એવો દિવસ નથી ઊગતો જેમાં સ્ત્રીઓને લગતા અપરાધોથી મીડિયા બચી ગયું હોય. નાની છોકરીથી માંડીને કોઈ પણ ઉંમરની સ્ત્રીને દુષ્કર્મનો ભોગ બનાવવાનું સામાન્ય થઈ પડ્યું છે. છેડતી, બળાત્કાર, બીભત્સ ફોટો – વીડિયો વાયરલ કરી દેવાની ઘટનાઓ હવે કશા ય ક્ષોભ કે સંકોચ વગર બહાર આવે છે. પ્રેમી કે બોયફ્રેન્ડ હવે લગ્નની રાહ નથી જોતાં. અંગત પળોનો વીડિયો કે ફોટો પ્રેમી ઉતારે છે ને પ્રેમિકા તે ઉતારવા પણ દે છે ને પછી પ્રેમી તેને વાયરલ કરી દેવાની ધમકી આપી તેનું આર્થિક કે શારીરિક શોષણ કરે છે તો પ્રેમિકા પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. પણ, આ બધું ય હવે કોઠે પડી ગયું હોય તેમ એમાં કોઈને કૈં ચિંતા કરવા જેવું લાગતું નથી. આમાં ઘટાડો થતો નથી ને એને સ્વાભાવિક ક્રમમા સ્વીકારી લેવા જેવી ખંધી સ્વસ્થતા સૌએ કેળવી લીધી છે. અનેક પ્રકારે અને રીતે સ્ત્રીઓનો દુરુપયોગ અગાઉ નવી વાત ન હતી ને હવે પણ નથી. પણ આશ્ચર્ય ને આઘાત એ વાતે છે કે શિક્ષણ જેમ જેમ વધતું આવે છે તેમ તેમ એવા અપરાધોમાં ઉત્તરોત્તર વધારો જ થતો જોવામાં આવે છે, ત્યારે પ્રશ્ન થાય કે આવી માનસિકતા આજનાં શિક્ષણનું પરિણામ તો નથી ને? માણસ પણ હવે ઉપયોગનાં સાધનથી વિશેષ કૈં નથી ને શિક્ષણ પણ હવે તેના ઉપયોગની રીતો પૂરી પાડતું હોવાનો વહેમ પડે છે.
અઠવાડિયા પર પંજાબના મોહાલીમાં એક બે નહીં, પણ 60 નહાતી વિદ્યાર્થિનીઓના વીડિયો વાયરલ થયા ને એની એ વિદ્યાર્થિનીઓ પર એવી ઘેરી અસર પડી કે 8 વિદ્યાર્થિનીઓએ આત્મહત્યાની કોશિશ કરી અને તેમાંથી એકની હાલત ગંભીર થઈ ગઈ. આ ઘટના પંજાબની ખાનગી યુનિવર્સિટીમાં બનતાં મોહાલીમાં અને આખા દેશમાં તેના પડઘા પડ્યા છે. એમાં આઘાત આપનારી બાબત એ છે કે આ વીડિયો ઉતારવાનો આરોપ એ જ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની એક વિદ્યાર્થિની ઉપર છે. તે ગર્લ્સ હૉસ્ટેલના બાથરૂમમાંથી વીડિયો બનાવતાં રંગેહાથ પકડાઈ છે. તેણે સીમલાના તેના મિત્રને એ વીડિયો મોકલ્યો ને તેણે એ વાયરલ કરી દીધો. વિદ્યાર્થિનીઓએ આ મામલે પોલીસ ફરિયાદ કરી અને પોલીસે એ કથિત વિદ્યાર્થિનીની ધરપકડ પણ કરી છે. હોબાળો એટલો થયો કે પોલીસે મામલો હાથમાં લીધો ને નોબત લાઠીચાર્જ સુધી આવી. બીજી તરફ મેનેજમેન્ટ એ પેરવીમાં છે કે વાત વણસે નહીં, એટલે એ વિદ્યાર્થીઓ પર દબાણ લાવીને મામલો થાળે પાડવા માંગે છે. 6 દિવસ સુધી કેમ્પસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો ને 2 વૉર્ડનને સસ્પેન્ડ કરી દેવામાં આવી. કાયદો એની રીતે કામ કરે કે ન કરે, તે તો સમય કહેશે. આનો પડઘો હોય કે ટેલિપથી, ખબર નથી, પણ આવી જ ઘટના ધરમપુર તાલુકાની ઓઝરપાડાની એક ‘કન્યા સાક્ષરતા નિવાસી શાળા’માં પણ બની.
આ શાળાની વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી છે કે હૉસ્ટેલના રસોઈયાઓ બાળકીઓ નહાતી હોય કે કપડાં બદલતી હોય ત્યારે બાથરૂમની બારીમાંથી ફોટા પાડે છે અને વાયરલ કરી દેવાની ધમકી આપે છે. આ ઉપરાંત આ રસોઈયાઓ છોકરીઓ સામે અભદ્ર કોમેન્ટ પાસ કરે છે. છોકરીઓએ આ અગાઉ ખરાબ ગુણવત્તાનું ભોજન પીરસાતું હોવાની ફરિયાદ પણ કરી છે, બને કે રસોઈયાઓનું કૃત્ય તેની પ્રતિક્રિયા જ હોય. આચાર્યાએ પોલીસ ફરિયાદ કરી છે. રસોઈયાઓ ઊંચી જાતિના હોવાથી આદિવાસી કન્યાઓની છેડતીનો પરવાનો મળી ગયો હોય તેમ બેફામ રીતે વર્તતા હતા. જો કે, હોબાળો થતાં બંને ભાગી ગયા હતા અને આચાર્યાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી શનિવારે તેમની ધરપકડ પણ કરી છે. આચાર્યાએ પણ સ્વેચ્છાએ બદલી માંગી લીધી છે. એમણે બદલી માંગી છે કે પ્રશાસને કરી છે તે બહુ સ્પષ્ટ નથી. આચાર્યા, ગૃહમાતાની ભૂમિકા શંકાસ્પદ છે. આચાર્યા વીડિયોમાં એવું કહેતાં દેખાય છે કે વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી અને રસોઈયાઓને કાઢી મુકાયા, પણ એ પણ તરતનું લેવાયેલું પગલું લાગતું નથી. એમણે ક્યાં ય સુધી તો એવું જ રટણ કર્યું છે કે વિદ્યાર્થિનીઓએ કે શિક્ષિકાઓએ એવી કોઈ ફરિયાદ કરી નથી કે ફરિયાદ પેટીમાં પણ એક પણ ફરિયાદ આવી નથી. બીજી તરફ વાલીઓ સુધી ફરિયાદ પહોંચી છે ને એ પછી આચાર્યાને આ મામલે સક્રિય થવાનું બન્યું હોય એમ બને. આ સંસ્થા કન્યાશાળા છે એવું યાદ આવતાં મેનેજમેન્ટે પછી રાંધવા માટે દસ મહિલાની વ્યવસ્થા કરી હોવાનું બહાર આવ્યું છે. એની વે, પોલીસે પોકસો અને એટ્રોસિટી મુજબનો ગુનો નોંધી રસોઈયાઓને પકડી પાડ્યા છે.
એને અકસ્માત જ ગણવો પડે કે પંજાબ અને ગુજરાતમાં એક જ પ્રકારની બે ઘટનાઓ એક જ અઠવાડિયામાં બને છે. બંનેમાં નહાતી વિદ્યાર્થિનીઓનાં ફોટા-વીડિયો ઊતરે છે ને વાયરલ કરી દેવાની ધમકી અપાય છે. એકમાં, આવા વીડિયો, સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જ ઉતારે છે ને બીજામાં એ કામ પુરુષો-રસોઈયાઓ કરે છે. આમ જુઓ તો આ મર્યાદાભંગ, અવિવેક અને બેશરમીનું પરિણામ છે. એમાં સ્ત્રી હોય કે પુરુષ બહુ ફરક પડતો નથી. એ વિચારવા જેવું છે કે આવું કેમ થાય છે? આવું આજે જ થાય છે ને પહેલાં થયું જ નથી એવું નથી, પણ જે રીતે એનું પ્રમાણ વધતું આવે છે તે અનેક સ્તરે વિચારતા કરી મૂકે એવું છે.
સ્ત્રી-પુરુષનો પ્રેમ પરાપૂર્વથી ચાલ્યો આવે છે, પણ એમાં જે એકબીજાં માટેનો આદર હતો, લાગણી હતી, તેનું પ્રમાણ ઘટતું આવે છે. એ સંદર્ભે કુટુંબમાં જે સ્નેહ, વાત્સલ્ય હતાં તે હવે પહેલાં જેવાં નથી. એમાં જે નિર્ભેળ લાગણીઓ વહેતી હતી તેણે એકબીજા તરફની ફરજો, જવાબદારીઓ ઊભી કરી હતી. એનું સ્થાન હવે અધિકાર અને અહંકારે લીધું છે. એ પણ છે કે જ્યાં અમર્યાદ સંપત્તિ આવી, તેણે માણસને વધુને વધુ લોભી બનાવ્યો. હક વગરની સંપત્તિએ એ લોભનો વિસ્તાર કર્યો. એમાં જ્યાં રાજકારણ ઉમેરાયું ત્યાં કેવળ સ્વાર્થનું અને સમૃદ્ધિનું અનિષ્ટ જ વિકસ્યું. કોઈ પણ કામ પૈસાથી કરાવી શકાય છે અથવા તો અટકાવી શકાય છે એ (અ)જ્ઞાન, ઉપરથી નીચે સુધી રેલાયું. એવું નથી કે બધે જ આમ થયું. સપત્તિ અને સંબંધો વચ્ચે વિવેક જળવાયો પણ ખરો. પણ અનેક સ્તરે નાલાયકી અને હરામની કમાણીનો આગ્રહ વધતો આવ્યો. આમ તો ટેકનોલોજી મનુષ્યની મદદ માટે જ આવી હતી, પણ એના દુરુપયોગે એ સ્થિતિ સર્જી કે કુટુંબ વચ્ચેનો સંબંધ લગભગ ખતમ થયો. મોબાઇલના અતિશય ઉપયોગે નિર્જીવનો મહિમા વધાર્યો અને સજીવની ઘોર અવગણના કરી. એક જ કુટુંબનાં બધા સભ્યો મોબાઈલને કારણે ઘરની બહાર નીકળ્યા ને દુનિયાભરના પારકા સભ્યો ઘરનાં બેડરૂમ સુધી ઘૂસી આવ્યા. ઘરનાં પારકા થયા ને પારકા ઘરમાં આવી ગયા. એમાં બધા જ કામના હતા એવું ન હતું, એ સૌ સમય પસાર કરવા જ ઘરમાં આવ્યા અને સ્થિતિ એવી થઈ કે કોઈની પાસે જ સમય ન રહ્યો. નવરા બધા હતા, પણ સમય કોઈની પાસે ન હતો. એમાં સૌથી વધુ ભોગ કુટુંબનો લેવાયો. એના સભ્યો વચ્ચે હૂંફ, લાગણી જેવું ખાસ ન રહ્યું. તેણે સ્વાર્થ અને બદમાશીનું રૂપ ધારણ કર્યું. મોબાઈલથી ફોટા પાડી શકાય, વીડિયો ઉતારી શકાય એ સારી વાત હતી, પણ તેણે અંગતતાને જાહેર કરી. પોતાની જ પ્રેમિકાનો વીડિયો તેને બદનામ કરવાનું નિમિત બન્યો. દીકરી જેવી વિદ્યાર્થિનીને મોબાઈલે નહાતી જોઈ ને તેને બદનામ કરવાનો, લાભ લેવાનો વિચાર આવ્યો. આ વિચાર વિકૃતિ સુધી ગયો. આજે ઠેર ઠેર આવી વિકૃતિના અડ્ડા જામ્યા છે. એવું નથી લાગતું કે આપણે ઉકરડાઓ વચ્ચે શ્વસી રહ્યા છીએ?
આમ તો ટેકનોલોજી શિક્ષણનું જ પરિણામ હતી, પણ જે પ્રકારનાં શિક્ષણનો મહિમા આપણે વધાર્યો છે એમાં સંસ્કૃતિ, સમાજ, ભાષા, સાહિત્ય, કળાનો સમાવેશ કેટલો છે એ વિચારવા જેવું છે. એ સાચું છે કે આજીવિકા આવાં શિક્ષણથી ખાસ મળતી નથી. શિક્ષણ હવે આનંદ માટે નથી, તે પગાર માટે છે. જે વધારે પગાર આપે તે જ શિક્ષણ ને તેવું જ શિક્ષણ કામનું છે એવી વ્યાખ્યા હવે બંધાતી આવે છે. એવું હોય તેનો ય વાંધો નથી, પણ કળા, સંસ્કૃતિનો જ જ્યાં છેદ ઊડે ત્યાં પગારદાર રોબોટ્સ નહીં તો બીજું શું હાથ લાગે ને એને માનવીય ગુણોનું તો શું કામ પડે? આજે અંગ્રેજીને બાદ કરતાં ભાષાનું, કળાનું મહત્ત્વ ઘટતું આવે છે. યુનિવર્સિટીઓ પણ એનું મહત્ત્વ ઘટે એને માટે પ્રયત્નશીલ છે. અંગ્રેજીનું મહત્ત્વ ભાષા પૂરતું નહીં, પણ તે કમાવી આપનારું માધ્યમ છે એટલે છે. આવી સ્થિતિ હોય ત્યાં અપરાધની જ આરાધના થાય ને એ કરવામાં અત્યારે તો આખું જગત જોડાયું હોય એમ લાગે છે. ક્યાંયથી પણ ચોખ્ખો શ્વાસ મળે એવી હવા દેખાતી નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 સપ્ટેમ્બર 2022