કૃષ્ણ ચંદરના (23 નવેમ્બર 1914 – 08 માર્ચ 1977) ઉર્દૂ સાહિત્યમાં વિવિધતા, આનંદ, રોમાંસ, વાસ્તવિકતા, વિદ્રોહ, રમૂજ અને વ્યંગનો સમાવેશ જોવા મળે છે. તેમના વિષયો લોકોના જીવન અને તેની સમસ્યાઓ આસપાસ ફરે છે. તેમનું સાહિત્ય એટલે કવિનું હૃદય અને ચિત્રકારનું બ્રશ ! તેમણે વાર્તાઓ અને નવલકથાઓ દ્વારા પ્રગતિશીલ સાહિત્યની પહેલ કરી અને તેને વિશ્વના મંચ પર લાવ્યા. તેમણે ડઝનેક નવલકથાઓ અને 500થી વધુ ટૂંકી વાર્તાઓ લખી. તેમની કૃતિઓ વિશ્વની વિવિધ ભાષાઓમાં અનુવાદિત થઈ છે.
કૃષ્ણ ચંદરનો જન્મ રાજસ્થાનના ભરતપુર શહેરમાં થયો હતો. તેમણે લાહોરની ફોરમન ક્રિશ્ચિયન કોલેજમાં એડમિશન લીધું. તે જ સમયે, તેઓ ભગતસિંહના સાથીદારોને મળ્યા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. તેમની ધરપકડ કરવામાં આવી અને બે મહિના સુધી લાહોરના કિલ્લામાં નજરકેદ રાખવામાં આવ્યા. તેમણે અંગ્રેજીમાં M.A અને પછી L.LB કર્યું. પરંતુ તેમની અભિરુચિ સાહિત્ય તરફ હતી.
તેમની પ્રથમ નવલકથા ‘શિકસ્ત’ 1943માં પ્રકાશિત થઈ હતી. 1939માં, અહેમદ શાહ બુખારી (પતરસ), ઓલ ઇન્ડિયા રેડિયોના ડેપ્યુટી ડાયરેક્ટર હતા, તેમણે કૃષ્ણ ચંદરને ઓલ ઇન્ડિયા રેડિયો, લાહોરમાં પ્રોગ્રામ સહાયકની નોકરી આપી. તેમણે ત્રણ વર્ષ સુધી લાહોર, દિલ્હી અને લખનૌમાં પ્રોગ્રામ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. તેઓ રેડિયોની નોકરીથી સંતુષ્ટ ન હતા. તે સમયે, પુણેની શાલીમાર ફિલ્મ કંપનીના નિર્માતા/નિર્દેશક ઝેડ. અહેમદે તેમની એક વાર્તા વાંચી અને તેમને ટેલિફોન કરીને તેમની ફિલ્મ કંપની માટે સંવાદો લખવા આમંત્રણ આપ્યું. કૃષ્ણ ચંદર રેડિયોની નોકરી છોડીને પુણે ચાલ્યા ગયા. પુણેનો સમય કૃષ્ણ ચંદરના જીવનમાં યાદગાર અને રંગીન સમય હતો. અહીં તેમણે ‘અન્નદાતા’ અને ‘મોબી’ વાર્તાઓ લખી હતી.
કૃષ્ણ ચંદર 1946માં પુણેથી બોમ્બે ચાલ્યા ગયા જ્યાં તેમને 1,500 રૂપિયાના માસિક પગારે બોમ્બે ટોકીઝમાં નોકરી મળી. તે કંપનીમાં એક વર્ષ કામ કર્યા પછી, તેમણે નોકરી છોડી દીધી અને ફિલ્મોના નિર્માતા અને દિગ્દર્શક બની ગયા. તેમની પ્રથમ ફિલ્મ ‘સરાય કે બહાર’ તેમના એક રેડિયો નાટક પર આધારિત હતી. તેમના ભાઈ મહેન્દ્રનાથ તેમાં હીરો હતા. આ ફિલ્મ નિષ્ફળ ગઈ. ત્યારબાદ તેમણે ‘રાખ’ ફિલ્મ બનાવી જે ક્યારે ય રિલીઝ ન થઈ. ફિલ્મોની નિષ્ફળતાના પરિણામે, કૃષ્ણ ચંદર જમીન પર આવી ગયા. તેમના પર દેવાનો ભારે બોજ હતો અને તેની ચૂકવણીની કોઈ શક્યતા નહોતી. તેમણે પોતાની કાર વેચી, નોકરોને કાઢી મૂક્યા અને બોમ્બેમાં પોતાનો પગ જમાવવા માટે નવો સંઘર્ષ શરૂ કર્યો. કૃષ્ણ ચંદરે લગભગ બે ડઝન ફિલ્મો માટે વાર્તાઓ અને સંવાદો લખ્યા.
1966માં, કૃષ્ણ ચંદરને સોવિયેત લેન્ડ નેહરુ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જેમાં પંદર દિવસ માટે સોવિયત સંઘની મુલાકાત લેવાનું આમંત્રણ પણ સામેલ હતું. કૃષ્ણ ચંદરે સલમા સિદ્દીકી સાથે રશિયાની મુલાકાત લીધી હતી. 1973માં, ફિલ્મ્સ વિભાગે તેમના વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને તેમના જીવન પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને આ કામ તેમના ભાઈ મહેન્દ્રનાથને સોંપવામાં આવ્યું. 1969માં તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
કૃષ્ણ ચંદર હાર્ટ પેશન્ટ હતા. તેમને 5 માર્ચ 1977ના રોજ, ચોથો હાર્ટ એટેક આવ્યો, અને 8 માર્ચે તેમનું અવસાન થયું. તેમણે ઉર્દૂ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. 2019માં, ICSE બોર્ડે એમની વાર્તા ‘જામુન કા પેડ’ ધોરણ 10ના અભ્યાસક્રમમાંથી એમ કહી હટાવી દીધી હતી કે આ વાર્તા દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે યોગ્ય નથી ! વાસ્તવમાં આ વાર્તા સરકારી વ્યવસ્થાની પોલ ઉઘાડી પાડતી હતી ! ‘જામુન કા પેડ’ વાર્તામાં સચિવાલય પરિસરમાં એક માણસ જાંબુના ઝાડ નીચે દબાયેલો હોય છે. તેને કાઢવાને બદલે તેની ફાઈલ એક વિભાગથી બીજા વિભાગમાં ફરતી રહે છે. છેવટે તેની ફાઈલ ખૂલે છે ત્યારે તે માણસનો જીવ જતો રહે છે. બેજવાબદાર નોકરશાહી કેટલી અક્ષમ / ભ્રષ્ટ / સંવેદનહીન / અમાનવીય છે તેના પર વ્યંગ છે. આજે કૃષ્ણ ચંદર લખતા હોત તો ન જાણે કેટલા ય રાજદ્રોહના કેસમાં ફિટ કરી દીધા હોત ! આદરાંજલિ !
[સૌજન્ય : હિદાયત પરમાર]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર