માંડેલી વારતાઓ અધૂરી રહે !
આદરી જાતરાઓ અધૂરી રહે !
વાગતી ઝાલરો આરતીની; અને,
ફર-ફરકતી ધજાઓ અધૂરી રહે !
ભાઇબીજ્ના બહેન વાટ જોતી રહે,
વ્રત અને વ્રતકથાઓ અધૂરી રહે !
આસ્થાઓ નિરાધાર એમ જ થતી,
માનેલી માનતાઓ અધૂરી રહે !
કોઇ કારી ન ફાવે તબીબોની પણ,
સારવારો-દવાઓ અધૂરી રહે !
શ્વાસ એવી રીતે લડથડી; થંભતો,
છંદની માતરાઓ અધૂરી રહે !
છેક મક્તા સુધી પ્હોંચતી ના ગઝલ,
સહુની જીવનકથાઓ અધૂરી રહે !
મૌજે-દરિયા ભલે હોય કોઈ અહીં,
એની સઘળી મજાઓ અધૂરી રહે !
ડાઘુઓ લાશ લઇ ચાલતા થઇ જતા,
સહુ – ‘પ્રણય’ – શક્યતાઓ અધૂરી રહે !
તા. ૦૬/૧૧/૨૦૨૧
મૌજે-દરિયા = મૌજીલું, આનંદી સ્વભાવનું માણસ