• પૂરતા શિક્ષકો અને અધ્યાપકો વિના જ લાખો વિદ્યાર્થીઓ શાળા-કૉલેજોમાં ભણે છે.
• ચોથા ભાગના વિદ્યાર્થીઓ દસમા ધોરણ પહેલાં જ શાળા છોડી દે છે.
• ફીમાં બેફામ વધારો કરીને અને કરાવીને શિક્ષણને ધંધો વેપારનું સાધન બનાવી દેવાયું છે. સરકાર પોતે પણ ધંધો કરે છે.
• ૧.૩૨ કરોડ વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમત રમે છે સરકાર.
• દર વર્ષે ૫૦ લાખ વાલીઓ પર પડે છે બાળકોને ભણાવવાનો ભયંકર આર્થિક બોજો.
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જેટલું અંધેર પ્રવર્તે છે, એટલું કદાચ બીજા કોઈ ક્ષેત્રે નથી. રાજ્ય સરકારે જાણે કે શિક્ષણ ક્ષેત્રે તેની કોઈ જવાબદારી જ ન હોય એ રીતે વર્તવાનું કામ કર્યું છે. શાળા, કૉલેજો અને યુનિવર્સિટીઓમાં શિક્ષણ એટલું મોઘુંદાટ કરી દેવાયું છે કે મહિને રૂ. ૨૫,૦૦૦ની આવક ધરાવનારાં મા-બાપ માટે પણ સંતાનોનાં શિક્ષણ માટે દેવું કર્યા વિના છૂટકો રહેતો નથી.
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ :
૧. માર્ચ ૨૦૧૪ના ભારત સરકારના માનવ-સંસાધન મંત્રાલયના અહેવાલ મુજબ પ્રાથમિક શિક્ષણમાં ૧૮ ટકા બાળકો અધવચ્ચ્ચે શાળા જ છોડી દે છે. એટલે કે તેઓ આઠ ધોરણનું શિક્ષણ પણ પૂરું કરતાં નથી. જ્યારે રાજ્ય સરકાર ડ્રોપઆઉટ રેશિયો બે ટકા જ હોવાનું કહે છે.
૨. ગુજરાતમાં માર્ચ ૨૦૧૭માં ૧૦મા ધોરણની પરીક્ષામાં ૧૧.૮૦ લાખ અને ૧૨મા ધોરણની પરીક્ષામાં ૫.૩૦ લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. ૨૦૦૬-૦૭માં ૧૫.૮૩ લાખ વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં દાખલ થયા હતા. એનો અર્થ એ છે કે પહેલા ધોરણ અને દસમા ધોરણની વચ્ચે આશરે ૨૬ ટકા વિદ્યાર્થીઓ શાળા અધવચ્ચે છોડીને જતા રહે છે. બીજા ૫૬ ટકા વિદ્યાર્થીઓ દસમા અને બારમા ધોરણ વચ્ચે શાળા છોડી દે છે. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૧૩-૧૪માં ૯૨.૨૯ લાખ હતી અને તે ૨૦૧૪-૧૫માં ઘટીને ૯૧.૪૨ લાખ થઇ હતી. આમ, એક જ વર્ષમાં ૮૭,૦૦૦ વિદ્યાર્થીઓ ઘટી ગયા!!! બીજી તરફ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૧૪-૧૫માં ૨૭.૩૨ લાખ હતી. એટલે કે ૬૪.૧૦ લાખ વિદ્યાર્થીઓ આઠ અને બાર ધોરણ વચ્ચે ઘટી ગયા!!! શું આ વિકાસ છે? ઉચ્ચશિક્ષણમાં આ જ વર્ષે ૧૩.૮૬ લાખ વિદ્યાર્થીઓ હતા. આમ, ત્યાં બીજા ૧૩.૪૬ લાખ વિદ્યાર્થી ઘટી ગયા!!! આમ, પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચશિક્ષણ વચ્ચે ૭૭.૫૬ લાખ વિદ્યાર્થીઓ ઘટી જાય છે!! આ રીતે, ગુજરાતમાં ૯૧.૪૨ લાખ વિદ્યાર્થીઓમાંથી ફક્ત ૧૩.૪૬ લાખ વિદ્યાર્થીઓ એટલે કે ૧૪.૭૨ ટકા જ ઉચ્ચ શિક્ષણમાં પહોંચ્યા કે જ્યારે સમગ્ર ભારત માટે આ આંકડો ૧૮ ટકા છે. શું આ વિકાસ છે?
૩. ગુજરાતમાં કુલ પ્રાથમિક શાળાઓ ૪૦,૭૪૬ છે અને તેમાં ખાનગી ૭૧૯૧ અને સરકારી ૩૩,૫૧૮ છે અને તેમાં ૭૨.૫૧ ટકા શાળાઓ જ ધોરણ ૧થી ધોરણ ૮ ધરાવે છે. એટલે કે ૨૭.૪૯ ટકા શાળાઓમાં આઠ ધોરણ છે જ નહીં કે જે શિક્ષણના અધિકારના કાયદા મુજબ હોવાં જોઈએ. આમ, ચોથા ભાગ કરતાં પણ વધુ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ પૂરેપૂરું આપવામાં આવતું જ નથી.
૪. ગુજરાતમાં પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થી પાછળ ૨૦૧૨-૧૩માં રૂ. ૧૪,૬૦૭નું ખર્ચ થતું હતું પણ કેરળમાં રૂ ૩૩,૬૬૭નું ખર્ચ થતું હતું. જો ૨૦૧૭-૧૮ના શિક્ષણ પાછળના કુલ રૂ.૨૧,૯૦૯ કરોડના ખર્ચને અને કુલ ૧.૩૨ કરોડ વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈએ તો વિદ્યાર્થી દીઠ સરેરાશ ખર્ચ રૂ. ૧૬,૫૯૮ થાય છે. બીજી તરફ, રાજ્યની જી.ડી.પી.ના સંદર્ભમાં તો આ ખર્ચ ૨૦૧૩-૧૪માં અને ૨૦૧૫-૧૬માં માત્ર ૧.૯૩ ટકા હતું અને ૨૦૧૪-૧૫માં ૧.૯૮ ટકા હતું કે જ્યારે કોઠારીપંચે ૧૯૬૭માં તે છ ટકા કરવું જોઈએ એવી ભલામણ કરી હતી. આમ, ગુજરાતમાં સરકાર દ્વારા કેટલું ઓછું ખર્ચ શિક્ષણ પાછળ કરવામાં આવે છે!!
૫. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા જેવું કશું ભાગ્યે જ છે. ૨૦૧૭ના સરકારી અહેવાલ અનુસાર ૩૪,૨૩૭ પ્રાથમિક શાળામાંથી માત્ર ૮૫૮ શાળાઓ જ એ+ ગ્રેડ અને ૧૧,૧૩૪ શાળાઓ એ ગ્રેડમાં આવી છે. બાકીની બધી બી, સી અને ડી ગ્રેડમાં છે!!
૬. પ્રાથમિક શિક્ષણમાં ખાનગી શાળાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ૨૦૧૩-૧૪માં કુલ પ્રાથમિક શાળાઓમાં ખાનગી શાળાઓ ૨૧.૯૭ ટકા હતી. તે પછીના વર્ષે તે ૨૨.૬૪ ટકા થઇ અને ૨૦૧૫-૧૬માં તે ૨૩.૧૭ ટકા થઈ ગઈ. આમ, લગભગ ચોથા ભાગની પ્રાથમિક શાળાઓ ખાનગી થઈ ગઈ છે. તેને પરિણામે લગભગ ૫૦ લાખ વાલીઓ પર તેમનાં બાળકોને ભણાવવાનો ભયંકર આર્થિક બોજો પડી રહ્યો છે.
૭. ૨૦૧૫-૧૬માં માધ્યમિક શિક્ષણમાં સરકારની ૧.૨૭ ટકા અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ૨.૯૧ ટકા શાળાઓ એક જ વર્ગખંડ ધરાવે છે.
૮. ૨૦૧૫-૧૬માં ૪૪.૫૬ ટકા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાનની પ્રયોગશાળાઓ નથી. આ બાબતમાં ગુજરાતનો ક્રમ ભારતનાં તમામ રાજ્યોમાં ૧૮મો છે.
૯. માધ્યમિક શાળાઓમાં ૨૦૧૫-૧૬માં ૩૦ ટકા શિક્ષકો ઉચ્ચક પગારવાળા છે અને નિયમિત કે કાયમી નથી. ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ પ્રમાણ ૩૭ ટકા છે.
૧૦. શિક્ષણના અધિકારના ૨૦૦૯ કાયદાનો અમલ પણ ગુજરાત સરકારે બે વર્ષે મોડો કર્યો. ૨૦૧૫-૧૬માં શાળા બાંધકામસમિતિ હોય તેવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માત્ર ૧૭.૧૫ ટકા છે અને શિક્ષક-વાલીમંડળ હોય તેવી શાળાઓ માત્ર ૨૫.૧૦ ટકા જ છે.
ઉચ્ચશિક્ષણઃ
૧. દુનિયાની ૧૦૦ શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં ૧૬ વિદ્યાર્થીઓએ એક અધ્યાપક છે; પણ ગુજરાતમાં આટ્ર્સ અને કૉમર્સ કૉલેજોમાં ૮૫ વિદ્યાર્થીઓએ એક અધ્યાપક છે.
૨. એક જ કૉલેજમાં એક જ અધ્યાપક હેઠળ એક જ અભ્યાસક્રમ માટે જુદી-જુદી ફી ભરનારા વિદ્યાર્થીઓ ભણે છે! કારણ એ છે કે વિદ્યાર્થીઓની અમુક સંખ્યા ભરાય પછી સ્વનિર્ભર રીતે ફી વસુલાય છે!!
૩. ગુજરાતમાં ૨૦૧૭માં ઉચ્ચશિક્ષણ માટે કુલ ૫૯ યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓ છે. સરકાર એમ કહે છે કે તેણે યુનિવર્સિટીઓ વધારી છે પણ તેમાં ૩૩ યુનિવર્સિટીઓ જ સરકારી છે. બાકીની બધી તો ખાનગી છે. આમ, સરકારે ઉચ્ચશિક્ષણમાં બેસુમાર અને બેહદપણે ખાનગીકરણ કર્યું છે. સરકારે પોતાની નવી કૉલેજો અને યુનિવર્સિટીઓ ખોલી છે, પણ તેમાં અધ્યાપકો અને મકાનોનાં ઠેકાણાં નથી.
૪. ગુજરાત સરકાર ઉચ્ચશિક્ષણ પાછળનું ખર્ચ ઘટાડી રહી છે. ૨૦૧૭-૧૮માં ૧,૬૯૨ કરોડ રૂ. ખર્ચનો અંદાજ મુકાયો છે. ૨૦૧૬-૧૭માં તે સહેજ વધારે ૧,૬૯૫ કરોડ રૂ. થયું હતું. આમ, ચાલુ વર્ષે તેમાં ૧.૭૬ ટકાનો ઘટાડો થયો છે.
૫. સરકાર અધ્યાપકોનો અવાજ ડામી દેવા માંગે છે. અધ્યાપકો સરકારની વાજબી ટીકા ના કરે અને કશું વિચારે કે બોલે જ નહીં અને ચૂપચાપ સરકારનું કહ્યું કર્યા કરે તે માટે ગુજરાત રાજ્ય ઉચ્ચશિક્ષણ પરિષદ ઊભી કરવામાં આવી છે. તે માટે કોઈની સાથે કશો જ સંવાદ કરવામાં આવ્યો નહીં. અધ્યાપકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, યુનિવર્સિટીઓના કુલપતિઓ કે યુનિવર્સિટીઓનાં અન્ય મંડળો સાથે કશી ચર્ચા કરી જ નહીં અને વિધાનસભામાં કશી ચર્ચા વિના અને વિરોધપક્ષની ગેરહાજરીમાં તે અંગેનો કાયદો પસાર કરી દેવાયો!! આ કાયદામાં અધ્યાપકોની બદલી દેશમાં ગમે ત્યાં થઈ શકે તેવી જોગવાઈ કરાઈ છે. ઉપરાંત, આ કાયદા અનુસાર તો ખાનગી યુનિવર્સિટીઓ સહિત રાજ્યની કોઈ પણ યુનિવર્સિટીના કોઈ પણ નિર્ણયને આ પરિષદ ઉથલાવી શકે છે કે પછી તેને કોઈ પણ આદેશ કરી શકે છે. કાયદાની કલમ-૧૫ કહે છે કે : “રાજ્ય સરકાર પરિષદની ભલામણને આધારે અથવા આપમેળે સુધારાનો અમલ કરવા માટે જરૂરી હોય તેવા ફેરફાર સાથે કોઈ યુનિવર્સિટીને આદેશ કરી શકશે.” આ પરિષદમાં સરકાર જ સરકાર છે; મુખ્ય પ્રધાન તેના અધ્યક્ષ છે. એટલે પરિષદના અધ્યક્ષ મુખ્ય પ્રધાન જ રાજ્ય સરકારના મુખ્ય પ્રધાનને સલાહ આપે એવો આ ઘાટ છે!! વળી, કાયદામાં એવી જોગવાઈ પણ કરવામાં આવી છે કે પરિષદના નિર્ણય સામે અદાલતમાં પણ જઈ ના શકાય. આ તો બંધારણ હેઠળના મૂળભૂત અધિકારનો જ ભંગ થાય છે !!!
ટેક્નિકલ અને તબીબી શિક્ષણઃ
૧. ગુજરાતમાં ૯૧ ડિપ્લોમા ઇજનેરી કૉલેજો છે કે જેની ફી રૂ. ૧૦૦૦થી ૪૧,૦૦૦ છે. સરકારી શિક્ષણ કેટલું સસ્તું અને ખાનગી શિક્ષણ કેટલું મોંઘું છે, તેનો આ પુરાવો છે.
૨. ફીમાં બેફામ વધારો એ ગુજરાતના ટેકનિકલ અને તબીબી શિક્ષણજગતની તાસીર રહી છે. ગુજરાતમાં ૬૧ આઈ.ટી.આઈ. છે કે જેમાં ભારે ફીવધારો કરવામાં આવ્યો છે. એ જ રીતે, ઇજનેરી કૉલેજોમાં પોતાનાં સંતાનોને ભણાવવાનું મા-બાપો માટે અત્યંત કપરું બની ગયું છે. સરકારી ઍલોપથી મેડિકલ કૉલેજોની સંખ્યા માત્ર ૬ છે અને ૧૫ સ્વનિર્ભર કોલેજો છે. સરકારી મેડિકલ કોલેજમાં ફી માત્ર રૂ. ૬૦૦૦ છે અને ખાનગી મેડિકલ કૉલેજોમાં ફી રૂ. ત્રણ લાખથી રૂ. ૬.૩૮ લાખ છે. સરકારી કૉલેજોમાં ૧૦૮૦ બેઠકો છે અને ખાનગી કૉલેજોમાં ૨૩૦૦ બેઠકો છે. આમ, ઇરાદાપૂર્વક વિદ્યાર્થીઓને ખાનગી કૉલેજોમાં ઊંચી ફી ભરીને ભણવા માટે મજબૂર કરવામાં આવે છે.
૩. એન્જિનિયરિંગ કૉલેજોમાં હાલત વધારે ખરાબ છે. માત્ર ૧૬ સરકારી, ત્રણ અનુદાનિત અને બે પી.પી.પી. મોડમાં છે. ખાનગી કૉલેજો ૧૧૫ છે. સરકારી કૉલેજોમાં ફી રૂ. ૧૫૦૦થી રૂ. ૨૦૦૦ છે અને ખાનગી કૉલેજોમાં રૂ. ૬૦,૦૦૦થી રૂ. ૧.૫૧ લાખ છે!! કુલ ૭૨,૦૦૦ બેઠકોમાંથી છેલ્લાં ત્રણ વર્ષથી આશરે ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ બેઠકો ખાલી રહે છે, કારણ કે ઇજનેરી ક્ષેત્રમાં નોકરી મળતી નથી!!!! એક વિદ્યાર્થી ૨૦૦૨માં રૂ. ૪૦૦૦ ફી ભરીને કોઈ પણ વિદ્યાશાખામાં ઇજનેર થઈ શકતો હતો, તેણે આજે એક લાખ રૂપિયા સુધીની ફી ભરવી પડે છે, અને છતાં નોકરીની ખાતરી તો છે જ નહિ.
સરકારની શિક્ષણનીતિ જ બધાં દૂષણોનું મૂળ છે :
૧. શિક્ષણ ક્ષેત્રે વધુ ને વધુ ખાનગીકરણ કરવું એ ગુજરાત સરકારની નીતિ રહી છે. સરકાર પોતે તેને એક ધંધો માને છે. સરકારે પોતે જ શિક્ષણને વેપારનું સાધન બનાવ્યું છે. સરકારી કૉલેજો અને યુનિવર્સિટીઓમાં પણ સ્વનિર્ભર અભ્યાસક્રમોની ભરમાર છે. આ રીતે તે ગરીબ વિદ્યાર્થીઓ ભણી જ ના શકે અથવા તેમનાં માબાપ કાયમ માટે દેવામાં જ ડૂબેલાં રહે તેવું કાવતરું કરે છે. વળી, જે મહાજન સંસ્થાઓ સમાજમાં શિક્ષણનો ફેલાવો કરવા માટે કામ કરતી હતી, તેમને પણ હવે શિક્ષણનો ધંધો સરકારે જ શિખવાડી દીધો છે.
૨. સરકાર શિક્ષકોની ખાલી જગ્યાઓ સમયસર ભરતી નથી. પ્રાથમિક શાળાઓમાં આશરે ૧૬,૦૦૦ શિક્ષકો અને ઉચ્ચશિક્ષણમાં આશરે ૧૦,૦૦૦ અધ્યાપકોની જગ્યાઓ ખાલી છે. ખરેખર તો કોઈ શિક્ષક કે અધ્યાપક નિવૃત્ત થાય કે તરત જ નવી વ્યક્તિની નિમણૂક થઇ જવી જોઈએ. પણ શિક્ષકો વિના શિક્ષણ થાય એમ સરકાર માને છે!! આ ઉપરાંત, પટાવાળા, ઑફિસસ્ટાફ, ગ્રંથપાલ, વ્યાયામશિક્ષકો અને ખુદ આચાર્યોની પણ અનેક જગ્યાઓ વર્ષોથી ખાલી છે.
૩. શાળાઓમાં ભયંકર ફીવધારા સામે વાલીઓએ આંદોલન કર્યું તો ફી – દેખરેખ સમિતિમાં વાલીઓને સામેલ પણ ના કર્યા અને ફી ઉપર નિયમન કરનારો કાયદો પણ સાવ જ પાંગળો બનાવ્યો છે. સ્વનિર્ભર શાળાઓમાં અડધી ફી સરકાર ભરે એમ પણ નક્કી થયું છે. એનો અર્થ એ છે કે કરવેરા ભરનારા લોકોના પૈસે ખાનગી ધંધાદારીઓને ઘી-કેળાં. વધારે મહત્ત્વની બાબત એ છે કે, સરકારે ફી પર નિયમન કરતો જે કાયદો ‘ગુજરાત સ્વનિર્ભર શાળા (ફી) નિયમનધારો-૨૦૧૭’ કર્યો છે, તે જ છેતરપિંડીવાળો છે. આ કાયદાના સંદર્ભમાં શિક્ષણ વિભાગે તા-૦૭-૦૪-૨૦૧૭ના રોજ જે પરિપત્ર કર્યો છે, તેમાં લખવામાં આવ્યું છે કે “ફી મર્યાદાથી ઓછી કે તેથી વધુ ફી લેતી તમામ શાળાઓ ગત વર્ષે જે ફી નિયત થયેલ હોય તેનાથી વધુ ફી લઇ શકશે નહીં.” આનો અર્થ એ થાય કે જે શાળાએ રૂ. ૧૫,૦૦૦, રૂ. ૨૫,૦૦૦ અને રૂ. ૨૭,૦૦૦ની ફીમર્યાદા કરતાં વધારે ફી આ કાયદા અગાઉ લીધી હશે તે આ રકમ કરતાં વધારે ફી આ કાયદો લાગુ થયા પછી પણ લઈ શકશે. આ સરકારની ખુલ્લંખુલ્લા છેતરપિંડી અને છળકપટ છે અને સરકાર જાણે કે ખાનગી શાળાઓના માલિકોને વાલીઓને લૂંટવાની કાયદેસરની છૂટ આપી છે.
૪. ખાનગી યુનિવર્સિટીઓને પાણીના ભાવે જમીનોની લહાણી કરાઈ તે તો નફામાં! આમ, સરકાર શિક્ષણક્ષેત્રની નફાખોરીને શરણે થઈ ગઈ છે.
* * *
નોંધઃ
અખબારી યાદીમાં જે વિગતો અપાઈ છે, તે નીચે મુજબના સરકારી દસ્તાવેજોને આધારે જ અપાઈ છે :
(૧) વિકાસ-કાર્યક્રમ, ૨૦૧૬-૧૭, અંદાજપત્ર પ્રકાશન નં. ૩૫. સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકાર
(૨) ગુજરાત ટૅક્નોલૉજી યુનિવર્સિટી(જી.ટી.યુ.)ની વેબસાઇટ
(૩) ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની વેબસાઇટ
(૪) પ્રવૃત્તિની રૂપરેખા, ૨૦૧૬-૧૭, અંદાજપત્ર પ્રકાશન નં. ૩૨, ગાંધીનગર.
(૫) સામાજિક-આર્થિક સમીક્ષા, ૨૦૧૬-૧૭, ગુજરાત સરકાર
(૬) સંક્ષિપ્ત અંદાજપત્ર, ૨૦૧૭-૧૮, ગુજરાત સરકાર.
(૭) નાણાપ્રધાનનું અંદાજપત્ર-પ્રવચન, ૨૦૧૭-૧૮.
(૮) શિક્ષણના અધિકારનો કાયદો-૨૦૦૩.
(૯) ગુજરાત ઉચ્ચશિક્ષણ પરિષદ ધારો-૨૦૧૭.
(૧૦) National University of Educational Planning and Administration, New Delhi
લોકશાહી બચાવો અભિયાન (૬-૭, રંગોળી કૉમ્પ્લેક્સ, વી.એસ. હૉસ્પિટલ સામે, અમદાવાદ-૩૮૦ ૦૦૬)ના ઉપક્રમે સુરેશ મહેતા (પૂર્વ- મુખ્યમંત્રી), ડૉ. રોહિત શુક્લ, પ્રો. હેમંતકુમાર શાહ અને મહેશ પંડ્યાની સહી સાથે પ્રસારિત
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2017; પૃ. 06-08