બેઠા ઘાટના જૂની ઢબના બંગલાના વરંડામાં ઊભી ઊભી હેમા દૂર દૂર સુધી લહેરાતાં શેરડીનાં ખેતરો જોઈ રહી હતી. નાખી નજર પહોંચે ત્યાં સુધી ખેતરો જ ખેતરો. આમ તો પરિતોષે મુંબઈ છોડીને બોઈસર પાસેના સાવ નાના ગામમાં જઈને રહેવાની વાત કરેલી ત્યારે એ ડઘાઈ ગયેલી, “તારું તો કૃષિ સંશોધનનું કામ ચાલશે. આખો વખત તું કામમાં રચ્યો-પચ્યો રહીશ પણ હું ત્યાં શું કરીશ? ને મારું વકીલાતનું ભણતર ત્યાં શું કામ લાગવાનું? વળી મોન્ટુ માટે સારી શાળાની સગવડ પણ વિચારવી પડેને?”
“જો હેમા, તું ને મોન્ટુ મારી સાથે જ આવો એવો મારો આગ્રહ નથી. અહીંનું ઘર તો છે જ. તમે બંને અહીં રહેજો. પંદર દિવસે, મહિને હું આવતો રહીશ. બાકી તું તો જાણે જ છે કે, કૃષિ કેંદ્રએ શેરડીની જાત અને ઉત્પાદન સુધારણાના જે પ્રયોગો કરવાના છે એ પ્રોજેક્ટ મારી દેખરેખ હેઠળ ચાલી રહ્યો છે. મારે તો ત્યાં રહેવું જ પડશે.”
અહીં આવ્યા પછી થોડા વખતમાં જ હેમાને સમજાઈ ગયું હતું કે અહીં આવવાનો નિર્ણય યોગ્ય જ હતો. અહીંની શાંત, તાણ વિનાની જિંદગી, આખું કુટુંબ એક છત્ર હેઠળ હોવાનો સંતોષ અને ખેતરોની પેલે પાર રહેતા ખેડુ પરિવારોની નાની-મોટી દરેક સમસ્યામાં મદદરૂપ થઈને સૌની માનીતી ‘વહિની’ થઈ ગયેલી પોતે. ભલેને અહીં સાદો લેંડલાઈન ફોન પણ દિવસો સુધી ચાલતો ન હોય પણ હવે એને કશામાં અગવડ લાગતી નહોતી.
આ બધા વિચારોમાં એ ખોવાયેલી હતી ત્યાં શકુબાઈએ આવીને એક ચિઠ્ઠી આપી, “વયની, સાહેબે આ આપી છે.” ચિઠ્ઠીમાં લખેલાં બે જ વાક્ય વાંચીને એ ખુશ થઈ ગઈ.
“આજે સાંજની બસમાં સુષમા આવવાની છે. નજીકના ગામમાં સરકારી યોજનાઓ સમજાવવા માટેની એની મિટિંગ છે. રાત રોકાઈને કાલે જમ્યા પછી બપોરની બસમાં નીકળી જશે.” “અરે વાહ! સુષમા આવે છે!” બંને નાનપણથી તે વકીલ થયાં ત્યાં સુધી સાથે સાથે ભણ્યાં. ભણ્યા પછી સુષમાએ સરકારી નોકરી લીધી અને પોતે પ્રાઈવેટ ફર્મમાં કામ કરતી. અહીં આવવાના નિર્ણય સાથે નોકરી પણ છૂટી. જો કે, એને આ વાતનો કોઈ અફસોસ નહોતો.
શકુબાઈ સાથે મળીને એ સુષમાના સ્વાગતની તૈયારી કરવા લાગી. પલંગ પર નવી ચાદર પાથરી, બાથરૂમમાં સ્વચ્છ ટુવાલ મૂક્યો, ઝાપટ-ઝૂપટ કરીને ઘર ચોખ્ખું કર્યું ને મસાલા ખીચડી બનાવવા કૂકર તૈયાર કર્યું. એની સ્ફૂર્તિ જોઈને શકુબાઈએ મજાક કરી, “વયની, તમારી મૈત્રીણી આવવાની એટલે તમે તો જાણે ફાસ ટ્રેનની જેમ ભાગવા માંડ્યાં !”
સુષમા બસમાંથી ઊતરી. લાંબા વખતે સખીને મળવાનો ઉમળકો લઈને હેમા એને ભેટી પડી. સુષમા પણ પ્રેમથી ભેટી તો ખરી પણ હેમાના શરીર પર એની નજર એક્સરેની જેમ ફરી વળી, “તું પતલી થઈ ગઈ છે હેમા, ને થોડી કાળી પણ પડી ગઈ છે. જો કે, ગામડાંનાં હવા-પાણીની અસર તો થાય જ. મારે પહેલાં વોશરૂમ જવું પડશે. ક્યાં છે?” ઘરની બહાર વાડામાં થોડા તૂટેલા બારણાવાળો બાથરૂમ હેમાએ ચીંધ્યો એ ભેગી એ બોલી ઊઠી,
“બાપરે! ઘરની બહાર જવાનું? સો ડિસ્ગસ્ટીંગ! હું તો આવામાં એક દિવસ પણ ન રહી શકું. તને આ જંગલમાં કેવી રીતે ફાવે છે?” આવતાંની સાથે સુષમા તરફથી શરૂ થયેલા આક્રમણે હેમાને નિરાશ કરી દીધી. પરાણે હસતાં એ બોલી, “ચાલ, મસાલાવાળી ચા પીવડાવું.” બંને બહેનપણીઓ ચા-નાસ્તાને ન્યાય આપે ત્યાં પરિતોષ આવી ગયો. આવતાંની સાથે એણે મજાક શરૂ કરી,
“કેમ છો વકીલ સાહેબા? મારી ઘરવાળીની કંઈ ચઢવણી ન કરશો હં!”
“અરે, ચઢવણીની ક્યાં વાત કરો છો? મેં તો અહીં આવીને બધું જોયું ત્યારે મને વિચાર આવ્યો કે તમારા સંશોધન બદલ તમને તો એવોર્ડ મળશે પણ મારી સખીએ કરેલા ત્યાગનું શું? એની તો ક્યાં ય જરા સરખી નોંધ પણ નહીં લેવાય!”
પરિતોષને સમજાયું નહીં કે આનો શું જવાબ આપવો? વાત બદલવાના ઈરાદાથી એણે હેમા તરફ જોતાં કહ્યું, “અરે હા, તને કહેતાં ભૂલી ગયો. તું કહેતી હતીને કે, બંગલાની આસપાસ વાડ તો હોવી જોઈએ. વાડ નથી તો ઘર ખુલ્લું થઈ જાય છે. ઘર ખુલ્લું જોઈને ઢોર પણ ઘૂસી જાય અને આવતાં-જતાં લોકો પણ ડોકિયાં કરે! તે કાંટાળા તારની વાડ બનાવવા માણસને આવવાનું કહી દીધું છે. એ માપ લેવા આવશે.”
બીજે દિવસે જવાના સમયે સુષમાએ હેમાનો હાથ હાથમાં લઈને કહ્યું, “તને સારું લગાડવા એમ નહીં કહું કે, મને અહીં આવીને આનંદ થયો. ઊલટું તેં તારી આવડત વેડફી નાખી એનું દુ:ખ લઈને જાઉં છું.”
“તું ભલે એમ માને પણ મેં કશું વેડફી નથી નાખ્યું. અહીંના ભલા-ભોળા લોકોને એમની મુશ્કેલીમાંથી બહાર કાઢવા હું મારા ભણતરનો ઉપયોગ કરું છું. એમને કાયદાકીય સલાહ આપું છું. મને આ બધાનો ખૂબ સંતોષ છે. મારે માટે તું નાહક જીવ ન બાળીશ.”
બસનું પગથિયું ચઢતાં સુષમાએ કહ્યું, “મને નથી લાગતું કે તારી અન્નપૂર્ણાની ભૂમિકામાંથી ફુરસદ કાઢીને તું મુંબઈ આવીશ. એના કરતાં હું જ ફરીથી મિટિંગ ગોઠવાશે ત્યારે તને મળવા આવીશ.”
એના ગયા પછી હેમાએ છુટકારાનો દમ લીધો. શી ખબર કેમ, પણ એને થયું, સુષમા પાછી ન આવે તો સારું. ઘરમાં આવીને એણે શકુને કહ્યું, “આજે થોડું વધારે રોકાજે હોં, શકુ? કાંટાના વાયરની વાડ ઘરની ફરતે બનાવવી છે ને, તે માણસ માપ લેવા આવવાનો છે. તું હોય તો મને સારું પડે.” શકુએ કહ્યું “વયની, રોકાવાનો તો મને વાંધો નથી પણ એક વાત કઉં? તારની વાડ કરતાં ભીંતની આડ કરાવી લો ને! ભીંત ટકાઉ પણ ખરી ને બહારનું કોઈ અંદર જોઈ પણ ન શકે!”
હેમાને થયું, શકુની વાત વિચારવા જેવી તો ખરી! એણે પરિતોષને કહેવાનું નક્કી કર્યું કે, કાંટાની વાડને બદલે ભીંતનું ચણતર જ કરાવી લઈએ!
(ભારતી પાંડેની મરાઠી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર” : 16 સપ્ટેમ્બર 2023; પૃ. 24