પાટીદાર આંદોલન મુદ્દે કેટલાક વર્ગમાં આર્થિક માપદંડના આધારે અનામત આપવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મણિલાલ એમ. પટેલ‘નિરીક્ષક’(તા.૦૧-૦૯-૨૦૧૫)ના એમના લેખ ‘અનામતના માપદંડની પુઃન વિચારણાનો સમય’માં અંતે લખે છે, “રાજકીય પક્ષો માટે જ્ઞાતિને બદલે આર્થિક માપદંડ વિચારવાનો સમય પાકી ગયો છે.” સંઘપરિવારનો આ પ્રિય એજન્ડા છે, જે તાજેતરમાં સંઘના એક આગેવાન એમ.જી. વૈદ્યે પણ જણાવ્યો છે. પાટીદાર આંદોલનકારીઓ પણ આવું જ માનતા લાગે છે ત્યારે અનામતના માપદંડ વિશે સ્પષ્ટતા થવી રહી.
દલિતો-આદિવાસીઓ માટેની અનામત આઝાદી સાથે જ અમલી બની હતી. આઝાદી પછી ૧૯૫૩માં કાકાસાહેબ કાલેલકરના અધ્યક્ષસ્થાને પછાતવર્ગો માટેનું ખાસ કમિશન રચવામાં આવ્યું હતું. ૧૯૫૫માં કાલેલકરપંચે તેનો જે અહેવાલ આપ્યો હતો, તેમાં નીચો સામાજિક દરજ્જો, શિક્ષણમાં પછાતપણું, સરકારી નોકરીઓમાં અપૂરતું પ્રતિનિધિત્વ અને વ્યાપારઉદ્યોગમાં ઓછી ભાગીદારી જેવા ચાર માપદંડોના આધારે ૨૩૯૯ જૂથોને પછાત જ્ઞાતિઓ તરીકે ખોળી કાઢ્યાં હતાં. આ પંચે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જોગવાઈ કરવા સહિતનાં વિવિધ કલ્યાણકારી પગલાં સૂચવ્યાં હતાં.
કાલેલકર પંચની ભલામણો અંગે સંસદમાં અને અન્યત્ર ચર્ચાઓ થઈ પણ કેન્દ્રએ તેના અમલ અંગે કોઈ નિર્ણય ન લેતાં પછાતવર્ગોના વિકાસની બાબત રાજ્યો પર છોડવામાં આવી. ઘણાં રાજ્યોએ તે પછી પછાતવર્ગો નક્કી કરવા પંચો રચ્યાં હતાં.
અન્ય પછાતવર્ગોમાં આવેલી સામાજિક-રાજકીય જાગૃતિને ધ્યાનમાં લઈને આઝાદીના ખાસ્સા ત્રણ દાયકા પછી, ૨૦મી ડિસેમ્બર, ૧૯૭૮ના રોજ મોરારજી દેસાઈના વડાપ્રધાનપદ હેઠળની જનતાપક્ષની સરકારે બિંદેશ્વરીપ્રસાદ મંડલના અધ્યક્ષપદે અન્ય પછાતવર્ગો માટે બીજું પંચ રચ્યું. ૧૯૮૦માં આ પંચે તેનો અહેવાલ આપ્યો. મંડલ પંચે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક એવા ૧૧ માપદંડોના આધારે ૩૭૪૩ હિંદુ-બિનહિંદુ પછાત જાતિઓ નક્કી કરી. અન્ય પછાતવર્ગોની વસ્તી દેશમાં આશરે ૫૨% છે, પરંતુ અનામતની કુલ મર્યાદા ૫૦% જ હોવાથી પંચે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ૨૭ % અનામત અને ભૂમિકાયદામાં મૂળગામી ફેરફારો સહિતની ભલામણો કરી. ૧૯૮૦ની ઇંદિરા ગાંધીની કે ૧૯૮૪ની રાજીવ ગાંધીની કૉંગ્રેસી સરકારોએ તેનો અમલ ન કર્યો. ૧૯૮૯માં વી.પી.સિંહની સરકારે તેનો અમલ કરતાં ભારે વિરોધ થયો. તે પછી નરસિંહરાવની કૉંગ્રેસી સરકારે આર્થિક પછાતો માટે ૧૦% સાથે ૨૭%ના અમલની જાહેરાત કરી વિરોધને ઠાર્યો. સુપ્રીમ કોર્ટે આ બંને નિર્ણયો સામે મનાઈ હુકમ આપ્યો. ૭ ન્યાયાધીશોની ખંડપીઠવાળા ઇન્દ્રા સાહની વિરૂદ્ધ ભારત સરકારના કેસનો ૧૬મી નવેમ્બર, ૧૯૯૨ના રોજ ચુકાદો આવ્યો, જેમાં સર્વોચ્ચ અદાલતે પછાત વર્ગોમાંના સમૃદ્ધો (ક્રિમિલેયર) ને બાકાત રાખીને ૨૭% અનામતને બંધારણીય ઠેરવી. પરંતુ ૧૦% આર્થિક પછાતો માટેની અનામતોને ગેરબંધારણીય ગણાવી. આ ઐતિહાસિક હકીકતોના આધારે આર્થિક ધોરણે અનામતની માંગણી ચકાસવી રહી.
જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે, ૧૯૭૨માં નિવૃત્ત ન્યાયાધીશ એ.આર. બક્ષીના વડપણ હેઠળ સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગો માટેનું પહેલું પંચ રચાયું હતું. તેના રિપોર્ટના આધારે ૮૨ જાતિઓ માટે ૧૯૭૮માં ૧૦ વરસ માટે ૧૦% અનામત અમલી બની. જસ્ટિસ સી.વી. રાણેના ૧૯૮૧ના બીજા પછાત વર્ગ કમિશને આવક, વ્યવસાય, મિલકત અને શિક્ષણના માપદંડના આધારે ૨૭% અનામતની ભલામણ કરી હતી.
૧૯૮૧ અને ૧૯૮૫નાં અનામતવિરોધી રમખાણો વખતે પણ અનામતનો માપદંડ જ્ઞાતિને બદલે આર્થિક રાખવાની માંગ ઊઠી હતી. જ્યારે આવી માંગ થાય છે, ત્યારે એ હકીકત વિસારે પાડી દેવાય છે કે દેશના બંધારણના અનુચ્છેદ-૩૪૦માં ‘સામાજિક-શૈક્ષણિક પછાતવર્ગો’નો જ ઉલ્લેખ છે, તેમાં આર્થિક પછાતનો ઉલ્લેખ નથી.(જો કે તે માટે બંધારણ-સુધારો થઈ શકે) વળી મંડલપંચે પછાતપણાના માપદંડો તરીકે જે ૧૧ માપદંડોના આધારે પછાત વર્ગો તારવ્યા છે, તેમાં ૪ (ચાર) માપદંડો આર્થિક છે. એટલે માત્ર જ્ઞાતિના આધારે જ અનામત અપાય છે તે કહેવું ઓબીસી અનામત માટે સાચું નથી.
મંડલ પંચના ૧૧ પૈકીના ૪ આર્થિક માપદંડો આ પ્રમાણે છે ઃ ૧. રાજ્યની સરેરાશ કરતાં જે કુટુંબની મિલકતની કિંમત ૨૫% કરતાં ઓછી હોય, ૨. રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિઓના ૨૫% કરતાં વધુ કુટુંબો કાચાં મકાનમાં રહેતાં હોય, ૩. જે જ્ઞાતિઓનાં ૫૦% કરતાં વધુ કુટુંબોને પીવાનું પાણી મેળવવા અડધો કિલોમીટર ચાલવું પડતું હોય, અને ૪. રાજ્યની સરેરાશ કરતાં જે કુટુંબોના ૨૫% લોકોને દૈનિક જરૂરિયાત પૂરી કરવા લોન લેવી પડતી હોય. જો આટલા સ્પષ્ટ આર્થિક આધારો પછી મંડલ પંચે પછાતપણું નક્કી કર્યું હોય ત્યારે આર્થિક માપદંડની વાત કરવી નકરી બેઈમાની છે, બૅંકોમાંથી કરોડોની થાપણો ઉપાડી લઈ રાજ્યના અર્થતંત્રને અસ્થિર કરવાનો કાર્યકમ આપનાર પાટીદારો કયા મોઢે ગરીબોની અનામત માંગે છે?
છેલ્લા સામાજિક-આર્થિક વસ્તી ગણતરીના જે આંકડા ભારત સરકારે જાહેર કર્યા છે, તેમાં સ્પષ્ટ થયું છે કે દેશના દલિતો-આદિવાસીઓ-પછાતોનો મોટો સમૂહ ગરીબીમાં સબડે છે અને ગામડાંઓમાં બેહાલીમાં બદતર જિંદગી જીવે છે. ૭૪.૪૯% ગ્રામીણ કુટુંબોની માસિક આવક રૂ. ૫૦૦૦/- છે. ખેતકામદારો, સફાઈકામદારો, વેઠિયા અને અન્ય શ્રમિકો આ જ વર્ગના છે અને એટલે આર્થિક બાબત તેમની અનામત સાથે જોડાયેલી છે. વળી, સુપ્રીમ કોર્ટે ઓબીસી અનામતમાં ક્રિમિ લેયરનું ધોરણ દાખલ કરતાં અનામતનો લાભ પછાતોના સમૃદ્ધો લઈ જાય છે તે દલીલ પણ ટકતી નથી.
અહીં એ સ્પષ્ટ કરવું રહ્યું કે તમામ કોમોમાં ગરીબો છે, તેથી તે પછાત નથી. લોટ માંગતો ગરીબ બ્રાહ્મણ અને ગરીબ પછાત કોમના સભ્યની સરખામણી શક્ય નથી. જે વાતાવરણ, વગ અને પ્રોત્સાહન કહેવાતા ઉજળિયાતને મળે છે, તે પછાત કોમ માટે શક્ય નથી. અનામત નીતિ એ ગરીબી-નાબૂદી માટે નહીં, સામાજિક ન્યાય અને અને સામાજિક સમાનતા માટે છે. ગરીબી-નાબૂદી માટેના કલ્યાણ-રાજ્યના કાર્યક્રમો બીજા હોઈ શકે, અનામત નહીં.
આર્થિક ધોરણે અનામતની માંગ કરનાર પાટીદારો કે તેમના સમર્થક તમામે મંડલ પંચની આ આર્થિક ભલામણ માટે પણ પોતાનો અભિપ્રાય આપવો પડશે. મંડલ પંચના અહેવાલના પ્રકરણ-૧૪(અહેવાલનો સારાંશ)ના વિભાગ-૧૩માં જણાવ્યું છે, “અત્યારે જે ઉત્પાદનના સંબંધો પ્રવર્તે છે, તેમાં અન્ય પછાત વર્ગો કે જે મોટે ભાગે નાના-સીમાંત ખેડૂતો, ગણોતિયા, ખેતમજૂરો, ગ્રામ કારીગરો વગેરે છે, તેઓ તેમના ગુજારા માટે સંપન્ન ખેડૂતો ઉપર ઘણો મોટો આધાર રાખે છે. આ કારણે, અન્ય પછાત વર્ગો પ્રભાવશાળી જ્ઞાતિઓ તથા વર્ગોના ભૌતિક તેમ જ માનસિક બંધનમાં જકડાયેલા રહે છે. જ્યાં સુધી આ ઉત્પાદનસંબંધો માળખાગત પરિવર્તનો તથા પ્રગતિશીલ ભૂમિકાયદા સુધારા દ્વારા મૂળગામી રીતે બદલાય નહીં, ત્યાં સુધી અન્ય પછાતવર્ગો સાચા અર્થમાં સ્વતંત્ર બની શકે નહીં. આ તથ્યને નજર સમક્ષ રાખીને બધાં રાજ્યોએ મૂળગામી ભૂમિકાયદા સુધારને અગ્રીમતા આપવી ઘટે.”
દેશના કુલ રોજદારમાં સરકારી નોકરીઓ માત્ર ૮% જ છે, ત્યારે અનામતના લાભાર્થીઓ અને વિરોધીઓએ માત્ર સરકારી નોકરીમાં અનામત સિવાયના વિકલ્પો વિચારવા પડશે. આપણી ખરી માંગણી તો ખળાનો અર્ધો ભાગ કહેતાં દેશનાં કુદરતી સંસાધનો અને સંપત્તિની માલિકીની અને તેની ન્યાયી વહેંચણીની હોવી જોઈએ, નહીં કે અનામતના બટકાંની’.
e.mail : chandumaheriya@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2015; પૃ. 05-06