ઘડિયાળના કૂવામાં
સમય બદલાતો હતો
કે
ચાલતો હતો?
એ ખબર તો હતી નહીં.
કાળી ભમ્મર મૂછ તો
ચમકવા માંડી હતી
એ કાળે
ને
કાંડા પર એચ.એમ.ટી.
કાંટાને
હાથથી ચાવી આપીને
દોડાવતો હતો.
સમય બદલાતો કે ચાલતો કે
દોડતો હતો એ તો લગીરે
ખબર ન હતી.
યંત્રતંત્રમાંથી
અર્થતંત્ર એ
કેવી તે દોડ માંડી?!
ઓગણીસસો એકાણુ-બેકાણુએ
તો
હવા બદલી.
મુક્ત હવા
બધું મુક્ત-મુક્ત!
બીજું બધું
મૂક મૂક!
મૂક મૂક માળિયે!
બજારની ચાવીએ
ચાલતો સમય …
એમ.એમ.ટી. ઘડિયાળને
તો
ગીધડાં ખેંચી ગયા હાથથી …
ઓગણીસસો બાણુંમાં
બાબરી મસ્જિદના માથે બેસી
ઇતિહાસને તોડ્યો
વર્તમાનને તોડ્યો’તો?
સમય તે તૂટ્યો
કે ચાલવા માંડ્યો?
તે
શું ફેર પડ્યો?
સમય તો એ જ રીતે સરતો,
ફરતો ….
સમય અને કાંટા તો
એમ જ ફરતાં.
અલ્યા?!
હવે કાંટો કે કાંટા
ક્યાં ફરે છે?
ગુલાબને કાંટા હજી છે.
બાવળને કાંટા હજી છે.
ઘડિયાળને હવે કાંટા ક્યાં છે?
હવે તો બધું ડિજિટલ ડિજિટલ!
ડિજિટ જો!
૧૨ઃ૧૭, ૮ઃ૦૯, ૨૩ઃ૩૩
કાંટા તે ક્યાં મેલી આયા રાજ?
બજારમાં ખોવાયા રાજ?
સમય તો ચાલ્યા કરે.
કાંટો-કાંટ ક્યાં ખોવાયા આજ?
સેલફોનમાં શોધું છું – ટાઈમ
રીયલ ટાઈમ
ડીજીટલ ટાઈમ
વર્ચ્યુલ ટાઈમ
સમય તો દોડ્યા કરે.
બજારે બજારે
ગલીએ ગલીએ
શોધું છું કાંટા
ક્યાં ખોવાયા?
સૅલફોનમાં
કેદ થયેલી ઘડિયાળ
દેખાય છે.
ઘડિયાળમાં કાંટા ફરે છે.
ગોળગોળ ફરે છે.
મને લાગે છે :
હું
કાંટો થઈ ગયો છું.
ક્યારેક મોટો કાંટો
ક્યારેક નાનો કાંટો
મનુસ્મૃિત ગોખું તો
મોટો કાંટો બની જાઉં છું.
ખિસ્સામાં ચતુર્વર્ણ વ્યવસ્થાનો ભાર
વધે તો!
મોટો કાંટો બની જાઉં છું.
ખિસ્સાં કાણાં થઈ જાય,
કડકડતી રૂપિયાની નોટની
થપ્પડ વાગે તો
હું નાનો કાંટો થઈ જાઉં છું.
ગોળ ગોળ ફરું છે.
ઘડિયાળનાં ઊંડા કૂવામાં
નફરતના ખીલે બંધાઈને,
જડતાના ખીલે બંધાઈને,
હું ને માત્ર હું ના ખીલે
બંધાઈને જ નહીં,
જોતરાઈ ને,
હું
ગોળ ગોળ ફર્યા કરું છું.
સમય
વહે છે, સરે છે, પલટાય છે,
હું તો ગોળ, ગોળ, ગોળ!
૨૦-૮-૨૦૧૫
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2015; પૃ. 19