એક ઓર પ્રજાસત્તાક પર્વ આંગણે આવીને ઊભું છે. આજની સુભાષ જયંતીએ પ્રજાસત્તાકનું સ્મરણ અનેરું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝનો આજે ૧૨૨મો જન્મ દિન છે તો ત્રણ દિવસ પછી ૭૦મો પ્રજાસત્તાક દિન ઉજવાશે. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસથી સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને આપણે પ્રજાસત્તાક કહેવાયા. આ ૨૬મી જાન્યુઆરીની પ્રજાસત્તાક દિન તરીકેની પસંદગી પણ ખાસ કારણસરની છે. પંડિત નહેરુના પ્રમુખસ્થાને ડિસેમ્બર ૧૯૨૯માં લાહોરમાં રાવી તટે કૉન્ગ્રેસનું અધિવેશન ભરાયેલું. તેમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ થયેલો. અંગ્રેજોને ૨૬મી જાન્યુઆરી ૧૯૩૦ સુધીની મહેતલ પૂર્ણ સ્વરાજ માટે આપવામાં આવેલી હતી .. ગુલામ ભારતની ૨૬મી જાન્યુઆરીની પૂર્ણ સ્વરાજની ઘોષણા પછી તો આઝાદ ભારતનો પ્રજાસત્તાક દિન જ બની રહે ને ? ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ જે સત્તાનું હસ્તાંતરણ થયું હતું તે ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ પૂર્ણ સ્વરાજમાં પરિણમ્યું.
ભારતની બંધારણસભાએ ૨ વરસ ૧૧ માસ અને ૧૮ દિવસની જહેમત પછી હાલનું બંધારણ ઘડ્યું છે. મુસદ્દા સમિતિના અધ્યક્ષના નાતે ડો. બાબાસાહેબ આંબેડકરનો બંધારણના ઘડતરમાં સિંહફાળો છે. ૨૫મી નવેમ્બર ૧૯૪૯ના દિવસે બંધારણસભા સમક્ષના પોતાના અંતિમ પ્રવચનમાં ડો. આંબેડકરે કહ્યું હતું, “૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતનું પ્રજાસત્તાક રાજ્ય સ્થપાતાં આપણે વિરોધાભાસોથી ભરેલી જીવનવ્યવસ્થામાં પ્રવેશીશું. રાજકીય દ્રષ્ટિએ આપણે સમાનતા આણીશું પરંતુ સામાજિક અને આર્થિક અસમાનતા ચાલુ જ છે. રાજકીય રીતે ‘એક વ્યક્તિ, એક મતનું’ મૂલ્ય સ્વીકાર્યું છે. પણ સામાજિક – આર્થિક જીવનમાં આપણા વર્તમાન માળખાને લઈને ‘એક વ્યક્તિ, એક મૂલ્ય’ના સિદ્ધાન્તનો ઈન્કાર ચાલુ જ છે. આ અસમાનતા અને વિરોધાભાસ ક્યાં સુધી ચાલુ રાખીશું ?” ભારતમાં પ્રવર્તતી સામાજિક આર્થિક ગેરબરાબરીથી ચિંતિત બાબાસાહેબે એવી ચેતવણી પણ ઉચ્ચારી હતી કે, “સામાજિક આર્થિક અસમાનતા જો લાંબો સમય ચાલુ રહેશે તો તેનાથી પીડાતા લોકો બંધારણસભાએ જહેમતપૂર્વક તૈયાર કરેલ રાજકીય લોકશાહીની ઈમારતને ધ્વસ્ત કરતાં અચકાશે નહીં.” મજબૂત સરકારની દુહાઈ અને મહાગઠબંધનના હાકોટા વચ્ચે દેશ લોકસભાની ચૂંટણીના માહોલમાં પ્રવેશી ચૂક્યો છે ત્યારે આ વરસના પ્રજાસતાક પર્વે બંધારણ નિર્માતાઓના શબ્દો કાળજે ધરવા જેવા છે.
તાજેતરમાં સંસદે પસાર કરેલા આર્થિક અનામતના ૧૨૪મા બંધારણ સુધારા સાથે ભારતનું સંવિધાન એના મૂળભૂત માળખાને અકબંધ રાખીને બદલાતું રહ્યું છે. એક તરફ ‘બંધારણ બચાવો’ની તો બીજી તરફ “બંધારણ બદલો”ની માંગણીઓ પણ થતી રહી છે. બંધારણની હોળી થાય છે તો એને હાથીની અંબાડી પર રાખી શોભાયત્રાઓ પણ નીકળે છે. બંધારણના અનુચ્છેદ ૩૬૮ અન્વયે સવાસો જેટલા સંશોધનો કે સુધારા સહી ચૂકેલા ભારતના બંધારણની સમીક્ષા માટેના પ્રયત્નો પણ થયા છે. જસ્ટિસ વૈકટચૈલ્લેયાહના અધ્યક્ષપદે બંધારણના સુવર્ણજયંતી વરસે રચાયેલા બંધારણ સમીક્ષા પંચે ૩૧મી માર્ચ ૨૦૦૨ના રોજ પોતાનો અહેવાલ ભારત સરકારને સુપરત કર્યો હતો.
બંધારણ સમીક્ષા પંચે “સામાજિક-આર્થિક પરિવર્તન અને વિકાસનો માર્ગ” શીર્ષક હેઠળના અહેવાલના દસમા પ્રકરણમાં દલિતો, આદિવાસીઓ, પછાતવર્ગો, લઘુમતીઓ, સ્ત્રીઓ અને કામદારો સંદર્ભે જે મહત્ત્વની ભલામણો કરી હતી તે તત્કાલીન સરકારને (અને કદાચ તે પછીની અને આજની સરકારને પણ) માફક આવે તેવી નહોતી. તેથી તે અહેવાલ અભરાઈએ ચઢાવી દેવાયો હતો. ચૂંટણીની વૈતરણી તરવા કે દેશમાં ચાલતા બિનઅનામત જ્ઞાતિઓના અનામત આંદોલનોથી છૂટકારો મેળવવા કેન્દ્ર સરકારે આર્થિક અનામતનો માર્ગ બંધારણ સુધારા મારફત લીધો છે. લગભગ સઘળા વિપક્ષે (દલિતોના કહેવાતા પક્ષોએ સુધ્ધાં) સરકારના ઈરાદા અંગે થોડા વાંધાવચકા સાથે તેનું સમર્થન કરવું પડ્યું છે. આજે દલિતો-આદિવાસીઓ માટેની વર્તમાન અનામત વ્યવસ્થા અપર્યાપ્ત બની છે. વળી નવી આર્થિક નીતિ અને ખાનગીકરણના વધતા પ્રભાવમાં જ્યારે સરકારી કે જાહેર ક્ષેત્રની નોકરીઓ સંકોચાઈ રહી છે ત્યારે દોઢ દાયકા પૂર્વે બંધારણ સમીક્ષા પંચે દલિતો-આદિવાસીઓ માટે ખાનગીક્ષેત્રોમાં અનમતની નીતિ લાગુ પાડવાની જે ક્રાંતિકારી ભલામણ કરી હતી, તે વિસારે પાડી દેવાઈ છે. અંગઠિત ક્ષેત્રોમાં વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને જમીનવિહોણા ખેડૂતો એવા ખેતકામદારોના લઘુતમ વેતન માટેના સર્વગ્રાહી કાનૂનની બંધારણમાં જોગવાઈ કરવાની પંચની ભલામણ હતી. સમગ્ર દેશમાં એકસરખા ધોરણે લઘુતમ વેતનના દરો ઠરાવવા અને વરસમાં અમુક દિવસની ફરજિયાત રોજી આપવા પણ પંચે ભલામણ કરી હતી.
ઓલ ઈન્ડિયા શિડ્યુલ કાસ્ટ ફેડરેશન દ્વારા ડો. આંબેડકરે ઘડેલ અને બંધારણસભાને આપવામાં આવેલ આવેદનપત્ર ”સ્ટેટસ એન્ડ માઈનોરિટી”માં, જમીન, ઉદ્યોગો અને વીમાના રાષ્ટ્રીયકરણની તથા કૃષિને રાજ્ય ઉદ્યોગ ગણવાની માગણીઓ કરી હતી. બંધારણના ઘડવૈયા આંબેડકરની અનુસૂચિત જાતિઓની સલામતી માટેની એ માગણીઓ બંધારણમાં આમેજ થઈ શકી નહોતી અને આજે પણ તે આંબેડકરના બાકી એજન્ડા તરીકે સૌ સંઘર્ષશીલોને પડકારી રહી છે. બંધારણ સમીક્ષા પંચે જમીન સુધારા કાયદાના કડક અમલ તથા તમામ સરકારી પડતર જમીનો દેશના ભૂમિહીનોને આપવાની અને રાજ્યની વિશેષ સવલતો સાથે ખેતી કરવાની વ્યવસ્થા કરવાની ભલામણ કરી હતી.
આઝાદ ભારતની શરમ એવી હાથથી થતી મળ સફાઈની સદંતર નાબૂદીની અને તે કામમાં જોતરાયેલા સફાઈ કામદારોના પુનર્વસનની જોગવાઈઓ કરવાની પણ પંચની ભલામણ હતી. મહિલા અનામતના વરસોથી લટકતા બિલ સંદર્ભે પણ સ્ત્રીઓના તમામ ક્ષેત્રોમાં યોગ્ય પ્રતિનિધિત્વ માટેની કાયદાની જરૂરિયાત પંચે ચીંધી હતી. બાળ મજૂરી કે વેઠિયા મજૂરી નાબૂદ કરવા તથા સામાજિક-ધાર્મિક લઘુમતીઓને પર્યાપ્ત રક્ષણ આપવા તથા વિકાસની તકો પૂરી પાડવા પણ પંચે બંધારણીય સોઈનો આગ્રહ સેવ્યો હતો.
વર્તમાન શાસકો ગાંધીની તુલનાએ સુભાષ તરફ વધુ ઢળેલા છે, ત્યારે આજની સુભાષ જયંતીએ ગાંધી-સુભાષ મતભેદો પણ સંભારાશે. ‘તુમ મુઝે ખુન દો”ની તર્જ પર વિકાસ વાર્તાઓ પણ કહેવાશે. દિલ્હીના ઇન્ડિયા ગેટ અને રાજપથ પર દક્ષિણ આફિકી રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામફોસાની વિશેષ ઉપસ્થિતિમાં લશ્કરી પરેડ સાથે ભવ્ય રીતે પ્રજાસતાક દિન ઉજવાશે તો ખરો પણ એ વાત સગવડપૂર્વક વિસારે પાડી દેવાશે કે આઝાદી આંદોલનના સૌ તારકો ગાંધી-નહેરુ-સરદાર-સુભાષ-આંબેડકર અને મૌલાના જનજનના પ્રજાસત્તાક અને પૂર્ણસ્વરાજ માટે મથનારા હતા. સમાજના સૌથી “આઘામાં આઘા અને પાછામાં પાછા” એવા અંતિમજન કે છેવાડાના જન સુધી પ્રજાસતાકનાં પગલાં પડે એવી બંધારણીય જોગવાઈઓ અને તેનો અમલ તે જ સાચું પ્રજાસત્તાક છે, તે વાત ક્યારે ય ન ભૂલાય તે જ પ્રજાસત્તાક પર્વની સાચી ઉજવણી ગણાશે.
e.mail : maheriyachandu@gmail.com
‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, સંદેશ”, 23 જાન્યુઆરી 2019