લ્યો, આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ ૧૪ મે ૨૦૨૦ની વીડિયો માહિતીમાં સ્પષ્ટતા કરી કે દેશમાં કોરોનાના ટેસ્ટ કરવામાં ગુજરાત અગ્રક્રમે છે : રાજ્યની ૬ કરોડથી વધુ વસ્તીમાંથી કુલ ૧,૨૪,૭૦૯ જણના ટેસ્ટ થયા. એટલે કે કોરોના ટેસ્ટની સરેરાશ ૧ મિલિયન (૧૦ લાખ) વસ્તી દીઠ ૧,૮૫૯ છે, જે દેશની ૧ મિલિયન વસ્તીએ ૧,૩૪૩ ટેસ્ટની સરેરાશ કરતાં વધુ છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં મિલિયન વસ્તી દીઠ જે સરેરાશ ટેસ્ટ થયા છે એની તુલનામાં ગુજરાત અગ્રક્રમે છે.
કેન્દ્રના આરોગ્યમંત્રી હર્ષ વર્ધને ૧૪ મે, ૨૦૨૦ સુધી દેશની કુલ ૧૩૩ કરોડ જેટલી વસ્તીમાંથી ૨ મિલિયન (૨૦ લાખ) લોકોના કોરોના ટેસ્ટ થયાનું કહ્યું. ૩ મે ૨૦૨૦ના રોજ આ આંકડો ૧ મિલિયન (૧૦ લાખ)નો હતો. ભારતની ૧ મિલિયન વસ્તી દીઠ સરેરાશ માત્ર ૧,૩૪૩ લોકોના કોરોના ટેસ્ટ થયા છે અને ગુજરાતમાં ૧ મિલિયન વસ્તી દીઠ સરેરાશ માત્ર ૧,૮૫૯ લોકોના કોરોના ટેસ્ટ થયા છે.
હવે અન્ય દેશોમાં કેટલા ટેસ્ટની ૧ મિલિયન દીઠ ટેસ્ટની સરેરાશ છે એ જોઈએ : અમેરિકામાં (૩૧,૦૨૭), ઇટાલી (૬૧,૭૭૧),પોર્ટુગલ (૫૨,૭૮૧), બેલ્જિયમ (૫૨,૨૨૨), કતાર (૪૮,૨૯૦), રશિયા (૪૦,૯૯૫), સ્વિડન (૧૭,૫૭૬), ફ્રાંસ (૨૧,૨૧૩), કેનેડા (૩૦,૯૮૩), યુનાઇટેડ કિંગ્ડમ (૩૦,૮૪૯), તુર્કી (૧૬,૬૭૬), જાપાન (૧,૭૮૨) અને સ્પેન (૫૨,૭૮૧).
અમેરિકા રોજ ૩ લાખ ટેસ્ટ કરે છે. વધુ કોઈ ટિપ્પણ કરવાની જરૂર છે ખરી?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 19 મે 2020