આ વરસનો આંતરરાષ્ટ્રીય મહિલા દિન(આઠમી માર્ચ) બેહદ ખાસ હશે. વારાસણીના પ્રેમચંદ જન્મસ્થાન લમહી ઈલાકામાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું મંદિર બનાવવામાં આવ્યું છે. ઓણની સુભાષ જયંતીએ આર.એસ.એસ.ના વરિષ્ઠ પ્રચારક ઈન્દ્રેશ કુમારના હસ્તે ખુલ્લા મુકાયેલા સુભાષ મંદિરમાં નેતાજીની કાળા આરસની આદમકદ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ સુભાષ મંદિરની વિશેષતા એ છે કે તેની પૂજારણ તરીકે એક દલિત કિશોરીની નિયુક્તિ કરવામાં આવી છે. ગર્ભવતી સ્ત્રીઓ નેતાજી જેવાં દેશભક્ત સંતાનોને જન્મ આપે તે હેતુથી મંદિરમાં તેમના માટે ખાસ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ! દેશભક્ત સંતાનોની જનેતાઓ ખુદ ભારતીય સેનામાં હોય તો તેમની સ્થિતિ કેવી હોય છે તે તાજેતરના સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થયું છે. દેશની ભૂમિસેનામાં કાર્યરત મહિલા અફ્સરોને સેનાની કમાન પોસ્ટ અને પેન્શનપાત્ર કાયમી નોકરી આપવામાં આવતી નથી. મહિલાઓને શા માટે આ કામ આપી ન શકાય તે અંગે કોર્ટમાં સરકારની દલીલ હતી કે ભારતીય સેનામાં ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતા જવાનો હોય છે જે મહિલા અફ્સરોના ઓર્ડર સ્વીકારે તેવો તેમનો જન્મગત ઉછેર નથી અને મહિલા હોવાના કારણે આ અફ્સરો સામાજિક અને શારીરિક મર્યાદાઓ ધરાવે છે. સર્વોચ્ચ અદાલતે સરકાર અને સમાજના આ પિતૃસત્તાત્મક વિચારોને ફ્ગાવી દઈને મહિલા અફ્સરોને સેનામાં બરાબરીનો અધિકાર આપ્યો, તે સ્ત્રી અધિકારની દિશામાં નોંધપાત્ર કદમ છે.
ભારતીય સેના સાથે મહિલાઓનો નાતો નવેક દાયકા પુરાણો છે. ૧૯૨૭માં સેનાની ર્નિંસગ સેવામાં પ્રવેશથી તેનો આરંભ થયો હતો. ૧૯૪૩માં તબીબ તરીકે અને લાંબા અંતરાલ બાદ ૧૯૯૨માં આર્મી અફ્સરો તરીકે મહિલાઓ સેનામાં જોડાઈ હતી. આજે ભારતીય સેનામાં ૨૧.૬% ડોક્ટરો અને ૧૦૦% નર્સીસ મહિલા છે. જો કે સેનાની ત્રણેય પાંખોમાં માંડ ૩.૯% જ મહિલા ઓફ્સિર્સ છે. તેમાં સૌથી વધુ ૧૩.૨૮% વાયુસેનામાં અને ૬.૭% નૌસેનામાં છે. વાયુસેના અને નૌસેનામાં મહિલા અફ્સરોને ઘણાં વિભાગોમાં બરાબરીનો હક મળ્યો છે. વાયુસેનામાં મહિલા પાઇલટ લડાકુ વિમાન પણ ઉડાડે છે, પરંતુ ભૂમિ સેનામાં ૨૦૧૦ના દિલ્હી હાઈકોર્ટના ચુકાદા અને તેના પર સુપ્રીમ કોર્ટની કોઈ મનાઈ ન હોવા છતાં મહિલા અધિકારીઓને ૧૪ વરસની શોર્ટ ટર્મ નોકરી જ આપવામાં આવતી રહી છે અને તેઓ કોઈ કમાન્ડ પોસ્ટ પર ફરજ બજાવી શકતી નથી. આ અન્યાય સામે મહિલા અધિકારીઓએ અદાલતમાં દાદ માંગતા સર્વોચ્ચ અદાલતે મહિલા અફ્સરોની બરાબરીની માંગ માન્ય રાખી છે અને સરકારની મહિલાઓને ઉણી કે ઊતરતી માનવાની વૃત્તિની ટીકા કરી છે. જો કે મહિલાઓને યુદ્ધ ક્ષેત્રમાં મોકલવાનો નિર્ણય અદાલતે સરકાર અને સેના પર છોડી દીધો છે. અમેરિકાએ ૨૦૧૩માં મહિલાઓને યુદ્ધમાં મોકલવાનું શરૂ કર્યું હતું. પોલેન્ડ, કેનેડા, બ્રિટન, સ્વિડન, ઓસ્ટ્રેલિયા, ઈઝરાયેલ, જર્મની અને ઉત્તર કોરિયાનાં સૈન્યોમાં મહિલાઓ યુદ્ધ ક્ષેત્રમાં જોડાઈ શકે છે. સ્લોવેનિયાનાં સેનાપ્રમુખ જ મહિલા છે. ભારતની ત્રણેય લશ્કરી પાંખના વડાના બંધારણીય એવા રાષ્ટ્રપ્રમુખના પદે મહિલા બિરાજી ચૂક્યાં છે પરંતુ લશ્કરમાં મહિલાને કમાન્ડ પોસ્ટ મળતી નથી !
ભારતમાં મહિલાઓને સમાનતાનો હક તો નથી જ, નોકરીઓ અને ધંધા રોજગાર સહિતના વર્કફેર્સ(કાર્યબળ)માં પણ તેમનું પ્રમાણ નગણ્ય છે. દેશની કુલ જનસંખ્યાના ચોથા ભાગની મહિલાઓ જ વર્કફેર્સમાં છે અને તે પ્રમાણ પણ ઘટતું જાય છે. ૨૦૦૫માં દેશના વર્કફેર્સમાં મહિલાઓનું પ્રમાણ ૩૬.૭% હતું તે ૨૦૧૮માં ઘટીને ૨૩.૩% થઈ ગયું છે. સરકારના લેબરફેર્સ સરવેમાં જણાવાયા મુજબ ૨૦૧૮માં શહેરોમાં ૧૦.૮% અને ગામડાઓમાં ૩.૮% મહિલાઓ બેરોજગાર છે. ૧૫થી ૧૯ વરસની ૨૭.૨% શહેરી અને ૧૩.૬% ગ્રામીણ મહિલાઓ બેરોજગાર છે. ગ્લોબલ જી.ડી.પી.માં મહિલાઓનો ફાળો ૩૬% અને દુનિયાના કુલ વર્કફેર્સમાં મહિલાઓની ભાગીદારી ૩૯% છે પરંતુ ભારતના જી.ડી.પી.માં મહિલાઓનો ફાળો ૧૮% અને વર્કફેર્સમાં મહિલાઓ ૨૩% જ છે. જો રોજગારમાં અને દેશના કુલ કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધારાય તો ૨૦૨૫ સુધીમાં ભારતના જી.ડી.પી.માં ૧૮% સુધીની વૃદ્ધિ થઈ શકે તેમ છે. બી.જે.પી.એ તેના ૨૦૧૯ના ચૂંટણીઢંઢેરામાં વુમન ઈન વર્કફેર્સનો રોડમેપ તૈયાર કરી વર્કફેર્સમાં મહિલાઓની ભાગીદારી ૩૦% કરવાનું વચન આપ્યું છે તેના અમલની જરૂર છે.
ઘરકામ અને કુટુંબની સારસંભાળના સ્ત્રીઓનાં કામનું કોઈ આર્થિક મૂલ્ય ગણવામાં આવતું નથી. ૩૫ કરોડ ઘરેલુ મહિલાઓના શ્રમની કિંમત ૬૧૩ અબજ ડોલર છે. અસંગઠિત ક્ષેત્રોમાં ૧૯.૫ કરોડ મહિલાઓ વિનાવેતને કામ કરે છે. જ્યાં તે વેતન સાથે કામ કરે છે ત્યાં પણ તેને પુરુષની સરખામણીએ ઓછું વેતન આપવામાં આવે છે. કામના સ્થળે તેનું શોષણ પણ થાય છે. દેશમાં ૪૫% ભારતીયો મહિને રૂ.૧૦,૦૦૦ કે તેથી ઓછું વેતન મળવે છે પરંતુ ૬૩% મહિલાઓ માસિક રૂ.૧૦,૦૦૦ અને ૩૨% મહિલાઓ માસિક રૂ. ૫,૦૦૦ કે તેથી ઓછું વેતન મેળવે છે. પુરુષ કરતાં મહિલા કામદાર દરરોજ ૫૦ મિનિટ અને વરસે ૩૦ દિવસ વધુ કામ કરે છે પણ પુરુષ કરતાં તેને ૧૯% ઓછું વેતન મળે છે. ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ અનુસાર વિશ્વના ૧૩૫ દેશોમાં ભારતનું સ્થાન ૮૭મું છે. ૨૦૦૪ પછી ઊંચો આર્થિક વિકાસ દર દેશે હાંસલ કર્યો અને રોજગારીનું મોટા પાયે સર્જન થયું ત્યારે કાર્યબળમાં મહિલા હિસ્સેદારી વધવી જોઈતી હતી તે ઘટી છે. આવક વધે વેતન વધે ત્યારે મહિલા રોજગારના બજારમાંથી બહાર ધકેલાય, શિક્ષણમાં અવ્વલ રહેતી મહિલાઓ નોકરીના બજારમાં અવ્વલ ન હોય તેનું ગણિત સમજવા માટે અર્થશાસ્ત્ર નહીં સમાજશાસ્ત્રને કામે લગાડવું પડશે. મનરેગાનાં કામોમાં ૫૦% મહિલા ભાગીદારી હોય અને કમરથી નીચા કે વાંકા વળીને ખેતી સહિતનાં જે કામો કરવાનાં હોય તે આપણે માત્ર મહિલાઓના માથે જ મારીએ છીએ તેમાં પણ કોઈ અર્થશાસ્ત્ર નથી મહિલાવિરોધી સામાજિક વ્યવસ્થા જ જવાબદાર છે.
અમેરિકાના ન્યૂયોર્ક શહેરની કપડાં સીવનાર બહેનોએ ૮મી માર્ચ, ૧૮૫૭ના રોજ પહેલી વાર સંગઠિત થઈ અન્યાય વિરુદ્ધ સરઘસ કાઢયું ત્યારે તેમની માંગ શ્રમિક તરીકેની ઓળખની, બહેતર વેતનની અને કામના નિશ્ચિત કલાકોની હતી. સ્ત્રીની પ્રાથમિક ઓળખ તરીકે તેના શ્રમને ગણી તેનું મહિમામંડન કરવામાં આવે છે. તેમ કરીને તેની શ્રમિક તરીકેની ઓળખ અને તેના કામનું મૂલ્ય ભૂલી જવાય છે. આર્થિક મૂલ્ય ધરાવતી શ્રમશક્તિમાંથી મહિલાઓનો એકડો ભૂંસી નંખાય છે. બીજા માટે કરવામાં આવતા અનુત્પાદક શ્રમને સ્ત્રીની નિયતિ બનાવી દેવાયો છે. સ્ત્રીને જીવન ગુજારો કરી શકાય તેટલું નહીં આત્મસન્માન સાથે કામને યોગ્ય વેતન આપવાની જરૂર છે. અસ્તિત્વ માટેની સ્ત્રીની જદ્દોજહદને આત્મસન્માન અને સમાનતા સુધી લઈ જવાની જવાબદારી સમગ્ર સમાજની છે.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 04 માર્ચ 2020
![]()


આશરે બે કરોડની વસ્તી અને દોઢેક કરોડ મતદારો ધરાવતા દિલ્હીને રાજ્યનો દરજ્જો તો નથી મળ્યો, તેના હસ્તક દેશની કોઈ મોટી મહાનગરપાલિકા જેટલી જ સત્તા અને જવાબદારીઓ છે. છતાં ૭૦ બેઠકો ધરાવતી દિલ્હી વિધાનસભાની ચૂંટણીએ રાષ્ટ્રીય મહત્ત્વ ધારણ કર્યું હતું. તેનું કારણ દિલ્હીનું દેશની રાજધાની હોવું તો છે જ, પણ કેન્દ્રના સત્તાધારી ભારતીય જનતાપક્ષનું પ્રચારતંત્ર પણ છે. દિલ્હી વિધાનસભાની પ્રથમ ચૂંટણી ૧૯૫૨માં થઈ હતી અને કૉંગ્રેસ સત્તામાં આવી હતી. ઑક્ટોબર, ૧૯૫૬માં દિલ્હીનો રાજ્યનો દરજ્જો રદ્દ કરી દેવામાં આવ્યો હતો અને ત્યાં વિધાનસભાને બદલે મેટ્રોપોલિટન કાઉન્સિલની રચના થઈ હતી. ૧૯૯૧માં ૬૯મા સંવિધાન-સુધારા દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીને સીમિત સત્તાઓ ધરાવતી વિધાનસભા મળી હતી. ૧૯૯૩માં નવરચિત દિલ્હી વિધાનસભાની પ્રથમ ચૂંટણી થઈ હતી અને બી.જે.પી.ને સત્તા મળી હતી. પાંચ વરસના બી.જે.પી. રાજવટ દરમિયાન ત્યાં ત્રણ મુખ્યમંત્રીઓ (મદનલાલ ખુરાના, સાહિબસિંઘ વર્મા અને સુષ્મા સ્વરાજ) બદલાયાં હતાં. તે પછીની ૧૯૯૮, ૨૦૦૩ અને ૨૦૦૮ની લાગલગાટ ત્રણ ચૂંટણીઓ કૉંગ્રેસ જીતી હતી અને શીલા દીક્ષિત મુખ્યપ્રધાન બન્યાં હતાં. ૨૦૧૩માં કૉંગ્રેસને બહુમતી ન મળતાં તેના સમર્થનથી નવીસવી આમ આદમી પાર્ટી સત્તામાં આવી અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા. ૨૦૧૫માં મુદ્દતપૂર્વે ચૂંટણી થઈ અને હવે પાંચ વરસે ૨૦૨૦માં થયેલી દિલ્હી વિધાનસભાની આ સળંગ આઠમી ચૂંટણી હતી. તેમાં ૨૦૧૫ની જેમ આમ આદમી પાર્ટીને ભારે બહુમતી મળી છે.
ઓક્સર્ફ્ડ યુનિવર્સિટી પ્રેસે ૨૦૧૯ના વરસના સૌથી ચર્ચાસ્પદ શબ્દ તરીકે ‘સંવિધાન’ની પસંદગી કરી છે. સંવિધાન શબ્દે ગયા વરસે વ્યાપક સ્તરે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ૩૭૦મી કલમની નાબૂદીથી જ સંવિધાન શબ્દ જનમાનસમાં વ્યાપી ગયો છે. સંવિધાનની કસોટીએ લોકતંત્ર, બિનસાંપ્રદાયિકતા, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનાં મૂલ્યોની પરખ થઈ રહી છે. નાગરિકતા સંશોધન કાનૂન વિરોધી આંદોલનોમાં ભારતના બંધારણનો અને તેના કાવ્યમય આમુખનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. તેથી બંધારણ જડ કાયદાપોથી મટી લોકવિરોધ અને લોકમિજાજનું પ્રતીક બની ગયું છે. દેશમાં જમણેરી બળો બળવત્તર બની રહ્યાં છે ત્યારથી કૉન્ગ્રેસ સહિતના વિપક્ષો અને નાગરિક ચળવળો સંવિધાન તેમના નિશાના પર હોવાનું કહે છે.
લગભગ બે દાયકા પૂર્વે ૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૦ના રોજ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ વેંકટ ચૈલ્લેયાહના અધ્યક્ષસ્થાને રચાયેલા બંધારણ સમીક્ષા પંચના સભ્યોમાં ત્રણ નિવૃત્ત ન્યાયાધીશો (બી.જી. જીવન રેડ્ડી, કે. પુનૈયા અને આર.એસ. સરકારિયા,) બે કાયદાવિદ્ ( કે.પારાશરન અને સોલી સોરાબજી), બંધારણવિદ્ (સુભાષ કશ્યપ), પત્રકાર (સી.આર. ઈરાની), પૂર્વ રાજદૂત (આબિદ હુસૈન) પૂર્વ લોકસભા સ્પીકર (પી.એ. સંગમા) અને સાંસદ તથા મહાત્મા ગાંધીનાં પૌત્રી સુમિત્રા કુલકર્ણીની નિમણૂક કરવામાં આવી હતી. ૨૨ પરામર્શ પત્રો, દેશભરમાંથી મળેલાં ૨૬ હજાર સૂચનો અને ૧૦ નિષ્ણાત જૂથો દ્વારા પંચે પોતાની કાર્યવાહી હાથ ધરી હતી. પંચની રચના સામે વિરોધ વંટોળ ઊઠતાં સરકારને વિષયક્ષેત્ર સીમિત કરવાની ફરજ પડી હતી. સંસદીય લોકતંત્રની મર્યાદામાં રહીને, બંધારણના મૂળભૂત સ્વરૂપ કે વિશિષ્ટતાને હાનિ પહોંચાડ્યા વિના જ બે વરસ પછી ૧૧મી માર્ચ, ૨૦૦૨ના રોજ ૨૪૯ ભલામણો સાથેનો અહેવાલ પંચે સરકારને સુપરત કર્યો હતો.