૧૯૯૩ની ઉનાળાની એક બપોરે ગુણવંત શાહ, અવંતિકાબહેન સાથે, એરિઝોનાથી રોચેસ્ટર અશોકભાઈના ઘેર આવ્યા. તેમની સાથે ફોન ઉપર વાતચીત થતાં મેં તેમને કહ્યુંઃ ‘તમારા પ્રથમ પુસ્તક કાર્ડિયોગ્રામથી લઈ ઢાઈ અક્ષર પ્રેમ કા સુઘીનાં તમામ પુસ્તકો મેં વાંચ્યાં છે.”
ઢાઈ અક્ષર પ્રેમ કા તેઓ અમેરિકા આવ્યા તેના બેચાર અઠવાડિયા પહેલાં જ પ્રગટ થયેલું. તે પુસ્તક અમેરિકામાં મારી પાસે છે એવું જાણીને તેઓ ભાવભીના થઇ ગયેલા.
સાંજે પ્રવચનમાં અશોકભાઈએ ગુણવંત શાહનો પરિચય આપતાં કહ્યું કે, ‘ગઈ કાલ સુઘી હું ગુણવંતભાઈ અને તેમનાં પુસ્તકોથી સાવ અપરિચિત હતો. મારું સદ્ભાગ્ય કે મારા મિત્ર પ્રીતમે તેમનાં પુસ્તકોનો પરિચય કરાવ્યો.” અશોક્ભાઈ તેમનું વાકય પૂરું કરે તે પહેલાં જ ગુણવંતભાઈએ, તેમને અઘવચ્ચે અટકાવીને કહ્યું કે, ‘જો પ્રીતમભાઈ અત્યારે અહીં આવ્યા હોય તો તમે તેમને ઊભા કરો. મારે આ ક્ષણે તેમને મળવું છે.” તેમના સૂચનને માન આપી અશોક્ભાઈએ મને ઊભો કર્યો. ગુણવંતભાઈ જાણે વરસોથી ઓળખતા હોય તેમ ભેટી પડ્યા. તે ક્ષણે મેં તેમની સોનેરી ફ્રેમનાં ચશ્માં પાછળની નેહનીતરતી આંખમાં વાચકો પ્રત્યે પ્રેમની છાલક જોઈ તે આજ લગી ભૂલાઈ નથી.
એમનું વ્યાખ્યાન પૂરું થયા પછી મેં તેમને મારે ઘેર આવવાનું નિમંત્રણ આપ્યું. એનો સહજ સ્વીકાર કરતાં ગુણવંતભાઈએ મને કહ્યું, ‘સવારે આઠ વાગ્યે, નાયગરા જતાં હું તમારે ઘેર થઈને જઈશ.” સવારના લગભગ સાત વાગ્યે, હજુ તો હું નિદ્રામાં હતો ત્યાં અશોક્ભાઈનો ફોન આવ્યો કે ગુણવંતભાઈની સાથે તે પોણા કલાકમાં મારે ઘેર પહોંચે છે. ઘડીભર મને માન્યામાં ન આવ્યું કે ભારતથી આવતા ગુજરાતી સર્જકને મન સમયનું આટલું મૂલ્ય હશે! બરાબર આઠને ટકોરે મેં બન્નેને બારણે ઊભેલા જોયા.
૧૯૯૪માં એમણે મનોમન વિચાર કરી લીઘેલો કે તેમને મળનાર પુરસ્કારનો અંગત ઉપયોગ કરવાને બદલે તે પૂરેપૂરો સર્વોદય પરિવાર ટ્ર્સ્ટને આપી દેશે! અમેરિકાના પ્રવાસમાં તેમનાં પ્રવચનોનો પુરસ્કાર, બઘો ખર્ચ બાદ કરતાં, લગભગ બે હજાર ડૉલર થતો હતો. આટલી મોટી રકમ વિશે ઝાઝો વિચાર કર્યા વિના એમણે અમને કહી દીઘું કેઃ “એ રકમ ભારતમાં, સર્વોદય ટ્ર્સ્ટ પરિવારને તમે ચેક દ્વારા મોકલી આપો.”
અમે એમને થોડીક રકમ પરિવારને માટે રાખવા ઘણું સમજાવ્યા પણ તેમનો સંકલ્પ અફર રહ્યો. તેમણે મને કહ્યું કે, ‘આ તો ફકત સિતેર હજાર રૂપિયાની વાત છે, પણ તેની જગ્યાએ સિત્તેર લાખ હોય તો પણ મારે સર્વોદય ટ્ર્સ્ટને જ એ રકમ આપી દેવી જોઈએ.”
ગુણવંતભાઈ લગાતાર બે વર્ષ રોચેસ્ટર આવેલા. તે દરમિયાન, થોડો સમય તેમની સંગત માટે મળેલો. એમના અંગત-બિનઅંગત જાણ્યા પછી હું ચોક્ક્સ કહી શકું કે તેમનું જીવન ખુલ્લી કિતાબ સમું છે. ગુણવંતભાઈ વ્યાખ્યાનમાં આવતાં પહેલાં બ્રશ, દાઢી, સ્નાન પતાવી સુઘડ સ્વચ્છ ખાદીનો ઝભ્ભોલેંઘો પહેરી ઘ્યાનમાં બેસે અને પૂરા સજ્જ થઈ, સમયસર વ્યાખ્યાનમાં આવી પોતાની પાસે જેટલું જ્ઞાન હોય તે ઠાલવીને જાતને હળવીફૂલ કરી નાખે. ઘણી વાર પ્રથમ નજરે સામેવાળી વ્યક્તિને ગુણવંતભાઈ અભિમાની હોય એવું લાગે પણ નજીક જવાની તક મળે તો લાગે કે પ્રેમની કેવી સરવાણી તેમનામાં વહે છે! એમનામાં કયારેક અઘીરાઈ જોવા મળે. આને કારણે સાવ નાની સરખી બાબતમાં ગુસ્સે થઈ જાય છે.
એક સાંજે ડૉકટર મિત્ર અશોક શાહે કવિમિત્ર ચંદ્રકાન્ત શાહને ફોન કરી જણાવ્યું કે આપણી વાત મુજબ અમુક દિવસે ગુણવંતભાઈ બોસ્ટન આવશે. ચંદ્રકાન્તે અશોકભાઈને કહ્યુંઃ ‘એ દિવસ કદાચ મને નહીં ફાવે, પરંતુ બેએક અઠવાડિયા પછી આવે તો કાર્યક્રમ માટે પૂરતી તૈયારી થઈ શકે. ‘ફોન પરની વાતચીતનો સાર અશોક્ભાઈએ ગુણવંતભાઈને આપ્યો. ગુણવંતભાઈ તેનાથી ગુસ્સે થયા. એમને શાન્ત પાડવા મેં તેમને ચંદ્રકાન્તની પરિસ્થિતિની વાત કરી એમનો ગુસ્સો શમી ગયા પછી, મનોમન પસ્તાવા સાથે એમણે કહ્યુંઃ ‘ચંદ્રકન્ત બોસ્ટનમાં કાર્યક્રમ ગોઠવી ન શકે તો કંઈ વાંઘો નથી.”
ગુણવંતભાઈને મન વ્યાખ્યાન એ સાઘના છે. આ સાઘનામાં તેઓ જરા પણ ખલેલ સહન ન કરી શકે. મારા ખાસ મિત્ર ડૉ. રાજેશ મહેતા, ગુણવંતભાઈના વ્યાખ્યાનમાં તેમની બે વર્ષની દીકરી પ્રાચી સાથે આવેલા. બાળકોને ભલા વ્યાખ્યાન સાથે શી લેવાદેવા! વ્યાખ્યાનમાં બેઠેલા સહુ કોઈનું ઘ્યાન તેની ઉપર પડે એ રીતે નિર્દોષ આનંદમાં બાળકી લીન હતી. પરંતુ તેનું રમતિયાળપણું વ્યાખ્યાનને બાઘક થતું ભાળીને ગુણવંતભાઈએ, રાજેશભાઈને ખૂબ નમ્રતાથી કહ્યું કે તેઓ બાળકને બહાર લઈ જાય તો સારું.
રાજેશભાઈ પ્રાચીને લઈ ઘેર ચાલ્યા ગયા. વ્યાખ્યાન બાદ ગુણવંતભાઈ, રાજેશભાઈ અને સંગીતાબહેનને વ્યાખ્યાનમાંથી અધવચ ઘેર જવું પડ્યું તે કારણે દુઃખી જણાતા હતા. મેં ગુણવંતભાઈને ચિંતા ન કરવાનું કહીને જણાવ્યું કે રાજેશભાઈ મારા અંગત મિત્ર છે અને બહુ સમજદાર વ્યક્તિ છે. તેમને આ બાબતમાં જરા ય ખોટું નહીં લાગ્યું હોય. આટલા શબ્દોએ તેમને કેટલું આશ્વાસન, કેટલી નિરાંત આપી હશે એ હું નથી જાણતો, પણ ગુણવંતભાઈનું આ રીતે ફરી સ્મરણ કર્યાનો આનંદ અવશ્ય છે.
અમેરિકા આવતા કેટલાક ગુજરાતી સાહિત્યકારોને સંસ્કૃતિ કે સાહિત્ય સાથે બહુ ઓછી લેવાદેવા હોય છે. આ વાત ગુણવંતભાઈને લાગુ પડતી નથી. એ જુદી માટીના માણસ લાગે છે. અમેરિકાના પ્રવાસ કે ડોલર કરતાં તેમને રસ પડે છે, યંત્રયુગમાં એક માણસથી દૂર થઇ ગયેલા બીજા માણસને નજીક લાવીને તેમનાં હ્રદયમાં પ્રેમતીર્થ ઊભાં કરવામાં! એમની ઈમાનદારી અને સચ્ચાઈ એમના વ્યવહારમાં પ્રગટ થાય છે.
e.mail : preetam.lakhlani@gmail.com