સેન્ટ લ્યૂસિયાના કવિ-નાટ્યલેખક-ચિત્રકાર, 1992માં સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક વિજેતા, ડૅરેક વૉલ્કોટના એક કાવ્યનો મારો અનુવાદ : ‘Love after Love’.(https://allpoetry.com/love-after-love)
એવો સમય આવશે
જ્યારે ઉલ્લાસ સાથે
તમારા દ્વારે, તમારા આઈનામાં, તમે તમારું જ સ્વાગત કરશો.
અને પરસ્પર મલકાશો, એકમેકના સ્વાગતમાં
અને કહેશો : અહીં બેસો. ભોજન કરો.
જે તમે જ હતા, એ અજનબીને તમે ફરીથી પ્રેમ કરશો.
આસવ ધરશો. રોટી ધરશો. તમારું હૃદય એને પોતાને જ,
તમારા અજાણ્યા પ્રેમીને, પાછું ધરશો –
આખી જિંદગી જેની અવગણના કરી તમે
અન્ય માટે, પણ જે તમને પિછાણે છે છેક હૃદયથી.
પુસ્તકની છાજલી પરથી ઉતારી લો પ્રેમપત્રો,
તસવીરો, આજીજીભરી ચિઠ્ઠીઓ.
અરીસા પરથી તમારું પ્રતિબિંબ પણ ઊખાડી ફેંકો.
હવે બેસો. તમારા જીવનની ઊજાણી કરો.
સૌજન્ય નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલ પરેથી સાદર