ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે આજે 07 સપ્ટેમ્બરે યોજાયેલા ‘ગ્રંથાલય સંસ્કૃતિ : આજ અને આવતી કાલ’ વિષય પરના એક દિવસના પરિસંવાદમાં ત્રણ રૂડાં કામ થયાં – સંસ્થાએ પ્રકાશિત કરેલાં ‘ગ્રંથાલયવિમર્શ : ગઈ કાલ, આજ અને આવતી કાલ’ પુસ્તકનું લોકાર્પણ,ચાર વરિષ્ઠ ગ્રંથાલયીઓનું સન્માન અને વિશ્વકોશ ભવનના ગ્રંથભંડારનું ઉદ્દઘાટન. આ કાર્યક્રમ ગ્રંથાલયવિદ પી.સી. શાહ(1931-2015)ની સ્મૃતિમાં યોજવામાં આવ્યો હતો.
‘ગ્રંથાલયવિમર્શ’ પુસ્તક અગ્રણી ગ્રંથાલયીઓ મણિભાઈ પ્રજાપતિ અને ઉર્મિલાબહેન ઠાકરે સંપાદિત કર્યું છે. તેમાં વિવિધ ક્ષેત્રના પાંત્રીસ જેટલા લેખકોએ ગ્રંથાલય અને વાચનસંસ્કૃતિના વિવિધ પાસાં પર છેતાળીસ લેખો લખ્યા છે. આવા સંગ્રહો આપણે ત્યાં ભાગ્યે જ થયા છે.
વરિષ્ઠ ગ્રંથાલયીઓનાં સન્માનમાં આયોજકોની વિદ્યાકીય કૃતજ્ઞતા જોવા મળી. સન્માનિતો હતાં: પ્રતાપરાય મહેતા (98 વર્ષ), કે.જી. વૈદ્ય (84), કનુભાઈ શાહ (89) અને રોડાબહેન ભરૂચા (88). તેમની કાર્કિર્દી અને ગ્રંથાલય ક્ષેત્રે તેમના પ્રદાનનો સુરેખ આલેખ સન્માનપત્રોમાં અંકાયો છે. સન્માનિતોમાંથી પહેલાં બે ગ્રંથપાલો વતી અનુક્રમે તેમના ચિરંજીવી અને પૂર્વ વિદ્યાર્થીએ સન્માન સ્વીકાર્યું. પી.સી. શાહના નાનાં બહેન અને એસ.એલ.યુ. કૉલેજનાં પૂર્વગ્રંથપાલ સુરેખાબહેન શાહનું પણ અભિવાદન કરવામાં આવ્યું.
ગ્રંથાલય સંસ્કૃતિનું સંવર્ધન વિશ્વકોશનો એક સતત પ્રત્યક્ષ થતો આદર્શ છે, જેના ભાગરૂપે ‘ગ્રંથભંડાર’નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના ઉપક્રમે શરૂ થયેલા આ સ્થાને વિશ્વકોશ તેમ જ અન્ય પ્રકાશકોએ પ્રસિદ્ધ કરેલાં પુસ્તકો પચીસ ટકા વળતરથી મળશે. પુસ્તક ભંડાર રજાના દિવસ સિવાય રોજ સાંજે ચાર થી સાત સુધી ચાલુ રહેશે. પુસ્તકોનું ઠીક વૈવિધ્ય ધરાવતો આ ભંડાર વિશ્વકોશ ભવનના ત્રીજા માળે છે, અને વિશ્વકોશની લિફ્ટ સરસ છે !

પુસ્તક લોકાર્પણ ફોટો : ડાબી બાજુથી નલિની દેસાઈ, પંકજ બાવીશી, કુમારપાળ દેસાઈ, ઉર્મિલા ઠાકર, મણિભાઈ પ્રજાપતિ, મનુભાઈ શાહ, પ્રીતિ શાહ
પુસ્તક લોકાર્પણના સત્રમાં પ્રીતિબહેન શાહ, પંકજ બાવીશી, મણિભાઈ પ્રજાપતિ, ઉર્મિલાબહેન ઠાકર અને કુમારપાળ દેસાઈએ તેમને સોંપવામાં આવેલાં વિષયો પર વક્તવ્યો આપ્યાં. વિશ્વકોશના કાર્યકર્તા નલિનીબહેન દેસાઈએ સુચારુ સંચાલન કર્યું. અલ્પાબહેન શાહે હંમેશની જેમ અત્યંત સુંદર રીતે વિશ્વકોશ-ગીતનું ગાન કર્યું. આ ગીતની જેમ જ ઉદાત્તને આંબતી, ચન્દ્રકાન્ત શેઠની બીજી એક કવિતા ‘માનવકુળનું જ્ઞાનતીર્થ ગ્રંથાલય !’ પણ અલ્પાબહેને ગાઈ સંભળાવી.
કાર્યક્રમના બીજા હિસ્સામાં કેટલીક યુનિવર્સિટીઓ / સંસ્થાઓના ગ્રંથપાલોએ અનેકવિધ વિષયો પર રજૂઆતો કરી. તેમાંથી કેટલાક વિષયો આ મુજબ છે : આધુનિક ગ્રંથાલય સેવાઓ, ‘નૅક’ મૂલ્યાંકન અને ગ્રંથાલય, ગ્રંથાલય શિક્ષણનું ભાવિ, ગુજરાતના ગ્રંથાલયોનું ભાવિ, વ્યાવસાયિકો વિનાનાં ગ્રંથાલયો, ગ્રંથાલય શિક્ષણનું ભાવિ, ડિજિટલ સામગ્રીની જાળવણી તેમ જ સંરક્ષણ, AI આધારિત ગ્રંથાલયો, અને ગ્રંથાલયની વાચકલક્ષી પ્રવૃત્તિઓ.
વ્યાખ્યાનોમાંથી આ મુજબના કેટલાક મુદ્દા તારવી શકાય : તમામ સ્તરના ગ્રંથાલયોમાં ગ્રંથપાલોની નિમણૂકની બાબતે સરકારની અસંવેદનશીલતા, તેની સામે ગ્રંથપાલોએ વ્યક્તિગત અને સામૂહિક રીતે કરેલા વિરોધ તેમ જ નિમણૂકોની કોશિશો, આપણે ત્યાંના અને વિદેશના ગ્રંથાલયો, વિવિધ પ્રકારના ગ્રંથાલયો, ગ્રંથપાલની સજ્જતા- વ્યવસાય કુશળતા – ગરિમા, અધ્યાપકવર્ગની વાચનવિમુખતા, સમાજઘડતરમાં ગ્રંથાલયોનો ફાળો, ગ્રંથાલયની વિસ્તરણ અથવા ઇતર પ્રવૃત્તિઓ, AI અને ગ્રંથાલયો. આ યાદી લાંબી થઈ શકે.
કાર્યક્રમમાં ગ્રંથાલયિત્વની મહત્તા ઉજાગર થઈ. ગ્રંથાલય-મહાત્મ્યની ઉદાત્ત અભિવ્યક્તિ કવિ ચન્દ્રકાન્ત શેઠના ‘ગ્રંથાલય’ કાવ્યમાં છે. તેના પ્રારંભ અને અંતની પંક્તિઓ છે :
માનવકુળનું જ્ઞાનતીર્થ ગ્રંથાલય !
વિદ્યાકુળનું પ્રાણતીર્થ ગ્રંથાલય ! …
માનવમનનું તત્વતીર્થ ગ્રંથાલય !
સંસ્કારોનું સત્વતીર્થ ગ્રંથાલય !’
——————————————————
∙ પુસ્તક લોકાર્પણ ફોટો સૌજન્ય : ડૉ.ગુલામનબી મસુ
∙ ત્વરિત કોલાજ સૌજન્ય : પરીક્ષિત મેઘના મુકેશ
∙ વિશેષ આભાર : તોરલબહેન પટેલ, નલિનીબહેન દેસાઈ
07 September 2026
e.mail : sanjaysbhave@yahoo.com
![]()

