હદ્ગત
ક્યારેક વર્તમાનપત્રોમાં સમાચાર આવે છે – ગિરના જંગલમાં સિંહ કે સિંહો મૃત્યુ પામ્યા છે. તે સમાચાર સાંભળીને હોબાળો મચી જાય છે. ગોહત્યાના સાચા કે ખોટા સમાચાર જાણીને તોફાનો ફાટી નીકળે છે અને તેમાં માનવોને ગોળીઓથી વીંધી નાખવામાં આવે છે.
સિંહ અને ગાયનાં જીવનનું મૂલ્ય છે. તેમની સંભાળ લેવાય તે ઉચિત જ છે, પરંતુ પ્રશ્ન એ છે કે માનવીનાં જીવનનું કોઈ મૂલ્ય જ નથી? પ્રતિદિન અનેક માનવોની અનેક રીતે હત્યાઓ થઈ રહી છે અને ત્યારે તો, એ તો જાણે સદી ગયું છે, કોઠે પડી ગયું છે?
મહાભારતના શાંતિપર્વમાં પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને અને યુધિષ્ઠિરને નિમિત્ત બનાવીને સમગ્ર માનવજાતને કહે છે –
गुह्यं ब्रह्मं तदिदं ब्रवीमि राजन्।
नहि मानुषात् श्रेष्ठतरं हि किज्चित्।।
‘હે રાજન ! હું તમને એક ગુહ્ય રહસ્ય કહું છું – અહીં (આ સૃષ્ટિમાં) માનવીથી શ્રેષ્ઠ (અધિક) કાંઈ જ નથી.’
આ જ સત્યનો અનુવાદ કરતાં હોય તેમ ગુરુદેવ ટાગોર પણ કહે છે –
સબાર પોરે માનુષ
માનુષાત્ પોરે કિછુ નાહિ
“માનવી સૌથી શ્રેષ્ઠ છે. અહીં માનવીથી અધિક કાંઈ જ નથી.”
માનવી ! હા, માનવી શ્રેષ્ઠ છે. માનવી કેન્દ્રમાં છે. બાકીનું બધું કેન્દ્રમાં આવી જાય અને માનવી બાજુમાં હડસેલાઈ જાય, તો આપણે ખોટે રસ્તે ચડી જઈએ છીએ.
આનો અર્થ એવો નથી કે આ પૃથ્વી પર માનવીનો એકાધિકાર છે. આ પૃથ્વી પર વસતાં સૌ પ્રાણીઓ – પશુઓ, પંખીઓ, જીવજંતુઓ અને વનસ્પતિસૃષ્ટિ – સૌનો આ પૃથ્વી પર રહેવાનો અને જીવવાનો અધિકાર છે. આ અસ્તિત્વનું સત્ય છે અને આપણે તેની અવગણના ન કરી શકીએ.
આ બધું છતાં આ પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં માનવીનું એક વિશેષ સ્થાન પણ છે, તે આપણે ન ભૂલી શકીએ. ‘સબાર પોરે માનુષ’નો આ જ અર્થ છે.
વર્તમાનકાળમાં એવું બનતું જોવા મળે છે કે કોઈક બીજું જ, કેન્દ્રમાં આવી જાય છે અને માનવી પરિઘ પર ધકેલાઈ જાય છે.
પરિવાર, સંસ્થા, ગામ, શહેર, રાજ્ય, રાષ્ટ્ર આ બધું કોના માટે છે? માનવી માટે જ ને! માનવી માટે આ બધું છે કે માનવી આ બધાં માટે છે? વ્યક્તિ સંસ્થા માટે કે સંસ્થા વ્યક્તિ માટે ? બની ગયું છે એવું કે સંસ્થા કેન્દ્રમાં આવી જાય છે અને વ્યક્તિ, હા માનવવ્યક્તિ પરિઘ પર ધકેલાઈ જાય છે. કોઈ પણ રાષ્ટ્ર, રાજ્ય, શહેર, ગામ, સંસ્થા કે પરિવાર માનવી વિના, વ્યક્તિ વિના ન બની શકે. આ બધું માનવ થકી છે અને માનવ માટે છે. માનવની અવગણના ન થાય, તેવી કાળજી આપણે હજુ શીખવાની છે.
એક દૃષ્ટાંત દ્વારા આ સમજવાનો પ્રયત્ન કરીએ. શિક્ષણસંસ્થાના કેન્દ્રમાં કોણ ? સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ કે અન્ય કોઈ? શિક્ષણસંસ્થાનું કેન્દ્ર વિદ્યાર્થી છે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણસંસ્થા છે; શિક્ષણસંસ્થા માટે વિદ્યાર્થીઓ નથી. પણ જાણ્યે કે અજાણ્યે વિદ્યાર્થીઓ બાજુમાં ધકેલાઈ જાય છે અને બીજું જ કોઈક કેન્દ્રમાં આવી જાય છે.
કેન્દ્ર-પરિઘનો વિવેક આપણે રાખવો પડશે. માનવી કેન્દ્રમાં છે – આ સત્ય આપણે સતત નજર સમક્ષ રાખવું જોઈએ.
વધુ એક દૃષ્ટાંત લઈએ.
વર્તમાનપત્રોમાં અનેક વાર આ પ્રકારના સમાચાર આવે છે :
… બસ ખીણમાં પડી ગઈ. ૪૦ મુસાફરો મૃત્યુ પામ્યા.
આવા સમાચાર જાણીને આપણા મનમાં શું થાય છે ? લગભગ કાંઈ જ નહીં? પરંતુ માનવીને સ્થાને ૪૦ ગાયો કે ૪૦ સિંહો મૃત્યુ પામ્યા હોત તો? તો તો ચારે ય બાજુ હોહા મચી જાત! માનવીનું આટલું જ મૂલ્ય છે ? ગાય કરતાં પણ માનવીનું મૂલ્ય ઓછું છે? સિંહ કરતાં પણ માનવીનું મૂલ્ય ઓછું છે? હા, લાગે છે તો એવું જ!
વારંવાર સમાચાર આવે છે.
“સરહદ પર .. સૈનિકો શહીદ થયા” આપણે આ જાણીને હરખાઈએ છીએ. આપણી જમીનની રક્ષા માટે તેઓએ બલિદાન આપ્યું છે! જમીન મૂલ્યવાન કે માનવી?
બીજા વિશ્વયુદ્ધમાં હિટલર અને ચર્ચિલના આદેશ પ્રમાણે કરોડો માનવો મરણને શરણ થયા છે અને પછી તેમની સ્મૃતિમાં પથ્થરોનાં સ્મારકો રચીએ છીએ, પરંતુ જેઓ મૃત્યુ પામ્યા તેમનું શું ? રાજનેતાઓ પોતાની વાતાનુકૂલિત ઑફિસમાં બેસીને આદેશ આપે છે અને તદ્નુસાર લાખો સૈનિકો મરણને શરણ થાય છે. માનવીનું આટલું જ મૂલ્ય છે ? ક્યાં સુધી?
“સબાર પોરે માનુષ”.
આ મકાનને શણગારવા માટેનું સૂત્ર નથી. આ માત્ર લખવા-વાંચવા માટે જ નથી. આ જીવવા માટેનું, અમલમાં મૂકવા માટેનું સૂત્ર છે અને ત્યારે જ સાર્થક થશે. ‘સબાર પોરે માનુષ’.
જોધપર, વાયા મોરબી
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 16