અયોધ્યા સંબંધે અત્યારે સર્વત્ર ઊજવણીની સ્ટોરીઝ આવી રહી છે, પણ કેટલીક અગત્યની બાબતો મીડિયામાં દૃશ્યમાન થઈ રહી નથી. અયોધ્યા વિવાદને લઈને જેમની હત્યા થઈ હતી; તે બાબા લાલદાસ પણ ભૂલાઈ ચૂક્યા છે. આમ આ વિવાદમાં અનેક લોકો મૃત્યુ પામ્યા; અને પરિવારો પણ ખુંવાર થયા. પરંતુ આજે તે બધા વતી કોઈ બોલનારું નથી; જ્યારે બાબા લાલદાસે તે વખતે કહેલી કેટલીક દસ્તાવેજિત થઈ છે, જે આજે પણ જોઈ-વાંચી શકાય છે. બાબા લાલદાસ સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે તેમણે આનંદ પટવર્ધન દિગ્દર્શિત ‘રામ કે નામ’ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં ઇન્ટરવ્યૂ આપ્યો અને અયોઘ્યા વિવાદ સંદર્ભે રાજકીય પક્ષોને ન ગમે તેવી વાત કરી. 1969થી 1992માં તેમની હત્યા થઈ ત્યાં સુધી તેઓ અયોધ્યા વિવાદ સાથે જોડાયેલા રહ્યા; અને આ વિવાદને રાજકીય રંગ ન આપવા અંગે તેઓ મક્કમ હતા. તેમની હત્યાના થોડા દિવસો પૂર્વે બાબા લાલદાસે ‘માનુષી’ નામના મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યૂઝની કેટલીક વાતો આંખ ઉઘાડનારી છે.
આ ઇન્ટરવ્યૂ તે પછી ‘રાષ્ટ્રવાદી કી ચકરી મેં ધર્મ એવમ્ અન્ય’ નામના પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. તેમાં શરૂઆતમાં બાબા લાલદાસ કહે છે કે, “મારું નામ લાલદાસ છે. 1983માં ન્યાયાલયે મારી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી તરીકે નિમણૂક કરી હતી. મેં આ પદ પર 1 માર્ચ, 1992 સુધી કામ કર્યું. તે અગાઉ હું રામ જન્મભૂમિ સેવા સમિતિનું કાર્ય જોતો હતો. 1969થી 1983 સુધી હું ન્યાયાલયમાં ચાલી રહેલા અયોધ્યાના વિવાદિત કેસમાં સતત હાજર રહેતો. તે પછી મંદિરના મુખ્ય પૂજારી તરીકે મારી નિમણૂંક કરવામાં આવી. કાગળ પર તો આજે પણ હું જ પૂજારી છું. આ નિમણૂંક રિસીવરના પદ પર રહેનારા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવી હતી. 1992માં ભા.જ.પ. સરકારે મને હટાવીને પોતાના સમર્થકને રામજન્મભૂમિના પૂજારી બનાવી દીધા.”
‘ભા.જ.પે. આવું કેમ કર્યું? તેમને એવું લાગતું હતું કે તમે તેમના હિતમાં કામ નહીં કરો?’ એવું જ્યારે લાલદાસને પૂછવામાં આવ્યું તો તેમણે ઉત્તરમાં કહ્યું : “કોઈના હિતમાં કામ કરવાનો પ્રશ્ન જ નહોતો. હું તેમના આધિન આવતો નહોતો. મારી નિમણૂંક કોર્ટે કરી હતી અને કોર્ટ સામાન્ય રીતે નિષ્પક્ષ વ્યક્તિની જ નિમણૂંક કરે છે. તેઓ મારી પાસેથી જે પણ ઇચ્છતા હતા, તેનું હું પાલન કરી શકું એમ નહોતો – તેમને મારી પાસેથી બે ઉદ્દેશ્ય પાર પાડવાના હતા – પ્રથમ હું મીડિયામાં તેમના પક્ષમાં બોલું; ને બીજું એવું જાહેર કરી દઉં કે રામ જન્મભૂમિના પૂજારીને મળનારી ભેટ પર વિશ્વ હિંદુ પરિષદનો હક છે. તેમનો મુખ્ય રસ પોતાના રાજકીય પ્રચારમાં હતો. તેઓ ઇચ્છતા હતા કે મંદિરમાં આવનારા તમામને અમે કહીએ કે મંદિર વિશ્વ હિંદુ પરિષદનું છે.” અયોઘ્યામાં ખરેખર દખલ ક્યારથી શરૂ થઈ? લાલદાસનો જવાબ : “મંદિરને લઈને રમખાણો 1984માં શરૂ થયા. તે અગાઉ ત્યાં કોઈ વિવાદ કે ગંભીર સંકટ નહોતું. 1959માં એક નાનકડો વિવાદ હતો, જેને લઈને બંને પક્ષ કોર્ટમાં ગયા હતા. તે સમયે ન તો રસ્તા પર નારા લાગ્યા, ન તો કોઈ હિંસા થઈ હતી. આ બધું જ બિહારના સીતમઢીથી શરૂ થયું. ત્યાંથી ‘વી.એચ.પી.’એ રામજન્મભૂમિનું તાળું ખોલવા માટે એક રથયાત્રા કાઢી હતી. આ રથયાત્રામાં તેમને ખૂબ નાણાં મળ્યા અને સમર્થન મળ્યું. પરિણામે જેમ જેમ પૈસા મળતા ગયા તેમ આંદોલન પણ આગળ વધતું ગયું.”
‘રામ કે નામ’ ફિલ્મમાં પણ લાલદાસ ખોંખારીને કહે છે કે, “આજ દિન સુધી પૂરા હિંદુસ્તાનમાં રમખાણો થયા તે માત્ર ખુરશી અને પૈસા માટે હતા. ન કે રામજન્મભૂમિ માટે. બલકે હું તો એમ કહેવા ઇચ્છું છું કે આજ સુધી ‘વિશ્વ હિંદુ પરિષદ’ના લોકોએ મંદિરમાં કોઈ પૂજા નથી કરાવી. અહીંયાના લોકોએ આ વાતનો ક્યારે ય સ્વીકાર કર્યો નથી. પરંતુ અહીંયા ભાડૂતી કેટલાંક સાધુઓ જેમને પૈસા જોઈએ; તેઓ પૈસાથી ખરીદાયા. રામની શિલાઓ સર્વત્ર લઈ જવામાં આવી. તે પછી તેમણે શિલાઓ દ્વારા પોતાના મકાન બનાવ્યા. અને આ રીતે લોકોના પૈસે તેમણે મોટી મોટી ઇમારતો નિર્માણ કરી દીધી. કરોડો રૂપિયા તેમણે એકઠા કર્યા, પોતાના વ્યક્તિગત એકાઉન્ટમાં પણ તે પૈસા નાંખ્યા. લોકોની હત્યા થાય, લોકોને નુકસાન થાય, તેનાથી તેમને કોઈ મતલબ નથી. તેમનો મતલબ માત્ર પૈસા અને ખુરશીથી છે.”
આજે એકે ય એવો સાધુ નહીં મળે જે આ બાબા લાલદાસની જેમ પોતાની વાત રજૂ કરતા હોય. પણ 1990ના અરસામાં રામમંદિરનું આંદોલન જોરશોરથી ચાલતું હતું અને દેશભરમાં ‘મંદિર વહી બનેગા …’ એવાં નારા લાગી રહ્યા હતા, ત્યારે રાજકીય પક્ષોને કટુ લાગે તેવા નિવેદનો લાલદાસે કર્યા હતા. લાલદાસની આ વાતોમાં સત્ય હતું અને એટલાં માટે જ 16 નવેમ્બર 1993ના રોજ તેમની હત્યા કરવામાં આવી. બાબરી મસ્જિદ તોડી પાડવાના કેસમાં તેઓ મુખ્ય સાક્ષી હતા અને તેમણે ‘વિશ્વ હિંદુ પરિષદ’ના કેટલાંક આગેવાનો વિરુદ્ધ જુબાની આપી હતી. ‘રામ કે નામ’માં લાલદાસ આગળ કહે છે કે, “અહીંયા જે લોકો હિંદુ રાષ્ટ્રની વાત કરે છે, રામના નામે તનાવ ફેલાવે છે, હિંસા કરે છે, તે બધા જ ઊંચી જ્ઞાતિના ને સુવિધાભોગી છે. તેમનામાં ત્યાગ, તપશ્ચર્યા અને જનમાનસનું હિત જેવી બાબત લેશમાત્ર નથી. તેઓ માત્ર ધાર્મિક ભાવનાઓને ભડકાવીને પોતે સુખસુવિધામાં વિહરે છે. તેઓ જનહિતની કોઈ વાત કરી જ ન શકે. પરંતુ આજે મોટાં મોટાં મઠ છે. તેમાં કરોડો-અરબોની સંપત્તિ છે. અને તેઓ પગપાળા ન જઈને હવાઈ મુસાફરી કરે છે. ફર્સ્ટક્લાસની ટિકિટ પર જાય છે. આજના ધર્માચાર્યોને તમે શું કહેશો? હું તો તેમને ભૌતિકવાદી વ્યવસ્થાનો પોષક ગણું છું. જેમની પાસે સંપત્તિ છે તેઓ એમ કહે છે કે અમે હિંદુ ધર્મની રક્ષા કરીએ છીએ. અને એ વિષય પર હું કહેવા માંગું છું – શું રામનો આ જ આદર્શ છે? કે નેવું ટકા લોકો ભૂખ્યા મરે. આ આપણા દેશની વિષમતા છે, તે આ ધર્માચાર્યોને દેખાવી ન જોઈએ? તમારું કહેલું જો મૂડીપતિઓ કરે છે તો તેમના પૈસો લઈને ગરીબોનું ભલું કરો. જેમ મધર ટેરેસા કરે છે કે અન્ય અનેક ધર્માચાર્યોએ કર્યું છે.”
‘માનુષી’ મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓ અંતે કહે છે કે, “પહેલાં વિચાર કરનારા લોકો સાધુઓ પાસે આવતા હતા. આ ભૌતિક દુનિયાથી કંટાળેલા સજ્જન લોકો પોતાના વિચારો સાથે સંતો પાસે આવતાં. ત્યારે સાધુઓ ઇર્ષ્યા અને ઘૃણાથી અંતર રાખતા. આજે એ સ્થિતિ આવી ચૂકી છે કે તેઓ રાજકીય પક્ષ ભા.જ.પ.ના સમર્થક થઈ ચૂક્યા છે અને લોહિયાળ સંઘર્ષથી ‘રામરાજ્ય’ લાવવા ઇચ્છે છે. અને બીજી તરફ સાધુ સમાજ છે તે ગુનેગારોનો અખાડો બની રહ્યો છે. જ્યાં સુધી તેમાં યોગ્ય લોકો નહીં આવે ત્યાં સુધી રાજકીય પક્ષો અને મંદિરોની દશા સુધરે તેવી કોઈ આશા નથી. સમાજમાં પરિવર્તન આવે છે ત્યારે જ સંપૂર્ણ ક્રાંતિ થાય છે અને વ્યવસ્થા બદલાય છે ત્યારે લોકોમાં પણ પરિવર્તન આવે છે.”
ધર્મ, સમાજ, એકતા અને સમાધાનની મુદ્દાસર વાત કરનારાં લાલદાસ આજે આપણી વચ્ચે નથી. તેમની હત્યા થઈ તે પછી તેમનો કેસ ક્યારે ય ઉકેલાયો નહીં. તેમની હત્યા જમીન વિવાદમાં થઈ હતી તેવી નોંધ છે, પણ તે ય પુરવાર થયું નથી. લાલદાસને કેટલાંક ‘સામ્યવાદી સાધુ’ કહેતા તો વળી કેટલાંકે તેમને સમાજવાદી પાર્ટીના સમર્થક કહ્યા છે. જો કે તેમણે જે વાતો ઓન કેમેરા કહી છે કે મીડિયામાં તેમણે જે મુદ્દા રજૂ કર્યા છે, તેમાં સામાન્ય લોકોનું હિત અને સત્ય છે.
e.mail : kirankapure@gmail.com