કોઈ કહેશે કે
એમણે કોઈ નાનકડી ઓરડીમાં
ત્રણ-ચાર મોટાં માટલાં ને
એક-બે મસમોટી કોઠી રાખીને
પ્રેમથી આખો પ્યાલો ભરીને
ઠંડું પાણી પાતાં ડોશીમાને
ક્યારે જોયાં હતાં?
વળી, કહેશે કોઈ કે
કેડેથી વાંકા વળી ગયેલાં,
કાળો કે વાદળી સાડલો પહેરેલાં,
પ્યાલો છલકાઈ જાય ત્યાં સુધી
પાણી ભરી આપતાં;
પણ કોઈ તોફાની બારકસો આવીને
અડધુંપડધું પાણી પીને,
બાકીનું ઢોળી દે તો
એમને વઢતાં ન અચકાતાં ને
ફરી વાર આવ્યે ઓળખી જાય તો
બા જેવા હેત અને હકથી
"જોઈશે તો બીજી વાર આપીશ
પણ ઢોળતો નહીં છોકરા (કે છોકરી)"
કે એવું જ કંઈક કહેતાં
ડોશીમાને ક્યારે સાંભળ્યાં હતાં?
હું એ ડોશીમાને જોવા ઇચ્છું છું,
એ શીતળ,
કોઠે ટાઢક ને અંતરમાં અમી પૂરતું જળ
પીવા ઝંખું છું —
"યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી."
(‘સુન્દરમ્’ના પુણ્યસ્મરણ સાથે)
૦૧-૦૪-૨૦૨૨