કોઈ સવારે
તમે ચાંદીની થાળીમાં
મજેથી પરિવાર જોડે
પૂરણપોળી
ખાતાં હોય અને હું,
વીજળીના તારેથી
ક્રાંઉ ક્રાંઉ કરતો
મારા હકના
રોટીના બે ટુકડા માટે
તમારા આભને
ચીસોથી ખરડી નાંખું તો?
કદાચ
તમે આવેશમાં આવીને
મારી ક્રાંઉ ક્રાંઉને સદા માટે ચૂપ કરી દેવા
ગોળીએ વીંધી નાખશો તો?
હું ઈશ્વર પાસે
બે હાથ જોડી
તમે કરેલા ઉપકારનો
આભાર વ્યક્ત કરી શકે,
મારી આવનાર નવી પેઢીને
આટલું તો જરૂર સમજાઈ જશે કે,
અહીં પેટનો ખાડો પૂરવા
રોટીના બે ટુક્ડા માટે
મારાં પૂર્વજનોને લોહી આપવું પડ્યું હતું!
હક્ક મેળવવા!
અમારે શું નહીં આપવું પડે?
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 02