તે દિવસે હું વહેલો ઊઠી ગયો, મિકીના ફોનથી. મેઘા ઊઠી ન જાય એટલે પલંગથી થોડો દૂર, બારી પાસે જઈને ઊભો રહ્યો. જો વહેલો ન ઊઠ્યો હોત તો ખિસકોલીઓ જોવા ન મળત. પહેલા મિકી પર ગુસ્સો આવ્યો, પણ ખિસકોલીઓ જોઈને થયું – ભલે કર્યો ફોન.
‘અલ્યા બેટરી … વોટ્સઅપ? કેવું છે યાર?’
ઘણાં વર્ષે મિકીનો આવો ફોન આવ્યો હતો. અમે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરતાં એટલે ખબર હતી કે એકબીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે, પણ આમ વાત તો ઘણા સમયથી નહોતી થઈ.
‘બહુ ટાઈમે …’ મેં કહ્યું.
‘ચવાયેલી વાતો ન કર … હું નવરોધૂપ નથી કે રેગ્યુલર ફોન કરતો રહું. હવે સાંભળ, હું ત્યાં આવું છું.’
‘ત્યાં એટલે ક્યાં? હું હવે બેંગ્લોરમાં નથી, કેનેડા છું, ખ્યાલ છે ને?’
‘હા ડફોળ, ખ્યાલ છે. ત્યાં જ આવું છું, તારા જ ગામમાં પરમદિવસે ફ્લાઈટ છે મારી. અને તારે ત્યાં જ રહીશ.
‘અરે પણ …’
‘પણ બણ કશું નહિ … મને ખબર છે તું પરણી ગયો છે ને બધું. નડીશ નહિ હું. એડ્રેસ મોકલ. અને લેવા આવવાની જરૂર નથી, હું પહોંચી જઈશ.’ મિકી ઉતાવળમાં હોય એવું લાગ્યું.
‘પણ આમ અચાનક શું થયું?’
‘ચિંતા ન કર … કોઈ મરી નથી ગયું. એક રેકોર્ડીંગનો કોન્ટ્રેક્ટ ફાઈનલ કરવા માટે આવું છું. તું જલદી મને બધું મોકલ … પરમદિવસે મળીએ.’
હું કંઈ બોલું એ પહેલાં મિકીએ ફોન કાપી નાખ્યો.
મેં બારી બહાર જોયું. બે ઝાડ વચ્ચેની જગ્યામાં નાનું બિલ્ડીંગ દેખાતું હતું. બંને ઝાડ સરખી ઊંચાઈનાં હતાં, પણ એક થોડું નમેલું, એક ટટ્ટાર. નવા નવા પ્રેમ પડેલા યુગલ જેવા લાગતા એ મને. તેમની ડાળીઓ આમ દૂર, પણ ચોરી-છૂપી એકબીજાને સ્પર્શવા મથતી. આજે વહેલો ઉઠ્યો તો ખ્યાલ આવ્યો કે રોજ સવારે ખિસકોલીઓ એ બંને ઝાડ પર ધમાચકડી કરતી હોય છે. સાતેક જેટલી હશે. અહીં આવ્યા પછી સમજાયું કે અહીંની ખિસકોલી સાઈઝમાં થોડી મોટી હોય છે. વળી તેમની પૂંછડી જાડી, એકદમ ફરવાળી. મેઘાના વિન્ટરજેકેટ જેવી. સવાર-સવારમાં આટલી બધી ધમાલ શેની છે એ હું કુતૂહલથી જોઈ રહ્યો હતો કે મેઘા ઊઠી.
‘બેબી … શું થયું? દૂર ના જઈશ મારાથી. ગેટ ઈન ધ બેડ!’ તેણે ઘેરાયેલી આંખો સાથે જ રોમાન્સ કર્યો.
‘કંઈ નહિ … ફોન.’
‘આ ટાઈમે?’
‘મિકીનો. મિહીર દેસાઈ. યાદ છે?’
‘ઓહ … સુપરસ્ટાર મિકી?’
‘યેસ. સુપરસ્ટાર મિકી. આવે છે અહીંયા.’
‘એટલે આપણા ઘરે?’
‘હા.’
‘તેં મને કહ્યું પણ નહિ?’
‘અરે મને જ હમણાં ખબર પડી.’
‘બેબી … આપણે બંને રહીએ છીએ અહીંયા. એટ લીસ્ટ એકવાર વાત કરવી ય તને જરૂરી ન લાગી?’
‘અરે પણ … મિકીને તું નથી જાણતી. મને બોલવાનો ચાન્સ જ ન આપ્યો.’
‘જાણું છું મિકીને … તારી પાસેથી જ હજારો વખત સાંભળ્યું છે. મિકી એટલે એક નંબરનો નફફટ, નાટકિયો, પ્લે-બોય, જે તને કોલેજમાં બુલી કરતો પણ બીજા છોકરાઓ તને મારી ન જાય એનું ધ્યાન રાખતો એટલે તને થતું એ તારો ફ્રેન્ડ છે.’
મને ગુસ્સો ચડ્યો.
‘મેઘા પ્લીઝ … ઈનફ.’
‘ઓકે. પણ મારી પાસેથી બહુ આશા ન રાખતો કે હું એની આગતા-સ્વાગતા કરીશ. એને ફર્નીચરની જેમ પડ્યા રહેવું હોય તો પડ્યો રહે. આઈ ડોન્ટ કેર.’
‘સવાર સવારમાં આવી નાની વાતમાં કેમ ઝઘડો કરે છે?’
મેઘા ચૂપ થઈ ગઈ. મેં ખિસકોલીઓ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. એક ખિસકોલી કોઈ દાણો પકડીને ચાવી રહી હતી. આજુ-બાજુ જોતી, પછી ચાવતી. એ ચાવતી ત્યારે તેનું આખું શરીર હલતું, જાણે કોઈએ તેમાંથી કરંટ પસાર કર્યો હોય.
‘બેબી …’
‘શું?’
‘સોરી … ખબર નહિ મને શું થઈ ગયું છે. મારે આમ બગાડવું ન જોઈએ. સોરી. નાવ કમ ટુ બેડ … હું ત્રણ ગણું ત્યાં સુધીમાં મારી કમર પર તારો હાથ નહિ હોય તો …’
‘તો શું?’
‘તો પછી લાંબા સમય સુધી ક્યાં ય હાથ નહિ અડાડવા દઉં … સમજી લેજે … વન, ટુ …’
મેઘા થ્રી બોલે એ પહેલાં જ હું એની બાજુમાં કૂદ્યો, અને મેં તેની કમર પર મારો હાથ રાખી દીધો.
*
સાલો મિકી. આટલાં વરસ થયા કોલેજને, પણ હજી મને ઓર્ડરો આપતો જ ફરે છે. આવા એક વિચારને કાપવા જ જાણે બીજો વિચાર ઊગી નીકળ્યો—મિકી આવે છે! મિકી દેસાઈ. ફેમસ સિંગર. સેલિબ્રિટી. કોલેજ ટાઈમથી જ બહુ પોપ્યુલર. લેડી-કીલર. છોકરીઓ મિકી પર કૂદતી, તેના અવાજ પર, તેની સ્ટેજ પ્રેઝેન્સ પર એ સૌ ફિદા હતી. મિકી યાદ આવે એટલે કોલેજનો એક કિસ્સો હંમેશાં યાદ આવે – તે સ્ટેજ પર ‘બોહેમિયન રેપસોડી’ ગાઈ રહ્યો હતો, હું ઓડિયન્સમાં હતો. મિકીના ગીત વખતે એક છોકરીએ સ્કર્ટ કાઢીને તેના પર ફેંકેલું. ખૂબ હો-હા થયેલી. સિક્યોરીટી બોલાવવી પડેલી.
મિકીએ તો બી.એ. પૂરું કર્યું અને તરત તેનું બેન્ડ શરૂ કરી દીધું. હું આગળ ભણ્યો, પીએચ.ડી. કર્યું. કેનેડામાં આવીને લિટરેચરનો પ્રોફેસર થયો, મેઘાને પરણ્યો. તે દરમિયાન મિકીએ એક પછી એક શિખરો સર કર્યા. નૅશનલ સેલિબ્રિટી તો બની જ ગયેલો, હવે ઈંટરનૅશનલ સેલિબ્રિટી બનવા તરફ જઈ રહ્યો હતો. તો જ આવે ને કેનેડા!
તે આવવાનો હતો પરમદિવસે, પણ મારા મનમાં તો હમણાંથી જ સતપત ચાલુ. મને દીવાલોને ખૂણે ચોંટેલા બાવા દેખાયા. યાદ આવ્યું—બાથરૂમનું સિંક બ્લોક થઈ ગયું છે અને પાણી ભરાઈ રહે છે. હું કોલેજથી આવી ગયો, મેઘા હજી બેંક પર જ હતી. મેં સાવરણી લઈને દીવાલને ખૂણેથી બાવા સાફ કર્યા. એકવાર આખા ઘરમાં કચરો વાળી નાખ્યો. ઍપ્લાયન્સવાળા ટેક્નિશિયનને ફોન કરી દીધો. તેણે આવીને બાથરૂમનું સિંક સરખું કરી દીધું. જતાં જતાં કહેતો ગયો, ‘સિંકની પૅનલમાં વાળ ભરાઈ રહે છે. ખરીને પૅનલમાં વાળ ફસાઈ ન જાય એનું બને ત્યાં સુધી ધ્યાન રાખો.’
પછી મેં ફ્રીજમાં રહેલી સડેલી, વાસી વસ્તુઓ ફેંકી દીધી.
સાંજે ઘેર આવી મેઘાએ બધું જોયું ત્યારે તે આશ્ચર્યમાં ગરક.
‘તને શું થઈ ગયું છે? આર યુ ઓકે?’
*
બરફના રેલા પરસેવાની જેમ ઝાડ પરથી નીતરી રહ્યાં હતાં. નમેલા ઝાડની ડાળ પરથી એક ખિસકોલી ટટ્ટાર ઝાડની ડાળ પર કૂદી, ભાગી, ઝાડની નીચે કરેલા ખાડામાં કશુંક દાટવા ગઈ. હું જોઈ રહ્યો હતો કે એટલામાં જ એક ગાડી ઝાડની પાછળના રોડ પર આવીને ઊભી રહી.
મિકી.
તે ઊતર્યો. સમાન કાઢ્યો. બે મોટી બૅગ અને એક હૅંડબૅગ. હું બહાર તેને ગ્રીટ કરવા ગયો.
તેને જોઈને મેં સ્મિત કર્યું, અને ભેટવા માટે હાથ આગળ કર્યા. મારા આગળ આવેલા હાથમાં મિકીએ તેની બૅગ્ઝ થમાવી દીધી, અને મારી પીઠ પર ધબ્બો માર્યો.
‘જાડિયો થઈ ગયો છે!’
હું તેને જોઈ રહ્યો. હજી એટલો જ ફિટ, હજી એવા જ લાંબા ઘૂંઘરાળા વાળ, હજી પણ ચાલમાં એવો જ ઉછાળ.
દરવાજા પર મેઘા ઊભેલી, ગ્રીટ કરવા.
‘હેલ્લો … નાઈસ મિટિંગ યુ.’ મેઘાએ પરાણે સ્મિત કર્યું.
મિકી ઝૂકીને મેઘાને ભેટ્યો. ‘મેઘા, રાઈટ?’
‘રાઈટ.’
મિકીની બૅગ્ઝ હાથમાં લઈને ઊભેલો હું એ બંનેએ ભેટતા જોઈ રહ્યો. શરીર પર ચડવા જઈ રહેલા મંકોડાને દૂર હડસેલીએ એમ મેં આવી રહેલાં વિચારોને દૂર હડસેલી દીધા.
‘સાલા … હજી એવો જ છે તું. હરામખોર.’ મેં હસતાં હસતાં કહ્યું. મિકી પણ હસ્યો. શું કરવું એ સમજાયું નહિ એટલે મેઘા પણ હસી.
‘ચલ … તું ફ્રેશ થઈ જા. થાકી ગયો હશે. આપણે ખાઈ લઈએ.’
‘શ્યોર.
મેં મિકીને ગેસ્ટ રૂમ બતાવ્યો. બાથરૂમ બતાવ્યું.
થોડીવારમાં અમે જમવા બેઠાં.
‘શું વાત છે યાર! તું તો સરસ સેટ થઈ ગયો છે.’ મિકીએ ફરી પીઠ પર ધબ્બો માર્યો. આ તેની આદત હતી. મજાક કરતો, વખાણ કરતો, અમસ્તી વાતો કરતો—કંઈ પણ હોય, આમ ધબ્બો માર્યા કરે. મને ખૂબ અકળામણ થતી. અત્યારે ય થઈ, પણ હમેશની જેમ હું થૂંક ગળી ગયો.
‘પણ તું તો હવે ઇન્ટરનૅશનલ સેલિબ્રિટી બનવા જઈ રહ્યો છે, કેમ?’
‘અરે ના ના. જેવું દૂરથી લાગે છે એવું કંઈ હોતું નથી. હું કોઈ ફિલ્મસ્ટાર થોડો છું. ભારત જેવા અભણ દેશમાં ઇંગ્લિશ મ્યૂઝિકનું બૅન્ડ ચલાવું છું. થોડા ઘણા લોકો સાંભળે છે. પણ ઇન્ડિયામાં ઝાઝો સ્કોપ નથી. લોકો હજી જગજિતસિંગ ફગજિતસિંગને જ સાંભળ્યા કરે છે. એટલે મને થયું કે બહાર ટ્રાય કરીએ.’ મિકીએ સૂપ ભરેલી ચમચી મોઢે માંડી.
‘શું વાત કરે છે! જગજિતસિંગ તો આનો ફેવરિટ છે.’ મેઘાએ મારી સામે જોતાં કહ્યું.
‘એ જ તો! ઇન્ડિયામાં બધા આના જેવા જ છે હજી.’ મિકી મારી સામે જોતાં હસ્યો. તેના મોંમાંથી થોડું સૂપ તેની કાબરચીતરી દાઢી પર રેલાયું.
મિકી આ બોલ્યો ત્યારે મેઘા પણ હસી. મને ન ગમ્યું. પણ મેં તરત પાણીનો ઘૂંટડો મારી લીધો.
‘સો મેઘા … મને કહે. તને કેવું મ્યૂઝિક સાંભળવું ગમે છે?’
‘ઓહ … મને મોસ્ટલી વેસ્ટર્ન મ્યૂઝિકનો શોખ છે. જેઝ, બ્લ્યૂઝ, ક્લાસિક રોક …’ મેઘાએ કહ્યું.
‘રિયલી?’
‘હા.’
પછી બંનેએ તેમના ફેવરિટ અંગ્રેજી સંગીતકારોની વાતો કરવા માંડી. જગજીતસિંગવાળો હું ચૂપચાપ ખાતો રહ્યો. બંને વાતોમાં એવા મશગૂલ થઈ ગયા કે ખાવાનું ભૂલી ગયા.
મિકી કેટલો ઝડપથી મેઘા સાથે હળી-મળી ગયો.
મને યાદ આવ્યું. પહેલીવાર મેઘા સાથે વાત કરતી વખતે મારે કેટલો પ્રયત્ન કરવો પડેલો! એમાં ય હું માંડ ‘હાઈ’ બોલી શકેલો. આગળની બાજી મેઘાએ સંભાળવી પડેલી. અને એક આ … સાલો મિકી!
મેઘાને મિકી પ્રત્યે જે અણગમો હતો એ જાણે હવામાં અલોપ થઈ ગયો હતો.
જમ્યા પછી મેં સાચવી રાખેલા, જૂના મોંઘા સ્કૉચની બૉટલ કાઢી.
‘અરે વાહ! આના વિશે તો તેં મને કહ્યું જ નહોતું.’ મેઘાએ મને કહ્યું.
‘હા … ગઈકાલે જ લાવ્યો. મિકી આવવાનો હતો એટલે.’ મેં બોટલનું ઢાંકણું ખોલ્યું. સ્કોચની તીવ્ર પણ નશીલી ગંધ અમારા નાકમાં પેસી ગઈ.
‘હું ગ્લાસ લઈને આવું છું.’ કહેતાં મેઘા ગ્લાસ લેવા કિચનમાં ગઈ.
‘મિકીએ મને જોઇને કહ્યું, ‘સાલા … તારી વાઈફ તો જો. તને તો લોટરી જ લાગી છે. એ કેટલી હૉટ છે, અને તું જો! પંતુજી.’
મને ગુસ્સો ચઢવા માંડ્યો.
‘તું અકળાઈશ નહિ. હું તો તને કૉમ્પ્લિમેન્ટ આપું છું. સુખી છે તું યાર. બીજું શું જોઈએ!’ મારો અકળાયેલો ચહેરો જોઈને મિકી તરત બોલ્યો.
મેં શ્વાસ લીધો.
‘તું ક્યારે … એટલે … તું હજી સિંગલ છે?’ મેં પૂછ્યું.
‘મારું ત્રણેક મહિના પહેલાં બ્રેક-અપ થયું. નિકિતા સાથે. તેં અમારા ફોટા પણ લાઈક કરેલા. હું હમણાં નવી રિલેશનશિપ માટે રેડી નથી. રિકવર થઈ રહ્યો છું. એટલે હમણાં તો આઈ એમ ટેકિંગ ઇટ ઇઝી. અડી અડીને છુટ્ટા, સમજ્યો?’ તેણે આંખ મારી. હું સમજ્યો. મને લાગ્યું કે મંકોડો હવે શરીર પર ચડી ગયો છે, મને ખબર નથી ક્યાં છે, હું મંકોડો શોધવા ફાંફાં મારું છું, મને મંકોડો મળતો નથી, શરીર પર કંઈક અકળાવનારું અનુભવાય છે, બસ.
મેઘા ત્રણ સ્કૉચ ગ્લાસ લઈને આવી. મેં ડ્રિન્કસ ભર્યા.
‘ચિયર્સ … ટુ ઓલ્ડ ફ્રેન્ડઝ.’ મિકી બોલ્યો.
‘ઍન્ડ ટુ ધ ન્યૂ.’ મેઘાએ ઉમેર્યું.
અમે સૌએ અમારા ગ્લાસ મોઢે માંડ્યા.
મિકીએ તેની વાત કરી—દસેક દિવસ માટે તે આવ્યો છે, કોઈ ઇન્ટરનૅશનલ સ્ટૂડિયો સાથે ડીલ કરવા.
‘સાંભળ … હોટલનો ખર્ચો મને પોસાય એમ નહોતો. અને મને ખબર હતી કે તું અહીં છે, એટલે આવી ચડ્યો. તને હું અહીં રહું તો વાંધો તો નથી ને?’ આઈ મીન, હું અડધા મહિનાનું ભાડું આપી શકું.’ મિકીએ ચહેરાના હાવભાવ બદલતાં કહ્યું.
હું કંઈ બોલું એ પહેલાં મેઘાએ કહ્યું, ‘ના ના, વાંધો નહિ. પ્લીઝ. ડોન્ટ ઇન્સલ્ટ અસ. તું આરામથી રહે. અમસ્તું ય અહીં કોઈ આવતું નથી. વિદેશમાં રહો એટલે એકલા જ હો. કોઈ આવે તો ઊલટાનું ગમે.’
મારી પાસે સૂર પુરાવવા સિવાય કશું હતું નહિ, એટલે મેં કહ્યું, ‘હા, તારું જ ઘર સમજ.’
‘થેંક યુ.’ મિકીએ કહ્યું અને ફરી ધબ્બો માર્યો.
હું એકઝાટકે મારું ડ્રિંક ગટગટાવી ગયો.
‘ચાલો … લેઈટ થયું છે. કાલે મેઘાને બૅંક છે, મારે કૉલેજ છે. તારે પણ કામ હશે. થાક્યો હશે. ઊંઘી જઈએ.’
‘હા શ્યોર … અચ્છા … કાલે મારે ડાઉનટાઉન તરફ જવાનું છે સવારે. મને કહેશો કેવી રીતે પહોંચવું?’
‘મારી બૅંક ત્યાં જ છે. હું તને ડ્રૉપ કરી દઈશ. ડોન્ટ વરી.’ મેઘા બોલી.
‘ઓકે. ગ્રેટ. ગુડ નાઈટ.’ અમે બધો સંકેલો કર્યો. મિકી ગેસ્ટરૂમમાં બંધ થઈ ગયો. હું અને મેઘા બેડરૂમમાં આવ્યા.
અમે એકબીજાની સામે જ, પણ એકબીજાની સામે જોયા વગર નાઈટડ્રેસ પહેર્યો.
‘તો?’ મેં કહ્યું.
‘શું તો?’
‘મને હતું કે મિકી તને અકળાવે છે, પણ તમે તો બેસ્ટ ફ્રૅન્ડઝ બની ગયાં છો.’
‘તું કેમ અકળાયેલો છે? તારે ખુશ ન થવું જોઈએ? મને થયું હું તારા ફ્રૅન્ડ સાથે સારી રીતે વાત કરીશ તો તું ખુશ થશે.’ તે બોલી.
‘હા, પણ આમ એકદમ ઘૂસી જવાની જરૂર નથી.’
‘ઘૂસી જવાની જરૂર? તું કહેવા શું માંગે છે! કેવી વાતો કરે છે સાવ!’ મેઘાથી હવે ન રહેવાયું.
હું ચૂપ થઈ ગયો. થોડી ક્ષણો બાદ મેં ધીરેથી કહ્યું, ‘સાંભળ. હું આ માણસને સારી રીતે ઓળખું છું. અને મને તેના પર જરા ય ભરોસો નથી.’
‘સીરિયસલી? પહેલા તો મિકીની વાતો કરતા તારી જીભ સુકાતી નહોતી. એ જે પણ કરતો, તને કૂલ લાગતું. તું જ તો લઈ આવ્યો સ્કૉચ, મેં કીધેલું? અચાનક કોણ જાણે શું થઈ ગયું છે! હવે અમને બંનેને એક જ પ્રકારનું મ્યૂઝિક ગમે છે અને તને એ નથી ગમતું તો એ કંઈ બહુ મોટી વાત નથી. અને એ થોડા દિવસમાં તો જતો ય રહેશે.’
મેઘાની વાત ખરી હતી. હું ઓવર-રિઍક્ટ કરી રહ્યો હતો. હું મેઘાની નજીક ગયો, ભેટ્યો.
‘આઈ એમ સૉરી.’ મેં કહ્યું.
‘ઈટ્સ ઓકે.’ તે પથારીમાં પડી. રોજ એ મને એના શરીરને વીંટળાઈને ઊંઘવાનું કહેતી. આજે તેણે ન કહ્યું, અને પડખું ફરીને સૂઈ ગઈ.
*
પછી થોડા દિવસ નવી રામાયણ શરૂ થઈ. સિંકમાં ફરી પાણી ભરાવું શરૂ થઈ ગયેલું. સિંકની દીવાલ પર મેં જોયું—વાંકડિયા, કાબરચીતરા વાળ. મિકીના જ વળી.
બે-ત્રણ દિવસ તો મેં જોરથી નળ ખુલ્લા કર્યા અને વાળ તણાઈ ગયા. પછી મને થયું કે આ ચાલુ રહેશે તો પૅનલમાં વાળ ભરાઈ જશે અને …
મિકી સાથે વાત કરવી પડશે.
રોજ એ બંને વહેલા ઊઠી જતા કારણ કે મેઘનો બૅંકનો ટાઈમ મારી જૉબની પહેલા હતો. અને બ્લૉક થઈ ગયેલા સિંકનો પ્રોબ્લેમ મારે માથે આવતો. ચાર દિવસથી મિકીના વાંકડિયા વાળના ગૂંચળા હું સિંકમાંથી વીણીને ડસ્ટબિનમાં નાખી રહ્યો હતો. આજે તો કહી જ નાખું.
હું કારમાં એ બંને વિશે વિચારી રહ્યો હતો. બંને અંગ્રેજી સંગીત વગાડતાં વગાડતાં ગાડીમાં ડાઉનટાઉન જતા હશે. હસી હસીને વાતો કરતાં હશે. મારી અને જગજિતસિંગની ઠેકડી ઉડાવતાં હશે.
વિચારોમાં એવો ખોવાયેલો કે મારું ધ્યાન ન રહ્યું. એક ખિસકોલી હડફેટે આવવાની હતી, પણ મેં છેલ્લી ઘડીએ બ્રેક મારી અને એ બચી ગઈ.
મારા ધબકારા વધી ગયા.
કૉલેજ પહોંચી જ રહ્યો હતો કે મારો ફોન રણક્યો.
‘યેસ સર … નેક્સ્ટ વિકેન્ડ પ્લાન થઈ ગયો છે. તમને ખાલી જાણ કરીએ છીએ. યસ સર. તમારી વાતો સંભાળવા માટે સ્ટૂડન્ટ્સ બહુ એક્સાઈટેડ છે.’
મને યાદ આવ્યું—આવતા અઠવાડિયે મારે કૉન્ફરન્સમાં બીજા શહેરમાં જવાનું છે. ત્યારે મિકી અહીં જ હશે. એ અને મિકી અને મેઘા. ઘરમાં એકલાં.
મેં ગાડીને બ્રેક મારી. કૉલેજ આવી ગયેલી.
*
સાંજે હું ઘેર આવ્યો ત્યારે મિકી કિચનમાં ઑલરેડી કંઈક કાપી રહ્યો હતો.
‘આજે તું ડિનર બનાવવાનો છે?’ મેં પૂછ્યું.
‘હા. પાસ્તા. વિથ ચિકન.’
‘હું નૉન-વેજ નથી ખાતો.’
‘જાણું છું. તારા માટે વેજ બનાવીશ. હું અને મેઘા ચિકન ખાઈશું. એ તારી જેમ ચુસ્ત વેજિટેરિયન નથી. બિચારી, મને કહેતી’તી કે તારી સાથે રહીને રહીને પરાણે વેજ ખાવું પડે છે.’
ફરી મને મંકોડા ચડવા માંડ્યા.
મેં અકળાઈને કહ્યું, ‘જો યાર … બાથરૂમના સિંકમાં તારા વાળ ખરે છે. તું મોં ધોતો હોઈશ ત્યારે કદાચ. અને એના લીધે સિંક બ્લૉક થઈ જાય છે. તું પ્લીઝ ધ્યાન રાખ. મારે રોજ તારા વાળ ઉઠાવીને સિંક સાફ કરવું પડે છે.’
જાણે સાંભળ્યું જ ન હોય એમ તેણે ઉડાઉ જવાબ આપ્યો, ‘હા, સૉરી. ધ્યાન નહિ રહ્યું હોય.’
ડિનરનો ટાઈમ થયો. અલગ કડાઈમાં મારું વેજ, એ બંનેનું નોન-વેજ. અમે ખાવા લાગ્યાં. હમેશની જેમ મિકી બોલ્યા કરતો હતો. તેણે વાત વાતમાં કૉલેજની એક છોકરીએ ચાલુ કૉન્સર્ટમાં તેના માટે સ્કર્ટ કાઢેલું એ ય કહી દીધું.
‘ઇટ્સ ઓકે યાર … આટલાં વરસ થયાં. હવે તો એ વાત છોડ. ક્યાં સુધી એકની એક વાત ચલાવ્યા કરીશ!’ મારાથી બોલી જવાયું.
મારો અકળાયેલો સૂર મિકીના ધ્યાન બહાર ગયો, પણ મેઘા પામી ગઈ.
મિકી બોલ્યો, ‘અરે મેઘાને ખબર નહોતી. તો મેં વાત શેર કરી. મને બહુ ફની લાગે છે.’
મેઘા હસી.
‘એ છોકરી સાવ ગાંડી હોવી જોઈએ!’
‘હશે જ. અચ્છા મેઘા … મને કહે. તું આવું કંઈ કરી શકે કોઈના માટે?’
મેઘા ચૂપ. હું ચૂપ. મિકી જવાબની રાહમાં આતુર.
‘કોઈ લાયક હોય તો હા … હું કોઈ પણ હદ સુધી જઈ શકું.’
‘અને તને શું લાગે છે? આ પંતુજી લાયક છે?’ મિકીએ મારી સામે જોતાં કહ્યું.
મેઘા પણ મજાકમાં જોડાઈ.
‘લાયક તો ખબર નહિ, પણ પંતુજી ઘણા સ્વીટ છે.’ બંને ખડખડાટ હસ્યાં.
ડિનર પત્યું એટલે મેઘા સ્કૉચ લઈ આવી. મિકીએ કહ્યું, ‘આજે હું તમારા બંને માટે એક ગીત ગાઉં. રેડી?’
‘વાહ!’ મને શાંતિ થઈ. ગીત ગાશે એટલે તેની બકબક બંધ થશે.
મિકી તેનું ગિટાર લઈને આવ્યો. અમે ‘ચિયર્સ’ કર્યું.
‘સો … લેડીઝ એન્ડ જેન્ટલમેન … આજે હું તમારા માટે ગાઈશ, બોહેમિયન રેપ્સડી.’ તેણે નાટકીય ઢબે હવામાં હાથ હલાવ્યો.
‘અને મેઘા … બીજી એક વાત. આ એ જ ગીત છે … જેમાં પેલી સ્કર્ટવાળી છોકરી …’ મેઘા આટલું સાંભળી તાળીઓ પાડવા માંડી. હું પણ જોડાયો.
મિકીએ ગીત ગાયું. અમે સ્કૉચ પીતાં રહ્યાં. મિકીને ગિટાર વગાડતો અને ગાતો જોઈને ગમ્યું. લાગ્યું જાણે આ એક જગા એવી છે જ્યાં મિકી જરા ય અકળાવતો નથી, બસ આનંદ જ આપે છે.
મિકીએ ગીત પૂરું કર્યું. જાણે હજારોની ઑડિયન્સ સામે પર્ફોર્મ કર્યું હોય એમ હવામાં ફ્લાઇંગ કિસ આપવા માંડ્યો. મેઘા ઊભી થઈ, તેણે સ્કર્ટ ઉતારવાનો અને મિકી પર ફેંકવાનો અભિનય કર્યો. સૌ હસ્યાં. મેં પણ હસવાનો અવાજ કર્યો.
મહેફિલ પૂરી થઈ. હું અને મેઘા બેડરૂમમાં આવ્યાં.
‘આઈ નો તને એવું લાગે છે કે હું ઓવરરિઍક્ટ કરું છું, પણ એ થોડું વધારે પડતું નહોતું?’
‘શું?’
‘પેલું … સ્કર્ટ ઉતારીને ફેંકવાની ઍક્ટિંગ.’
‘અરે તો સાચે થોડું સ્કર્ટ કાઢ્યું છે … મસ્તીનો મૂડ હતો તો મસ્તી કરી. ઈટ વોઝ અ જોક. તું કેમ આટલો સિરિયસ થાય છે?’
‘તું આવું બધું કરે એ મને પસંદ નથી.’
અમે એકબીજાંની સામે રોજની જેમ નાઈટડ્રેસ પહેર્યો.
‘ફાઇન. તારાથી નાની અમથી મજાક સહન નથી થતી. તું કહેતો હોય તો હવે એને લિફ્ટ આપવાનું, એની જોડે વાત કરવાનું બંધ કરી દઉં. તારો દોસ્ત છે, મારો નહિ. તું જ સંભાળ.’
મને ફરી લાગ્યું જાણે મારી ભૂલ થઈ રહી છે. કેમ વારંવાર આવું થાય છે! મગજમાં કચરો ભરાઈ જાય પછી નીકળતો કેમ નથી?
મેઘા તેનું લૅપટૉપ ચાલુ કરી કોઈ શો જોવા લાગી. હું ધીમેથી તેની પાસે સરક્યો.
‘મેઘા … આઈ એમ સૉરી.’
મેઘાએ મારી સામે જોયું.
‘તને મારા પર ભરોસો તો છે ને?’
‘ઓફ કોર્સ. કેવી વાતો કરે છે!’
‘ઓકે.’
તે ફરી શો જોવા માંડી.
મેં ધોરેથી મારો હાથ તેની નાઇટીમાં સરકાવ્યો. તેણે એ પકડી લીધો.
‘આજે નહિ.’ તેણે કહ્યું.
‘કેમ? ઇટ્સ બીન સો લૉંગ!’
‘આપણા ઘરમાં કોઈ છે. બહાર અવાજ જઈ શકે છે. મને બહુ ઑકવર્ડ લાગશે. મારે શરમમાં નથી મુકાવું.’
‘એમાં શું! મિકી જ તો છે. આપણા કોઈ ઘરડા કાકા-કાકી નથી કે આપણે શરમ રાખવી પડે.’ મેં જિદ પકડી.
‘પ્લીઝ. નો.’ મેઘા આટલું બોલીને ફરી શો જોવા માંડી.
આ વખતે હું પડખું ફરીને સૂઈ ગયો. મને અચાનક કંઈક યાદ આવ્યું.
મેં મેઘાને કહ્યું, ‘સાંભળ, મારે બે દિવસમાં વોટરલૂ જવાનું છે. પેલી કૉન્ફરન્સ માટે. યાદ છે?’
‘હા, રાઇટ.’
‘મિકી અહીં છે તો થાય છે કે એક દિવસમાં પાછો આવી જઉં.’
‘ખરેખર તું મિકી સાથે વધારે રહેવા મળે એટલા માટે પાછો આવવા માંગે છે?’ મને લાગ્યું જાણે મેઘા તેની ચશ્માં પાછળ રહેલી આંખોથી મારી આરપાર જુએ છે.
‘હા.’
‘ઓકે. તારી મરજી.’
*
મારો વોટરલૂ જવાનો દિવસ આવ્યો.
મેં મિકીને સવારે કહ્યું, ‘સાંભળ … આજે મારે બહાર જવાનું છે.’
‘પણ કાલે સવારે તો હું જાઉં છું … પંતુજી મારાથી ભાગી રહ્યા છે કે શું?’
‘પ્રૉગ્રામ તો આમ બે દિવસનો છે. પણ તું કાલે જાય છે એટલે હું આજે રાતે જ પાછો આવી જઈશ.’ મેં કહ્યું.
‘મેઘા તો હશેને?’
‘હા એ તો બૅંકથી સાંજે જ આવી જશે.’
‘ઓકે.’
મેં વોટરલૂ તરફ કાર ભગાવી. આ વખતે કોઈ ખિસકોલી વચ્ચે ન આવી જાય તેનું ધ્યાન હતું. ત્રણ કલાકનો રસ્તો. હું મિકી આવ્યો ત્યારથી બનેલી ઘટમાળ વિશે વિચાર કરવા માંડ્યો. કોલેજમાં જેમ મને બુલી કરતો એવું જ હજી કરી રહ્યો હતો. ‘મૈત્રીમાં બધું ચાલે’ એવું તેનું લોજીક હતું.
‘તારે કોઈ કામ પડે તો સૌથી પહેલો હું દોડીને આવીશ.’ મારી કરેલી બધી જ મશ્કરીઓ અને મજાકોનું સાટું જાણે આ રીતે વાળવા મથતો. કૉલેજની વાત અલગ હતી, પણ હું કેમ હજી આ બધું સહન કરી રહ્યો હતો? કેમ હજી સિંકમાંથી તેના વાળ મારે જ ભેગા કરવા પડતા હતા?
અને મેઘા કેમ આ બધું નથી જોઈ શકતી? પહેલાં તો તેને જ અણગમો હતો. એવો તો શું જાદુ કર્યો મિકીએ તેના પર કે …
મને કૉલેજનો ટાઈમ યાદ આવ્યો. કેટલી ય છોકરીઓ મિકીના પ્રેમમાં ગાંડી ગાંડી હતી. કોઈને સમજાતું નહિ કેમ. અને મિકી તો … અડી અડીને છુટ્ટા કરી નાખતો!
શું મેઘા પણ?
મારું માથું ભમવા લાગ્યું.
હું વોટરલૂ પહોંચવા જ આવ્યો હતો પણ મેં કૉન્ફરન્સ કૅન્સલ કરી. વારંવાર માફી માંગી. મેડિકલ ઇમરજન્સીનું બહાનું. યુ-ટર્ન માર્યો. મેઘા ઘેર પહોંચે એ પહેલા પહોંચવાની લ્હાયમાં ગાડી ખૂબ ઝડપથી ભગાવી. બે ત્રણ વાર અથડાતાં બચ્યો.
હું ઘેર પહોંચ્યો ત્યારે ડ્રાઈવ-વેમાં મેઘાની ગાડી પડેલી જોઈ. મને આશ્ચર્ય થયું. શું તે જલદી ઘેર આવી ગઈ હશે?
લીવિંગ રૂમમાંથી ગિટારનો અને હસવાનો અવાજ આવી રહ્યો હતો. હું ત્યાં ગયો. બંને મને જોઇને ચોંક્યાં.
‘અરે … તું તો રાત્રે આવવાનો હતોને!’
‘હા … પણ પછી મને થયું કે આપણને ઓછો ટાઈમ મળ્યો છે. તું ફરી ક્યારે આવવાનો! આવી કૉન્ફરન્સ તો આવ્યા કરશે.’
મેઘા મને તાકી રહી.
‘તારે બૅંક નહોતું જવાનું?’
‘જવાનું હતું … પણ મેં રોકી રાખી. મેં કહ્યું આજે રજા લઈ લે.’ મિકી બોલ્યો.
‘અને તું માની ગઈ?’ મેં મેઘા સામે જોતાં પૂછ્યું.
‘શું કરું? મિકીએ મને ઇમોશનલ બ્લૅકમેલ કરી. એટલે પછી સિક લીવ લઈ લીધી.’
‘અચ્છા …’ મેં જાતને સંભાળવાનો પ્રયત્ન કર્યો.
‘તો તમે બંને શું કરતાં’તાં?’
‘બે-ત્રણ કલાકથી બસ ગીતો, ને વાતો, ને એવું બધું.’ મિકીએ ‘એવું બધું’ પર ભાર મૂક્યો.
હું એક કલાક સુધી બાથરૂમમાં ભરાઈ ગયો. સિંકમાં ફરી પાણી ભરાઈ ગયું હતું.
મિકી પર જેટલો ગુસ્સો નહોતો આવી રહ્યો એટલો ગુસ્સો મેઘા પર આવી રહ્યો હતો. તેણે મારા માટે ક્યારે ય રજા લીધી હોય એવું યાદ નથી, અને મિકી માટે સિક લીવ?
તે સાંજ મેં પરાણે હસતું મોં રાખીને કાઢી.
મિકી ઊંઘવા જતાં પહેલાં મને કહેતો ગયો, ‘થૅંક યુ યાર. તેં બહુ હેલ્પ કરી. તમે બંનેએ.’
પછી તેનો ટ્રેડમાર્ક ધબ્બો મારી તે ગેસ્ટરૂમમાં જતો રહ્યો. હું બેડરૂમમાં આવ્યો.
‘હવે તારે કંઈ કહેવું છે?’
‘શું કહું?’
‘રજા લેવી … મારી ગેરહાજરીમાં તેની સાથે ટાઇમ સ્પેન્ડ કરવો … આ બધું મને જસ્ટ …’ મને એટલી દાઝ ચડેલી હતી કે મારું આખું શરીર પરસેવે રેબઝેબ હતું.
મેં સીધો મેઘાની કમરમાં હાથ નાખ્યો, અને તેના હોઠ પર મારા હોઠ ચાંપી દીધા. મેઘા જાતને મારી પકડમાંથી છોડાવવા મથી રહી.
‘દૂર જા … ઇટ્સ હર્ટિંગ મી. Get લોસ્ટ.’ તેણે હાથ છોડાવી મારા ગાલ પર એક તમાચો મારી દીધો.
હું ઊભો રહ્યો, ગાલ પંપાળતો. તેના કાંડા પર ચકામા પડી ગયેલાં, અને ચહેરો ગુસ્સાથી લાલઘૂમ.
‘તને લાગે છે તું મને ફોર્સ કરી શકે છે?’ મેઘા બરાડી.
મને જ્યારે મારી ભૂલનું ભાન થયું ત્યારે જમીનમાં સમાઈ જવાનું મન થયું. કેવી રીતે હું કાબૂ ગુમાવી બેઠો?
‘આઇ એમ સૉરી. રિયલી સૉરી.’ મેં કહ્યું.
‘તું મારી નજીક ફરકતો પણ નહિ.’ તેણે કહ્યું.
‘આઈ એમ સૉરી.’ ફરી એટલું કહી હું મેઘાને બેડરૂમમાં છોડી બહાર લીવિંગરૂમમાં ઊંઘવા જતો રહ્યો. બહુ મોડી ઊંઘ આવી- એ ય કાચી. એક સપનું ય આવ્યું.
હું શાંતિથી મારા રૂમમાં જગજિતસિંગની ગઝલો સાંભળું છું. પણ બારી બહારથી ક્લાસિક રૉક અને બ્લ્યૂઝનો અવાજ સંભળાય છે. ધીરે ધીરે તેનો અવાજ એટલો વધી જાય છે કે મારી ગઝલો એમાં જરા ય સાંભળી શકાતી નથી. એ સંગીત એટલું જોરથી વાગવા માંડે છે, કે સંગીતમાંથી ઘોંઘાટમાં ફેરવાઈ જાય છે.
હું ઝબકીને જાગી ગયો.
આંખો ચોળતો હું બહાર ગયો ત્યારે મિકી તેની બેગ્ઝ લઈને તૈયાર ઊભેલો.
‘સારું થયું ઊઠી ગયો, નહિતર તને ઊઠાડીને બાય કહેવું પડત.’ મિકી બોલ્યો. પછી ભેટ્યો. પણ મારું ધ્યાન મેઘા તરફ હતું. તેની આંખો સૂઝેલી હતી. તે મારી તરફ જોવાનું ટાળી રહી હતી.
અમે ઘરની બહાર નીકળ્યાં ત્યારે બરફ પડી રહ્યો હતો.
‘વાહ! હું આવ્યો ત્યારે ય બરફ, અને જઈ રહ્યો છું ત્યારે ય બરફ.’ મિકીએ કહ્યું. પછી તે મેઘાને ભેટ્યો.
‘થેંક યુ, અગેઇન. બહુ મજા આવી. અને મેં તમને ઇરિટેટ કર્યા હોય તો સૉરી.’ મિકીએ કહ્યું. પણ મિકીનું જાણે મારા માટે અસ્તિત્વ જ નહોતું રહ્યું. તેના શબ્દો જાણે મારા કાન પર અથડાઈને ખરી પડ્યા. ફર્નિચરની સામે જોઈએ એમ તેની સામે હું જોઈ રહ્યો હતો.
મિકીની ટૅક્સી આવી. તે ગયો ત્યાં સુધી ‘બાય’ કહેતો હાથ હલાવતો રહ્યો.
એ દેખાતો બંધ થયો તેની સાથે જ મેઘાએ પછાડીને ઘરનો દરવાજો બંધ કર્યો, અને અંદર જતી રહી.
હું ત્યાં જ ઊભો રહ્યો, મારા પગ ખીલાની જેમ ખોડાયેલા.
પગ પાસે એક ખિસકોલી આવી. બરફ પડી રહ્યો હતો, અને તેણે તેની જ પૂંછડી છત્રીની જેમ માથે ઓઢી લીધી હતી. તેનું નાનકડું શરીર હલી રહ્યું હતું. પણ મને એવું લાગ્યું જાણે કરંટ મારા શરીરમાંથી પસાર થઈ રહ્યો હોય.
પ્રગટ : “એતદ્દ”; સપ્ટેમ્બર 2023; પૃ. 38-50
e.mail : acharyaabhimanyu79@gmail.com