કાવ્યકૂકીઝ
અમે માઇકો સ્ટ્રાઈક પર જવાના છીએ
ના, ના ! અમારી કોઈ ઇજ્જત છે કે નહીં !
બેરા બોબડાં બધાં જ અમારાંમાં બોલે
મે'તા બોલે ને નેતા બોલે
સંત બોલે ને ઘંટ બોલે
રાતે બોલે ને દા'ડે બોલે
તે અમે શું લોકોનાં થૂંક ઝીલવા
જનમ લીધો છે?
અમે માઇક છીએ કે વાઈફ?
જે આવે તે અમને જ સંભળાવે છે
અમને પણ કૈં લાઇક જેવું હોય કે નહીં ?
નામ ત્યારે તો કહેવાય વક્તા
પણ અમને તો એ બકતા જ લાગે છે
કલાકો સુધી એ તો બકે
પણ તમને કંટાળો ન આવે?
અમે ત્રાસી જઈએ
થાય કે આ નવો જનમ થાય ત્યાં સુધી
ભચડ્યાં જ કરશે કે શું?
એ સંસ્કૃતિ બોલે
ને અમને વિકૃતિ સંભળાય
એ ધર્મ બોલે ને અમને અધર્મ સંભળાય
ને તમને શ્રોતાઓને કૈં થાય જ નહીં?
ખુશામત બધાંને ગમે એ ખરું
પણ આટલી ચમચાગીરી તો તમે જ …
અમે માઇક છીએ તો ય અમને
લાઇક, ડિસલાઇક છે
ને તમે સાંભળ્યા જ કરો એ કેવું?
લગનમાં તો ચાલો કે પ્રસંગ છે
તો બધાં ડી.જે.ને તાલે નાચે
પણ બેસણામાં હો માઇક?
એમાં મરનારનું તો નામ ખાલી હોય
પણ વખાણ તો પોતાનાં જ હોય
કદાચ મરનાર દૂર ગયો છે તો
તેને સંભળાવવા માઇક પકડતાં હશે
પણ જે આવે તે વાપરે છે અમને
એ તે કૈં રીત છે?
આમને આમ જ ચાલ્યા કરશે તો
અમે વીજળિક હડતાળ પાડીશું
અમને ગમે ત્યાં ઠોકી ના પાડો
અમે માઇક છીએ, બાઇક નથી
એ સમજી લો કે જેટલાં માઇક વધશે
એટલી બહેરાશ પણ વધશે …
ને કોને સંભળાવવું છે તમારે?
જે કીડીના પગનું ઝાંઝર પણ સાંભળે છે, એને?
લલ્લુઓ, બહેરાશ તમને છે, 'એને' નથી –
પ્રગટ : 'સંદેશ' બુધવારની કોલમ; 27 ઍપ્રિલ 2022
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


આટલાં ધર્મયુદ્ધો ને આટલાં કોમી રમખાણો પછી પણ, આખો દેશ ફરી એક હિંસા માટે બહુ આતુર છે. એમ લાગી રહ્યું છે કે દેશ કોમી આગમાં બળવા જીવ પર આવી ગયો છે ! વોટ્સએપ, ફેસબુક વગેરેમાં હિન્દુઓ મુસ્લિમો અને મુસ્લિમો હિન્દુઓ વિરુદ્ધ જે ઝનૂન ફેલાવી રહ્યા છે તે ફરી એક દેશને લોહિયાળ બનાવે તો નવાઈ નહીં ! બંને કોમો લોહી રેડીને શું માંગે છે તે નથી સમજાતું, પણ લોહીની લાલચ ઘટતી નથી. સૈકાઓ જૂની હિંસા હાથમાં કૈં આવ્યું નથી, તો પણ એકબીજાની વિરુદ્ધ ઝેર ઓકવાનું અટકતું નથી. કરુણતા એ છે કે બંને કોમને, જે થઈ રહ્યું છે તેમાં ખોટું કૈં દેખાતું ને હકીકત એ છે કે બંને પક્ષે સત્ય સિવાય બધું જ છે. બંનેમાં સારું પણ ને નબળું પણ છે, પણ નબળાઈ સામે પક્ષે જ છે ને આપણે તો દૂધે ધોયેલાં જ છીએ એવો ભ્રમ વ્યાપક છે.
કાલના જ સમાચાર છે. સુરતના ગોડાદરાની ઘટના છે. ધોરણ એકમાં ભણતા એક દીકરાએ ટ્યૂશને જવું ન હતું ને તેને, તેની મમ્મીએ ટપારીને ટ્યૂશને જવાની ફરજ પાડી તો તે ટ્યૂશને જવાને નામે બહાર તો નીકળ્યો, પણ ટ્યૂશને ગયો નહીં. ટ્યુશનનો ટાઈમ પૂરો થવા આવ્યો, છતાં છોકરો આવ્યો નહીં તો તપાસ ચાલી. પોલીસમાં જાણ થઈ ને પોલીસે અપહરણની શંકાથી તપાસ શરૂ કરી. સી.સી.ટી.વી.ના ફૂટેજમાં છોકરો બહાર જતો દેખાયો નહીં એટલે પોલીસે આજુબાજુમાં તપાસ કરી તો છોકરો તેની જ પાણીની ટાંકીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો. બન્યું હતું એવું કે છોકરો બાજુવાળાને ત્યાંથી તેની અગાશીએ પહોંચ્યો ને ત્યાંથી પોતાની અગાશી પર આવવા પાણીની ટાંકી પર ઊતર્યો, પણ તેનું ઢાંકણું ઢીલું હતું એટલે તે ટાંકીમાં જઈ પડ્યો ને 2000 લિટરની ટાંકીમાં ગરકાવ થઈ ગયો. તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ત્યારે વધુ વિગત બહાર આવે એમ બને, પણ પોલીસને ટાંકીની પાસે તેની સ્કૂલબેગ અને ચંપલો મળી આવી છે તે એ પ્રશ્ન ઊભો કરે છે કે તે અકસ્માતે ટાંકીમાં પડ્યો હોય તો બેગ અને ચંપલ સાથે જ પડે ને ! તેને બદલે બેગ, ચંપલ ટાંકીની બહાર છે ને છોકરો ટાંકીમાં ડૂબ્યો છે. જો આ અકસ્માત હોય તો ટાંકીની બહાર ચંપલ કાઢવા ને બેગ મૂકવાં એ રોકાય ને પછી ટાંકીમાં પડે એ ગળે ઉતરતું નથી. એ જે હોય તે, પણ ટ્યૂશન છ વર્ષનાં બાળકનાં મોતનું કારણ બન્યું છે તે ખરું.