મકરંદ મહેતા મુર્દાબાદ! મકરંદ મહેતા હાય! હાય!
આ પ્રકારનાં સૂત્રો ઉશ્કેરાટ સાથે ઉચ્ચારાઈ રહ્યાં હતાં. સ્થળ હતું ગુજરાત યુનિવર્સિટીનું સમાજવિદ્યાભવન. કારણ જાણીને આજે આપણને નવાઈ લાગે. કારણ સાવ ક્ષુલ્લક. મકરંદ મહેતાએ એ યુનિવર્સિટીના ઇતિહાસ વિષયના અનુસ્નાતક અભ્યાસમાં સાંસ્થાનિક ભારતના આર્થિક ઇતિહાસનું પ્રશ્નપત્ર દાખલ કરેલું. પ્રશ્ન એ હતો કે આવો ‘અઘરો અને અટપટો’ વિષય કોણ ભણાવે અને એની માટે સામગ્રી ક્યાંથી મળે? આ તો થોડો વ્યાવહારિક મુશ્કેલીનો મુદ્દો હતો; વધારે પાયાનો સવાલ તો એ હતો કે બધું ‘સમુંસૂતરું’ ચાલતું હતું ત્યારે આવા ‘નવા’ અભ્યાસક્રમની કશી આવશ્યકતા હતી ખરી? આ પ્રકારે વિરોધ કરનારા અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ પોતાના અવાજને મજબૂત રીતે મૂકવા માટે, એને વ્યાપક અને અસરકારક બનાવવા માટે, ‘ઇતિહાસ બચાવો સમિતિ’ની સ્થાપના પણ કરેલી. આ નાનો પ્રસંગ ગુજરાતમાં ૧૯૮૦ના દાયકાના આરંભે ઇતિહાસ વિષયની શી સ્થિતિ હતી તેનું આપણી સમક્ષ તાદૃશ, બને કે થોડું અતિશયોક્તિભર્યું, ચિત્ર ખડું કરે છે.
આપણે ત્યાં આધુનિક ઢબની ઇતિહાસલેખનવિદ્યા પાશ્ચાત્ય વિદ્વાનોએ દાખલ કરી. એમણે મુખ્યત્વે તત્કાલે ઉપલબ્ધ ઐતિહાસિક ગ્રંથોને આધારે અને સાહિત્ય તેમ જ એવી લિપિબદ્ધ સામગ્રીને આધારે ઇતિહાસો લખ્યા. એમાં પણ એમની મુખ્ય દખલ પ્રાચીન ઇતિહાસમાં અને એ પછી મધ્યકાલીન ઇતિહાસમાં હતી. પૂર્વોક્ત બન્ને કાળ કરતાં અમારો ‘બ્રિટિશ યુગ’ કેવો વધારે સારો એ બતાવવા પૂરતો અર્વાચીન ઇતિહાસમાં એમને રસ હતો. એક રીતે જોતાં પ્રાચીન ઇતિહાસલેખનની આ પરંપરામાં—અને વ્યાપક રીતે જોતાં સમગ્રતયા પણ—પાયાનું પરિવર્તન ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ભગવાનલાલ ઇન્દ્રજી, રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર, અને જોન ફેઇથફુલ ફ્લીટ જેવા ઇતિહાસકારોએ સાહિત્યને સ્થાને અથવા સાહિત્યની સાથે સાથે અભિલેખો, સિક્કાઓ, અને ઉત્ખનનોમાંથી મળેલી પુરાતાત્ત્વિક સામગ્રીને આધારે રચેલા ઇતિહાસો સાથે આણ્યું. આ અને એના પછી આવેલા ગ્રંથોમાં મુખ્ય ભાર વર્ણન ઉપર હતો. અલબત્ત, એનો અર્થ, પોતાના ઇતિહાસને ‘વૈજ્ઞાનિક’ માનતા કેટલાક ઇતિહાસકારો મુગ્ધતાથી માને છે તેમ, એવો નહીં કે એમાં કોઈ પ્રકારનું પૃથક્કરણ કે વિવેચન નહોતું. કેટલાંક વર્તુળોમાં સાંપ્રત સમયે ‘મહાન’ કહેવાતા ઇતિહાસકારો કરતાં આ પુરોગામીઓની વિદ્વત્તા, વિવિધ ભાષાઓ અને વિષયનું જ્ઞાન, અને ચિકિત્સા ક્યાં ય વધુ ચડિયાતાં હતાં. ૧૯૫૬માં દામોદર ધર્માનંદ કોસમ્બીએ એમનું ઍન ઇન્ટ્રડક્શન ટુ ઇન્ડિઅન હિસ્ટરી પ્રકાશિત કર્યું અને એમાં એમણે માર્ક્સવાદી પદ્ધતિ અનુસાર ઐતિહાસિક સામગ્રીનું અર્થઘટન કર્યું. એમના પછી આવેલા, ખાસ કરીને પ્રાચીન ભારત વિશે લખનારા, ઇતિહાસકારોએ પણ એ રીતે ભારતીય ઇતિહાસને જોવાનો પ્રયત્ન કર્યો પણ સામગ્રી અને સિદ્ધાંત પરની પૂરતી પકડના અભાવે એ એટલો સફળ રહ્યો નહીં. અર્વાચીન ભારતના ઇતિહાસલેખનમાં અક્ષયકુમાર દેસાઈનું સોશલ બેકગ્રાઉન્ડ ઑવ ઇન્ડિઅન નેશનલિઝમ (૧૯૪૮) માર્ક્સવાદી પરિપ્રેક્ષ્યથી ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયને જોવાનો સમર્થ પ્રયત્ન હતો. એ પુસ્તકમાં એમણે સાંસ્થાનિક ભારતમાં આર્થિક પરિબળોએ જે ભૂમિકા ભજવી હતી તેનું એક ઉત્તમ ચિત્ર આંકી આપ્યું છે. એ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ સ્વયં અક્ષયકુમારે કરેલો (યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ૧૯૭૩). ૧૯૮૩માં રણજિત ગુહએ એલિમેન્ટરી ઍસ્પેક્ટ્સ અવ પેઝન્ટ ઇન્સર્જન્સી ઇન કલૉનીઅલ ઇન્ડિઆમાં સબલ્ટર્ન એટલે કે ઉપાશ્રિત પરિપ્રેક્ષ્યથી આધુનિક ભારતના ઇતિહાસને, ખાસ કરીને ભારતના સ્વાધીનતા–સંગ્રામને, જોવાની જિકર કરી. એ બન્ને વચ્ચે અનિલ સીલે ૧૯૬૮માં એમના ધી ઇમર્જન્સ અવ ઇન્ડિઅન નૅશનલિઝમમાં ભારતના ભદ્ર વર્ગે કોઈ ઉદાત્ત વિચારધારાના પરિણામે નહીં પણ બહુધા સ્વાર્થવશ, (સરકારી) લાભ મેળવવા માટે, રાષ્ટ્રવાદમાં ભૂમિકા ભજવેલી એવો, પાછળથી ‘કેમ્બ્રિજ સ્કૂલ’ તરીકે જાણીતો બનેલો, પ્રસ્તાવ મૂકેલો. ગુજરાતની વાત કરીએ તો ગુહના વિદ્યાર્થી ડેવિડ હાર્ડિમને ૧૯૮૧માં પેઝન્ટ નૅશનલિસ્ટ્સ અવ ગુજરાત : ખેડા ડિસ્ટ્રિક્ટ ૧૯૧૭–૧૯૩૪માં માર્ક્સવાદી અને કેમ્બ્રિજ એ બન્ને પરંપરાના ઇતિહાસોને નકારીને, બલકે ગાંધીવાદી રંગદર્શી ઇતિહાસલેખનને પણ નકારીને, ગુજરાતના ખેડૂતોના આંદોલનને નવા જ દૃષ્ટિકોણથી જોવાનો સમર્થ પ્રયત્ન કર્યો. આ રીતે આધુનિક ભારતના ઇતિહાસલેખનમાં એક નવા યુગનો પ્રારંભ થયો.
આ ઇતિહાસલેખનનો ટૂંકો ઇતિહાસ એટલા માટે કે અક્ષયકુમાર ૨. દેસાઈના ૧૯૪૮માં પ્રકાશિત પુસ્તકથી ડેવિડ હાર્ડિમન અને રણજિત ગુહનાં અનુક્રમે ૧૯૮૧ અને ૧૯૮૩માં આવેલા અભ્યાસો વચ્ચે આધુનિક ભારતના ઇતિહાસલેખનના ક્ષેત્રમાં એક ચક્ર પૂરું થયુ હતું. પણ ગુજરાતમાં એંસીના દાયકાના આરંભે જે રીતે ઇતિહાસ લખાતો અને ભણાવાતો હતો તે ૧૯૨૦–૩૦ના દાયકાથી આગળ વધ્યો નહોતો; અમુક અપવાદોને બાદ કરતાં આજે પણ નથી વધ્યો. બલકે, ૧૯૨૦–૩૦ના દાયકામાં જે ઇતિહાસલેખન થતું હતું તેના કરતાં ક્યાં ય ઊતરતું ‘ઇતિહાસલેખન’ આપણે ત્યાં આજે થાય છે. ત્યારે વર્ણનાત્મક ઇતિહાસ ઉપર ભાર હતો. આજે પણ ગુજરાતમાં ઇતિહાસ જે રીતે લખાય છે (અને પ્રકાશિત થાય છે) તે મુખ્યત્વે ‘કાતર અને ગુંદર’ પદ્ધતિનો છે. એમાં મૂળ સાધનોમાંથી વિગતો કશી જ ચિકિત્સા વિના, પૃથક્કરણ વિના, આગળ પાછળનું વિચાર્યા વિના, બેઠ્ઠી મૂકી આપવામાં આવે છે. બીજી રીતે કહીએ તો, જે રીતે (ગુજરાતી) સાહિત્યમાં સંશોધન અને વિવેચન (= કેટલા ય કિસ્સામાં સારલેખન) વચ્ચેનો ભેદ રહ્યો નથી તેમ ઇતિહાસલેખનમાં ઐતિહાસિક સામગ્રી અને ઇતિહાસ વચ્ચેનો ભેદ ભૂંસાઈ ગયો છે. સામગ્રીનું સારદોહન પણ હવે ઇતિહાસલેખન મનાય છે. આપણે ત્યાં આજે પણ આંતરવિદ્યાકીય અભિગમથી ઇતિહાસો લખાતા નથી; પ્રક્રિયાત્મક ઇતિહાસોનો તો પ્રશ્ન જ નથી. પ્રાચીન ઇતિહાસલેખનની સ્થિતિ થોડી સારી હતી એ રીતે કે હરિપ્રસાદ શાસ્ત્રી અને રસિકલાલ છો. પરીખ જેવા વિદ્વાનો એમાં સતત નવી વિગતો આપતા રહ્યા હતા. મધ્યકાલીન યુગના ઇતિહાસલેખનમાં છો.૨. નાયકે કેવળ વિગતો આપતા ઇતિહાસ લખ્યા. ગુજરાતના અર્વાચીન ઇતિહાસ વિશે તો જેટલું કહીએ તેટલું ઓછું. કેટલાક કિસ્સામાં નવી સામગ્રી પ્રાપ્ત થઈ હોય તો પણ એનાં અર્થઘટનો, જો હોય તો, સામાન્ય રીતે સપાટી પરનાં હોય છે. પોતાના વિષયમાં થયેલા નવાં સંશોધનોના અને નવી પીઠિકાઓના અજ્ઞાનના કારણે અને એમને ચર્ચામાં નહીં લાવવાને કારણે આ નવી માહિતીને યોગ્ય પરિપ્રેક્ષ્ય મળતો નથી. પોતાના વિષયમાં ચાલતી ચર્ચાનું કે પૂર્વસૂરિઓના કાર્યનું આ લેખકોને ભાગ્યે કશું સંજ્ઞાન હોય છે. આની સરખામણીમાં રાજનીતિશાસ્ત્રી રજની કોઠારીના ભારતના રાજકારણ વિશેના કે સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહના ગુજરાતના રાજકારણ વિશેના કે અનિલ ભટ્ટના જે તે સમયે થયેલા અભ્યાસો જોઈએ તો ગુજરાતી ઇતિહાસકારોએ એ સમયે પણ કેટલું શીખવાની જરૂર હતી તેનો પ્રત્યય મળે છે.
ઇતિહાસની આ કારુણ્યપ્રેરક પરિસ્થિતિમાં મકરંદ મહેતા અપવાદ હતા; યોજનો સુધી વિસ્તરેલા રણમાં એક રણદ્વીપ હતા. સમગ્ર રીતે જોતાં, આ બૌદ્ધિક વાતાવરણમાં પરિવર્તન લાવવાનો એક સબળ પ્રયત્ન એમણે (ગુજરાત માટે) નવા પ્રકારના અભ્યાસક્રમ દાખલ કરીને, અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીમાં પણ કલમ ચલાવીને, નવા પ્રકારના વિષયો ઉપર પરિસંવાદો યોજીને અને એની કાર્યવાહી પ્રગટ કરીને, અભ્યાસશિબિરોમાં વક્તા તરીકે જઈને અને વર્તમાનપત્રોમાં લેખો લખીને કર્યો હતો. પણ આપણે જોયું તેમ, જ્યારે એમણે અભ્યાસક્રમમાં નવું લોહી પૂરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ચોમેરથી એનો વિરોધ થયો.
*
૧ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ અમદાવાદ ખાતે મકરંદ જનકરાય મહેતાનું અવસાન થયું એ સાથે, અરુણ વાઘેલા કહે છે તેમ, ગુજરાતના ઇતિહાસલેખનનો એક યુગ પૂરો થયો. એમનો જન્મ ૨૫ મે ૧૯૩૧ના રોજ અમદાવાદમાં થયેલો. એમના માતામહ કવિ જેઠમ તરીકે પ્રસિદ્ધ જેઠાલાલ લાલજી મજમુદાર. નડીઆદ પાસે મહુધાના મોટા જમીનદાર. મહુધાના જ રણછોડભાઈ ઉદયરામની જેમ કવિ જેઠમ પણ ગાંધીજીના અસ્પૃશ્યતાવિરોધી કાર્યક્રમના કડક ટીકાકાર અને એ વિશે કાવ્યો પણ રચતા. દૌહિત્ર મકરંદ મહેતા એમના પ્રત્યાઘાતી વિચારોના ઘોર વિરોધી. એમનો ઉચ્ચ અભ્યાસ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અવ બરોડા ખાતે. પછી અમેરિકાની પેન્સિલ્વેનિઆ યુનિવર્સિટીમાં પણ આર્થિક અને વાણિજ્યિક ઇતિહાસનો એમણે વિશેષ અભ્યાસ કરેલો. એમની કારકિર્દીનાં મૂળ અહીં નખાયેલાં. એમના જીવન દરમ્યાન એમણે ગુજરાતી સાહિત્ય, આપ્રવાસી ભારતીયો, દરિયાઈ ઇતિહાસ, હિન્દુઓનો સામાજિક ઇતિહાસ, ગાંધી અભ્યાસ, દલિત અભ્યાસ, સ્વામીનારાયણ સંપ્રદાય, ભક્તિમાર્ગ, અમદાવાદ શહેર, અને રજવાડાં જેવાં અનેક ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ પ્રદાનો કર્યાં પણ એમના અભ્યાસનું મુખ્ય ક્ષેત્ર તો અર્વાચીન ગુજરાતના વેપાર અને વાણિજ્યનો ઇતિહાસ. એ વિષયમાં એમનું પ્રદાન સમજતાં પૂર્વે તત્કાલીન બૌદ્ધિક વાતાવરણ સમજીએ.
મૉરિસ ડી. મૉરિસે ૧૯૬૩માં ધ જર્નલ ઑવ ઇકનૉમિક હિસ્ટરીમાં ‘ટોવર્ડ્ઝ અ રીઇન્ટરપ્રિટેશન અવ નાઇન્ટિન્થ સેન્ચરી ઇન્ડિઅન ઇકનૉમિક હિસ્ટરી’ લેખ લખ્યો. તીર્થંકર રોય એને વાજબી રીતે જ ‘ધ મોસ્ટ ઇન્ફ્લુએન્શલ આર્ટિકલ ઇન ઇન્ડિઅન ઇકનૉમિક હિસ્ટરી’ ગણાવે છે. આ લેખ ૧૯૦૮માં ધી ઇન્ડિઅન ઇકનૉમિક ઍન્ડ સોશલ હિસ્ટરી રીવ્યૂમાં તોરુ માત્સૂઈ, બિપન ચંદ્ર, અને તપન રાયચૌધુરીના ‘જવાબો’ સાથે ફરી છપાયો. સાંસ્થાનિક ભારતના આર્થિક ઇતિહાસની આ એક મહત્ત્વની ઘટના લેખાય છે. એક જમાનામાં આ ચર્ચાથી જ આર્થિક ઇતિહાસના અભ્યાસનો આરંભ થતો. આ વિવાદનો મુખ્ય મુદ્દો એ હતો કે ૧) ભારતની આર્થિક અવદશા (એટલે કે ગરીબી, હસ્તઉદ્યોગોની પડતી, બેકારી, આર્થિક અસમાનતા, નગરહ્રાસ, ઇત્યાદિ) માટે, તેમ જ ૨) અંગ્રેજો આવ્યા ત્યારે ભારતીય અર્થતંત્રનું મૂડીવાદી વ્યવસ્થામાં પરિવર્તન થવા માટેની ભરપૂર શક્યતા હોવા છતાં એ શક્ય ન બન્યું કે ન ઝડપી ઔદ્યોગિકીકરણ ન થયું તો એ માટે કોણ જવાબદાર? સાંસ્થાનિક રાજ્ય કે ભારતની પોતાની તાસીર? બીજી રીતે કહીએ તો ભારતના મંથર ગતિએ થયેલા આર્થિક વિકાસ માટે ઠીકરું કોના માથે ફોડવું જોઈએ : રાજકીય સત્તા કે ભારતની પોતાની સાંસ્કૃતિક વિરાસતને માથે? જે લોકો અંગ્રેજોના ‘કુશાસન’ને લીધે આ થયું એમ માની રાજ્યને ઉત્તરદાયી ઠેરવતા તેઓ ‘રાષ્ટ્રવાદી’ કહેવાતા (બિપન ચંદ્ર એમને ‘પ્રતિ-સામ્રાજ્યવાદી’ કહે છે) અને જેઓ ભારતની વ્યવસ્થાને એનું મૂળભૂત કારણ માનતા તેઓ ‘સામ્રાજ્યવાદી’ ઇતિહાસકારો મનાયા.
દાદાભાઈ નવરોજીના પોવર્ટી ઍન્ડ અનબ્રિટિશ રૂલથી લઈને છેક અત્યાર સુધી શશિ થરૂરના ઍન એરા અવ ડાર્કનસ અને ઇનગ્લોરિઅસ એમ્પાયર સુધી કેટલાયે લેખકોએ અંગ્રેજી શાસનનો વાંક કાઢ્યો છે. એ કદાચ સાવ ખોટો પણ નથી, પણ એની સામે એક પ્રબળ પ્રતિવિચાર મૉરિસ ડી. મૉરિસે મૂકેલો. એનો ઉત્તર તપન રાયચૌધુરી અને તોરુ માત્સૂઈએ તર્કબદ્ધ રીતે અને બિપન ચંદ્રે સાભિનિવેશ આપેલો. એનો જવાબ મૉરિસે સિત્તેર પૃષ્ઠોમાં વાળેલો. વાસ્તવિકતા એ હતી કે આપણી પાસે એટલી સામગ્રી છે/હતી જ નહીં કે જેના આધારે એ સમયની ભારતીય અર્થવ્યવસ્થાનું એક સર્વસ્વીકાર્ય ચિત્ર આંકી શકાય; આ સત્યનો સ્વીકાર બિપન ચંદ્રને બાદ કરતાં ત્રણે વિદ્વાનોએ કરેલો. વિદ્વાનો રાજકારણી એટલે કે, એક જ આંખે જોનારા ન હોવા જોઈએ : એકાંગી દૃષ્ટિથી જોવાને કારણે પ્રતિપક્ષને, પ્રતિસાક્ષ્યોને અવગણવાનું અને પોતાના અભિપ્રાયને સમર્થિત કરતા સાક્ષ્યોને જ લક્ષમાં લેવાનું બને છે. ઇન્ડિઅન હિસ્ટરી કૉંગ્રેસના અર્વાચીન ભારતીય ઇતિહાસના પ્રમુખીય વ્યાખ્યાનમાં મકરંદ મહેતા પ્રારંભે જ આ વિવાદની નોંધ લેતાં લખે છે કે, ‘આ વિવાદ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં શરૂ થયો અને આજે પણ નવાં બળ અને જોમ સાથે ચાલુ છે. એમાં તથાકથિત રાષ્ટ્રવાદી અને તથાકથિત સામ્રાજ્યવાદી ઇતિહાસલેખન દ્વારા ઉપહાસનીય કહી શકાય તેવા દાવા કરવામાં આવે છે’ (૧૯૮૭ : ૩૩૪). અને પછી આ ચર્ચામાં ઝુકાવનારા મોટા ભાગના લેખકોનાં લખાણોની ચર્ચા કરતાં તેઓ કહે છે,
‘આમાં મોટા ભાગના અભ્યાસોમાં વર્ણનાત્મક કે સંખ્યાત્મક નક્કર મજબૂત પુરાવાઓને બદલે સૈદ્ધાંતિક ચર્ચાઓ જ દેખા દે છે. આ પ્રકારનાં સૈદ્ધાંતિક પ્રતિમાનો રચવાં ખરેખર ઉપયોગી છે, પણ (પુરાવાઓની પરવા કર્યા વિના રચાતાં) આ પ્રકારનાં સૈદ્ધાંતિક માળખાં અને પ્રતિમાનો ઇતિહાસકારને બહુ દૂર સુધી દોરી જઈ શકે નહીં. બલકે, આ પ્રકારનાં (એકાંગી પુરાવાઓ ઉપર આધારિત) વ્યાપક વિધાનો (આપણા સંશોધનકાર્ય માટે) હાનિકારક નીવડે.’ (એજ, ૩૩૪-૩૩૫; કૌંસમાંની સ્પષ્ટતા મારા તરફથી)
મકરંદ મહેતાનું ભાગ્યે કોઈ એવું લખાણ હશે જેમાં એમણે તત્કાલીન વિદ્વત્તાને લક્ષમાં ન લીધી હોય અને એ વિષયને લગતા સિદ્ધાંતોનો પરિચય ન કેળવ્યો હોય. પણ એમને બરાબર ખ્યાલ હતો કે આ સિદ્ધાંતો કે પ્રતિમાનો જો સામગ્રીથી સમર્થિત ન હોય, કે ન કરી શકાય તો એનું મૂલ્ય ધૂળ જેટલું પણ નથી. આપણે ત્યાં છેલ્લાં ચાળીસ-પચાસ વર્ષોમાં આવેલું ‘પ્રભાવી’ ઇતિહાસલેખન સ્રોત કરતાંયે વિચારધારા પર આધારિત છે. અલબત્ત, રાજકીય કારણોસર એ ઘણું પ્રભાવક બન્યું એ બીજી વાત છે. મકરંદ મહેતાના ઇતિહાસલેખનનું એક ઊડીને આંખે વળગે એવું લક્ષણ એટલે સામગ્રીની અદબ. સામગ્રીની ‘ઐસી કી તૈસી’ કરીને એમણે નથી લખ્યું. એમનાં કેટલાંયે લખાણોમાં સામગ્રીને આધારે એમણે વ્યાપક વિધાનો તારવ્યાં હશે, પણ ફ્રાન્સિસ બૅકન કહેતા તેમ આવા કિસ્સામાં એમણે પોતાની કલ્પનાને પાંખો આપવા કરતાં એને (સામગ્રીનાં) વજનિયાં લટકાવવાનું વધારે પસંદ કરેલું, જેથી એ સામગ્રીને બાજુએ મૂકીને વધારે ઊંચી ન ઊડી જાય.
આ કારણસર જ એમણે વ્યાપક ઇતિહાસોને બદલે નાના મુદ્દાઓને વિગતે છણવાનું વધારે મુનાસિબ માનેલું. ઉપરટકે જોતાં સર્વાંગીણ લાગતાં એમનાં પુસ્તકો ઝીણવટથી જોતાં આ પ્રકારના ‘કેસ સ્ટડીઝ’ છે. જેમ કે, બિઝનેસ હાઉસિઝમાં રણછોડલાલ છોટાલાલ, તાતા, ખટાઉ, લાલભાઈ, મફતલાલ, અમીન, કિર્લોસ્કર, વાલચંદ હીરાચંદ, અને લાર્સન ઍન્ડ ટુબ્રોના સ્વતંત્ર કહી શકાય તેવા સવિગત અભ્યાસ છે. એ જ રીતે, ૧૯૯૧માં આવેલું ઇન્ડિઅન મર્ચન્ટ્સ પૂર્વપ્રકાશિત અભ્યાસોનું ગ્રંથસ્વરૂપ છે. ૨૦૦૮માં ગુજરાતી સાહિત્ય પરિષદે એમનું ઇતિહાસ, સમાજ અને સાહિત્યમાં ગુજરાત પુસ્તક બહાર પાડ્યું. એ પણ એમના લેખોનો સંચય છે. આપ્રવાસી ભારતીયો વિશેના કે સામુદ્રી વેપારને લગતાં પુસ્તકો લઘુગ્રંથનું સ્વરૂપ ધરાવે છે. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ માટે એમણે લખેલું પાઠ્યપુસ્તક સાંસ્થાનિક ભારતનો આર્થિક ઇતિહાસ એક અપવાદ. પણ એ એમણે દાખલ કરેલા અભ્યાસક્રમ માટે સામગ્રી પૂરી પાડવાના હેતુથી લખેલું.
રણછોડલાલ છોટાલાલ અને અમદાવાદનો સુતરાઉ મિલ ઉદ્યોગ એ વિષય ઉપરનો એમનો મહાનિબંધ ધ અહમદાબાદ કૉટન ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી : જેનિસિસ ઍન્ડ ગ્રોથ નામે ગ્રંથરૂપે ૧૯૮૨માં પ્રકાશિત થયો. આ એમનું પહેલું મહત્ત્વનું પ્રકાશન. એકાંગી કારણોને સ્થાને બહુકારણવાદને આગળ કરતો આ અભ્યાસ બતાવે છે કે ગુજરાતનાં નગરકેન્દ્રોમાં વેપાર, મહાજનસંસ્થા, સમૃદ્ધ પીઠપ્રદેશ, કુશળ કારીગરો, લાંબા દરિયાકિનારા ઉપર આવેલા અનેક નાનાં મોટાં બંદરો, જેવાં અનેક પરિબળોને કારણે વેપાર-વાણિજ્યની એક સમૃદ્ધ પરંપરા હતી. અમદાવાદના સુતરાઉ કાપડઉદ્યોગનો પ્રારંભ થયો ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પણ એનાં મૂળિયાં તેઓ પંદરમી સદીમાં જુએ છે. પંદરમીથી ઓગણીસમી સદી દરમ્યાન કયાં કારણોસર અમદાવાદમાં પહેલી મિલ સ્થાપવા જેવી તક ઉપસ્થિત થઈ હતી તેની તેઓ તપાસ કરે છે. તથાકથિત સામ્રાજ્યવાદી અભ્યાસોમાં, માક્સ વેબરને અનુસરીને, ભારતની જ્ઞાતિસંસ્થા અને ધર્મસંસ્થાને ઔદ્યોગિકીકરણ માટે અનુપકારક માનવામાં આવી હતી. પણ મકરંદ મહેતા સાધાર બતાવે છે કે કેટલા ય કિસ્સામાં ઉદ્યોગસાહસિકોની સફળતાનો આધાર એમની જ્ઞાતિ અને ધર્મ તરફથી મળેલો ટેકો હતો. અમદાવાદ ‘પૂર્વના માન્ચેસ્ટર’ તરીકે વિખ્યાત થયું તેમાં હિન્દુ અને જૈન વણિકોની જ્ઞાતિએ મહત્ત્વનો ભાગ ભજવેલો. અલબત્ત, એમની પૂર્વે મૉરિસ ડી. મૉરિસે એમના ૧૯૪૭ના લેખમાં હિન્દુ ધર્મનાં મૂલ્યો ઔદ્યોગિકીકરણ સાથે નકારાત્મક રીતે સંબંધિત નહોતાં એ બતાવ્યું હતું. આ જ પ્રશ્ન મકરંદ મહેતા એમના ઇન્ડિઅન મર્ચન્ટ્સના પ્રથમ પ્રકરણ ‘હિન્દુ વર્લ્ડ વ્યૂ ઍન્ડ ગુજરાતી બિઝનસમન’માં વિગતે ચર્ચે છે (૧૯૯૧ : ૧૫–૨૦). મૉરિસે ૧૯૯૦માં પ્રકાશિત એક લેખમાં જ્ઞાતિ અને કારીગર/કામગાર વર્ગનો સંબંધ પણ ચર્ચ્યો હતો. મકરંદ મહેતા પૂર્વોક્ત પુસ્તકના શાંતિદાસ ઝવેરીને લગતા છઠ્ઠા પ્રકરણ ‘સોશલ બેઇસ અવ જૈન ઓંત્રપ્રન્યર ઇન ધ સેવન્ટીન્થ સેન્ચરી’માં સામાજિક સંસ્થાઓના મહત્ત્વને રેખાંકિત કરી આપે છે (૧૯૯૧ : ૯૧–૧૧૪). આ એક બે દાખલા ઉપરથી તત્કાલે જે વાદવિવાદ ચાલતા હતા તેમાં એમનો હસ્તક્ષેપ કેવા પ્રકારનો હતો તેનો તાગ મળી રહે છે.
બિઝનેસ હાઉસિઝ ગ્રંથ એમણે દ્વિજેન્દ્ર ત્રિપાઠી સાથે મળીને દ્વિતીય લેખક તરીકે લખેલો. દ્વિજેન્દ્ર ત્રિપાઠીએ ભારતના વાણિજ્યિક ઇતિહાસના ક્ષેત્રમાં મોખરાનું કામ કરેલું અને એમના કારણે જ એ વિષય ઐતિહાસિક સંશોધનમાં મહત્ત્વનો લેખાયો. આ પુસ્તકમાં ભારતના મંદ ઔદ્યોગિકીકરણ માટેના કારણ ગણાવાયેલાં ‘હિન્દુ મૂલ્યો’ અને જ્ઞાતિવ્યવસ્થાને એના લેખકોએ નકારી કાઢ્યાં તો બીજી તરફ સાંસ્થાનિક રાજ્યને પણ દોષી માનતા અતિસરલીકરણને સ્વીકારવાની ના પાડી. ‘કેસ સ્ટડી’માં અને એ રીતે સૂક્ષ્મ ઇતિહાસમાં માનતા લેખકો બતાવે છે કે ભારત જેવા વિશાળ દેશ માટે આ પ્રકારનાં વ્યાપક કારણો ખરેખર કારણો કહી શકાય જ નહીં. ભૂગોળ, પર્યાવરણ, માનવીય સંસાધનો, વેપાર-સંસ્કૃતિ અને એ માટેની અનુકૂળતા, સરકારી નીતિ, નવા હુન્નર પ્રત્યેનો અભિગમ, વગેરે દૃષ્ટિએ વૈવિધ્ય ધરાવતા ઉપખંડ સરખા દેશમાં આ પ્રકારનાં મુગ્ધ વ્યાપકીકરણને ભાગ્યે કોઈ જગ્યા હોય. બીજું, દરેક કિસ્સામાં વ્યક્તિના પ્રતિભાવ એકસરખા હોઈ શકે નહીં. એમણે આ પ્રકારના નિયતિવાદને પણ ખારીજ કર્યો.
આગળ જે ચર્ચા કરી તેમાં એક મુદ્દો એ હતો કે ભારતમાં શાથી આર્થિક વિકાસે વેગ ન પકડ્યો. આર્થિક રીતે ‘વિકસિત’ થયેલા મોટા ભાગના દેશોમાં માનવસંસાધન અગત્યનું કારણ ગણાય છે. ભારતમાં ઓગણીસમી સદીના આરંભે આયુમર્યાદા ૨૫ વર્ષની હતી અને તે ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા સમયે વધીને ૩૨ થઈ. ૧૯૪૭માં બાળમરણનું પ્રમાણ હજારે ૧૯૦ હતું એથી ઓગણીસમી સદીમાં એ ક્યાં ય વધુ હશે એમ સરળતાથી અનુમાની શકાય. આ ઉપરથી શ્રમિક વર્ગ અને કારીગર વર્ગ એના ટૂંકા આયુષ્યમાં આર્થિક ઉત્પાદનમાં, આર્થિક સંશોધનોમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી ન શકે એ સમજી શકાય. બીજું, ઉત્પાદન-ક્ષેત્રમાં પ્રવૃત્ત આ વર્ગનાં જાણકારી, જ્ઞાન, અને કૌશલ નવા ઉદ્યોગો માટે આવશ્યક તંત્રજ્ઞાન માટે મધ્યમ બરનાં પણ ભાગ્યે કહી શકાય એવાં હતાં. ૧૯૪૭માં ભારતમાં સાક્ષરતા-દર ૧૨ ટકા હતો અને એમાં પણ તંત્રજ્ઞાન ધરાવતો વર્ગ તો સૂક્ષ્મદર્શક કાચ લઈને જોવો પડે એટલો નગણ્ય. એટલે તંત્રજ્ઞાન વિનાનો અને ટૂંકું આયુષ્ય ધરાવતો આ વર્ગ કંઈક અંશે ધીમા ઔદ્યોગિકીકરણ માટે ઉત્તરદાયી હતો.
૧૮૯૦માં વડોદરામાં કલાભવનની સ્થાપના અને એમાં ત્રિ.ક. ગજ્જરના બહુમૂલ્ય પ્રદાનની ચર્ચા કરતા લેખમાં મકરંદ મહેતા બતાવે છે કે કેવી રીતે કલાભવને પોતાની રીતે કુશળ કારીગરો તૈયાર કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. આરંભે જ તેઓ સાંસ્થાનિક રાજ અને એની નીતિરીતિને કારણે કેવી રીતે ભારતમાં વિજ્ઞાનનો ‘વિકાસ’ ન થયો એવું માનતા એ. રહેમાન, સુરજિત સિંહા, દીપક કુમાર અને ઇરફાન હબીબ જેવા ઇતિહાસકારોને ટાંકે છે અને પછી બતાવે છે કે ભારતમાં બે પ્રકારની પરંપરા હતી : એક, ‘બ્રાહ્મણો’ અને અન્ય ‘વિશેષાધિકાર’ ધરાવતી જ્ઞાતિઓ અને જૂથોની જેમાં વૈચારિક સ્તરે અને એમાં પણ ‘સંસ્કૃત’ ભાષામાં જ્ઞાનાર્જન થતું; બીજી પરંપરા ‘શૂદ્રો’ની હતી, જેઓ શતકોથી ભાષા અને જ્ઞાનથી વંચિત હતા. એમને એમના શિલ્પકૌશલ માટે કોઈ ‘વૈચારિક’ પ્રતિમાનની આવશ્યકતા હોય તો પણ એ ઉપલબ્ધ નહોતું કેમ કે વિચાર કરનારા અને ક્રિયાશીલ વર્ગો વચ્ચે કોઈ તાલમેલ તો ઠીક સંવાદ પણ નહોતો. બ્રિટિશ રાજે આ પરિસ્થિતિમાં શૂદ્ર જાતિઓને શિક્ષણની તક આપી પણ સાથે જ એમને મહત્ત્વની તકોથી વંચિત રાખવાની જૂની પરંપરા પણ ચાલુ રાખી. આવી પરિસ્થિતિમાં ત્રિ.ક. ગજ્જરે એમના કલાભવનમાં સાત કેન્દ્રો ખોલ્યાં : કલા (રેખાકારી (ડ્રોઇઙ), શિલ્પ, પ્રતિમૂર્તિ); સ્થાપત્ય; યંત્ર અને યંત્રવિદ્યા; રસાયણોનો હુન્નર; શિક્ષણ; કૃષિ; અને વ્યાવહારિક કૌશલો. ટૂંકા ગાળામાં જ કલાભવનના વિદ્યાર્થીઓએ કાચ, રંગ, રસાયણો, જાજમ, તેજાબ, દિવાસળી, અને એવી અનેકાનેક વસ્તુઓ બનાવવામાં નૈપુણ્ય પ્રાપ્ત કર્યું. એટલું જ નહીં, આ વિદ્યાર્થીઓ કલકત્તા, મુંબઈ, કરાંચી, કાનપુર, અમદાવાદ, અમૃતસર, નાગપુર અને એવાં અનેક ઔદ્યોગિક કેન્દ્રોમાં નોકરીએ લાગ્યા હતા. આવી સંસ્થા ભારતમાં ભાગ્યે બીજે ક્યાં ય હતી.
મૌખિક ઇતિહાસ વિશે જૂની પેઢીના ઇતિહાસના કેટલાક અધ્યાપકો એમ માનતા કે એવા ‘કહેતો હતો-કહેતી હતી’ના ઇતિહાસનું કશું ઐતિહાસિક મૂલ્ય નથી. એમને એમ લાગતું કે દફતરભંડાર વિના ઇતિહાસ લખી શકાય જ નહીં. આ સંદર્ભે મકરંદ મહેતા એમના પૂર્વોક્ત પ્રમુખીય વક્તવ્યમાં કહે છે કે, ‘ઉપાશ્રિત વર્ગોની વર્તમાન મૌખિક પરંપરાઓમાં, એમનાં લોકગીતો, લોકકથાઓ, કહેવતો, ઉખાણાં, વગેરેમાં એમની ચિંતાઓ અને સામાજિક વાસ્તવની છબીઓ ઝિલાયેલી હોય છે. એમનો ઇતિહાસ લખવા માટે આ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. પણ એમ કરતાં સાવધાની અને સતર્કતા બન્ને રાખવી જોઈએ’. પછી કહે છે ‘ગરીબોનો ઇતિહાસ પોતે ગરીબ (= નબળો) હોય એ જરા ય જરૂરી નથી’ (૧૯૮૭ : ૩૩૪).
પોતાનાં સંશોધનો માટે તેઓ મૌખિક ઇતિહાસને ખાસ મહત્ત્વ આપે છે. કલાભવન અને ત્રિ.ક. ગજ્જરના લેખ માટે એમણે એમના ભત્રીજા અને એમના પૌત્રની મુલાકાત લઈ માહિતી મેળવેલી. એમની પાસેથી જ એમને ઘણી અપ્રકાશિત સામગ્રી પણ મળેલી. એ જ રીતે, અમદાવાદના સ્વામીનારાયણ મંદિરમાં પ્રવેશ માટે દલિતોએ ૧૯૪૮માં કરેલા અસફળ સત્યાગ્રહને લગતા મહત્ત્વપૂર્ણ લેખમાં પણ તેઓ મૌખિક ઇતિહાસને ખપમાં લે છે. કહેવાની ભાગ્યે જરૂર હોય કે કેટલા ય કિસ્સામાં આ પ્રકારની રૂબરૂ મુલાકાતો નવા જ પ્રકારની માહિતી પૂરી પાડે.
દલિત અભ્યાસો એમના રસનો તો ખરો જ પણ એમના હૃદયની પણ નજીકનો વિષય હતો. ૧૯૪૮ના પૂર્વોક્ત સત્યાગ્રહમાં જ્યારે ગાંધીવાદી કાર્યકરો સાથે દલિતો એ મંદિરમાં પ્રવેશ માટે ગયા ત્યારે અમે હિન્દુ નથી પણ જુદા જ ધર્મના અનુયાયીઓ છીએ માટે હરિજન ટેમ્પલ એન્ટ્રી ઍક્ટ અમને લાગુ ન પડે એમ કહી મંદિરપ્રવેશ માટે એમને મનાઈ ફરમાવવામાં આવેલી. આ ઍક્ટ ૧૯૪૭માં બાળાસાહેબ ખેરની મુંબઈ સરકારે પસાર કરેલો. મામલો ત્યાર બાદ અદાલતમાં ગયો. મુંબઈની વડી અદાલતે ૩ ઓક્ટોબર ૧૯૫૮ના રોજ સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ છે એવો ચુકાદો આપ્યો. સંસ્થા એ ચુકાદા સામે સર્વોચ્ચ ન્યાયલયમાં ગઈ. ત્યાં પણ એ ચુકાદો બહાલ રાખવામાં આવ્યો. એ સંપ્રદાયના ગાંધીવાદી લેખક કિશોરલાલ ઘ. મશરૂવાળાએ તો દલિતોએ શા માટે મંદિરમાં જવું જોઈએ એવો પ્રશ્ન કરી દલિતોએ રાજકીય રોટલો શેકવો બંધ કરવો જોઈએ એમ પણ કહ્યું! આ સત્યાગ્રહને પરિણામે મિલોમાં હડતાલ પાડવામાં આવી અને સાથે જ નૈતિક ટેકા રૂપે અમદાવાદના સેવકભાઈઓએ સુધરાઈમાં કામ કરવું બંધ કર્યું. કડી, કલોલ અને પેટલાદની મિલોના વણકર ભાઈઓએ પણ એક દિવસની પ્રતીક હડતાળ પાડી. આમ હવે એ માત્ર ધાર્મિક મુદ્દો ન રહેતાં આર્થિક પણ બન્યો. સંસ્થાને અને સત્યાગ્રહીઓને સમજાવવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. ગાંધીજીએ એમની હત્યા અગાઉ જે સંદેશ મોકલ્યો તેની પણ કશી અસર ન થઈ. છેવટે સરદાર પટેલે આવી બન્ને પક્ષોને સમજાવવાનો પ્રયત્ન કરવો પડ્યો અને છેવટે એમાં દલિતોને નમતું જોખવું પડ્યું. આ લેખમાં મકરંદ મહેતા આપણા સમયના એક નાના પ્રસંગને આલેખે છે પણ એમાં આપણી જ્ઞાતિસંસ્થા, ધર્મસંસ્થા, રાજકારણ, અર્થકારણ, નેતાગીરી, સામાજિક વાતાવરણ, સાથે જ આપણાં અંગત રાગદ્વેષ અને નબળાઈઓ ઉપર આવકાર્ય પ્રકાશ ફેંકે છે. આવા લેખ બતાવે છે કે પ્રાસંગિક ઘટનાઓ (આનાલ મંડળની પરિભાષામાં ‘લિસ્ત્વાર એવેનમોંતિએલ’) કેવી રીતે લાંબા ગાળામાં પથરાયેલી સામાજિક-આર્થિક સંરચનાઓ ઉપર, એટલે કે ‘લોંગ દ્યૂરે’ ઉપર, આધાર રાખે છે અને એના સંદર્ભમાં જ સમજી શકાય.
સામગ્રી ઉપર મકરંદ મહેતાની પકડ અદ્ભુત હતી. પોતાના વિષયને લગતી માહિતી તેઓ ગમે ત્યાંથી શોધી કાઢે. એમના અભ્યાસોના સંદર્ભ તપાસીએ તો એમાં ઐતિહાસિક સામગ્રી ઉપરાંત દફતરભંડારોના અપ્રકાશિત દસ્તાવેજો, રૂબરૂ મુલાકાતો, સાહિત્ય, વસ્તીના અને એવા બીજા આંકડાકીય અહેવાલો, ભાષા અને શબ્દો, પરદેશી મુસાફરોનાં યાત્રાવર્ણનો, એમ અનેક સ્રોત ટાંકેલા જોવા મળે. પણ એમની વાત માત્ર એટલે પૂરી ન થાય. એ સામગ્રીનું એમને અભિપ્રેત વિચાર મુજબ તર્કબદ્ધ અને ગળે ઊતરે તેવું અર્થઘટન પણ કરે. અને એમાં પણ એમની પદ્ધતિ સામગ્રીથી સિદ્ધાંત તરફની. પહેલેથી કશું ધારી ન લે કે સ્વીકારી ન લે. સામગ્રીને આધારે જ પોતાની વાત મૂકે. નક્કર તથ્યો વિના અધ્ધર મુકાતી વાતોને અને એવી જ ‘કોમન સેન્સ’ને એ ગણકારતા નહીં. ‘ભારતીયતા’ને લગતી એવી જ હવાઈ વાતોનો પણ એમને ભારે કંટાળો. સામગ્રી માટેની આવી પ્રતિબદ્ધતા મેં બહુ ઓછા વિદ્વાનોમાં જોઈ છે. પોતે મોટા ઇતિહાસકાર અને વિદ્વાન પણ એનો કશો જ ભાર ક્યારે ય મેં જોયો કે અનુભવ્યો નથી. વાતચીતમાં તો નહીં જ પણ લખાણમાં પણ નહીં. એમની ભાષા સાદી પણ સોંસરવી. એકેડેમિક જગતમાં ફૅશનેબલ ગણાતા શબ્દો વાપરવાનો પણ કશો અભરખો નહીં. એમને એમ કરવાની કોઈ જરૂર પણ નહોતી, પણ એ બીજી વાત થઈ.
અમે છેલ્લે અમદાવાદ મોહનલાલ દલીચંદ દેસાઈ ઉપરના પરિસંવાદમાં ૩૦મી માર્ચે મળ્યા. જમ્યા પછી કહે કે મેં કાન્તના ધર્માંતરણ વિશે એક ફર્સ્ટ ક્લાસ પેપર લખ્યો છે. ‘ફર્સ્ટ ક્લાસ’ એ એમનો મનગમતો શબ્દ પણ ગમે ત્યાં ન પ્રયોજે. પછી ઉમેર્યું, તારી સાથે એ વિશે થોડી ચર્ચા કરવી છે માટે તું રોકવાનો હોય તો સાંજે ઘરે જરૂર આવજે. મેં એમને કહ્યું કે હું પણ એ અંગે ઘણા સમયથી કામ કરું છું અને વાત કરવાની મજા આવશે. એમને કાનની ખરેખરી તકલીફ હતી પણ એમના રસની વાત એ અજબ રીતે તરત સમજી શકતા. એ રાજી થયા. કહે, પણ મારો અભિગમ તારા કરતાં જુદો હશે. હું રોકાયો તો હતો પણ સાંજે એમને મળવા ન જઈ શક્યો. મારા જેવા વિદ્યાર્થી સાથે પણ ચર્ચા કરવાનું સૂચવે એમાં એમની મોટાઈ હતી. નાના માણસ પાસેથી પણ કશું શીખી શકાય એ વાત એમના વ્યક્તિત્વમાં વણાઈ ગયેલી. ગુજરાત ઉપર કામ કરતી પરદેશની ભાગ્યે કોઈ એવી વ્યક્તિ હશે જે એમને નહીં મળી હોય. અને જે મળે તેને એમની પાસે જે જ્ઞાન હોય તે છૂટથી આપે. ડગ્લસ હેઇન્સ જેવા મોટા ગજાના ઇતિહાસકાર સાથે જેવું વર્તન તેવું જ એક સામાન્ય વિદ્યાર્થી સાથે. તમે એમની વાત સાથે સમ્મત થાઓ તો ખુશ ને ન થાઓ તો પણ ઉદાર ચિત્તે એનો સ્વીકાર. કોઈએ (મોટે ભાગે તો તેજોદ્વેષને કારણે) એમની ટીકા કરી હોય તો પણ ક્યાં ય દંશ, ડંખ કે દુર્ભાવ નહીં. મને તો એ કાયમ નાના બાળક જેવા લાગતા. કોઈ પણ વિષય અંગે વાત કરવાનો એમનો ઉત્સાહ પણ શિશુસહજ. કદાચ, એટલે જ આયુષ્યના છેક છેલ્લા તબક્કે પણ સાવ હળવાફૂલ; ખાવા, પીવાના, હરવા-ફરવાના શોખીન.
અત્યારે તો ‘લિબરલ’ શબ્દ એક ગાળ જેવો થઈ ગયો છે (અને એ આપનારા મોટા ભાગના એમ જ માને છે કે ‘લેફ્ટ’ અને ‘લિબરલ’ એક જ!) પણ મને લાગે છે કે મકરંદ મહેતા સાચા અર્થમાં લિબરલ હતા.
એમના વિશેની કોઈ પણ નોંધ શિરીનબહેનના ઉલ્લેખ વિના અધૂરી ગણાય. એ પણ મોટાં ઇતિહાસકાર. મહેતાસાહેબની પૂરેપૂરી કાળજી રાખે. ઘણી વાર કહે, દાદા પાસે જેટલું લેવું હોય તે લઈ લો, ફરી નહીં મળે. પણ જેમ ઢાંકીસાહેબ પાસેથી લેવા જેવું ઘણું પ્રમાદ અને અજ્ઞાનવશ ન લઈ શકાયું તેમ એમની પાસેથી પણ.
મકરંદ મહેતાને સસ્નેહ આદરાંજલિ.
સંદર્ભસૂચિ :
Mehta, Makrand. 1987. Presidential Address: Modern Indian History: Reflections on a New Directions. Proceedings of the Indian History Congress 48: 333–342.
—. 1991. Indian Merchants and Entrepreneurs in Historical Perspective: With Special Reference to Shroffs of Gujarat, 17th to 19th Centuries. Delhi: Academic Foundation.
—. 1992. Science versus technology: the early years of the Kala Bhavan, Baroda 1890–1896. Indian Journal of History of Science 27 (2): 145–169.
—. 2002. The Dalit temple entry movements in Maharashtra and Gujarat, 1930–1948. In Takashi Shinoda (ed.), The Other Gujarat, pp. 1–21. Mumbai: Popular Prakashan.
Morris, David Morris. 1960. Caste and the evolution of the industrial workforce in India. Proceedings of the American Philosophical Society 104 (2): 124–133.
Morris, David Morris. 1967. Values as an obstacle to economic growth in South Asia: an historical survey. Journal of Economic History 27 (4): 588–607.
સૌજન્ય : “નવનીત સમર્પણ”, નવેમ્બર 2024; પૃષ્ટ 53 – 64
Ramgiri, Peej Marg, NADIYAD – 387 002
E.mail : nasatya@gmail.com