં, સ્થપાયેલી પેઢી કાવસજી દિનશા ઍન્ડ બ્રધર્સની કામગીરી ગૌરવ અપાવે તેવી છે. તેનું વડું મથક જો કે એડનમાં હતું અને મુંબઈ, જીબુટી, બેનાદિર અને સોમાલિયાના પ્રદેશ વિસ્તારોમાં તે પેઢીનો પ્રભાવ બોલતો હતો. ઝાંઝીબારની બીજી પેઢી અબ્દુલહુસૈન ગુલામહુસૈન ઍન્ડ બ્રધર્સનો વિસ્તાર અમેરિકાના ડેટ્રોઈટ શહેર સુધી ચાલતો હતો. તે પ્રમાણે યૂસુફ નૂરભાઈ પિશોરી, ફઝલ એચ. નાસર, હુસૈની ધરમશી હસમાની, જાદવજી દેવજી, વાલજી હીરજી ઍન્ડ બ્રધર્સ, મોહમ્મદ ધનજી, બી. સિન્ઘો અપ્પુ, બન્દાલી હીરજી ઍન્ડ કમ્પની, કરીમજી જીવણજી ઍન્ડ કમ્પની, કાસમઅલી ઇસ્માઈલ ઍન્ડ કમ્પની, ઈસ્માઈલજી જીવણજી ઍન્ડ કમ્પની શા મોટાં મોટાં નામોની લેખિકા આપણને ફેર યાદ આપે છે. એ યાદી જોતાં વાંચતાં તો પોરસ ચડે છે અને તેના નશામાં છાતી અને પીઠ ટટ્ટાર બની જાય છે. વળી, મૂળજીભાઈ માધવાણી, નાનજી કાળીદાસ મહેતા, ચંદરિયા જૂથ, જટાણિયા જૂથની પેઢીઓ, કિસુમુના પાઠક પરિવારવૃંદની અને તેવી બીજી સેંકડો પેઢીઓની દેણગીને પણ સામૂકી બિરદાવાઈ છે.

તમે માનશો ? નાળિયેરી, ફણસ, જામફળ, કેરી, આમલી અને કાજુનાં વિવિધ વૃક્ષો; બાજરી, ચોખા, ઘઉં, જુવાર, તલ જેવાં જેવાં ધાન્યો; મોસંબી, લીંબુ, પપૈયાં, અંજીર, કેળાં, દાડમ, અન્નાનસ જેવાં ફળો;, ભીંડાં, રીંગણાં, કાકડી, રતાળુ, મરચાં, ભોંયસિંગ જેવાં જેવાં વિવિધ શાકભાજી ઉપરાંત આદુ, લસણ, કાંદાં, લીમડો, તુલસી, કપાસ વગેરે વગેરે ક્યાંથી આફ્રિકે પહોંચ્યાં હશે ?  દોસ્ત !  માથું ખંજવાળવાની કોઈ જ જરૂર નથી. આ અને આવાં બીજાંત્રીજાં વસાણા સમેત બીજું કેટકેટલું બધું હિંદ સરીખા મુલકો સાથેનાં આદાનપ્રદાનને કારણે અહીં સુલભ થયાં છે, એમ બ્લાન્ચબહેન ગૌરવભેર નોંધે છે.

વરસાદી વાયરે, વાંચક દોસ્ત, સાત સાત દરિયા વીંધીને, દાદાજીના દેશમાંથી મોતીડાંના દેશ ભણીની આ ખેપ વાટે જે આ લીલાલહેર જોવા અનુભવવા સાંપડી છે, તેની આ ગૌરવગાથા છે. 

ટૂંકામાં, આ ચોપડીએ કોઠો ટાઢો કરી આપ્યો છે.

Harnessing the Trade Winds : The Story of the Centuries-Old Indian Trade with East Africa, using the Monsoon Winds : Blanche Rocha D’Souza : ISBN 9789966712325 | 208 pages | 216 x 140 mm | B/W Illustrations | 2008 | Zand Graphics, Kenya | Paperback : Categories : History | Humanities & Social Sciences : £19.95

(૦૭.૦૭.૨૦૦૮)

સૌજન્ય : ‘લંડન કૉલિંગ’ નામે “જન્મભૂમિ – પ્રવાસી”માં પ્રગટ થયેલી લેખકની કટાર, “ઓપિનિયન”, 26 જુલાઈ 2008; પૃ. 05-06

Loading

5 June 2015 વિપુલ કલ્યાણી
← Manufacturing and Undermining National Icons : RSS Style
મોહનદાસનું મહાભિનિષ્ક્રમણ →

Search by

Opinion

  • પ્રેમને મારી નાખતી સંસ્કૃતિને જ મારી નાખો
  • ધૂલ કા ફૂલ : હિંદુ-મુસ્લિમ એકતામાં યશ ચોપરાનો નહેરુવાદી રોમાન્સ
  • મોંઘા ગુલાબના ઉપવનો
  • ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 
  • ઝૂફાર્માકોગ્નોસી : પ્રાણીઓ કેવી રીતે પ્લાન્ટ્સને દવાખાનું બનાવે છે!

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક
  • પૂજ્ય બાપુની કચ્છ યાત્રાની શતાબ્દી 
  • ગાંધીશતાબ્દી કેવી રીતે ઊજવીશું?

Poetry

  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…
  • એક ટીપું

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved