પુસ્તક-પરિચય

અનિલ જોશી
‘ગાંસડી ઉપાડી શેઠની’ એ અત્યારે બ્યાંશી વર્ષના કવિ અનિલ જોશીની ભરચક અને નિખાલસ આત્મકથા છે.
‘જિવાઈ ગયેલા જીવનની આ વીતકથા’ના પોણા ત્રણસોથી વધુ પાનાંમાં યાદો, પાત્રો, પ્રસંગો, યોગાનુયોગ ઘટનાઓ, વર્ણનો, કાવ્યપંક્તિઓ, ઉલ્લેખો, સંદર્ભો, ચિંતન-અંશોની વાચનીય ભરમાર છે. મોંઘેરી જૂની મૂડી જેવા ઢગલાબંધ શબ્દો અને તળ કાઠિયાવાડની બોલીનો પાસ આનંદમાં ઉમેરો કરે છે.
‘કન્યાવિદાય’નામની હૃદયસ્પર્શી કવિતાથી ખાસ જાણીતા અનિલે ઑક્ટોબર 2015માં એમ.એમ. કાલબુર્ગી, ગોવિંદ પાનસરે અને નરેન્દ્ર દાભોલકર નામના રૅશનાલિસ્ટ કર્મશીલોની હત્યાના વિરોધમાં સાહિત્ય અકાદેમી(દિલ્હી)નો પુરસ્કાર પાછો આપ્યો હતો. ગુજરાતી સાહિત્યમાં અસાધારણ એવા આ જેશ્ચરની વાત લેખકે કોઈ હિરોઇઝમ વિના, માત્ર એક જ લીટીમાં લખી છે. ત્યાર બાદ, રોમિલા થાપર અને એ.જી. નૂરાનીનું, અવૉર્ડ વાપસીને બિરદાવતું અવતરણ મૂક્યું છે.
જો કે અનિલે 2002ના ગુજરાતના રમખાણો વિશે આક્રોશપૂર્ણ અઢી પાનાં લખ્યા છે. હિંસાચારનો વિરોધ કરતું નિવેદન તેમણે ખાસ દોસ્ત રમેશ પારેખ સાથે બહાર પાડ્યું જેની પર સહી કરવામાં અનેક અગ્રણી ગુજરાતી સાહિત્યકારો પાછા પડ્યા. આખરે અનિલ ‘હુલ્લડ કાવ્યો’ અને રમેશ ‘કરફ્યુ કાવ્યો’ લખીને વ્યક્ત થયા.
જો કે આ જ કવિને શિવસેના સુપ્રીમોની ઓથ પણ મળી છે. મુંબઈ મહાનગરપાલિકામાં લૅન્ગ્વેજ ઑફિસર તરીકેની કાયમી નોકરી માટે ‘ડિગ્રીનો ટેક્નિકલ પ્રશ્ન આવ્યો’ ત્યારે બાળ ઠાકરેના ‘એ કવિ છે એ જ મોટી ડિગ્રી છે’ એવા પ્રમાણપત્રથી નિમણૂકમાં મદદ થઈ.
‘સ્વભાવે હું નાસ્તિક હતો. ભગવાન-બગવાનમાં માનતો નહીં’ એમ અનિલ યુવાનીના ઉંબરે કહે છે, પંચોતેરની ઉંમરે રૅશનાલિઝમના ટેકામાં અવૉર્ડ વાપસી કરે છે, અને પુસ્તકના પોણા હિસ્સામાં વારંવાર ‘મા’ કહેતાં દેવી જગદમ્બાનો મહિમા કરે છે.
ઉપરોક્ત વિરોધાભાસોનો અનિલે બચાવ કે ઢાંકપિછોડો કર્યો નથી. દ્વિધાઓ-મર્યાદાઓ-ભૂલો-ઠોકરો સચ્ચાઈપૂર્વક બયાન અને આપવડાઈની ગેરહાજરી આત્મકથાને ઊંચું સ્તર આપે છે.
જન્મજાત તોતડાપણું કુમારવયે પ્રયત્નપૂર્વક દૂર કર્યું તે પહેલાંની હાલત, શાળા-કોલેજની પરીક્ષાઓમાં નિષ્ફળતા અને પાસ થવા માટેના નુસખા, મુગ્ધાવસ્થામાં ‘છોકરીને નિર્વસ્ત્ર જોવાનાં કોડ’, બે ટૂંકા ગાળાના પ્રેમપ્રકરણ, બીડી-સિગરેટ-શરાબનાં બંધાણ, વારંવારનું ડિપ્રેશન, આપઘાતની કોશિશો, નબળી કારર્કિર્દી, પૈસા કમાવા માટેની અપાત્રતા, ઘરસંસારની જવાબદારીઓ નિભાવવામાં કચાશ જેવી નબળાઈઓ વિશે કવિ તટસ્થભાવે લખે છે.
‘આત્મકથા લખવી એ મોટું દુ:સાહસ છે’ અને ‘રખડેલની આત્મકથા ન હોય’ એમ શરૂઆતમાં લખનારા કવિ આખર તરફ જતાં કહે છે : ‘મારા આત્મકથનાત્મકના કેન્દ્રમાં હું નથી રહ્યો, પણ જેમણે મને પ્રેમપૂર્વક ખભે તેડીને રમાડ્યો છે એ સર્વ વડીલો કેન્દ્રમાં છે.’
એટલે સંખ્યાબંધ વાલીઓ-વડીલો પ્રગટતા રહે છે. ઉપરાંત, જન્મ અને બાળપણના ગામ ગોંડલના કવિ મકરન્દ દવેના પ્રભાવ-પ્રેરણા અંગે વારંવાર વાંચવા મળે છે. તેમની જેમ નાથાલાલ જોષી પણ ‘મા’ની શક્તિમાં લેખકની શ્રદ્ધા જગવે છે.
બહોળા પરિવારમાં ઢસરડા કરતી ‘બાએ ધાવણ છોડાવવાં માટે એના સ્તન ઉપર કડવાણી ઘસીને મને ધવડાવ્યો … ઘરકામમાં આડો ન આવું એટલે મને અફીણનો ચમચો પાવાનું શરૂ કર્યું’, એમ લેખકને સાંભરે છે.
પિતા શિક્ષક તરીકે નોકરી શરૂ કરીને શિક્ષણાધિકારીના ઊંચા હોદ્દે પહોંચ્યા હતા. ‘ભગવાનમાં માનતો નથી ગાંધીજીમાં માનું છું’ એમ કહેતા રમાનાથ સંતાનોની બાબતમાં કુણા હતા.
પ્રસંગોપાત્ત અનેક પરિવારજનોના સરસ લઘુશબ્દચિત્રો મળતા રહે છે. પિતાની બદલી મોરબી, હિમ્મતનગર, અમરેલી અને ધ્રોળ થઈ. વેકેશન સાબરમતી આશ્રમમાં, કંડલા, ખીજડિયા જેવી જગ્યાએ વીત્યું. મોટી ઉંમરે બ્રિટન અને અમેરિકામાં રહેવાનું થયું.
આ બધી જગ્યાઓ, અને અલબત્ત વતન, ત્યાંના બનાવો, માણસો, માહોલ, ખુદની મન:સ્થિતિનું વિગતે નિરૂપણ કરવાની કોઈ તક લેખક જવા દેતા નથી. સમાજના અનેક સ્તરના કેટલાં ય નોખા-અનોખા મનેખ અને તેમના ક્યારેક કરુણ તો ક્યારેક રમૂજી કિસ્સા અહીં છે.
પુસ્તકનાં અધઝાઝેરાં પાનાં કવિની ઘડતરકથાને રસાળ, બિનસાહિત્યિક બાનીમાં માંડે છે. ઇન્ટરમાં મોરબીની કૉલેજમાં અનિલ ક્રિકેટ રમી ખાતા. ‘કવિતાબવિતામાં બહુ રસ પડતો નહીં’ કહેનાર ગુજરાતીમાં નાપાસ થયા, પણ કવિતા લખતા, છપાતી ય ખરી.
‘કુમાર’માં આવેલી એમની એક કવિતાએ, પછીના વર્ષે યશવંત શુક્લની એચ.કે. આર્ટસ ‘કૉલેજમાં પ્રવેશ અપાવ્યો’. ‘અમદાવાદ શબ્દભૂમિ’ બની તેનું દીર્ઘ મનોહર ચિત્રણ છે. કુમાર કાર્યાલય, બુધસભા, રે-મઠ, યુનિવર્સિટીનું ભાષા-સાહિત્ય ભવન, સાહિત્ય પરિષદનાં અધિવેશનો, ‘હૅવમોર’ હૉટેલમાં નિરંજન ભગતની બેઠક – આ બધામાં કવિ ઓતપ્રોત થતા જાય છે.
જો કે નોકરીઓ તો મુંબઈમાં જ છે; પહેલી કારકૂન જેવી નોકરી ‘કવિતાની લાગવગથી’ મળે છે. પછી પી.આર.ઓ., સહસંપાદક, મ.ન.પા.માં ભાષા સલાહકાર, પાર્ટટાઇમ લેક્ચરર અને આખરે લૅન્ગ્વેજ ઑફિસર.
નજીવી અનિયમિત આવકે પણ રહેઠાણ મળ્યાં, મોટા અકસ્માતમાંથી બહાર આવ્યા, પોતાનું ઘર થયું. ભણતર, નોકરી અને પોતાના ઘર જેવી બહુ પાયાની બાબતોમાં તેમને આકસ્મિક રીતે મળેલી મદદના – સહેલાઈથી ગળે ન ઊતરે, અથવા કંઈ નહીં તો અચંબો પમાડે જ તેવા તેવા યોગાનુયોગોના – કિસ્સા કવિએ નોંધ્યા છે.
ઉપરાંત પગલે મુંબઈના સાહિત્યકારો, સંપાદકો, રસિક શ્રેષ્ઠીઓ, રંગકર્મીઓ, કર્મશીલોનો સક્રિય ટેકો. મુંબઈકરો અને તેમના કલા-સાહિત્યજગત વિશે કવિ દિલથી લખે છે.
કવિનો બીજો દિલી મામલો કવિઓ સાથે દોસ્તી. ખાસ તો રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, આદિલ અને નિદા ફાઝલી. પોતાની અને બીજાની રચનાઓના સર્જનની ભાગ્યે જ વાંચવા મળે એવી એનેકડોટ્સ અહીં છે.
સદભાવી લેખકો- સહૃદયો સાથેના સંખ્યાબંધ સહવાસ-ચિત્રો, પ્રસંગો, યાદો છે. ઉમાશંકર, સુરેશ દલાલ, સુરેશ જોશી, હરીન્દ્ર દવે, સોનલ શુક્લ, મીનળ મહેતા, નામદેવ લહુટે, કાન્તિ મડિયા, મધુ રાય, ભાલચન્દ્ર નેમાડે, ધર્મવીર ભારતી, શરદ જોશી, ગણેશ દેવી – આ યાદી લાંબી થાય.
આખા પુસ્તકમાંથી પસાર થઈએ તો સ્વામી આનંદથી લઈને અત્યારના સિતાંશુ યશશ્ચન્દ્ર સુધીના પચાસથી વધુ લેખકો લાંબી-ટૂંકી જિકર છે, અને અરધી સદીના ગુજરાતી સાહિત્યની તસવીરો છે.
પુસ્તકનું મુખપૃષ્ઠ વિશ્વવિખ્યાત ચિત્રકાર અતુલ ડોડિયાએ સર્જ્યું છે. ગુલામ મોહમ્મદ શેખે લખેલી સુંદર આવકાર નોંધનું શીર્ષક છે ‘પવનની ગાંસડી’.
ગુલામ મોહમ્મદ લખે છે : ‘…આ સંભારણાં અનિલ જોશીની પaરદર્શી જિંદગીનો ભાતીગળ દસ્તાવેજ છે. આ ગાંસડીમાં ગોંડલની ભગવતપરાની શેરી અગિયારથી માંડીને ભાયખલાની ખોલી લગીના અનુભવોનો ભરચક ભંડાર છે …
‘જોયું, જાણ્યું, માણ્યું, વેઠ્યું તેનો નિતાર આ અંતરંગી સંભારણાંમાં રોજ બ રોજની બાનીમાં તળ કાઠિયાવાડની બોલીની આંગળી ઝાલી નિખર્યો છે.’
09 જુલાઈ 2023
[આજના ‘દિવ્ય ભાસ્કર’માં આવેલો મારો લેખ, કેટલાક ઉમેરણ સાથે, 775 શબ્દો ]
પ્રકાશક : નવજીવન સાંપ્રત, પાનાં 280, રૂ.350/- પ્રાપ્તિસ્થાન :
– નવજીવન, ફોન : 079-27540635, 27542634
– ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ, ફોન : 079- 26587949
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર