ધીરુભાઈ ઠાકરે સમગ્ર જીવન કૉલેજ શિક્ષણ ક્ષેત્રે સમર્પિત કર્યું. એક તેજસ્વી અધ્યાપક અને પછીથી કર્મઠ પ્રિન્સિપાલ તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયા. નિવૃત્તિ કાળનાં પચ્ચીસેક વરસ ગુજરાતી ભાષામાં ‘વિશ્વકોશ’ તૈયાર કરવામાં ગાળ્યાં.
તેમના માર્ગદર્શનથી અનેક મેધાવી શિષ્યો તૈયાર થઈ ગુજરાત તેમ જ દેશમાં વિધવિધ ક્ષેત્રે પ્રકાશ પાથરી રહ્યા છે. અગાઉ પણ તેમના એક ખ્યાત વિદ્યાર્થી(ડૉ. પ્રવીણ દરજી)એ ‘શિક્ષણવિદ ધીરુભાઈ’ પ્રકાશિત કરેલું, જેમાં નાયકજીવનની આંશિક વાતો થઈ હશે, પણ તેમના પૂરેપૂરા જીવનનો આલેખ મળે તેવા શુભાશયથી આ કૃતિ તૈયાર કરી છે.
અહીં ધીરુભાઈના જન્મથી લઈ છેક મૃત્યુ લગી ક્રમશઃ જીવનરેખા આલેખવાનો સારો પ્રયાસ કર્યો છે. તે માટે અગિયાર પ્રકરણો પાડી તબક્કાવાર વ્યક્ત કર્યું છે, જેમાં ૧. શૈશવ, ૨. પ્રાથમિક શિક્ષણ, ૩. માધ્યમિક શિક્ષણ, ૪. કૉલેજનાં વર્ષો, ૫. ઘડતરકાળ, ૬. ગુજરાત કૉલેજ, અમદાવાદ (૧), ૭. ગુજરાત કૉલેજ, અમદાવાદ (૨), ૮. વિદ્યાયજ્ઞના આચાર્ય, મોડાસા-(૧), ૯. કારમો આઘાત : વિપથગામી પરિબળો, મોડાસા-(૨), ૧૦. જ્ઞાનયજ્ઞના પુરોહિત, ૧૦. વિશ્વકોશવિશેષ અને છેવટે એક પરિશિષ્ટ છે.
પ્રારંભના પ્રથમ પ્રકરણ ‘શૈશવ’માં નાયકના જન્મ સમય(ઈ.સ. ૧૯૧૮)ના ગુજરાતનું સાંસ્કૃતિક વાતાવરણ ઉપસાવ્યું છે. તે વખતે ગાંધીજીની પ્રવૃત્તિની શરૂઆત થઈ.
બીજા પ્રકરણમાં પ્રાથમિક શિક્ષણનો આલેખ આપ્યો છે. ખરું શિક્ષણ ચાણસ્મામાં થયું ત્યાં ચોથા ધોરણનો અભ્યાસ કરી અંગ્રેજી નિશાળમાં શિક્ષણ શરૂ થયું. તે ગાળામાં પરિવારનો સંસર્ગ છોટાલાલ જાની સાથે થતો રહ્યો. તેઓ કુટુંબના સલાહકાર જેવા અને નજીકના મિત્ર પણ હતા. નિષ્ઠાવાન શિક્ષકોએ જાત મહેનતથી-સ્વપ્રયત્નોથી ભણવાની ટેવ પાડી. અહીંનાં વરસો અગત્યનાં રહ્યાં. અહીં મોહન અને મણિલાલ ખાસ દોસ્તાર થયેલા. તે સમયના સહાધ્યાયીઓ અને મિત્રોનાં સંસ્મરણો આલેખ્યાં છે. બીજી તરફ સ્વાતંત્ર્યની લડતના વાતાવરણની ધીમી અસર લોકજાગૃતિ વધારતી જતી. પછીથી ચાણસ્માથી નજીક રૂપપુર રહેવા જવાનું થતાં સ્કૂલમાં ત્યાંથી ચાલીને આવ-જા કરતા. પિતા ઉનાળામાં ગિરધરકૃત રામાયણ વાંચે, તે માઢનાં સ્ત્રી-પુરુષો સાંભળવા આવતાં. બા ભજનકીર્તન કરતાં. આમ, ઘરમાં ભક્તિભાવનું વાતાવરણ સર્જાતું.
ઈ.સ. ૧૯૩૦-૩૧માં પિતાજીની સિદ્ધપુર બદલી થતાં પરિવાર ત્યાં રહેવા ગયો. બાળ ધીરુ ત્યાંના કર્મકાંડી વાતાવરણમાં મુકાય છે. અંગ્રેજી ધોરણ પાંચથી શરૂ થયું. મુલતાની માસ્તર લાભશંકર વકીલ પૂંજીરામ વગેરે સારા શિક્ષકોના પ્રતાપે ભણવામાં રસ પડ્યો. સારાં પુસ્તકો, શિક્ષકો અને મિત્રો મળ્યાં તેથી શિક્ષણકાર્ય સફળ રીતે આગળ વધ્યું. મૅટ્રિક આપી, સાઇઠ ટકા સાથે પાસ થયા. ભણવા માટે આર્થિક બાબતે બીજી જોગવાઈ ના થાય તો કૉલેજશિક્ષણ બંધ રાખવું પડે. લેખકે નોંધ્યું છે : “મૅટ્રિકની પરીક્ષામાં પાસ તો થઈ ગયા, પણ કૉલેજનો અભ્યાસ કરવા માટે છેક મુંબઈ, સુરત કે વડોદરા જવું પડે. પિતાજી પાસે એટલા પૈસાની સગવડ નહોતી કે એ ધીરુભાઈને બહાર ભણવા મોકલી શકે.” તેમની સ્કૂલના કારકુનની ચિઠ્ઠીથી સુરતમાં કામ થઈ ગયું. એમ.ટી.બી. કૉલેજમાં ભણવા જોડાયા. મામાએ પુસ્તકો મોકલી આપેલાં. વૅકેશનમાં મુંબઈ ગયા. ત્યાં કૉન્ગ્રેસનું અધિવેશન હતું. તેમાં સેવાર્થી તરીકે જોડાયા, તેથી ઘણા બધા નેતાઓને નજીકથી જોયા, સાંભળ્યા, જેમ કે ગાંધીજી, નેહરુ, યુસુફ મહેરઅલી વગેરે. ત્યારથી તેમણે ખાદીનો પહેરવેશ પહેરવાનો સંકલ્પ કર્યો તે છેક આજીવન પાળ્યો. ઇન્ટર સાયન્સ કરવા ગુજરાત કૉલેજ-અમદાવાદ દાખલ થયા. કમનસીબે નાપાસ થયા. ત્યાંથી મુંબઈ આવ્યા અને ઇન્ટર આટ્ર્સમાં એલ્ફિસ્ટન કૉલેજમાં ફૉર્મ ભર્યું. ગુજરાતી વિષય સાથે ભણવાનું શરૂ કર્યું. દુર્ગેશ શુક્લ સાથે રહેવાનું થયું. તેમના સંસર્ગથી અંગ્રેજી પુસ્તકો વાંચવાનું શરૂ થયું. ત્યાંથી ઘડતરકાળ પ્રારંભાયો. ઉમાશંકર જોશી અને બ.ક. ઠાકોરનો સંપર્ક થયો. મધુસૂદન વ્યાસ, નંદુ ત્રિવેદી, ચંદ્રકાન્ત વોરા જેવા વિવિધ મિત્રો મળ્યા. અભ્યાસ પૂરો કરી નોકરીની શોધ શરૂ કરી.
“નોકરીનું ઠેકાણું પડતું નથી, એટલે ધીરુભાઈ જતિન્દ્ર જોડે શૅરબજારમાં દલાલની ઑફિસમાં જઈને બેસે છે.” વચ્ચે ગોકળીબાઈ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાંથી ચિલ્ડ્રન-એકૅડેમીમાં અને પાર્ટટાઇમ અધ્યાપક તરીકે એલ્ફિસ્ટન કૉલેજમાં જોડાયા છે. ત્યાં પ્રો. કે.બી. વ્યાસની સલાહથી અમદાવાદ ગુજરાત કૉલેજમાં પૂર્ણસમયના અધ્યાપક તરીકે અરજી કરે છે. ત્યાં ઇન્ટરવ્યૂ આપી હાજર થાય છે. નાટ્યવૃત્તિ ફરી શરૂ થાય છે. ઈ.સ. ૧૯૪૨ની ‘હિન્દ છોડો’ ચળવળના પ્રભાવથી વિદ્યાર્થીઓ અને પોલીસ સામસામે આવી જાય છે. વિદ્યાર્થીઓના બચાવ માટે પાંચ અધ્યાપકો નીચે આવી દોડ્યા … એમાં એક ધીરુભાઈ હતા. પોલીસને રોકવા જતાં. એ ઘાયલ થયા.
“પાસે ઊભેલા ડી.એસ.પી.એ. એના હાથમાં રહેલી બંદૂકના નાળચાના બે પ્રહાર ધીરુભાઈના માથામાં જોરથી કર્યા.”
હૉસ્પિટલ ખસેડાયા. એ જ ટોળીનો વિદ્યાર્થી વીર વિનોદ કિનારીવાલા શહીદ થયેલો. ફરી કૉલેજ શરૂ થતાં બે પુસ્તકોનો અંગ્રેજી અનુવાદ કર્યો. તે તેમનાં પ્રથમ પ્રકાશન ગણાય. ત્યાર બાદ રા.વિ. પાઠકને મળી તેમના માર્ગદર્શન હેઠળ સ.ન. દ્વિવેદી (પંડિતયુગ) વિશે સંશોધન શરૂ કરે છે. ઈ.સ. ૧૯૫૯માં ગુજરાતી અને મરાઠી લેખકોને ટૂર ઉપર લઈ ગયેલા, તેમાં મોડાસાના રમણલાલ સોની સાથે પરિચય થયો. તે તેમણે પૂછ્યું કે અમે મોડાસામાં નવી કૉલેજ શરૂ કરવાના છીએ તો આચાર્ય તરીકે તમે જોડાશો ? પોતાને સરકારી નોકરી હોવાથી ડેપ્યુટેશન પર લઈ જવા પડે …
ઈ.સ. ૧૯૬૦થી આચાર્ય તરીકે જોડાયા. પછીનાં બે પ્રકરણો મોડાસાના કાર્યકાળનો યથોચિત આલેખ આપે છે. નવી કૉલેજમાં વિદ્યાર્થીઓ મેળવવા જીપ લઈ ગામડાંઓ ખૂંદી વળે છે. દોઢસો જેટલી સંખ્યાથી સંસ્થા સ્કૂલના મકાનમાં શરૂ થઈ. તેજસ્વી અધ્યાપકોને જરૂર પડે, તો સામેથી નોકરીનો લાભ આપી લઈ આવતા. ત્યાં તેમણે ઘણા બધા અભ્યાસી અધ્યાપકોને ભેગા કરેલા. ધીરુભાઈની પોતાની તેમ જ મેધાવી અધ્યાપકોની નિષ્ઠાથી કૉલેજ સ્થિરતા પ્રાપ્ત કરે છે. નવ જેટલા વિદ્વાન પ્રાધ્યાપકો ધીરુભાઈનાં ‘નવરત્નો’ તરીકે પ્રસિદ્ધ પામેલા. આ બધાથી સમગ્ર રાજ્યમાં મોડાસા કૉલેજની ઊંચી શાખ બંધાયેલી. બીજી તરફ ‘ગુજરાત સમાચાર’માં ‘સાહિત્ય અને સંસ્કાર’ કૉલમમાં સમકાલીન ગુજરાતી સાહિત્ય- કૃતિઓની સમીક્ષાઓ કરતા. તેનાથી સાહિત્ય-ઇતિહાસલેખનની જાણે કે તાલીમ વળવા લાગી.
એક વાર ગુલઝારીલાલ નંદા મોડાસા આવેલા, ત્યારે રેલવે લાઇનની માગણી બાબતે વિદ્યાર્થીઓએ તેમની જીપ સળગાવી. ધીરુભાઈને ફરી પોલિસ સામે મુકાવાનું થયું.
લેખક નવમા પ્રકરણ ‘કારમો આઘાત, વિપથગામી પરિબળો, મોડાસા’માં જુદી જ ઘટનાઓ નિરૂપે છે. નવનિર્માણની અસર હેઠળ કૉલેજમાં પથ્થરબાજી થઈ, હડતાલ પડી. એક વાર અધ્યાપકોની નિંદા કરતી પત્રિકાઓ ખાનગીમાં ફરતી થઈ. કૉલેજ સ્ટુડન્ટ્સે અધ્યાપકો સામે વિદ્રોહ કર્યો. એમાં મોડાસા બજારમાંથી કેટલાંક નકારાત્મક પરિબળોના દોરીસંચારથી ઘટનાઓએ જોર પકડ્યું. વાત વધારે વણસતી ગઈ. છેવટે મંડળનો સૂર પણ વિદ્યાર્થીઓ તરફ થયો. એક ફેરા તો ધીરુભાઈએ વૉકઆઉટ કર્યું. તેમને હૃદય પર ઊંડો આઘાત લાગ્યો. પેલા નવ તેજસ્વી અધ્યાપકોનાં રાજીનામાંની માગણી સામે બધાએ ઝૂક્વું પડ્યું. અંતે તે ‘નવરત્નો’ને છૂટાં કરાયાં. બીજી તરફ યુ.જી.સી.એ મોડાસા કૉલેજને શ્રેષ્ઠ કૉલેજ જાહેર કરી. ધીરુભાઈને એક વાર તો એમનું કર્યું કારવ્યું ધૂળ થઈ ગયું હોય તેમ લાગ્યું.
“ધીરુભાઈને થયા કરતું હતું કે મારું સ્વપ્ન રોળાઈ ગયું. મારી બધી આશાઓ પર પાણી ફરી વળ્યું છે.” હવે મોડાસા રહેવાનો શો અર્થ ? છતાં ધીરુભાઈ હાજર થઈ મોડાસા મોકલવાનું નાવ પાછું ઠીકઠાક કરવા મથે છે. તા. ૩૦-૬-૧૯૭૮ના દિવસે તેઓ નિવૃત્ત થયા.
પ્રકરણ દસનું શીર્ષક ‘જ્ઞાનયજ્ઞના આચાર્ય’ રાખ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના માતૃભાષામાં શિક્ષણ આપવાની નીતિથી ગુજરાતીમાં વિશ્વકોશની ઊણપ સ્પષ્ટ વર્તાવા લાગી હતી. ડૉ. પી.સી. વૈદ્ય દિશામાં સક્રિય થયા. તેમણે રઘુવીર ચૌધરી અને ધીરુભાઈ તથા કેટલાક અધિકારીઓને લઈ સતારા (મહારાષ્ટ્ર) મોકલ્યા, ત્યાં વિશ્વકોશ વિષયક માહિતી જાણી લાવવા સરકારે તે કામ અંગે પચાસ લાખ રૂપિયા ફાળવી દીધા. સરકાર બદલાતાં ઠરાવ રદ થયો. કામ ખોરંભે પડ્યું. એક વાર ધીરુભાઈ વિસનગર વ્યાખ્યાન આપવા ગયા. ત્યાંના અગ્રણી કાર્યકર સાંકળચંદ પટેલને મળી ગુજરાતી વિશ્વકોશ અંગેની વાત સમજાવી. “એમણે સાંકળચંદભાઈને વિશ્વકોશની અનિવાર્યતા સમજાવી.”
તેઓ દાન આપવા સંમત થયા. પછી તો અમદાવાદ આવીને કુમારપાળ દેસાઈના સહયોગથી એક ટ્રસ્ટ રચ્યું. બીજી તરફ જૂનું મકાન રિપૅર કરી કામ શરૂ કરાયું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે પચાસ ટકા જેટલી રકમ મંજૂર કરી. તેવું જ શંકરસિંહ મુખ્ય મંત્રી બન્યા, ત્યારે પણ માતબર રકમ મંજૂર કરી. શ્રેષ્ઠીઓની સહાય મળતી રહેતી. દાનનો પ્રવાહ વહેતો રહ્યો. પૂજ્ય મોટા અને પ્રમુખસ્વામીએ પણ મોટી રકમનાં દાન આપ્યાં. સંસ્થાનું મકાન ઊભું કરવામાં આવ્યું. પ્રજા અને સરકારના સહયોગથી અવિરત કામ ચાલ્યું. વિશ્વકોશના એક પછી એક ગ્રંથો પ્રગટ થયા હતા. ગુજરાતી વિશ્વકોશનું કામ પૂર્ણ થતાં જીવનની એક પચ્ચીસી તેની પાછળ ખર્ચાઈ ગઈ. સંસ્થા સાથે સતત તાદાત્મ્ય અનુભવતા ધીરુભાઈ છેક સુધી જોડાયેલા રહ્યા.
પ્રકરણ ૧૧માં ગુજરાત વિશ્વકોશ સંસ્થાની કામગીરી અને વિશેષતાઓનો સચોટ પરિચય આપે છે. સંસ્થાના અઠ્ઠાવીસમા જન્મદિને (૨-૧૨-૧૯૧૩) તેમણે પ્રવચન આપ્યું. તે તેમનું છેલ્લું પ્રવચન બની રહ્યું. તેમણે કહ્યું : “વિશ્વકોશ એ સત્ય પામવાનું સાધન છે, તેથી જ આપણે કહીએ છીએ કે સંશોધનકાર્યમાં વિશ્વકોશ એ બહુ મોટું સહાયક સાધન છે.” તા. ૨૪-૧-૨૦૧૪ના રોજ તેમનું અવસાન થયું. તેના બીજા દિવસે (૨૫-૧-૧૪) ભારત સરકારે તેમને પદ્મશ્રીનું સન્માન જાહેર કર્યું. છેવટના પ્રકરણમાં આ યજ્ઞકાળમાં કોનો, કેટલો, કેવો સહયોગ મળ્યો – મળતો રહ્યો છે, તેની વાત પણ કરી છે. સાથોસાથ વિશ્વકોશ સંસ્થા દ્વારા ચાલી રહેલી કળાપ્રવૃત્તિઓ અને અન્ય વિશેષ કાર્યોનો સારો પરિચય આપ્યો છે. કૃતિના અંતે એક ‘પરિશિષ્ટ’માં ‘ડૉ. ધીરુભાઈ ઠાકરની કૃતિઓની સંપૂર્ણ સૂચિ’ પ્રગટ કરી છે.
“ધીરુભાઈના સમગ્ર જીવનના સાડા નવ દાયકા વિશે આ જીવનકથામાં માંડીને છતાં ટૂંકમાં પણ મહત્ત્વની ઘણી બધી વાતો-વિગતોને વર્ણવીને વણી લેવાનો પ્રયાસ કર્યો છે.”
પેલા તેજસ્વી અધ્યાપકોમાંથી એક પ્રાગજીભાઈ ભામ્ભીએ ‘એ વર્ષો, એ દિવસો’ (પ્ર.આ. ૨૦૧૩) સંસ્મરણ ગ્રંથ લખ્યો છે. એમાં કેટલીક ઘટનાઓનું ઝીણું વર્ણન થયું છે.
સમૃદ્ધ જીવનના અનેક પ્રસંગોમાંથી લેખકે પસંદ કરીને, જરૂરી જણાયા હોય તે જ મૂક્યા હશે. એ અર્થમાં લેખકનું ‘ટૂંકમાં’ સાચું જણાય છે. જેમ કે દામ્પત્યજીવનની તથા પરિવાર વિશેની વાતો નહીંવત્ થઈ છે. જોઈએ “… ધીરુભાઈના જીવનમાં મહત્ત્વનો પ્રસંગ ૧૯૩૯ના વર્ષમાં જ બન્યો હતો … ધીરુભાઈની સગાઈ થઈ હતી ને ધનલક્ષ્મીબહેન, હરિકૃષ્ણભાઈ સાથે મુંબઈ રહેતાં હતાં … એટલે લગ્ન પહેલાં ધીરુભાઈ ધનલક્ષ્મીબહેનને મળવા જતા . ….એમનું દામ્પત્યજીવન બહુધા પ્રસન્ન અને મધુર રહ્યાનું નોંધાયું છે. બી.એ. થાય પછી એમનાં લગન વતન વિરમગામમાં યોજાયાં હતાં.” આટલી ટૂંકી નોંધ લીધી છે. ગ્રંથમાં પૂરકસામગ્રી રૂપે કેટલીક ક્ષણોની છબીઓ મૂકી છે. પણ એમાં એકેય – પારિવારિક નથી. ત્યારે કહેવાનું મન થાય કે લેખકે – ગુરુમર્યાદા પાળી હશે ? જે હોય તે હજી થોડી પ્રસંગક્ષણો કથી હોત તો ! કંઈ પ્રસ્તારી નથી બની જવાનું.
આપણા માન્ય વિવેચક વિશ્વનાથ મ. ભટ્ટે જીવનકથા સંદર્ભે એક વાત કરી છે. ચરિત્રગ્રંથની સફળતાનો મુખ્ય આધાર લેખકને ચરિત્ર વિષયભૂત વ્યક્તિ પ્રત્યે જેટલો સમભાવ હોય, તેની સાથે અનાયાસે જેટલું તાદાત્મ્ય અનુભવી શકતો હોય તેના પર છે. (તેત્રીસનું ગ્રંથસ્થ વાઙ્મય પૃ. ૪૫). અહીં લેખકે તેમના પ્રિય ‘વિદ્યાગુરુ’નું ચરિત્ર લખવાનો ‘પડકાર ઉપાડી જોવાનું સાહસ’ કર્યું છે. અને સારી રીતે પાર પાડી શક્યા છે. તે નોંધી શકીએ.
મણિલાલે જીવનકથાસ્વરૂપ વિશે અગાઉ સરસ વિવેચનાત્મક ગ્રંથ પ્રગટ કરેલો છે, તેટલું જ નહીં, તેમણે એકાધિક જીવનકથાઓનું સર્જન કર્યું છે, એ રીતે તેમની ઘડાયેલી પરિપક્વ કલમ દ્વારા આ કૃતિ સર્જાઈ છે. આ કૃતિ ધીરુભાઈના જીવનકાર્યને જાણવા-સમજવાનો સચોટ દસ્તાવેજ બની રહે છે, તેમાં મીનમેખ નથી. એમના આ યોગ્ય પ્રયાસને અભિનંદન તથા કૃતિ લખાવી અને પ્રકાશિત કરી, તેથી વિશ્વકોશ ટ્રસ્ટને પણ અમારી સલામ.
(‘જ્ઞાનયજ્ઞના આચાર્ય’ : લેખક – મણિલાલ હ. પટેલ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, T-20, Shilp Park Rd, Bank Of India Staff Society, Shanti Nagar, Usmanpura, Ahmedabad, Gujarat 380 013, India : પ્રથમ આવૃત્તિ – ૨૦૧૯ પૃષ્ઠ સંખ્યા ૮+૧૨૪ કિંમત રૂ. ૧૨૦/-)
મુકામપોસ્ટ ખેરોલ, મહાદેવ વાસ, તાલુકા તલોદ, જિલ્લા સાબરકાંઠા
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑક્ટોબર 2019; પૃ. 10-13