થોડા વખત પહેલાં, ઠીક 11 અૉક્ટોબર 2014ના દિવસે, મારા ફેઇસબુકને પાને, ચેતન ગઢવીને કંઠે, ભૈરવી રાગમાં ગવાયું, ઝવેરચંદ મેઘાણીનું એક અમર કાવ્ય : ‘કસુંબીનો રંગ’ મૂક્યું. સાંભળી દક્ષિણ આફ્રિકે વસતા ગાલિબ કાછલિયાએ વળતા અભિપ્રાય પાઠવ્યો : ‘brings out the Gujarati in me more than Modi ever will.’
આ ગાલિબ કાછલિયાનાં દાદા-દાદી, નાના-નાની, કાકા, મામા, માસી, અને ખાસ કરી, એમનાં માતાપિતાની બહાદુરી તેમ જ દક્ષિણ આફ્રિકાની આઝાદીની લડતમાં આપેલા ભોગનો કદાચ કોઈ જોટો નથી. અહીં અહમદ મહમદ કાછલિયા – ખતીજા પટેલ ઉપરાંત ઈબ્રાહિમ અસ્વાત – ફાતિમા ઈસાક, મૌલવી ઇસ્માઈલ કાછલિયા, સાલેહ અસ્વાત, ઝૈનબ અસ્વાત તેમ જ યુસૂફ – અમીના કાછલિયાની આપણે સાહજિક વાત કરીએ છીએ.
આ લડતના એક અગ્રગણ્ય કર્ણધાર મહાત્મા ગાંધીએ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં, (નવજીવન પ્રકાશન, પૃ. 125) એક આખું પ્રકરણ અહમદ મહમદ કાછલિયાને નામ લખ્યું છે. તે આખું પ્રકરણ ફરીફરી રટણ કરવા જેવું છે. તેમાંનો આ ફકરો જ જોઇએ :
“બહાદુરી અને એકનિષ્ઠામાં તેમનાથી ચડી જાય એવા કોઈ પણ માણસનો અનુભવ મને નથી થયો દક્ષિણ આફ્રિકામાં કે નથી થયો હિંદુસ્તાનમાં. કોમને અર્થે તેમણે સર્વસ્વ હોમ્યું હતું. મને તેમની સાથે જેટલા પ્રસંગો પડ્યા તેમાં મેં હંમેશાં તેમને એકવચની તરીકે જ જાણ્યા છે. પોતે ચુસ્ત મુસલમાન હતા. સુરતી મેમણ મસ્જિદના મુતવલ્લીમાંના તે પણ એક હતા. પણ તેની સાથે જ એ હિંદુમુસલમાન પ્રત્યે સમદર્શી હતા. મને એવો એક પણ પ્રસંગ યાદ નથી કે જેમાં તેમણે ધર્માન્ધપણે અને અયોગ્ય રીતે હિંદુ સામે મુસલમાનનો પક્ષ ખેંચ્યો હોય. તદ્દન નીડર અને નિષ્પક્ષપાતી હોવાને લીધે, જરૂરી જણાય ત્યારે હિંદુમુસલમાન બંનેને તેમના દોષ બતાવવામાં જરા ય સંકોચ ન કરતા. તેમની સાદાઈ ને તેમનું નિરભિમાન અનુકરણ કરવા લાયક હતાં. તેમની સાથેના મારા વરસોના ગાઢ પરિચય પછી બંધાયેલો મારો દૃઢ અભિપ્રાય છે કે મરહૂમ અહમદ મહમદ કાછલિયા જેવું માણસ કોમને મળવું દુર્લભ છે.”
અહમદ કાછલિયા નવસારી જિલ્લાના કછોલી ગામના. પોતાની પરણેતર, ખતીજા પટેલ સાથે એ 1890 વેળા ટૃાન્સવાલ ગયેલા. એમની પુત્રવધૂ, અમીના કાછલિયા ‘વ્હેન હોપ અૅન્ડ હિસ્ટૃી રાઈમ’માં નોંધે છે તેમ, આરંભે, તો એ કાપડની ફેરીનો ધંધો કરતા હતા. 1893 સુધીમાં એમણે જહોનિસબર્ગમાં પોતાના મોટાભાઈ જોડે દુકાનનો આરંભ કરેલો. હળુહળુ તેની શાખાઓ પ્રિટોરિયા સમેતના ગામોમાં ઊભી પણ થઈ. આ દંપતીને છ સંતાનો હતાં અને તેમાં મૌલવી ઇસ્માઈલ કાછલિયા તેમ જ યુસૂફ કાછલિયા જેવા ખ્યાતનામ આગેવાનોનો સમાવેશ હતો. એમના એક પુત્ર, અલી તો ગાંધીજીના આશ્રમમાં અંતેવાસી હતા. એમનું બહુ જ નાની વયે અવસાન થયેલું.
નવેમ્બર 1996 વેળા, જાણીતા સંશોધક, પત્રકાર અને લેખક દીપક બારડોલીકરે “અોપિનિયન” સારુ ‘દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ’ નામે અગત્યનો લેખ કરેલો. પાન 08 તેમ જ 15 પર પથરાયા લેખમાં દીપકભાઈ લખે છે : ‘ગાંધીજીએ શેઠ અહમદ મહમદ કાછલિયાને સુરતી મેમણ તરીકે ઓળખાવ્યા છે, એ બરાબર નથી. એ હકીકત દોષ છે. અસલમાં કાછલિયા શેઠ સુરતી સુન્ની વહોરા કોમના નબીરા હતા. તેઓ સુરત જિલ્લામાં (હવે નવસારી જિલ્લામાં) આવેલા કાલાકાછા ગામના રહેવાસી હતા.’
સુન્ની વહોરા કોમના ઇતિહાસ અંગે સંશોધનકામ કરતા કરતા એમને આ દોષ પકડાયો હતો. વળી, દીપકભાઈ ખુદ આ જ સુન્ની વહોરા કોમના સભ્ય છે. આ મુદ્દે દીપકભાઈનો આ સમૂળો લેખ જોવો આવશ્યક લેખાય.
‘ગૂજરાત વિદ્યાપીઠ’ના ઇતિહાસ વિભાગના અધ્યાપક મેહબૂબ દેસાઈ આ બાબત અંગે વિશેષમાં નોંધે છે, આવા અહમદ મહમદ કાછલિયાએ પોતાના એકના એક પુત્ર અલીને ગાંધીજીના ટોલ્સટોય આશ્રમમાં સાચો પ્રજા સેવક બનાવવા મુક્યો હતો. તેમના એ પગલાં પછી બીજા મુસ્લિમ બાળકોને પણ તેમના માબાપે ગાંધીજીના આશ્રમમાં મુક્યા હતા. ૧૦-૧૨ વર્ષનો અલી કાછલિયા સ્વભાવે નમ્ર, ચંચળ, અને સત્યવાદી હતો. પણ પિતાનું નામ રોશન કરવા તે વધુ ન જીવ્યો. કાછલિયા શેઠે હૃદય પર પથ્થર મૂકીને પુત્રને કાંધ આપી વિદાય કર્યો અને પાછા ગાંધીજીના સત્ય, અહિંસા અને સત્યાગ્રહના કાર્યમાં લાગી ગયા. અને લડત ચાલી ત્યાં સુધી તેઓ ગાંધીજી સાથે જ રહ્યા. આવા સિંહ પુરુષનું અવસાન કોમની ખિદમત કરતાં કરતાં જ ૧૯૧૮માં એટલે કે દક્ષિણ આફ્રિકાની લડત પૂર્ણ થયાના ચાર વર્ષે થયું. આજે પણ દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં મોહનમાંથી મહાત્માનું સર્જન કરનાર સેવકોમાં અહમદ મહમદ કાછલિયાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત છે.
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના પોતાના પ્રથમ સત્યાગ્રહમાં પ્રેરકબળ બની રહેલા ગુજરાતના મુસ્લિમ વેપારીઓ અને કાર્યકરોની ખુલ્લા દિલે પોતાના લખાણોમાં પ્રશંસા કરી છે. તેમનો વિગતે પરિચય આપ્યો છે. ગુજરાતના મુસ્લિમોની આ સહકારની પરંપરાનો આરંભ દક્ષિણ આફ્રિકાના નાતાલ બંદરે ગાંધીજી ઉતર્યા ત્યારથી થયો હતો.
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સાથે ખડેપગે ઊભા રહેનાર અહમદ મહમદ કાછલિયાનો વિશેષ ઉલ્લેખ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં કરતા ગાંધીજી નોંધે છે : ટ્રાન્સવાલની રાજધાની પ્રિટોરિયામાં એક જંગી જાહેરસભા ભરાઈ. તેના પ્રમુખ હતા ‘બ્રિટિશ ઇન્ડિયન એસોશિયેસન’ના હંગામી પ્રમુખ યુસૂફ ઇસ્માઈલ મિયા. પોતાના ભાષણમાં તેમણે ગાંધીજીને તમામ સહકાર આપવાનું વચન આપ્યું. પણ તેનાથી વિશેષ તો આ સભામાં બોલવા ઊભા થયેલા અહમદ મહમદ કાછલિયાથી ગાંધીજી ખૂબ પ્રભાવિત થયા. ‘ગાંધી બિફૉર ઇન્ડિયા’માં લેખક રામચંદ્ર ગુહા જણાવે છે તેમ, યુસૂફ મિયાના રાજીનામા બાદ, અહમદ કાછલિયા આ અગત્યની સંસ્થાના પ્રમુખપદે આવ્યા.
આ અંગે ગાંધીજી ‘અહમદ મહમદ કાછલિયા’ નામક 16માં પ્રકરણમાં લખે છે, ‘હિંદીઓનાં ભાષણ શરૂ થયાં. આ પ્રકરણના અને ખરું જોતાં આ ઇતિહાસના નાયકની ઓળખાણ તો મારે હવે કરાવવી રહી. જે બોલનાર ઊભા થયા તેમાં મરહૂમ અહમદ કાછલિયા હતા. એમને હું તો એક અસીલ તરીકે અને દુભાષિયા તરીકે ઓળખતો. એઓ અત્યાર સુધી જાહેર કામમાં અગ્રેસર થઈને ભાગ નહોતા લેતા. એમનું અંગ્રેજી જ્ઞાન કામચલાઉ હતું, પણ અનુભવથી એટલે સુધી મેળવી લીધેલું કે પોતાના મિત્રોને અંગ્રેજ વકીલોને ત્યાં લઈ જાય ત્યારે તે પોતે જ દુભાષિયાનું કામ કરતા. દુભાષિયાપણું એ કંઈ એમનો ધંધો ન હતો. એ કામ તો તે મિત્ર તરીકે જ કરતા. ધંધો પ્રથમ કાપડની ફેરીનો હતો. અને પાછળથી તેમના ભાઈ સાથે ભાગમાં નાનકડા પાયા પર વેપાર કરતા. પોતે સુરતી સુન્ની વહોરા હતા. સુરત જિલ્લામાં તેમનો જન્મ થયો હતો. સુરતી સુન્ની વહોરાઓમાં તેમની પ્રતિષ્ઠા સરસ હતી. ગુજરાતીનું જ્ઞાન એવું જ હતું, અનુભવે તેમાં વધારો કર્યો હતો. પણ એમની બુદ્ધિ એટલી બધી તેજ હતી કે ગમે તે વસ્તુ એ ઘણી સહેલાઈથી સમજી જતા. કેસોની આંટીઓ એવી રીતે ઉકેલી શકતા કે હું ઘણી વેળા આશ્ચર્યચકિત થતો. વકીલોની સાથે કાયદાની દલીલ કરતાં પણ એ અચકાય નહિ, અને ઘણી વેળા તેમની દલીલમાં વકીલોને પણ વિચારવા જેવું હોય જ.’
પ્રિટોરિયાની એ જંગી જાહેરસભામાં ‘પોતાનું ઝવેરાત દિવસે દિવસે બતાવી’ રહેલા અહમદ મહમદ કાછલિયાએ પોતાના જમણા હાથનાં ખુલ્લાં આંગળાં ગળા ઉપર ફેરવતાં ગર્જના કરતાં કહ્યું હતું, ‘હું ખુદાના કસમ ખાઈને કહું છું કે કતલ થઈશ, પણ કાયદાને વશ નહિ થાઉં અને ઈચ્છું કે આ સભા પણ એ જ નિશ્ચય પર આવશે.’
આ જ લડતમાં સક્રિય રીતે ભાગ લેવાને કારણે દક્ષિણ આફ્રિકાની સરકારે કાછલિયાના વેપારમાં અડચણો ઊભી કરવા માંડી. જે અંગ્રેજ પેઢીઓએ કાછલિયા શેઠને ધીરધાર કરી હતી, તેમણે અંગ્રેજ સરકારનાં દબાણને વશ થઈ, વેપારમાં ધીરેલા નાણાંની કાછલિયા પાસે પઠાણી ઉઘરાણી શરૂ કરી અને કહેણ મોકલ્યું કે, ‘જો તમે લડતમાંથી નીકળી જાઓ તો અમને નાણાંની કંઈ જ ઉતાવળ નથી. જો તમે તેમાંથી ન નીકળી જાઓ તો અમને ભય છે. તમને સરકાર ગમે ત્યારે પકડી લે તો અમારાં નાણાંનું શું થાય ? તેથી જો તમે આ લડતમાંથી ન જ નીકળી શકો તો અમારાં નાણાં તમારે તુરત ભરવાં જોઈએ.’
પણ આ વીર પુરુષ કાછલિયાએ અગ્રેજ વેપારીઓને ખુમારીથી જવાબ આપ્યો કે, ‘લડત એ મારી પોતાની અંગત વાત છે. તેને મારા વેપાર સાથે કંઈ સંબંધ નથી. તે લડતમાં મારો ધર્મ, મારી પ્રજાનું માન અને મારું સ્વમાન સમાયેલાં છે. તમારી ધીરધારને સારુ હું તમારો આભાર માનું છું. પણ તેને કે મારા વેપારને હું સર્વોપરી નથી ગણી શકતો. …’
કાછલિયાનો જવાબ સાંભળી, અગ્રેજ વેપારીઓ સમસમી ગયા. કારણ કે તેઓ તો કાછલિયાને નમાવવા ઇચ્છતા હતા. પણ કાછલિયા ન નમ્યા અને નાદાર કે દેવાદાર બનવાનું તેમણે પસંદ કર્યું. આવા ભડવીર વિષે ગાંધીજી નોંધે છે, ‘કાછલિયા બધી બાબતોમાં થોડું થોડું બોલી પોતાનો નિશ્ચય જાહેર કરી દેતા. અને એમા અડગ રહેતા. મને એક પણ પ્રસંગ એવો યાદ નથી કે જ્યારે તેમણે નબળાઈ બતાવી હોય અથવા તો છેવટનાં પરિણામ વિષે શંકા પણ બતાવી હોય.
પિટર્સબર્ગ નિવાસી જેશંકર ગોવિંદજી ત્રવાડી જેવા સ્થાનિક કવિએ તો અહમદ મહમદ કાછલિયાની સ્તુિત કરતું કાવ્ય પણ રચેલું, તેમ રામચંદ્ર ગુહાએ નોંધ્યું છે. અને તેના સગડ આપણને ‘અૅ ફાયર ધેટ બ્લેઝ્ડ ઈન ધ અૉશન’ નામે સુરેન્દ્ર ભાણા તેમ જ નીલિમા શુકલ-ભટ્ટે આપી ચોપડીમાંથી મળે છે. દક્ષિણ આફ્રિકા ખાતે 1909-1911 દરમિયાન થયેલા સત્યાગ્રહ ટાંકણે “ઇન્ડીઅન ઓપિનીઅન” સામયિકમાં પ્રગટ થયેલાં વિવિધ કાવ્યો બાબતનું આ મજેદાર પુસ્તક છે.
આ પુસ્તકના 89 પાન પર, 22 મે 1909 વેળા, પ્રગટ ‘સ્વદેશ સેવા‘ નામે કાવ્ય જોવા તપાસવા સમ છે. કવિતાનો આરંભ આમ છે :
કાચલિયા કુળદીપ, હિંદનો હીરો સાચો,
કાચલિયા કુળદીપ, રંગ ઘણેથી સચ્યો
કાચલિયા કુળદીપ, કોમને માટે કૂદ્યો.
કાચલિયા કુળદીપ, જોર ઘણેથી ઝુઝ્યો,
તન ધન સમર્પ્યો દેશ માટે, બેશ ફકીરી તેં ધરી,
અહમદ મહમદ ધન્ય તને, ખરી દેશ
સેવા તેં કરી.
સન 1908ના અરસામાં, અસહકારની લડતમાં ગાંધીની ધરપકડ થયેલી. રામચંદ્ર ગુહાએ આ અંગે વિગતે નોંધ્યું છે, સરકારની ધારણા હતી કે આગેવાનની ધરપકડ કરવાથી આ આંદોલન પડી ભાંગશે. પરંતુ ટૃાન્સવાલમાં આ ગિરફતારીનો વિરોધ કરવા મળેલી જાહેર સભામાં, અહમદ કાછલિયાએ આ મતની જાહેર આલોચના કરી, તેને ભ્રામક ઠેરવી છે. વળી, એ કહે છે, ગાંધી જેલમાં છે, પરિણામે આપણે દરેકે, હવે, આગેવાન બનવાની તૈયારી રાખવી રહેશે. આવી એક બીજી સભા જોહનિસબર્ગની હમિદિયા મસ્જિદ પાસે મળી હતી. સમગ્ર એશિયાઈ વસાહત ત્યાં હાજર હતી અને મુખ્ય આગેવાની કાછલિયાએ સંભાળી હતી. ગોરા લોકો કરતાં કાળા લોકોએ વધુ સુસજ્જ બનવું જોઈએ એવી વાત દાખલાઓ, દલીલો આપીને અહમદભાઈએ સભાને સમજાવી હતી. રામચંદ્ર ગુહાના મત અનુસાર, ગાંધી કરતાં, જાણે કે સવિશેષપણે, ટૉલ્સ્ટોયને અહમદ કાછલિયાએ પચાવી જાણ્યો હોય, તેમ આ સભામાંથી વર્તાતું હતું.
જૂન 1909ના ફૉર્ડ્સબર્ગ મસ્જિદ પાસે એક જંગી સભા મળેલી. આશરે પંદરસો ઉપરાંત હિન્દીઓ હાજર હશે, તેમ રામચંદ્ર ગુહાએ નોંધ્યું છે. શાહી સરકારને મળવા માટે એક પ્રતિનિધિમંળ લંડન મોકલવાનો ઠરાવ આ સભામાં થાય છે અને પ્રતિનિધિમંડળમાં અહમદ મહમદ કાછલિયા, વી.એ. ચેટ્ટિયાર, મોહનદાસ ગાંધી, નાદેશિર કામા તેમ જ હાજી હબીબની નિયુક્તિ કરવામાં આવી છે. કાછલિયા, ચેટ્ટિયાર તથા કામા જેલમાં હોવાને કારણે ગાંધી તેમ જ હબીબ લંડન જવા રવાના થયેલા, જ્યારે હિન્દમાં જનમત જાગ્રત કરવા હેનરી પોલાકને મોકલવામાં આવેલા. આ દાખલામાંથી પણ સમજાય છે કે અહમદ કાછલિયાનું કાઠું કેવડું વિશાળ અને ઊંચેરું હશે.
‘ધ મહાત્મા અૅન્ડ ધ ડૉક્ટર‘ પુસ્તકના લેખક એસ.આર. મેહોરત્રા જણાવે છે તેમ, અહમદ કાછલિયા અને એમના જેવા બીજા અનેક લોકોના ત્યાગ, ન્યોછાવરી સમજાય નહીં ત્યાં લગી ગાંધીજીને પિછાની શકાય તેમ નથી. આ આગેવાનો — જૉસેફ ડોક, હોસ્કેન, રિત્ચ, હેનરી પોલાક, હેરમાન કેલનબૅક અને વળી લિયુંગ ક્વીન, અહમદ કાછલિયા, દાઉદ મહમૂદ, રૂસ્તમજી, થામ્બી નાયડુ વગેરેનો પણ આ યાદીમાં સમાવેશ છે.
•
અમીના કાછલિયાએ લખી આત્મકથા એમના અવસાન બાદ પ્રગટ થઈ. એ જોવાને રહ્યાં નહીં. 2013માં પ્રકાશિત આ ઐતિહાસિક આત્મકથા : ‘When Hope and History Rhyme’ વિશે એમના પુત્ર, ગાલિબ કાછલિયાની એક ટેલિવિઝન મુલાકાતની વીડિયો અહેવાલ હાથ લાગ્યો છે. તેની કડી અહીં આપીએ છીએ :
https://www.youtube.com/watch?v=mvfF2DZUwi4
જ્યારે અમીનાબહેન કાછલિયાનો અવાજ, એમની વાણી પામવા આ કડીએ પણ જઈ શકાય :
https://www.youtube.com/watch?v=wXIaJFRjPR8
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
29 નવેમ્બર 2014 / 19 જાન્યુઆરી 2015