1986માં આવેલી જાણીતી બ્રિટિશ ટી.વી સિરિયલ ‘લોર્ડ માઉન્ટબેટન : ધ લાસ્ટ વાઈસરોય’માં એક દૃશ્ય છે, જેમાં ગાંધીને જોવા-મળવા, અનેક લોકો પ્રયત્નો કરે છે. એમાં એક યુવાન બાપુની સામે આવીને ઊભો રહી જાય છે ને બે હાથ જોડીને નમસ્કાર કરે છે. બાપુ પણ ‘નમસ્તે’ કહે છે, પછી યુવાન એકાદને હડસેલીને બાપુ પર ત્રણ ગોળીઓ છોડે છે. નથ્થુરામ ગોડસેની આ ભૂમિકા નાના પાટેકરે ભજવી હતી. અન્ય કલાકાર અમોલ કોલ્હેએ પણ એક શોર્ટ ફિલ્મમાં ગોડસેની ભૂમિકા ભજવેલી ને એનો વિવાદ થયેલો, ત્યારે નાનાએ એમ કહીને કોલ્હેનો બચાવ કરેલો કે આપણને કોઈ પણ ભૂમિકા ભજવવાનો અધિકાર છે. તેનો અર્થ એ નથી કે આપણે એ પાત્રની વિચારધારા સાથે સંમત છીએ. ગોડસેની ભૂમિકા કોઈ ભજવે તેનો અર્થ એવો નથી કે તે ગોડસેને કે તેની માન્યતાઓને સ્વીકારે છે.
જયવંત દળવીનું લખેલું મરાઠી નાટક ‘પુરુષ’ બહુચર્ચિત ને ગાજેલું નાટક હતું. ‘પુરુષ’માં ગુલાબરાવ તરીકેની નાનાની આક્રમક ને સૂગ ચડે એવી ભૂમિકા હતી. એ નાટકમાં અભિનેત્રી રીમા લાગુ સાથે નાનાએ કામ કર્યું હતું. નાટકનાં 16 વર્ષ સુધી વિવિધ પ્રયોગો થયા હતા. નાના પાટેકરે 1971-72માં મરાઠી નાટકોથી અભિનયની શરૂઆત કરેલી. નાનાએ કારગિલ યુદ્ધ વખતે પણ સક્રિયતા દાખવેલી. નાનાએ સેનાના અધિકારીને પોતાની આર્મીમાં જોડાવાની ઇચ્છા જણાવી, તો જવાબમાં નન્નો આવેલો. નાનાએ તે વખતના સંરક્ષણ મંત્રી ને પરિચિત જ્યોર્જ ફર્નાન્ડિઝને, ફિલ્મ ’પ્રહાર’નું બેકગ્રાઉન્ડ જણાવીને કન્વિન્સ કરેલા. તે પછી તેઓ કારગિલમાં બે મહિના સુધી સેના સાથે જોડાયેલા. કુસુમાગ્રજના મરાઠી નાટક ‘નટસમ્રાટ’ પર આધારિત એ જ નામની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નાનાએ ભજવેલી જે ખૂબ લોકપ્રિય થઈ હતી. 2016માં આવેલી આ ફિલ્મમાં ગણપતરાવ બેલવાલકર(અપ્પા સાહેબ)ની જીવંત ભૂમિકા હતી.
નાનાએ હિન્દી ફિલ્મ જગતમાં પદાર્પણ ‘ગમન’ ફિલ્મથી કરેલું. તે પછી તો ગંભીર ભૂમિકા હોય કે ખલનાયકની, નાના જીવ રેડીને ભૂમિકા ભજવતા. ફિલ્મ નબળી હોઈ શકે, પણ નાનાનો અભિનય નબળો ન હોય. તે જે તે પાત્રને જીવી જતા હતા, એટલે તે ભૂમિકા ભજવે છે એવું પ્રેક્ષકોને યાદ આવતું ન હતું. એક જૂનો વીડિયો હમણાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં નાના રંગભૂમિ અને અભિનય કારકિર્દીની યાદો શેર કરતા દેખાય છે. તેમાં ’71-‘72માં 1,200 રૂપિયાની નોકરી છોડીને નાટક પર પસંદગી ઉતારેલી તે વાત તેઓ કરે છે. નાના 56ની ઉંમર સુધી નાટકો સાથે જોડાયેલા રહ્યા. આ વીડિયો તેમના છેલ્લા વીડિયો તરીકે જોવાઈ રહ્યો છે.
હા, નાના પાટેકર હવે આપણી વચ્ચે નથી. તેમનું 8 ઓક્ટોબર, 2026ની સવારે 5.20ની આસપાસ નિધન થયું છે. ગોવાના ડોના પાઉલા સ્થિત તેમના નિવાસ સ્થાને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને સ્થાનિક હોસ્પિટલે લઈ જવાયા ને ત્યાં લગભગ 45 મિનિટ સી.પી.આર. આપવાના પ્રયાસ છતાં, મૃત્યુ થયું. ટૂંકમાં, ભારતે ‘લાર્જર ધેન લાઈફ’ (વન ઓફ ધ ફાઈનેસ્ટ) કલાકાર ગુમાવ્યો છે.
અનુપમ ખેરે એક વીડિયોમાં રડી દેતાં કહ્યું કે નાનાએ ન જવું જોઈએ, આવા માણસોએ ન જવું જોઈએ. નાના ગુસ્સૈલ વ્યક્તિની ભૂમિકા કરતા હતા. એ સાચું હોય તો પણ ‘ખામોશી : ધ મ્યુઝિક્લ’માં તેમની મૂંગા પિતાની ભૂમિકામાં તેઓ સંવેદના પણ તંતોતંત પ્રગટ કરે છે. શૂટમાં સજ્જ નાનાનો મૂક અભિનય સજીવ સંવાદ બનીને સલમાન ખાન સામે પ્રગટ થાય છે. પરેશ રાવલે તેમને ખરેખર અલગ જ માટીના ‘બાપ’ (લિજંડ)’ ગણાવ્યા છે. નાના પાટેકરની નાટ્ય-ફિલ્મી કારકિર્દી પાંચેક દાયકા લાંબી રહી. ફિલ્મોમાં તેમની યાદગાર ભૂમિકાઓ ‘ગમન’, ‘અંકુશ’ (‘અંકુશ’ માટે નાનાએ ઘર ગિરવે મૂકીને બે લાખની મદદ દિગ્દર્શક એન. ચંદ્રાને કરેલી), ‘સલામ બોમ્બે’, ‘તિરંગા’, ‘પરિંદા’, ‘ક્રાંતિવીર’, ‘અબ તક છપ્પન’, ‘વેલકમ’ ‘ધ એટેક ઓફ 26/11’ જેવી ઘણી ફિલ્મમોમાં જોવા મળી. ‘પ્રહાર : ધ ફાઈનલ એટેક’માં તેમણે દિગ્દર્શન પણ સંભાળેલું.
1 જાન્યુઆરી, 1951માં મહારાષ્ટ્રના મુરુડ – જન્જીરા ગામમાં જન્મેલા નાનાનું જન્મનામ વિશ્વનાથ ગજાનન પાટેકર હતું, પણ દુનિયા તેમને નાના પાટેકર તરીકે ઓળખે છે. ફિલ્મોમાં પ્રવેશ પછી રવિ ચોપરાએ તેમને દુષ્કર્મીની ભૂમિકા આપવાની વાત કરી તો તેમને ગાળ દઈ દીધી હતી. સ્મિતા પાટિલને એ વાતની ખબર પડી, તો તેણે નાનાને સમજાવ્યા ને રવિ ચોપરાએ પણ તેમને મુખ્ય ખલનાયકની ભૂમિકા સોંપી. ‘પરિંદા’માં પણ ફિલ્મ દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરા સાથે ઝઘડો થઈ ગયો હતો. ‘પરિંદા’ના ક્લાઈમેક્સમાં નાનાને આગમાં બળતા બતાવવાના હતા, ત્યારે સેફટીગાર્ડ પહેરવાનું જરૂરી હતું, પણ નાનાએ ના પાડી ને ભૂમિકા ભજવી, જેમાં તેઓ ખરેખર દાઝી ગયા હતા. એમ જ ‘ખામોશી : ધ મ્યુઝિકલ’ ફિલ્મમાં પણ તેઓ દિગ્દર્શક સંજય લીલા ભણસાલી સાથે ભીડી ગયેલા.
આમ થયું તેના મૂળમાં નાનાનો ભૂતકાળ હતો. નાના તોફાની હતા. શિક્ષક તેમને વારંવાર મારવા ઊભા ના થવું પડે એટલે બાજુમાં બેસાડતા. નાનાના તોફાનથી ત્રાસીને ધોરણ છમાં જ માતાએ માસીને ત્યાં મોકલી દીધાં તો વરસેકમાં માસીએ નાનાને પરત મોકલી દીધા. પિતા બીજા બે દીકરાઓ તરફ વધુ ધ્યાન આપતા, એટલે નાનાને પોતે વિચિત્ર લાગતા. નાના પાટેકરના પિતાનો ટેક્સટાઇલ પેઈન્ટિંગનો નાનો ધંધો હતો. 13 વર્ષની ઉંમરે 1963ના અરસામાં નાનાના પિતા સાથે કોઈએ દગો કર્યો ને આખો ધંધો જ પડી ભાંગ્યો. બધી મિલકત વેચાઈ ગઈ. પૈસા કમાવા નાનાએ પણ સડક પર આવી જવું પડ્યું. તેઓ સવારે ભણતા ને સાંજે ઘરથી 8 કિલપમીટર ફિલ્મોનાં પોસ્ટર રંગવા જતાં ને પાછા આવતા. એને માટે મહિને 35 રૂપિયા મળતા. પૈસાની તંગીને લીધે ક્યારેક જમવાનું પણ ન મળતું. પેટપૂજાનું કંઇ થઈ રહેશે એ ગણતરીએ નાના એમ જ મિત્રોને મળવા નીકળી પડતા.
નાનપણથી જ ગામડાઓમાં યોજાતા નાટકોમાં તેઓ ભાગ લેતા. એક વાર તેઓ ગામમાં નાટક કરતા હતા તે જોવા જ પિતા મુંબઈથી ગામ આવી પહોંચેલા. તે પછી નાનાને લાગ્યું કે પિતા પોતાને પણ ચાહે છે. જો કે, એક અફસોસ નાનાને જીવનભર રહ્યો કે પોતાની કમાણીનો એક રૂપિયો પણ પિતાના હાથમાં મૂકી શક્યા ન હતા.
1978માં નાનાનાં લગ્ન નીલકાંતિ પાટેકર સાથે થયાં. તેઓ પણ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલાં છે. લગ્નથી બે સંતાન હતાં, પરંતુ એક દીકરાનું બે વર્ષની ઉંમરે જ અવસાન થયું. કાલે તેમના દીકરા મલ્હાર પાટેકરે જ મૃત્યુના સમાચાર આપ્યા હતા. નીલકાંતિ બેંક અધિકારી હતાં, પણ તેમણે મરાઠી ફિલ્મોમાં અભિનેત્રી અને લેખિકા તરીકે પોતાની ઓળખ બનાવી છે. તાજેતરમાં જ વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’થી તેમણે કમબેક કર્યું છે. 1989માં મરાઠી ફિલ્મ ‘આત્મવિશ્વાસ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો મહારાષ્ટ્ર સરકારનો એવોર્ડ પણ તેમને મળ્યો છે. આમાં દુ:ખદ વાત કોઈ હોય તો તે નાના અને નીલકાંતિ 35 વર્ષથી અલગ રહે છે. કમાલ એ છે કે તેમણે છૂટાછેડા પણ લીધા ન હતા.
નાના પાટેકર અભિનયથી તો સંવાદ વગર પણ ભૂમિકા જીવી જતા. ‘ખામોશી: ધ મ્યુઝિકલ’નું ઉદાહરણ હાથવગું છે જ, પણ ડાઈલોગ ડિલીવરી માટે પણ નાનાની પોતીકી સ્ટાઈલ હતી. તીવ્ર આક્રોશ ને ભાવાભિનય સાથે તેઓ સંવાદ પ્રભાવક રીતે બોલી શકતા હતા. ‘યશવંત 1996’નો એ સંવાદ આમ તો આક્રોશપૂર્ણ કવિતા જ છે, ‘એક મચ્છર …’ સંવાદ પ્રેક્ષકોમાં ખૂબ પંકાયેલો. જેલના કેદીઓ વચ્ચે એક કેદી બે હથેળીઓ વચ્ચે મચ્છર મારે છે, ત્યારે વાગતા તાબોટાઓ જોઇને નાના બોલે છે, ’એક મચ્છર, સાલા, આદમી કો હિજડા બના દેતા હૈ …’ ‘પરિંદા’નો આ સંવાદ પણ એ જ આક્રોશ પૂર્ણ અભિવ્યક્તિનો છે, ‘યે દુ:ખ નામ કિ બીમારી કા ઈલાજ કિસી ડોક્ટર કે પાસ ભી નહીં હૈ. ઇસ કા ઈલાજ ખુદ ઢૂંઢના પડતા હૈ.’ ‘ક્રાંતિવીર’નો આ સંવાદ હિંદુ-મુસ્લિમ વિવાદ સંદર્ભે, બંનેનું લોહી કાઢીને બતાવે છે, ‘યે લે યે મુસલમાન કા ખૂન ઔર યે હિંદુ કા ખૂન. બતા ઇસમેં હિંદુ કા કૌનસા ઔર મુસલમાન કા કૌનસા? બતા. સાલે બનાનેવાલેને ઇસ મેં ફર્ક નહીં કિયા તો તૂ કૌન હોતા હૈ ફર્ક કરનેવાલા?’
નાનાને ‘પરિંદા’ માટે સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો, તો ‘અંગાર (1993) માટે બેસ્ટ વિલનનો ફિલ્મફેર તથા બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર ‘ક્રાંતિવીર’ માટે ને ‘અપહરણ (2006)’ માટે બેસ્ટ પરફોર્મન્સ ઇન એ નેગેટિવ રોલ, એમ ચાર ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા. નાના પાટેકરને શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકેનો નેશનલ એવોર્ડ ‘પરિંદા (1990)’ માટે મળ્યો હતો, તો રાષ્ટ્રીય પુરસ્કાર ‘ક્રાંતિવીર (1995)’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો મળ્યો હતો. તેમને ત્રીજો રાષ્ટ્રીય પુરસ્કાર સહાયક અભિનેતા તરીકેનો ‘અગ્નિસાક્ષી (2006)’ માટે મળ્યો હતો. 2013માં કલાના ક્ષેત્રમાં યોગદાન માટે નાનાને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવેલા.
મૃત્યુનો આભાસ થયો હોય તેમ 4 દિવસ પહેલાં નાનાએ કહ્યું હતું, ‘ખબર નથી, કાલે હોઉં કે નહીં.’ ને વાત સાચી પડી. કોઈ પણ કલાકાર મૃત્યુ પામે ત્યારે આમ તો બહુ ફરક પડતો નથી. નવો કલાકાર આવે છે ને ચક્ર ચાલતું રહે છે. તો ખોટ ક્યાં ને શું પડે છે? ફરક એ પડે છે કે નાના હોત ને બીજી અસંખ્ય ભૂમિકાઓ તેમણે ભજવી હોત, તેના પર મૃત્યુએ કાયમને માટે પૂર્ણવિરામ મૂકી દીધું છે. ગમે એટલું મથીએ તો પણ તેમના આવા અભિનય કે સંવાદો હવે ક્યારે ય જોવા-સાંભળવા નહીં મળે-
નાના પાટેકરને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 ઑક્ટોબર 2026
![]()

