દેશની આઝાદીની લડતમાં જેલ જવું સામાન્ય હતું, એટલું સામાન્ય કે જેલજીવનને તત્કાલીન આગેવાનોએ સહજતાથી સ્વીકારી લીધું હતું. ગાંધીજીને દેશની આઝાદીની લડત દરમિયાન દસેક વાર જેલમાં જવાનું થયું. ઘણી વાર તો આમાં બેથી વધુ વર્ષની સજા તેમણે ભોગવી. 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા બાદ, પહેલીવહેલી વાર ગાંધીજીને જેલ 1922માં થઈ. તે અગાઉ 1919માં તેમની પંજાબમાં ન પ્રવેશવા ધરપકડ કરવામાં આવી હતી; પરંતુ તેમની પર વિધિવત્ રીતે કેસ ચાલ્યો હોય અને લાંબા મુદ્દતની સજા થઈ હોય તે વર્ષ 1922નું. આ જ મહિનામાં તેમના પ્રથમ કારાવાસને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
આ ઐતિહાસિક ઘટનાની શરૂઆત તે વખતના અસહકાર આંદોલનથી થઈ હતી અને તે પછી તેમાં ખિલાફત આંદોલન, અંગ્રેજ સરકારના પંજાબના અત્યાચાર અને અન્ય અનેક ઘટનાઓ ઉમેરાતી ગઈ. ભારતમાં આવ્યા બાદ ગાંધીજીનું દેશવ્યાપી આંદોલન અસહકાર હતું. આ દરમિયાન ગાંધીજીએ લખેલા લેખો સંદર્ભે એમનું અમદાવાદના જિલ્લા મેજિસ્ટ્રેટે વૉરંટ કાઢ્યું. અને અમદાવાદમાં તેમની 10 માર્ચના રોજ રાતે દસ વાગ્યે ધરપકડ કરવામાં આવી. 11મી તારીખે તેમને સાબરમતી જેલમાં લઈ જવામાં આવ્યા અને ત્રણ લેખો દ્વારા રાજદ્રોહ ફેલાવ્યો છે એ મતલબનું તહોમતનામું મૂકવામાં આવ્યું. આ ત્રણ લેખો હતા : ‘રાજદ્રોહ’, ‘વાઇસરૉયની મૂંઝવણ અને ‘હુંકાર’.
18મી માર્ચે અમદાવાદના સરકીટ હાઉસ પર આ કેસ ચાલ્યો અને તેમાં કેસની શરૂઆત આ રીતે થઈ : “બરોબર બારને ટકોરે સેશન્સ જજ મિ. બ્રૂમફિલ્ડ પૂર રુબાબમાં આવી પહોંચ્યા. મુકદ્દમો શરૂ થયો. રજિસ્ટ્રાર મિ. ઠાકોરે મહાત્માજી અને તેમના સાથી ભાઈ શંકરલાલ સામેનું તહોમતપત્રક ખડા સૂરમાં વાંચી સંભળાવ્યું. લોકોને यंग इन्डियाના ત્રણ રાજદ્રોહી લેખો કોર્ટની વચ્ચે ફરી એક વાર નિરાંતે સાંભળવાની તક મળી.” જજે તહોમત સમજાવ્યું અને તે ગાંધીજીએ પછી લેખી એકરાર વાંચી સંભળાવ્યો. તેમાં સજા કબૂલ કરતાં એક ઠેકાણે તેઓ કહે છે : “હું દયા માંગતો નથી. તેમ મારા ગુનાને હળવા ગણવો એવી પણ દલીલ કરવા ઇચ્છતો નથી. માટે કાયદાની દૃષ્ટિએ જે ઇરાદાપૂર્વક ગુનો ગણાય, પણ મારે મન તો જે દરેક શહેરીની એક ઊંચામાં ઊંચી ફરજ છે તે માટે સખતમાં સખત સજા માગી લેવા અને તેને આનંદથી તાબે થવા હું અહીં બેઠો છું. મારા લેખી એકરારમાં હું જણાવવાનો છું તેમ હે ન્યાયાધીશ! તમારે માટે બે જ માર્ગ ખુલ્લા છે. જો તમને લાગે કે જે કાયદાનો તમારે અમલ કરવાનો છે તે એક પાપી વસ્તુ છે અને ખરું જોતાં હું નિર્દોષ છું તો તમે તમારી જગાનું રાજીનામું આપો અને એમ કરીને પાપનો સંગ તજો; પણ જો તમને એમ લાગે કે જે કાયદાનો તમે અમલ કરો છો અને જે પદ્ધતિ ચલાવવામાં મદદ કરો છો તે સારી વસ્તુ છે અને તેથી મારી પ્રવૃત્તિ પ્રજાહિતને નુકસાનકર્તા છે તો કડકમાં કડક સજા ફરમાવો.”
આ લેખી એકરારમાં ગાંધીજીએ પોતાનો પૂરો પક્ષ મૂકી આપ્યો છે અને તે પછી જજ બ્રૂમફિલ્ડે કેસનો ચૂકાદો આપ્યો, તેમાં તેઓ કહે છે : “મિ. ગાંધી તમે આરોપનો સ્વીકાર કરી એક રીતે મારું કામ સરળ કરી આપ્યું છે, પણ તમને કેટલી સજા આપવી એ નક્કી કરવાનું કામ સહેલું નથી. મને નથી લાગતું કે આ દેશમાં કોઈ પણ જજ આગળ આટલું અઘરું કામ કોઈ વાર આવી પડ્યું હોય. … તમે જુદી જ કોટિના પુરુષ છો તે તરફ મારાથી દુર્લક્ષ કરાય એમ નથી. તમારા કરોડો દેશબંધુઓની દૃષ્ટિમાં તમે મહાન દેશભક્ત છો, મહાન નેતા છો અને એ વસ્તુ તરફ પણ દુર્લક્ષ કરાય તેમ નથી.”
તે પછી જજ સજા સુનાવતાં કહે છે : “સજા કરવાની બાબતમાં બારેક વરસની વાત પર ચાલેલા આવા જ બીજા એક મુકદ્દમાને હું અનુસરવા માંગુ છું. મિ. બાળ ગંગાધર ટિળકને આ જ કલમની રૂએ સજા થયેલી. તે વખતે છેવટે છ વરસની આસાનકેદની સજા તેમને ભોગવવી પડેલી. મને ખાતરી છે કે જો હું તમને મિ. ટિળકની હારમાં બેસાડું તો તેમાં તમને અયોગ્ય નહીં લાગે. તેથી તમને દરેક ગુનાને માટે બબ્બે વરસની આસાનકેદ, એટલે કે બધી મળીને છ વરસની આસાનકેદની સજા ફરમાવવાની મને મારી ફરજ લાગે છે. આ સજા ફરમાવતાં હું એટલું ઉમેરવા માંગું છું કે ભવિષ્યમાં જો હિંદુસ્તાનનું રાજદ્વારી વાતાવરણ શમે અને સરકાર તમારી સજા ઓછી કરી તમને છોડી મેલી શકે તો તે દિવસે મારા જેટલો આનંદ બીજા કોઈને નહીં થાય.”
આ રીતે ‘ધ ગ્રેટ ટ્રાયલ’ થઈ. સજા થયા પછી પણ ગાંધીજીએ પોતાની રચનાત્મક કાર્યની નિર્ધારિત કરેલી ભૂમિકાએ જ આગળ વધવાનું નિશ્ચિત કર્યું. ફેબ્રુઆરી, 1922માં ચૌરીચૌરીમાં લોકોએ આચરેલી હિંસા પછી અસહકારનું આંદોલન થંભાવી દેવામાં આવ્યું હતું. આ પછી ગાંધીજીનું મુખ્ય ધ્યેય રચનાત્મક કાર્યક્રમ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. રચનાત્મક કાર્યક્રમમાં રાષ્ટ્રને પાયામાંથી ઘડતર કરવાની ગાંધીજીની નેમ હતી. તેમાં કોમીએકતા, અસ્પૃશ્યતાનિવારણ, દારૂબંધી, ખાદી, બીજા ગ્રામોદ્યોગ, ગામસફાઈ, પાયાની કેળવણી, પ્રૌઢશિક્ષણ એવા અઢાર કાર્યક્રમોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. અને એટલે જ અદાલતમાંથી વિદાય લેતી વેળાએ ગાંધીજીએ કહ્યું : “ભારતવાસી શાંતિ જાળવે, અને દરેક પ્રયાસ કરીને શાંતિની રક્ષા કરે. કેવળ ખાદી પહેરે અને રેંટિયો કાંતે. લોકો જો મને છોડાવવા માગતા હોય તો શાંતિ દ્વારા જ છોડાવે. જો લોકો શાંતિ છોડી દેશે તો યાદ રાખજો કે હું જેલમાં રહેવાનું પસંદ કરીશ.”
જેલવાસ દરમિયાન પણ ગાંધીજીની પ્રવૃત્તિ સતત ચાલતી રહેતી, તેમાં મુખ્ય લખવા અને વાંચવાનું તેઓએ ખૂબ કર્યું છે. સાબરમતી જેલમાંથી તેઓ ભાણેજ મથુરદાસ ત્રિકમજીને લખેલાં પત્રમાં જણાવે છે : “મારી શાંતિનો પાર નથી. અહીં તો ઘર જ છે. હજુ તો જેલ જેવું કંઈ લાગતું જ નથી. પણ જ્યારે મળનારા આવતા બંધ થશે ને જેલનો કંઈક દાબ પણ આવશે ત્યારે હું વધારે શાંતિ ભોગવવાનો, એ તો ખચીત માનજો.” અન્ય એક મિત્ર રેવાશંકર ઝવેરીને પણ ગાંધીજીએ જેલમાંથી લખેલા પત્રોના શબ્દો છે : “હું તો ભારે શાંતિ ભોગવી રહ્યો છું.” આ જ દરમિયાન તેમણે બાળપોથી લખી હતી. આ બાળપોથી 1951માં પ્રકાશિત થઈ હતી. તે પછી તેમણે હકીમજી અજમલખાનને પત્ર દ્વારા સારું એવું લખાણ લખ્યું છે. આ પત્રમાં એક ઠેકાણે તેઓ લખે છે : “હું ત્રિકોણકાર ખંડમાં છું. એ ત્રિકોણની સૌથી લાંબી બાજુ પશ્ચિમે છે અને તે બાજુએ અગિયાર કોટડી છે. આ ચોગાનમાં મારો એક સાથી, મારા ધારવા પ્રમાણે, એક અરબ રાજકેદી છે. એને હિંદુસ્તાની આવડતું નથી અને દુર્ભાગ્યે મને અરબી નથી આવડતું, એટલે અમારો સંબંધ કેવળ સવારે એકબીજાને સલામ કરવા પૂરતો જ છે. … આખો ત્રિકોણ મારે માટે કસરત સારુ ખુલ્લો છે, અને મને કદાચ 140 ફૂટ જગ્યા મળી રહેતી હશે. હું પેલા દરવાજામાંથી દેખાતી ખુલ્લી જગ્યાની વાત કરી ગયો.” આમ, આબેહૂબ તેમની જગ્યાનું વર્ણન આ પત્રમાં કર્યું છે.
આ જેલવાસ દરમિયાન યરવડા જેલના સુપરિન્ટેન્ડેન્ટને પત્ર લખવાનો ક્રમ ગાંધીજીનો રહ્યો છે. તેમણે સુપરિન્ટેન્ડેન્ટને અહીંયા ખાસ્સાં એવા પત્ર લખ્યા છે. આ પત્રોમાં ગાંધીજી તેમને અલગ અલગ બાબતે ધ્યાન દોરી રહ્યા છે. 14 ઑક્ટોબરના રોજ લખાયેલા પત્રમાં તેઓ લખે છે : “मोर्डन रिव्यू પત્ર આપવાની સરકારે મને ના પાડી છે, તો તે સંબંધમાં હું જણાવવાની રજા લઉં છું કે ગઈ ત્રિમાસિક મુલાકાત વખતે મારી સ્ત્રીની સાથે આવેલા મિત્રોએ મને કહ્યું કે સરકારે તો એવું જાહેર કીધું છે કે કેદીઓને સામયિક પત્રો આપવામાં આવે છે. જો આ ખબર સાચી હોય તો મારી માગણી તાજી કરું છું.” સુપરિન્ટેન્ડેન્ટને એક અન્ય પત્રમાં તેઓ ફરી સામયિકની માંગણી કરતાં લખે છે : “वसन्त અને समालोचक નામનાં બે ગુજરાતી માસિકો મને ન લેવા દેવામાં આવે એવો, કારણ જણાવ્યા વિના, ઇન્સ્પેક્ટર જનરલે હુકમ કર્યો છે એમ તમે મને જણાવ્યું છે. समालोचकને વિષે તો હું બહુ નથી જાણતો, પણ वसन्तને હું જાણું છું. .. એ માસિકમાં લખનારાઓ પણ ઘણાખરા એક અથવા બીજી રીતે સરકારની સાથે સંબંધ રાખનારા છે. એમાં શુદ્ધ રાજકીય વિષયોની ચર્ચા આવે છે એવું મારા જાણવામાં નથી.”
આ રીતે ગાંધીજીનો પ્રથમ જેલવાસ પ્રવૃત્તિથી ભર્યોભર્યો રહ્યો છે. 1924ના વર્ષમાં 4 ફેબ્રુઆરીના રોજ તેમને બિનશરતી છોડવાનો હુકમ થયો અને તેઓ છૂટ્યા. આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણીમાં આ ઘટનાઓ અગત્યની છે અને તે પ્રજા સમક્ષ મૂકાવી જોઈએ. આ ઘટનાક્રમથી જ આઝાદી કિંમત સમજાશે. અને એ પણ સમજાશે કે વર્તમાન આગેવાનો કેટલાં ક્ષુલ્લક બાબતે ગૌરવ લે છે.
e.mail : kirankapure@gmail.com