અગ્રણી બૌદ્ધિક, સમાજવિજ્ઞાની, રાજકીય વિશ્લેષક, ઇતિહાસ લેખક, પત્રકાર અને કર્મશીલ અચ્યુતભાઈ યાજ્ઞિકનું ૪ ઑગસ્ટ ૨૦૨૩ના રોજ ૭૭ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી અવસાન થયું.
તેમણે સુચિત્રા શેઠ સાથે બે મહત્ત્વનાં પુસ્તકો લખ્યાં છે. The Shaping of Modern Gujarat : Plurality, Hindutva and Beyond ((૨૦૦૫) અને Ahmedabad : From Royal City to Mega City (૨૦૧૧).
અચ્યુતભાઈએ કિરીટ ભાવસાર સાથે તૈયાર કરેલી ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ (૨૦૦૪) પણ ખૂબ રસપ્રદ છે.
અચ્યુતભાઈને અંજલિ તરીકે વરિષ્ઠ પત્રકાર હરીશ ખરેએ ‘ધ વાયર’ પોર્ટલ પર લખેલો અંગ્રેજી લેખ અહીં ગુજરાતીમાં મૂક્યો છે.
− સંજય સ્વાતિ ભાવે
•••
છેક ૧૯૭૫ની સાલની આસપાસનાં વર્ષોથી લઈને હમણાં સુધી ગુજરાતને લગતા સમાચાર બહારનાં અખબારોને આપનાર પત્રકાર કે ગુજરાત પર અભ્યાસ કરનાર સંશોધક માટે અચ્યુત યાજ્ઞિકને અચૂક મળવું એ લગભગ ફરજિયાત જેવું બની ગયું હતું.
કારણ કે અચ્યુતભાઈ ગુજરાતના રાજકારણ અને ગુજરાતી સમાજના મિજાજ વિશેની માહિતી, વિગતો, આંકડા, આખ્યાયિકાઓ અને સૂક્ષ્મદૃષ્ટિના જ્ઞાનનો ભંડાર હતા. ગુજરાત વિશે લખનાર સમાજ વિજ્ઞાનીઓને અચ્યુતભાઈની ખોટ પડવાની. એ હંમેશાં માત્ર ‘અચ્યુતભાઈ’ જ હતા. અને અચ્યુતભાઈને તમે ગમે ત્યારે મળી શકો – વાતચીત માટે, તમને લાગે તો ચર્ચા માટે, અને જો તમે ધીરજનો ગુણ કેળવ્યો હોય તો એમનું ભાષણ સાંભળવા માટે. આમાંથી કંઈ પણ હોય, તેમને મળવામાં હંમેશાં લાભ જ હતો. પશ્ચિમ અમદાવાદના કોમર્સ કૉલેજ ચાર રસ્તા પાસે આવેલી તેમની ઑફિસ ‘સેતુ’ (Centre for Social Knowledge and Action) તેની અંદરની સાદગીને કારણે ભલે કોઈ આશ્રમ જેવી ભાસે, પણ તેનો માહોલ હતો કોફી-હાઉસ જેવો.
અચ્યુતભાઈને મળવા જનારને ‘સેતુ’ પર ભરપૂર ખાંડવાળી ચાની ચુસકીઓ અને અચ્યુતભાઈની ક્યારે ય ન ઓલવાતી સિગરેટોના ધુમાડાની વચ્ચે સાંપ્રત બનાવો અંગે બિલકુલ નવી વિગતો અને ખાસિયતોના પાઠ ભણવા મળતા. વિષય ગમે તે હોઈ શકે – નવનિર્માણ આંદોલન, ૧૯૮૧નાં અનામત-વિરોધી હુલ્લડો, ૧૯૮૫-૮૬નાં કોમી રમખાણો, નર્મદા યોજના વિરોધી આંદોલન, ૧૯૯૦-૯૨નાં આયોધ્યા-તોફાનો કે પછી ૨૦૦૨નો અતિભીષણ સંહાર.
અચ્યુતભાઈ સાથે થોડાક કલાક વીતાવ્યા બાદ — રિપોર્ટરની સ્ટોરીમાં સુધારો થાય, કોલમિસ્ટનો નજરિયો વધુ માતબર બને અને સંશોધકને એમ લાગે કે ગાઇડને થિસિસ સુપરત કરતા પહેલાં હજુ ઘણું ઘરકામ કરવાની જરૂર છે.
જૂના જમાનામાં પંડિત કે પુરોહિત જ્ઞાતિની કુળકથા અને કુંડળી જાણતા. અચ્યુતભાઈનું પણ એવું જ હતું. અચ્યુતભાઈ ૧૯૮૦ અને ૧૯૯૦ના ગાળાના રાજકારણી સમૂહ માટે અસલના જમાનાનું ‘ગૂગલ’ હતા.
સનત મહેતા, ઝીણાભાઈ દરજી, માધવસિંહ સોલંકી, ચીમનભાઈ પટેલ, અશોક ભટ્ટ, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા વગેરે બધા અચ્યુતભાઈને માન આપતા અને તેમના અભિપ્રાયને મૂલ્યવાન ગણતા. એ વર્ષો દરમિયાન ગુજરાતમાં હજુ સહિષ્ણુતા હતી, અને ઘણાં છાપાંને અચ્યુતભાઈની કોલમ છાપવામાં રસ હતો.
‘સેતુ’ પર જાણે હરોળ લાગતી. તેમાં મેધા પાટકર, બેલા ભાટિયા, મધુસૂદન મિસ્ત્રી કે ઇન્દુકુમાર જાની જેવાં કર્મશીલો હોય. ધીરુભાઈ શેઠ, આશિષ નાંદી, હર્ષ સેઠી, ઘનશ્યામ શાહ કે અનિલ ભટ્ટ જેવા વિદ્યાજનો કે શાલિની રાંદેરિયા જેવાં સંશોધક તમને ‘સેતુ’ પર મળે. અહીં તમને સામ પિત્રોડા, ભીખુ પારેખ કે મેઘનાદ દેસાઈ જેવા અગ્રણીઓ પણ મળી આવે.
લોકોને તેમના બેન્ક બેલન્સથી ચાહનાર કે તિરસ્કારનાર અને મૂલવનાર અમદાવાદી સમાજમાં અચ્યુતભાઈ નાત બહારના હતા. સાંસ્કૃતિક રીતે જ જ્ઞાનને બદલે સંપત્તિને પહેલી પસંદગી આપનાર સમાજમાં અચ્યુતભાઈ એમની શરતે જીવ્યા. અતિશય ધનવાન અમદાવાદીઓના આડંબર અને આચારની જાળ તેમ જ તેમના પરિવેશમાં એ ક્યારે ય અટવાયા નહીં; એ વર્ગના દંભની આરપાર એ જોઈ શકતા હતા. સ્થાપિત વર્ગોને, સત્તા સમેત મળનારા ઘમંડની સામે અચ્યુતભાઈ નક્કર સંવિદ દ્વારા લડ્યા. તેમના જ્ઞાનનો આધાર બૌદ્ધિક પ્રામાણિકતા અને વ્યક્તિગત આચારશુદ્ધિમાં હતો.
અચ્યુતભાઈ અંતકાળે અકિંચન હતા, પણ તેનો એમને અફસોસ ન હોય, કેમ કે તેઓ ગુજરાતના માનવંતાઓમાં સૌથી આદરપાત્ર તરીકે જીવ્યા. અચ્યુતભાઈ તંદુરસ્ત નાગરિક સમાજનું પ્રતીક હતા. તેમણે ગાંધીનગરના સત્તાધારીઓ સાથે બરાબર અંતર જાળવ્યું હતું, પણ જરૂર પડે તો ગરીબો અને વંચિતો વતી રાજ્યસત્તાની સાથે રહેવા (to engage with authority) માટે પણ તેઓ તૈયાર રહેતા. ગુજરાતમાં આર્થિક અન્યાયની સામે લડનાર કોઈ પણ એન.જી.ઓ., ચળવળ કે જૂથ તેમનું ગમે ત્યારે માર્ગદર્શન મેળવી શકતાં.
પીડિતોને અચ્યુતભાઈ ઘણી વાર નીડર ધારાશાસ્ત્રી ગિરીશભાઈ પટેલ પાસે મોકલતા. ગિરીશભાઈ ગુજરાતમાં ચાલતા અનંત અન્યાયોની સામે કોઈ પણ ફી લીધા વિના લડતા જ રહેતા. અને પછી આવ્યું ૨૦૦૦નું વર્ષ. ગુજરાત બદલાયું. નવાં આર્થિક બળો અને તેમના પ્રતિનિધિઓ / દલાલોએ ગુજરાતના રાજકારણ, સમાજ અને સમૂહ માધ્યમોને પોતાના તાબામાં લીધાં.
આ નવા ગુજરાતને અચ્યુતભાઈનાં મંતવ્યો કે વિચારોનો કોઈ ખપ ન હતો. પરિવર્તન ગુજરાતનાં તમામ સારાં સ્ત્રી-પુરુષોને હતપ્રભ બનાવી રહ્યું હતું. તે સંશોધનનો વિષય પણ હતું. તેના અભ્યાસીઓ માટે અચ્યુતભાઈ આખર સુધી અનિવાર્ય પૂછવાઠેકાણું રહ્યા. નવા ગુજરાતમાંથી નીકળીને આગળ વધવા માટે સમય પાકી ચૂક્યો હતો, અને એ આગળ વધ્યા પણ ખરા, હંમેશ મુજબ એમની શરતે. અસ્તુ.
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2023; પૃ. 15 તેમ જ 22