કેશવાનંદ ભારતી કેસ દેશમાં સિમાચિહ્નરૂપ ગણાય છે અને હાલમાં આ કેસને પચાસ વર્ષ પૂર્ણ થયા છે. દેશનું બંધારણ અકબંધ રહ્યું છે અને તેમાં મૂળભૂત રીતે કોઈ ફેરફાર ન થઈ શકે તેવું સુનિશ્ચિત કેશવાનંદ ભારતી કેસ દ્વારા જ થયું હતું. અને એટલે જ આ કેસને મૂળભૂત અધિકારોના કેસ તરીકે પણ ઓળખાય છે. કેસમાં એક પક્ષકાર કેરળમાં આવેલા એડનીર મઠના શંકરાચાર્ય કેશવાનંદ ભારતી હતા. સામે પક્ષે કેરળ રાજ્ય હતું. આ કેસની મહતત્તા માત્ર પ્રજા માટે નહીં, બલકે કાયદાના ક્ષેત્રના લોકો માટે પણ આ કેસ હંમેશાં સ્મૃતિમાં રાખવા સમાન છે. અને એટલે જ 24 એપ્રિલના રોજ જ્યારે આ કેસને પચાસ વર્ષ પૂર્ણ થયા ત્યારે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ડિ.વાય. ચંદ્રચુડે આ કેસને સમર્પિત એક વેબસાઇટ પણ ખુલ્લી મૂકી છે. આ વેબસાઇટમાં કેસના સંદર્ભની બધી જ માહિતી મૂકવામાં આવી છે.
કાયદાને સમજવો હંમેશાં સામાન્ય લોકો માટે મુશ્કેલ રહ્યો છે અને જ્યારે કેશવાનંદ ભારતી જેવો કેસ હોય જેમાં બંધારણની ચર્ચા થતી હોય ત્યારે તેની સમજણની ગેડ બેસતા વાર લાગે. આ કેસની કાયદાના સંદર્ભે ઘણી જગ્યાએ વાત થઈ છે, પણ અહીંયા આ પૂરા કેસના મૂળ મુદ્દાને સરળતાથી સમજવાનો ઉદ્દેશ્ય રાખ્યો છે. આ કેસનો આરંભ થાય છે કેરળમાં ભૂમિ સુધાર અર્થે ‘કેરળ લૅન્ડ રિફોર્મ એક્ટ’ લાવવામાં આવ્યો ત્યારથી. ભૂમિ સુધાર કાયદો આવતાં જ કેશવાનંદ જે મઠના શંકરાચાર્ય હતા, તે મઠની સંપત્તિ સરકારના હસ્તક જતી રહેવાની હતી. આ ઍક્ટ આવ્યો તેનું એક કારણ પણ બંધારણ હતું, જેમાં આઝાદી વખતે એવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે દેશમાં સામાજિક ન્યાય અને આર્થિક સમાનતાના પ્રયાસ થશે. આ પ્રયાસ અર્થે રાજ્યો એવા કાયદા બનાવી રહ્યા હતા, જેનાથી આર્થિક-સામાજિક અસમાનતા ઘટે. પરંતુ જ્યારે ભૂમિ સુધાર ઍક્ટ દ્વારા મઠની જમીન લેવામાં આવી તો તે અંગે કેશવાનંદ ભારતી કેરળ હાઇકોર્ટમાં ગયા અને તેમણે બંધારણની કલમ 26નો હવાલો આપીને કાયદા સામે પડકાર ફેંક્યો. કલમ 26 મુજબ દેશના દરેક નાગરિકને ધર્મ માટે સંસ્થા નિર્માણ કરવા, તેનું મેનેજમેન્ટ કરવા અને સ્થાયી-અસ્થાયી સંપત્તિ ઊભી કરવાનો અધિકાર ધરાવે છે. કેશવાનંદ ભારતીનું કહેવું હતું કે સરકારે બનાવેલા કાયદો તેમનાં બંધારણના અધિકારને છીનવી લે છે. આ કેસ સંદર્ભે કેશવાનંદ ભારતીએ આખરે સુપ્રિમ કોર્ટમાં પિટિશન દાખલ કરી અને ત્યાં પણ પોતાના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે તેવી દલીલ મૂકી. કેશવાનંદ ભારતી તરફથી જાણીતા વકીલ નાની પાલખીવાલા અપીઅર થયા હતા. કેસ અર્થે સુપ્રિમ કોર્ટે 13 ન્યાયાધિશોની બંધારણીય બેંચ બેસાડી અને પછી શરૂ થયો સતત 68 દિવસ સુધીની ચર્ચા-દલીલોનો સિલસિલો.
આ કેસ ચાલી રહ્યો હતો ત્યારે દેશમાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી હતાં અને જો કેશવાનંદ ભારતીના પક્ષમાં ચુકાદો જાય તો તેનાથી સરકારને ધક્કો લાગવાનો હતો. અને પછી સરકાર પોતાની મુનસફી પ્રમાણે બંધારણમાં કોઈ પણ સુધારો ન કરી શકે, તે પ્રસ્થાપિત થવાનું હતું. કેસ હાઇપ્રોફાઇલ બન્યો અને તેના પર સરકારની તો નજર હતી, પરંતુ દેશભરમાંથી કાયદા નિષ્ણાતો અને જાગ્રત નાગરિકો પણ કેસમાં રસ લઈ રહ્યા હતા.
આ કેસમાં અગાઉના અનેક કેસોના ચુકાદાનો સંદર્ભ અપાયા છે અને તેમાંનો એક કેસ એટલે ‘ગોલકનાથ વિ. પંજાબ રાજ્ય’નો. 1967ના વર્ષમાં આ કેસમાં સુપ્રિમ કોર્ટે બંધારણના મૂળભૂત અધિકારોમાં સંસદ કોઈ પણ બદલાવ ન કરી શકે તેવો ચુકાદો આપ્યો હતો. બંધારણમાં સંશોધન અંગે સંસદ પર તરાપ આવી ત્યારે સામે પક્ષે સંસદે પણ બંધારણીય કલમ 368નો હવાલો આપીને બંધારણમાં ફેરફાર કરવાના તમામ હકો પોતાના પક્ષે લઈ લીધા. તેમાં મૂળભૂત અધિકારોમાં બદલાવ કરવા વિશેની વાત પણ સમાવિષ્ટ હતી. દેશ સ્વતંત્ર્ય થયા પછી બંધારણનો અમલ થયો ત્યારે કેટલીક બાબતો અસ્પષ્ટ હતી તે આવા ચુકાદાઓથી સ્પષ્ટ થતી ગઈ. પરંતુ કેશવાનંદ ભારતી વિ. કેરળ રાજ્યનો કેસ એ રીતે અલગ હતો કારણ કે તેમાં બંધારણમાં ફેરફાર કરવાનો મુદ્દો કાયમ માટે ઉકેલવવાનો હતો. આ માટે સુપ્રિમ કોર્ટે 13 ન્યાયાધિશોની બેંચ બેસાડી. અગાઉ આટલી સંખ્યામાં ન્યાયાધિશ કોઈ પણ બેંચમાં બેઠા નહોતા. મૂળ ચર્ચા હતી કે સંસદ બંધારણમાં ફેરફાર કરી શકે કે નહીં? અને કરી શકે તો તે કેટલાં હદે?
આ મુદ્દાને લઈને બંને પક્ષે દલીલો થઈ. અરજદાર વતી જે દલીલો થઈ તેમાં એક હતી કે બંધારણમાં સંસદને 368 કલમ અંતર્ગત જે અધિકાર મળે છે તે અમર્યાદિત નથી. એટલે કે સંસદ પોતાના મુનસફી પ્રમાણે બંધારણમાં કશું ય બદલાવ ન લાવી શકે. બીજી દલીલ હતી કે બંધારણમાં જે અધિકાર આપવામાં આવ્યા છે તે નાગરિકો હકોની સુરક્ષા અર્થે આપ્યા છે. જેમ કે કલમ 19 (1) (એફ) જે નાગરિકોને સંપત્તિનો અધિકાર આપે છે. સામે પક્ષે સરકાર તરફથી બંધારણમાં સુધારો કરવાના અમર્યાદિત અધિકાર સંસદ પાસે છે તે દલીલ થઈ હતી. અને જો સંસદનો અધિકાર બંધારણ સુધારામાં મર્યાદિત કરવામાં આવશે તો સમય સાથે જે બદલાવ સમાજમાં આવશે તેની માંગને પૂરી નહીં કરી શકાય.
આ કેસને લઈને અનેક કિસ્સા પણ છે, કારણ કે અવિરત ચર્ચા-સંવાદ અને ઘટનાઓથી આ કેસ સમૃદ્ધ બન્યો છે. એક કિસ્સાની વાત કરીએ જ્યારે કેસની દલીલ આપતી વેળાએ નાની પાલખીવાલાએ એમ કહ્યું કે હું તમને એક જાણીતા વકીલે કહેલી વાતના કેટલાંક અંશ સંભળાવું છું. તેમણે કહ્યું કે તે વકીલે કહ્યું છે કે, “બંધારણ સામાન્ય કાયદાની જેમ નથી, જેમાં ઘરમૂળથી પરિવર્તન લાવી શકાય. જો સરકાર ઇચ્છે ત્યારે બંધારણ બદલી શકે તો મૂળભૂત અધિકારોનું કોઈ મહત્ત્વ રહેતું નથી.” પાલખીવાલાની દલીલ ન્યાયાધિશોને વાજબી લાગી, પરંતુ ન્યાયાધિશોએ આ વાત કયા વકીલે કહી છે તેમ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, આ અંશો એસ.એમ. સરવાઈના છે. એસ.એમ. સરવાઈ આ કેસમાં સરકાર તરફથી દલીલ કરી રહ્યા હતા અને તેમના જ અંશો પાલખીવાલાએ ટાંક્યા.
કેસમાં ચુકાદો ન આવી શકે તેવાં ઘણા વિઘ્નો પણ આવ્યા. જેમ કે સુનાવણી દરમિયાન ન્યાયાધિશ જે. બેગને ત્રણ વાર તબિયત બગડતા દાખલ કરવામાં આવ્યા. એક સમયે એવું પણ લાગ્યું ચુકાદો નહીં આવી શકે કારણ કે નજીકના દિવસોમાં મુખ્ય ન્યાયાધિશ સર્વમિત્ર સીકરી નિવૃત્ત થઈ રહ્યા હતા. પરંતુ આખરે પાંચ મહિનામાં 68 દિવસ સુધી ચાલેલા આ કેસમાં 24 એપ્રિલ 1973ના રોજ ચુકાદો આવ્યો, જ્યારે મુખ્ય ન્યાયાધિશ સર્વમિત્ર સીકરીનો પદ પરનો અંતિમ દિવસ હતો. ચુકાદા સાત-છથી કેશવાનંદ ભારતીના પક્ષમાં આવ્યો અને તેમાં સુપ્રિમ કોર્ટે બંધારણનું ‘બેઝિક સ્ટ્રક્ચર’ એટલે કે મૂળ માળખું જસનું તસ રહેવું જોઈએ તેવો ચુકાદો આપ્યો. અલ્ટીમેટલી આ તત્કાલિન સરકારના વિરુદ્ધ ચુકાદો હતો, પરંતુ તેનાથી દેશના નાગરિકોને મૂળભૂત અધિકારો પર જાણે એક સુરક્ષા કવચ મળ્યું, જે આજ દિન સુધી કાયમ છે. બંધારણ સર્વોપરી, કાયદાનું શાસન, ન્યાયપાલિકાની આઝાદી, કેન્દ્ર-રાજ્યનો અધિકારોનો ભેદ, સંપ્રભુતા, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી માળખું, સરકારનું સંસદીય વ્યવસ્થા, નિષ્પક્ષ ચૂંટણી, વગેરે …. એવી અનેક બાબતો જેને આપણે ‘બેઝિક સ્ટ્રક્ચર ડૉક્ટ્રેઇની’ કહીએ છીએ. આ ક્યાંય લખાણમાં નથી, પણ મૂળ બાબતોને તેમાં સમાવી શકાય.
આ કેસમાં થયેલી ચર્ચા, સંદર્ભનો આધાર આજે પણ લેવાય છે અને તે માત્ર આપણા દેશમાં જ નહીં, બલકે વિદેશોમાં પણ. બાંગ્લાદેશની સુપ્રિમ કોર્ટે પણ કેશવાનંદનો સંદર્ભ લઈને ‘બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રેઇની’ની વાત કરી છે. કેન્યા, યુગાંડા અને સેશલ્સ જેવા દેશોએ પણ કેશવાનંદ ભારતી કેસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
e.mail : kirankapure@gmail.com