અછૂતોના સવાલોને વાચા આપવા આગવું સામયિક હોવું જોઈએ એમ માનતા ડો. બાબાસાહેબ આંબેડકરે જીવનના જુદાજુદા તબક્કે પાંચ સામયિકો ચલાવ્યાં હતાં. તેમના પ્રથમ સામયિક “મૂકનાયક”નું આ શતાબ્દી વરસ છે.
ડો. બાબાસાહેબ આંબેડકરના પ્રથમ મરાઠી દલિત પાક્ષિક “મૂકનાયક”નું આ શતાબ્દી વરસ છે. કોલ્હાપુરના સુધારક રાજવી શાહુ મહારાજની આર્થિક મદદથી ૩૧મી જાન્યુઆરી ૧૯૨૦ના રોજ “મૂકનાયક”નો આરંભ થયો હતો. આશરે સવાત્રણેક વરસ ચાલેલું “મૂકનાયક” દલિત પત્રકારત્વનો પહેલો સબળ આવિષ્કાર મનાય છે. જો કે એ પૂર્વેની દલિત પત્રકારત્વની ભૂમિ સાવ વંધ્ય નહોતી. કેટલાંક દલિત સામયિકો જરૂર પ્રકટ થતાં હતાં. પરંતુ તે અપર્યાપ્ત, વેરવિખેર અને ઘણાં અશક્ત હતાં.
ડો. આંબેડકરે તુકારામનો આ અભંગ “મૂકનાયક”ના ધ્યેયમંત્ર તરીકે પસંદ કર્યો હતો :
કાય કરું આતા ધરુનિયા ભીડ
નિ:શંક હે તો વાજવિલે?
નવ્હે જગી કોણી, મુકીયાંચા જાણ,
સાર્થક લાજુન નવ્હે હિત.
અર્થાત્ “હવે હું સંકોચ રાખીને શું કરું ? આમ પણ અત્યાર સુધી હું બિંદાસ બોલતો રહ્યો છું. દુનિયામાં મૂંગાનું કોઈ કામ નથી. શરમથી કોઈ અર્થ કે હિત સરતા નથી. ટૂંકમાં, હું ચૂપ બેસવાનો નથી.”
બાબાસાહેબે તેમનું સામયિક કરોડો બેજુબાનોની જુબાન બનશે તે તુકારામના અભંગના આ શબ્દો થકી સ્પષ્ટ કર્યું હતું. પ્રવેશાંકના તંત્રીલેખ “મનોગત”માં “મૂકનાયક”ની જરૂરિયાત ચીંધતા લખ્યું હતું, “અમારા બહિષ્કૃત લોકો સાથે જે અન્યાય થઈ રહ્યો છે અને ભવિષ્યમાં થવાનો છે તેનો ઉકેલ શોધવા માટે, તેમના ભવિષ્ય અને ભાવિ માર્ગ શોધવાની ચર્ચા માટે સામયિક કરતાં મોટું અન્ય કોઈ સાધન નથી.” એ સમયે પ્રગટ સામયિકો સંદર્ભે તેમનું અવલોકન હતું કે, “મુંબઈ ઈલાકામાંથી પ્રકાશિત સમાચારપત્રો જોતાં જણાય છે કે તેમાંના મોટાભાગનાં તો કેટલીક વિશેષ જાતિઓનાં હિતોની રક્ષા કરનારાં છે. તેમને બીજી જાતિઓનાં હિતોની તો પરવા નથી જ પણ ક્યારેક તો તેઓ બીજી જાતિઓની વિરોધમાં પણ પ્રવૃત્ત હોય છે. બુદ્ધિવાદ જેમને માન્ય છે એવાં કેટલાંક સારાં સામયિકો પણ પ્રગટ થઈ રહ્યાં છે. તે ગૌરવની વાત છે. તેમાં બહિષ્કૃત સમાજના પ્રશ્નોની વારંવાર ચર્ચાઓ થાય છે. પરંતુ તેમાં સંપૂર્ણપણે બહિષ્કૃતોના જ પ્રશ્નોની ચર્ચા થાય તે શક્ય નથી.” દલિતોના આગવા સામયિકની અનિવાર્યતા અને તેના ઉદ્દેશ વિશે તેમનું માનવું હતું કે, “બહિષ્કૃતોનાં જીવન સંબંધિત પ્રશ્નોનું ઊંડાણથી અધ્યયન કરવા માટે એક સ્વતંત્ર સમાચારપત્ર હોવું જોઈએ એ વાતનો કોઈ જ ઈન્કાર કરી શકે તેમ નથી. એ જરૂરિયાત પૂરી કરવા માટે આ સામયિક(મૂકનાયક)નો જન્મ થયો છે. વાચકો ગ્રાહકોનો સહયોગ મળશે તો ”મૂકનાયક” આપણા લોકોના ઉત્થાન માટે નીડરતાથી ઉચિત માર્ગ બનાવશે.”
૧૯૧૭માં વિદેશમાં અભ્યાસ કરીને પરત ભારત આવેલા ડો. આંબેડકરના ભારે જીવન સંઘર્ષના એ દિવસો હતા. દલિત ચળવળમાં ઝંપલાવતાં પૂર્વે તેઓને ઘરના બે છેડા ભેગા કરવા યોગ્ય કામની તલાશ હતી. તો વિદેશમાં અધૂરા રહેલા અભ્યાસની પણ ચિંતા હતી. આ તમામ સ્થિતિમાં ૨૯ વરસના યુવાન આંબેડકરે “મૂકનાયક”નો આરંભ કર્યો. મરાઠીમાં બાર ભાગમાં બાબાસાહેબનું વિસ્તૃત જીવનચરિત્ર લખનાર ચાંગદેવ ભવાનરાવ ખૈરમોડેના જણાવ્યા મુજબ બાબાસાહેબ આ સામયિકના સર્વેસવા હતા, પરંતુ તંત્રી નહોતા. પહેલાં પાંચેક અંકોના તંત્રી પાંડુરંગ નંદરામ ભટકર અને તે પછીના અંકોના તંત્રી જ્ઞાનદેવ ધ્રુવનાક ઘોલપ હતા. ૩૧મી જાન્યુઆરી ૧૯૨૦ થી એપ્રિલ ૧૯૨૩ સુધી ‘મૂકનાયક” પ્રગટ થયું હતું. તે દરમિયાનનો મોટો ગાળો (૫ જુલાઈ ૧૯૨૦થી ૩ એપ્રિલ ૧૯૨૩) ડો. આંબેડકર લંડનમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા હતા. તેમ છતાં તેમણે સતત “મૂકનાયક”ની ફિકર રાખી હતી. ‘મૂકનાયક’ના તમામ અંકો તો આજે પ્રાપ્ય નથી. પરંતુ ૧૯૯૧ના આંબેડકર શતાબ્દી વરસે મહારાષ્ટ્ર સરકારે આંબેડકરી સાહિત્યના બેનમૂન સંપાદક વસંત મૂનના સંપાદનમાં મૂકનાયકના ઉપલબ્ધ તમામ અંકો ગ્રંથરૂપે પ્રકાશિત કર્યા હતા.

જાણીતા લેખક પત્રકાર ડો. શ્યૌરાજસિંહ બેચૈને પત્રકાર આંબેડકર વિશે ગહન સંશોધન કરીને ડો. આંબેડકરના મરાઠી ભાષામાં પ્રગટ સામયિકોનો બિનમરાઠી ભાષીઓને પરિચય કરાવ્યો છે. ૧૩ તંત્રીલેખો સહિત લગભગ ચાળીસેક લખાણો ડો. આંબેડકરે ‘મૂકનાયક’માં લખ્યા હતા. ભારતમાં પ્રવર્તતો જાતિભેદ, દલિતોની સ્થિતિ અને દલિતોની દ્રષ્ટિએ સ્વરાજ જેવા વિષયો પર ડો. આંબેડકરે પોતાના વિચારો રજૂ કર્યા છે. દલિત ચળવળના અહેવાલો અને સમાચારો અહીં છે. વાચકોના પત્રો અને તે પર સંપાદકના જવાબો પણ છે. અસ્પૃશ્યતા અને વર્ણવ્યવસ્થા વિશેના ડો. આંબેડકરના નિર્ભીક વિચારો મૂકનાયકમાં પ્રગટ થયા છે. જન્મ આધારિત જાતિપ્રથાને એક સીડી વગરના મિનાર સાથે સરખાવી તેમણે પ્રવેશાંકના સંપાદકીયમાં લખ્યું હતું, “હિદુ સમાજ એક બહુમાળી ઈમારત જેવો છે. તેના પ્રત્યેક માળે એકએક જાતિ વસે છે. પરંતુ આ ઈમારતમાં કોઈ સીડી જ નથી. એટલે જે જ્યાં વસે છે ત્યાં જ જીવેમરે છે. ન કોઈ ઉપર જઈ શકે છે કે ન નીચે આવી શકે છે.” નવયુવાન આંબેડકરને બ્રિટિશ ગુલામી મંજૂર નહોતી પરંતુ અસ્પૃશ્ય ભારત પણ સ્વીકાર્ય નહોતું. તેથી તો તેમણે ૨૮મી ફેબ્રુઆરી ૧૯૨૦ના સંપાદકીયમાં “આ સ્વરાજ નથી તે તો અમારા ઉપર રાજ છે”, તેમ કહીને અધિકારવંચિત બહિષ્કૃતોના અધિકારોની યાદી રજૂ કરી અંતે લખ્યું હતું, “સ્વરાજ આપો તો એવું આપો જેમાં અમારો પણ થોડો હિસ્સો હોય”.
આંબેડકરી ચળવળમાં આરંભથી જ ગુજરાતનું યોગદાન રહ્યું છે. ડો. આંબેડકરના સામયિકોમાં પણ ગુજરાતના ઉલ્લેખો જોવા મળે છે. ‘મૂકનાયક’ના સત્તરમા અંક(૨૫મી સપ્ટેમ્બર ૧૯૨૦)ના સંપાદકીય ’આપણું આંદોલન’માં તેમણે હજારો વરસોથી ચાલતા અસ્પૃશ્યોના જાગૃતિ આંદોલનોનો ચિતાર આપ્યો છે. તેમાં સૌ પ્રથમ ગુજરાતના પાટણના સહસ્ત્રલિંગ તળાવમાં વીર માયા નામક દલિત યુવાનના બલિદાનની અને બદલામાં તેમણે અસ્પૃશ્યોને અપાવેલા માનવ અધિકારની વાત કરી છે.
અસ્પૃશ્યોના પ્રશ્નોને વાચા આપવા એક મુખપત્ર હોવું જોઈ એ વાત ડો. આંબેડકરને વિલાયતમાં વિધ્યાભ્યાસ દરમિયાન જ સમજાઈ ગઈ હતી. પોતાના સમગ્ર જાહેર જીવન દરમિયાન જુદા જુદા તબક્કે એમણે કુલ પાંચ સામયિકો : મૂકનાયક (૧૯૨૦), બહિષ્કૃત ભારત (૧૯૨૭), સમતા (૧૯૨૮), જનતા (૧૯૩૦), અને પ્રબુદ્ધ ભારત (૧૯૫૬) ચલાવ્યા હતા. સાડા ત્રણ દાયકાના પત્રકારત્વ ક્ષેત્રના ખેડાણમાં બાબાસાહેબે માતબર પ્રદાન કર્યું હતું. પોતાના સામયિકોનાં નામો પણ તેમણે તત્કાલીન સ્થિતિ અને સમયસંદર્ભને ધ્યાનમાં રાખીને પસંદ કર્યા હતા. જ્યારે દલિતો સાવ જ મૂક હતા, અબોલ હતા ત્યારે “મૂકનાયક” અને જ્યારે તેમની સામાજિક સ્થિતિ બહિષ્કૃતોની હતી ત્યારે “બહિષ્કૃત ભારત”, સમાનતામૂલક સમાજની સ્થાપના માટે “સમતા” અને અધિકારપ્રાપ્તિ માટે “જનતા”, દલિતોના ધર્મ પરિવર્તન પછી તેમણે “જનતા”નું નામ બદલીને “પ્રબુદ્ધ ભારત” રાખ્યું. ધર્મપરિવર્તન કરીને દલિતો પ્રબુદ્ધ બની ગયા છે તેવો આ સામયિકના નામકરણ પાછળ ડો. આંબેડકરનો ઉદ્દેશ હતો.
દલિત પત્રકારત્વ પર અમીટ છાપ છોડી જનારા ડો. આંબેડકરના પ્રથમ સામયિક “મૂકનાયક”ના શતાબ્દી વરસે એક સદી જૂના દલિત પત્રકારત્વની નબળી ધારા અને ભારતીય મીડિયામાં હાંસિયાના લોકોના અલ્પ સ્થાનનો સવાલ ઊભો છે.
(તા.૨૯-૧૨-૨૦૨૦)
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 29 જાન્યુઆરી 2020
![]()


૧૯૩૫ના હિંદ સ્વાતંત્ર્ય ધારા અને બંધારણના અનુચ્છેદ ૩૬૬(૨)માં જણાવ્યા મુજબ એંગ્લો ઈન્ડિયન એટલે એવી વ્યક્તિ જે ભારતમાં રહે છે પણ તેના પિતા કે પુરુષ પૂર્વજ યુરોપિયન હતા. આંગ્લ ભારતીય ભારતમાં બ્રિટિશરાજની નિશાની છે. તેઓ રંગેરૂપે ભારતીય કરતાં યુરોપિયન વધુ લાગે છે. ભાષા, પહેરવેશ, રીતરિવાજ અને ધર્મ પણ વિદેશી છે. તેમણે ભારતની આઝાદીની ચળવળમાં ભાગ લીધો નથી. સાઈમન કમિશને તેમને બ્રિટનમાં વસાવવાની માંગ સ્વીકારી નહોતી. એટલે તેઓ બ્રિટનના ઉપેક્ષિતો છે. ૧૯૪૭માં ભારત આઝાદ થયું તે પૂર્વે ઘણાં એંગ્લો ઈન્ડિયન લોકો બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને બીજા કોમનવેલ્થ દેશોમાં જઈ વસ્યા. છતાં આશરે ૫ લાખ એંગ્લો ઈન્ડિયન આઝાદી સમયે ભારતમાં હતા. ધીરેધીરે તેઓ ભારતની સ્થાનિક ભાષા, રીતરિવાજ, રહેણીકરણી અને ધંધા-રોજગાર અપનાવતા થયા હતા. ૧૮૭૬માં તેમણે ‘ધ ઓલ ઈન્ડિયા એંગ્લો ઈન્ડિયન એસોસિયેશન’ નામક સંગઠન બનાવ્યું હતું. મધ્યપ્રદેશના જબલપુરમાં પેદા થયેલા ફ્રેન્ક એન્થોની તેના સ્થાપક હતા. તેઓ બંધારણસભાના પણ સભ્ય હતા એટલે તેમણે બંધારણમાં એંગ્લો ઈન્ડિયનના અધિકારો સામેલ કરાવ્યા. સંવિધાનના અનુચ્છેદ ૩૩૧ મુજબ ભારતના રાષ્ટ્રપ્રમુખ લોકસભામાં બે અને તેર રાજ્યોની વિધાનસભાઓમાં એકએક સભ્યની નિયુક્તિ કરશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું. ભારતની લોકસભામાં ૧૯૫૧થી જ એંગ્લો ઈન્ડિયન સભ્યોની નિયુક્તિ થતી રહી છે. સૌથી વધુ આઠ વખત (૧૯૫૧થી ૧૯૯૩માં અવસાન સુધી) ફ્રેન્ક એન્થોનીની લોકસભાના સભ્ય તરીકે નિયુક્તિ થઈ છે.