જાદુગર તો આવે
પેટ ભરવાનું ને
પાવર દેખાડવાનું તો
અેનું કામ છે.
હજારો વર્ષથી જાદુગર તો આવે.
રાજદરબારમાં આવે,
રાગ દરબારી ગવાતો હોયને
ભરી સભામાં
જાદુગર તો આવે.
રાજસિંહાસન પર
રાજા, શાહ, બાદશાહ, રાજા મહારાજા
બીરાજે,
ઊંચા જાદુગર ઊંચા ખેલ
ઊંચા જાદુ દેખાડે.
ભરી સભાની વાહવાહી માં
મુુગામ્બો ખુશ હુવા ને
બે પાંચ સોનામહોરો જાદુગરના ખીસ્સામાં
ખણખણવા માંડે.
ઊંચામાંહ્યલો ચમકતો ચમત્કાર,
જાદુનો જો ખેલ પડે તો
પાંચ દસ ખેતરો ય
રાજામહારાજા આલી દે!
જાદુગરીની પાંચ પેઢી તરી જાય !
જાદુગર તો આવે.
રાજાશાહી ની શાહી સૂકાઈ ને
લોકશાહીના લોકરાજ આવ્યા,
તે શું થયું ?
જાદુગર તો આવે.
ઘરે ઘરે આવે,
ખેલ દેખાડે
ખેલ પાડે !
કોઈ એક ના બે કરી દે,
કોઈ હજારની નોટ છૂ કરીને
બે હજારની કાનમાંથી કાઢે !
કોઈ વળી ભીખારીની ઝોળીમાંથી
આખેઆખું એ. ટી. એમ. કાઢે !
કોઈ તમારી સામે બકરી કાપે ને
બકરીમાંથી સોનાનાં શિંગડાવાળી
આખેઆખી ગૌમાતા કાઢે.
કોઈ પાંચસોની નોટ હવામાં ઊડાડે ને
હવામાંથી આખેઆખી
"ઘરનું ઘર" યોજના કાઢે !
કોઈ ખાલીખમ થેલામાંથી
લૅપટૉપ કાઢે ને લૅપટૉપમાંથી
પચ્ચીસ નવા જાદુનાં ખેલ કાઢે.
જાદુગર તો આવે.
પણ આ તે કેવાં જાદુગર ?
હર હર કરતાં, ઘરઘર ફરતાં,
ઘરમાં ઘૂસી ફરજિયાત જાદુ બતાવે!
ઘરમાં ઘૂસી
સૂતાં ને બેઠાં કરે ને બેઠાં ને ઊઠાડે, "જાદુ તો જોવાં જ પડે, જાદુ જોયાં
વિના નો હાલે ! "
જાદુગર તો આવાં આવે ?
"જાદુ જોતાં થાક્યા ?
નો હાલે, કલમ લાગશે, કેસ હાલશે!
દેશનિકાલની કલમ લાગશે, જાદુ તો જોવા પડશે !"
જાદુગર તો આવે !?
11 માર્ચ 3017