આજના ડિજિટલ યુગમાં પત્રો સાહિત્યનું ઘરેણું બની શકે તેવી કલ્પના કરવી મુશ્કેલ છે. પણ ડિજિટલ યુગ અગાઉ પત્રો દ્વારા થયેલું સાહિત્યસર્જન દુર્લભ નહોતું. પત્રોમાં સચવાયેલું કેટકેટલું મળે છે : પરસ્પર સંબંધોના આલેખ, મહાનુભાવોની અંગત લાગણીઓ, ઐતિહાસિક દસ્તાવેજો અને વ્યક્તિગત અનુભૂતિ … એવું ઘણું છે જે માત્ર ને માત્ર પત્રોમાં મળી શકે છે. અને જ્યારે ગાંધીયુગ દરમિયાન લખાયેલા પત્રો તપાસીએ ત્યારે તો તેમાં અમૂલ્ય ખજાનો હાથ લાગે છે. ગાંધીયુગમાં પત્રસાહિત્યનું સર્જન સવિશેષ થયું. એ ગાળામાં સંદેશાઓ પહોંચાડવા-મેળવવા માટે પત્રો મુખ્ય માધ્યમ હતા. આ કારણે તે સમયે લખાયેલા પત્રોની સંખ્યા અગણિત છે. તે કાળે એટલા પત્રો લખાયા કે તેનાં સારા પ્રમાણમાં પુસ્તકો તૈયાર થયાં છે.
ગાંધીયુગમાં પત્રની દુનિયામાં કોઈ વ્યક્તિ બાકાત રહેતી નથી. સરદાર પટેલ જેવા આગેવાન પણ નહીં. સરદાર પટેલનું પોતાનું લખાણ ખૂબ ઓછું છે, પરંતુ તેમનો પત્રવ્યવહાર વિપુલ છે. આ પત્રો સરદાર પટેલના વ્યક્તિત્વ, જે-તે સમયની ઘટનાઓ સંબંધિત તેમનાં વિચાર-કાર્યોને સમજવા માટે અગત્યનો દસ્તાવેજ છે. વિભાજન અને આઝાદીના સમય દરમિયાન સરદાર દ્વારા લખાયેલા અને તેમને મળેલા પત્રોની સંખ્યા અંદાજે દસેક હજાર છે. આ પત્રો ગ્રંથ સ્વરૂપે દુર્ગાદાસે વિષયવાર સંપાદિત કર્યા છે. વિભાજન-આઝાદીની ઘટનાઓને સમજવી હોય તો દુર્ગાદાસ સંપાદિત સરદાર પટેલ્સ કોરસ્પોન્ડ્ન્સના દસ ગ્રંથોમાંથી પસાર થવું પડે. આ ગ્રંથોમાં સરદાર પટેલના ગાંધી અને નેહરુ સાથેના આખરના વર્ષોના સંબંધોનો પણ આલેખ મળે છે. પત્રોની વાત થાય ત્યારે તેમાં ગાંધી, નેહરુ, સરદાર સિવાય ડૉ. રાજેન્દ્રપ્રસાદ, સી. રાજગોપાલાચારી, ડૉ. આંબેડકર, વિનોબા ભાવે, કાકાસાહેબ કાલેલકર અને ભગતસિંઘ જેવા અનેક આગેવાનોનાં નામ મૂકી શકાય.
વ્યક્તિની ઓળખ માટે પત્રો ખૂબ ઉપયોગી થઈ શકે અને ગાંધીજીના કિસ્સામાં પણ તે સાચું હતું; તે વાત કાકાસાહેબે લખી છે. પ્રેમાબહેન કંટકને સંબોધીને ગાંધીજીએ લખેલા પત્રોને સમાવતાં બાપુના પત્રો પુસ્તકની પૂર્વભૂમિકામાં એક ઠેકાણે કાકાસાહેબ લખે છે : “બાપુજીના પત્રોમાં ડગલેપગલે એમની જીવનસાધના પ્રગટ થાય છે. પોતાને ભૂલી જવું, શૂન્ય થઈને રહેવું, પોતાના દોષો જોવા, બીજા લોકોના ગુણ જોવા, પોતા પ્રત્યે કઠોર થવું, બીજા પ્રત્યે ઉદાર થવું, જેઓ દૂર છે તેમને સમજવા સવિશેષ પ્રયત્ન કરવો, વગેરે વગેરે વસ્તુઓ એમના લેખોમાં બહુ જોવામાં નહીં આવે તે એમના કાગળોમાં વિશેષ રૂપે દેખાય છે. … નિકટના સાધક હોય અથવા જેમને આશ્રમના આદર્શ પ્રમાણે તેઓ કેળવવા માગતા હોય, તેમને ઉદ્દેશીને લખેલા કાગળોમાં બાપુજી પોતાને અને પોતાની સાધનાને ઉત્કટ રીતે પ્રગટ કરે છે.” પોતાના દોષ જોવાની વાત કાકાસાહેબ લખે છે તે ઘટના ગાંધીજીના જીવનમાં પંદર વર્ષે બની હતી, જેને લઈને તેમણે તેમના પિતાને ચિઠ્ઠી લખી હતી. આ ઘટના જાણીતી છે; જેમાં તેમણે તેમના ભાઈનું પચીસ રૂપિયાનું કરજ પતાવવા માટે સોનાના કડામાંથી એક ટુકડો કાપવાની ચોરી કરી હતી. પણ પછી આ વાત અસહ્ય થઈ પડી અને આખરે ગાંધીજી આત્મકથામાં લખે છે : “છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માગવી એવો મેં ઠરાવ કર્યો. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માગી.” પત્ર લખવાના આ ક્રમને પછીથી ગાંધીજીએ એટલો નિયમિત બનાવ્યો કે પત્રો તેમના જીવનનું અભિન્ન અંગ બની રહ્યા. ગાંધીજીનો અક્ષરદેહના પ્રથમ ગ્રંથમાં સંપાદક એટલે ટાંકે છે કે, “પત્રવહેવારમાં તેઓ [ગાંધીજી] બહુ નિયમિત હતા. વિચાર કરી જવાબ આપવાને લાયક એક પણ પત્ર એવો ભાગ્યે જ હશે જેનો તેમણે જાતે જવાબ આપ્યો નહીં હોય. પોતાના અંગત અને ખાનગી સવાલોને લગતા કાગળો અનેક માણસો તેમને લખતા; તેમના પત્રવહેવારનો ઘણો મોટો ભાગ આવા પત્રોનો રહેતો અને તે બધાના તેમણે આપેલા જવાબોમાંથી એવી જ જાતના સવાલોમાંથી મૂંઝાતા લોકોને કીમતી દોરવણી મળે છે. પોતાના જીવનના મોટા ગાળા દરમિયાન તેમણે શૉર્ટહૅન્ડ લખનાર અથવા ટાઇપિસ્ટની મદદ લીધી નથી. પોતાને જે કંઈ લખવાની જરૂર પડતી તે તેઓએ પોતાને હાથે લખવાનું ચાલુ રાખ્યું.” કેળવણી કે માર્ગદર્શન માટે ગાંધીજીના પત્રોનો ઉલ્લેખ જેમ મળે છે; તેમ તેમના અસંખ્ય પત્રો જાહેર પ્રશ્નો વિશે પણ છે. આ પત્રોનો દોર તેમના દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન જોવા મળે છે. આફ્રિકાનાં શરૂઆતી વર્ષોમાં તેમણે સ્થાનિક અખબારોને હિંદીઓ સાથે અન્યાય સંબંધે પત્રો લખ્યા છે. ઉપરાંત દક્ષિણ આફ્રિકાના સંસ્થાનના પદાધિકારીઓને, મંત્રીઓને, બ્રિટિશ એજન્ટને, હિંદ સરકારને અને હિંદના આગેવાનોને પણ લખેલા પત્રો છે. આ ક્રમ તેમણે હિંદુસ્તાન આવ્યા પછી પણ જાળવ્યો છે. તેમના જીવનમાં પત્રોની સંખ્યા જવલ્લે જ ઓછી થતી દેખાય છે. પત્રો દ્વારા સતત અન્ય લોકોના સંપર્કમાં રહ્યા છે. જેલમાંથી પણ તેમણે મંજૂરી મળી હોય ત્યારે પત્રો લખ્યા છે. પત્રોની સંખ્યા તેમના જીવનકાળમાં ઘણી વાર એટલી વધારે છે કે તેની નોંધ ગાંધીજીનો અક્ષરદેહના સંપાદકોએ પ્રસ્તાવનામાં ઉલ્લેખી છે. ગ્રંથક્રમાંક છની પ્રસ્તાવનામાં નોંધ છે કે, ‘આ લખાણોમાં મૂળ ગુજરાતીમાં લખેલા પત્રો અને લેખોનું પ્રમાણ વધારે છે.’ જાહેરજીવનમાં ગાંધીજીના કેટલાક ઉકેલ પણ પત્રવ્યવહારને આભારી છે. ૧૯૧૧ના માર્ચમાં તેમના અને દક્ષિણ આફ્રિકાના પદાધિકારી જનરલ સ્મટ્સ વચ્ચેના પત્રવ્યવહારથી હિંદીઓ સાથે થઈ રહેલા અન્યાય અંગેનાં સમાધાનો માટે માર્ગ મોકળો થયો હતો.
હિંદુસ્તાન આવ્યા બાદ લોકો સાથેનો તંતુ તેઓએ પત્રવ્યવહાર થકી ઓર મજબૂત બનાવ્યો. ભારત આવ્યા બાદ તુરંતના ગાળામાં ગાંધીજી દ્વારા લખાયેલાં લખાણોને સમાવતાં ૧૪મા ગ્રંથની પ્રસ્તાવનામાં નોંધ છે : “આ ગ્રંથનું નોંધપાત્ર લક્ષણ એમાંના પુષ્કળ પત્રો છે. એ ત્રીજા ભાગથી પણ વધારે જગ્યા રોકે છે. આ પત્રો ભારતના અને દક્ષિણ આફ્રિકાના તેમના સ્વજનો, સહકાર્યકર્તાઓ અને સાથીઓને, તથા મિત્રો, જાહેર કાર્યકર્તાઓ, વિદ્વાનો, તંત્રીઓ, તમામ કક્ષાના સરકારી અધિકારીઓ અને બધાં જૂથોના રાજદ્વારી પુરુષોને લખાયેલા છે.” જાહેરજીવનમાં અનેક માહિતીઓ લોકો સુધી પહોંચાડવા પણ ગાંધીજીએ પત્રોનો ઉપયોગ કર્યો છે. ૧૯૧૯ના અરસામાં જલિયાંવાલા બાગની કત્લેઆમ અને રૉલેટ ઍક્ટની વિરુદ્ધમાં પંજાબમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. આ રમખાણોની તપાસ કૉંગ્રેસે આદરી હતી, તે માટે બનેલી સમિતિના સભ્ય તરીકે ગાંધીજીએ પંજાબનો પ્રવાસ ખેડ્યો, અનેક લોકોને મળ્યા, જુબાનીઓ લીધી. આ અનુભવને તેમણે નવજીવનમાં ‘પંજાબના પત્રો’ના મથાળેથી બયાન કર્યો હતો. ૧૯૩૨ના અરસામાં તેમણે અસ્પૃશ્યતાવિરોધી આંદોલન ઉપાડ્યું ત્યારે તેમના પત્રોનો ખૂબ મોટો હિસ્સો અસ્પૃશ્યતા સામેની ઝુંબેશ રહ્યો છે. ૧૯૩૫ના શરૂઆતના ગાળામાં તેમણે લખેલાં ૬૪૩ લખાણોમાંથી ૪૩૪ પત્રો છે. ૧૯૪૫માં જ્યારે હરિજન સામયિકનું પ્રકાશન સ્થગિત થયું ત્યારે તેમની લેખનપ્રવૃત્તિ મુખ્યત્વે પત્રવ્યવહાર રહી હતી. દેશનાં વિભાજન-આઝાદીકાળ દરમિયાન પણ સરદાર, નેહરુ, માઉન્ટબૅટન, ઝીણા સાથેનો તેમનો પત્રવ્યવહાર તત્કાલીન ઘટનાક્રમ સમજવા માટે ઉપયોગી છે. ગાંધીજીના જીવનકાળના તમામ પત્રોનું મૂલ્યાંકન તો અહીં થઈ ન શકે. તે માટે અલગથી અભ્યાસ કરવાનો રહે. અત્યાર સુધી તેમના પત્રોનાં પુસ્તકો તૈયાર થયાં છે. પરંતુ તેમના પત્રો વિશે વિસ્તૃત રીતે અભ્યાસ થયો નથી. તેનું એક કારણ તેની ગંજાવર સંખ્યા છે. ઉપરાંત, તેમાં રહેલું વૈવિધ્ય છે. ગાંધીજીએ પરિવાર, સમાજના અગ્રણી, સરકારી પદાધિકારીઓ અને દેશ કટોકટી સમયમાં હતો ત્યારે લખેલા પત્રો એટલા બધા છે કે તેના અભ્યાસ માટે સમયનો ખાસ્સો અવકાશ જોઈએ. આ અગાઉ ગાંધીજીના ચૂંટેલા પત્રોનાં પુસ્તકો થયાં છે. તેમાંનું એક સિલેક્ટેડ વર્ક્સ ઑફ ગાંધી શ્રેણીનું છે. અંગ્રેજીમાં તે પુસ્તક સિલેક્ટેડ લેટર્સ નામે ઉપલબ્ધ છે. તેનું ગુજરાતી ચૂંટેલા પત્રો એ નામે થયું છે. નવજીવન દ્વારા તે પુસ્તક ટૂંક સમયમાં પ્રકાશિત થશે. આ ઉપરાંત અંગ્રેજીમાં ગાંધીજીના પત્રો સંબંધિત અનેક પુસ્તકો ઉપલબ્ધ છે. ગુજરાતીમાં છેલ્લાં વર્ષોમાં ગાંધીજીના પત્રસાહિત્ય પરનું કાર્ય નજરે ચઢતું નથી. અને એટલે ગાંધીજીના ચૂંટેલા પત્રો મૂકવાનો અહીં આશય એટલો છે કે વાચકો ગાંધીપત્રસાહિત્યનો પરિચય કેળવે. આ પરિચયથી તેમના પત્રસાહિત્યના વ્યાપનો અંદાજ પણ આવી શકે છે.
અંકમાં પસંદ કરવામાં આવેલા પત્રો વિશેની ટૂંકી ભૂમિકા, પત્ર શરૂ થાય છે તેની બાજુમાં મૂકી છે. પત્રો ક્યાંક સંપાદિત પણ કર્યા છે. પત્રમાં અજાણ્યાં નામ તથા સ્થળના સંદર્ભ પાદટીપમાં આપ્યાં છે. જૂજ સંદર્ભો મળતા નથી. અહીં પસંદ કરેલા પત્રો ગાંધીજીના તમામ પત્રોનું પ્રતિનિધિત્વ કરતા નથી. તેમ છતાં આશા છે કે વાચકો આ પત્રોથી ઘણી માહિતી મેળવી શકશે અને જે-તે મુદ્દા અંગે ગાંધીજીનું વલણ જાણી શકશે. આજના સમયમાં પત્રનો યુગ પૂર્ણ થઈ ચૂક્યો છે તેમ તો ન કહેવાય; પરંતુ પત્રલેખનમાં ઓટ જરૂર આવી છે. ટૅક્નૉલૉજીથી અરસપરસ ઘટેલા અંતરથી હવેના પત્રોમાં ઉત્કટતા પણ ઝળકતી નથી. આશા છે નવા વર્ષ નિમિત્તે આ અંક સૌને ગમશે. નવા વર્ષની સૌને શુભ કામનાઓ.
સૌજન્ય : नवजीवनનો અક્ષરદેહ, વર્ષ : 12 – સળંગ અંક : 138-39 – ઑક્ટોબર – નવેમ્બર 2024
e.mail : kirankapure@gmail.com