દરેકના જીવનમાં એવી ક્ષણ આવતી હોય છે, જે અંદરથી ઝકઝોરી દે છે. તમારા દિમાગને ધરતીકંપ જેવા આંચકા આપે છે અને જાતજાતના વિચારોની ત્સુનામી તમારા મનોભાવો, માન્યતાઓ, ધારણાઓ અને માનસિક સમીકરણો ઉપરાંત તમારી શ્રદ્ધા કે વિશ્વાસનો પણ સત્યાનાશ વાળી દેતી હોય છે. અલબત્ત, આ માનસિક વલોપાતને અંતે નવનીત રૂપે તમને નવી દૃષ્ટિ અને સમજ પણ સાંપડતાં હોય છે. આવી ઘટના તમને સાવ નવેસરથી જિંદગીને જોવાની અને જીવવાની શીખ તથા તક આપી જતી હોય છે. મોહનદાસ કરમચંદ ગાંધી નામના શરમાળ અને રૂપિયા કમાવા વિદેશ ગયેલા યુવાનના જીવનમાં એક એવી ઘટના બને છે, જે તેમને આગળ જતાં મહાત્મા બનવાનો માર્ગ પ્રશસ્ત કરી દે છે.
ગાંધીજીના આત્માને ઝકઝોરી નાખતી આ ઘટના ૭મી જૂન, ૧૮૯૩ના રોજ દક્ષિણ આફ્રિકામાં બની હતી. આ ઘટનાને ગાંધીજીએ પોતાની આત્મકથા 'સત્યના પ્રયોગો'ના બીજા ભાગના આઠમા પ્રકરણ 'પ્રિટોરિયા જતાં'માં સવિસ્તાર વર્ણવી છે. અબ્દુલા શેઠના કામસર ગાંધીજીને પ્રિટોરિયા જવાનું થયેલું. ડરબનથી પહેલા વર્ગની ટિકિટ લઈને ગાંધીજી પ્રિટોરિયા જવા રવાના થયા. ટ્રેન રાતે નવેક વાગ્યે નાતાલની રાજધાની મેરિત્સબર્ગ પહોંચી. જ્યાં એક ગોરા મુસાફરે ફરિયાદ કરતાં ટ્રેનના અમલદારે ગાંધીજીને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી ઊતરીને છેલ્લા એટલે કે જનરલ ડબ્બામાં જતા રહેવા જણાવ્યું, પણ ગાંધીજીએ પહેલા વર્ગની ટિકિટ હોવાની વાત કરીને પ્રતિકાર કર્યો. અમલદારે જાતે નહીં ઊતરો તો સિપાહી ઉતારશે, એવી ધમકી આપી ત્યારે ગાંધીજીએ પોતાના જીવનનો પહેલો સત્યાગ્રહ આદર્યો અને મક્કમ સ્વરે જણાવ્યું, "ત્યારે ભલે સિપાહી ઉતારે, હું મારી મેળે નહીં ઊતરું." આખરે સિપાહીએ તેમને ધક્કા મારીને નીચે ઉતાર્યા અને તેમનો સામાન પણ ઉતારી લીધો. ટ્રેન રવાના થઈ ગઈ છતાં ગાંધીજી બીજા ડબામાં જવા તૈયાર ન જ થયા. ગાંધીજી પોતાના ફેંકાયેલા સામાનને અડક્યા પણ નહીં અને વેઇટિંગ રૂમમાં જઈને બેઠા. શિયાળાની કડકડતી ઠંડીમાં આખી રાત વિતાવી. એ આખી રાત ગાંધીજીના મનમાં જે વૈચારિક ધમસાણ ચાલ્યું, તેનો ટૂંકસાર આપતાં ગાંધીજીએ લખ્યું છે, મેં મારો ધર્મ વિચાર્યો, "કાં તો મારે મારા હકોને સારુ લડવું અથવા પાછા જવું, નહીં તો જે અપમાનો થાય તે સહન કરવાં ને પ્રિટોરિયા પહોંચવું અને કેસ પૂરો કરી દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર દુઃખ પડયું તે તો ઉપરચોટિયું દરદ હતું. ઊંડે રહેલા એક મહારોગનું તે લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવાં અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો."
આમ, ૭મી જૂનની રાતે હડધૂત-અપમાનિત થયેલો મોહનદાસ નામનો યુવાન મહાભિનિષ્ક્રમણમાંથી પસાર થાય છે અને અન્યાય સામે લડવાનો મક્કમ નિર્ધાર કરે છે. અન્યાયના પ્રતિકાર રૂપે બીજા દિવસે ગાંધીજી જનરલ મેનેજરને ફરિયાદનો લાંબો તાર કરે છે, એટલું જ નહીં ટ્રેનમાં પહેલા વર્ગમાં મુસાફરી કરીને પ્રિટોરિયા પહોંચે છે. ડરબનથી નીકળેલા મોહનદાસ અને પ્રિટોરિયા પહોંચેલા મોહનદાસ વચ્ચે મોટો ફરક આવી ગયો હોય છે. મોહનદાસમાં સત્યાગ્રહના માર્ગે મહાત્મા બનવાનાં બીજ અંકુરિત થઈ ગયાં હોય છે, જે દક્ષિણ આફ્રિકા અને પછી ભારતમાં સામાન્ય લોકોની સ્વતંત્રતા, સ્વમાન, સમાનતા અને સામાજિક ન્યાય માટે આજીવન સંઘર્ષ કરીને મહાત્મા પુરવાર થાય છે.
બત્રીસ કોઠે દીવા કરનારા આવા ટર્નિંગ પોઇન્ટ દરેકના જીવનમાં આવે છે, પણ કોઈ નવેસરથી જિંદગી જીવવાના પડકારને ઝીલી લે છે, જ્યારે કોઈ આવી ઘટનાને દુઃખદ બનાવ કે અનુભવ ગણી લઈને તેને ભૂલી જાય છે. પડકાર ઝીલીને સંઘર્ષ કરનારા મહામાનવ બની જતા હોય છે અને આવી ઘટનાને ભૂલી જનારા લોકોને ઇતિહાસમાં કોઈ યાદ રાખતું નથી.
ક્યારે ય વિચાર્યું છે કે તમે કઈ કેટેગરીમાં આવો છો?
સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કોલમ, “સંદેશ”, 07 જૂન 2015
http://sandesh.com/article.aspx?newsid=3083798
e.mail : divyeshvyas.amd@gmail.com