સાવિત્રીતાઈ રસોઈ બનાવવામાં મશગૂલ હતાં. દરવાજાની બેલ એકધારી વાગી એટલે એ સમજી ગયાં કે, તોફાન મેલ જેવી વિશ્વા આવી હશે. એના સિવાય કોઈ આમ ઘોડે ચઢીને ન આવે. હાથ બગડેલા હતા એટલે એમણે રસોડામાંથી જ બૂમ પાડી, “બારણું ખુલ્લું જ છે. આવી જા.” દાખલ થયા ભેગી વિશ્વાની નજર ડાઈનીંગ ટેબલ પર મૂકેલાં વડાં પર ગઈ.
“વાહ આજી, તારાં વડાંની સુગંધ જ એટલી સરસ આવે કે …” કહેતાં એ વડું લેવા જાય ત્યાં તો સાવિત્રી તાઈ બોલી ઊઠ્યાં, “અરે, બહારથી આવી છે. પહેલાં હાથ તો ધો! કોણ જાણે ક્યારે મોટી થશે આ છોકરી?”
“શા માટે થાઉં મોટી? તારી પાસે મારે હંમેશાં નાના જ રહેવું છે. આ ઘરમાં આવું ને મને લાગે કે, જાણે મારી મનગમતી દુનિયામાં આવી ગઈ છું.” બોલતાં બોલતાં રસોડામાં જઈને એ વડાં તળી રહેલાં આજીને વળગી પડી. અને ફરિયાદ કરતાં બોલી,
“આજી, તને હું ભારે પડું છું? શા માટે મને મમ્મી પાસે મોકલી દીધી?”
સાવિત્રીતાઈ સમજી ગયાં કે, વળી પાછું મા-દીકરી વચ્ચે યુદ્ધ છેડાયું લાગે છે. વિશ્વાને બાથમાં લેતાં એ બોલ્યાં, “અરે ગાંડી, હું તો તારી પાસે જ છું ને! ને હવે તું મોટી થઈ ગઈ. તારે તારી મમ્મીનો ટેકો બનવાનું છે. ચાલ, જરા મોઢું ધોઈને ફ્રેશ થઈ જા ત્યાં સુધીમાં આપણા બેઉની ચા બનાવું છું. ચાની તલપ લાગી છે ને?”
“આજી, તું મારા મનની વાત વગર કહ્યે પણ સમજી જાય છે ને મારી મમ્મીને કહું તો પણ સમજવા નથી માગતી. મને તો થાય છે કે, સામાન લઈને અહીં જ રહેવા આવી જાઉં.”
તાઈ ભૂતકાળમાં સરી પડ્યાં. એમની દીકરી શીલા પહેલેથી જ સ્વતંત્ર મિજાજની. પોતાના મનનું ધાર્યું જ કરવા જોઈએ. વળી એકનું એક સંતાન એટલે મા-બાપ પણ એની મરજી પાસે નમતું મૂકી દેતાં. કૉલેજમાં આવ્યા પછી વધુ છૂટો દોર મળી ગયો.
“આઈ, હું પિકનીક પર જવાની છું. અમે બહેનપણીઓ પાર્ટી કરવાનાં છીએ.” આવાં જાતજાતનાં બહાનાં હેઠળ એની અને શ્રીકાંતની મુલાકાતો વધતી જતી હતી. માતા-પિતાએ એને શાંતિથી સમજાવેલી, “બેટા, એ શ્રીમંતનો નબીરો છે. આપણે રહ્યાં સાધારણ લોકો. એનો ને આપણો મેળ ન મળે. તારી સાથે રમત રમીને તને છોડી દેશે તો ક્યાંયનાં નહીં રહીએ.”
શીલા ધરાર ન માની. બંને છુપાઈ છુપાઈને મળતાં રહ્યાં ને જ્યારે એ મુલાકાતોનું પરિણામ સામે આવ્યું ત્યારે શ્રીકાંત અમેરિકા જવા ઊપડી ગયો. “આજી ક્યારની શું વિચારમાં પડી ગઈ?” વિશ્વાએ પૂછ્યું ત્યારે સાવિત્રીતાઈ વર્તમાનમાં પાછાં ફર્યાં. “હું વિચારતી હતી કે, વિશ્વાને આજના તાજા ખબર પૂછું. કોલેજથી સીધી અહીં આવી છે કે, કોલેજ ગઈ જ નથી?”
“આજી, હું તને બધી વાત કરવાની જ હતી પણ મને થયું, પહેલાં મમ્મીને વાત કરું ને એ જ તને વાત કરે એ વધુ યોગ્ય કહેવાય, પણ મમ્મીએ કોઈ દિવસ કોઈનું સાંભળ્યું છે તે મારું સાંભળે?”
વિશ્વાને એની સાથે ભણતો અભિનવ ગમી ગયો હતો. સારું, સંસ્કારી કુટુંબ, પણ એના પપ્પાનું અકસ્માતમાં અવસાન થવાને કારણે ભણવાનું મૂકીને એને ધંધો સંભાળવો પડ્યો હતો. શીલાને મોટો વાંધો એની સામાન્ય પરિસ્થિતિ સામે હતો.
“હું આટલું કમાઉં છું, તારા બધા મોજશોખ પૂરા કરું છું. એ તારે માટે શું કરી શકવાનો? તું જોજે તો ખરી, હું કેવો હીરા જેવો જમાઈ પસંદ કરું છું?” એણે ગર્વથી દીકરીને કહ્યું હતું.
સાવિત્રીતાઈ ઊંડા વિચારમાં પડ્યાં. શીલાની આ જ મુશ્કેલી હતી. વિશ્વાને હંમેશાં ‘મેં તારે ખાતર કેટલું સહન કર્યું, મેં તને કેવી રાજકુંવરીની જેમ રાખી’ આવું બધું સંભળાવીને યુવાન દીકરીના સ્વમાન પર ઘા કરે તો એ થોડી સાંભળી લે? એમણે શાંતિથી વિશ્વાને સમજાવતાં કહ્યું,
“તારે હજી જિંદગીમાં ઘણું આગળ વધવાનું બાકી છે. હજી તો તારી ઉંમર જ શું છે? છતાં તને અભિ ગમી ગયો હોય તો એનો વાંધો નથી પણ એણે પણ ધંધામાં સ્થિર થવાનું છે. લગ્ન એ કંઈ ઢીંગલા-ઢીંગલીના ખેલ નથી કે, ચાલો આજે પરણી જઈએ ને કાલે નહીં ફાવે તો છૂટાં થઈ જશું. લગ્ન કરવાં તો પૂરી જવાબદારી સમજીને કરવાં અને પછી નિભાવવાં.”
“એટલે, આજી, તું પણ મમ્મીની માફક ના કહેવા માગે છે?”
“ના બેટા, મારે અભિને મળવું છે, એને ચકાસવો છે. એ તારે માટે યોગ્ય છે કે નહીં એ નક્કી કરવું છે. પછી હું જવાબ આપીશ. તને મારા પર ભરોસો છે ને?”
“મારી જાત કરતાં વધારે ભરોસો મને તારી પર છે, આજી.”
“બસ તો, હમણાં જ અભિને બોલાવ.” અભિ પણ આજીની વાતમાં સંમત હતો. એને પણ સ્થિર થવા માટે સમય જોઈતો હતો. એની ઠરેલતા આજીને સ્પર્શી ગઈ.
“જુઓ છોકરાંઓ, તમે એકમેકને મળો, સમજો એની ના નથી, પણ તમારે આ ઘરમાં જ અને ફક્ત શનિ-રવિમાં જ મળવું. કબૂલ છે?” બંનેએ રાજી થઈને આ વાત સ્વીકારી. આજીએ વિશ્વાને માથે હાથ પસવારતાં કહ્યું, “બેટા, શાંતિથી તારી મમ્મી સાથે રહેજે. એણે જિંદગીમાં ઘણો માર સહન કર્યો છે એટલે એનામાં થોડી કડવાશ આવી ગઈ છે, પણ એ તારું જેટલું હિત ઇચ્છે છે એટલું બીજું કોઈ નહીં ઇચ્છે એ યાદ રાખજે.”
આજીએ નક્કી કર્યું કે, શીલાને તેઓ કહેશે કે, દીકરા, બહુ તાણવા જઈએ તો તૂટી જાય. ક્યારે ઢીલ મૂકવી ને ક્યારે દોરી ખેંચીને રાખવી એ તારે સમજવું પડશે. માતા બનવું સહેલું છે પણ માતૃત્વ નિભાવવું અઘરું છે.
એમને વિશ્વાસ હતો કે, શીલાને ગળે એમની વાત ઊતરશે અને સૌ સારાં વાનાં થશે. તેઓ હસતે મોઢે શીલાને ફોન જોડવા લાગ્યાં.
(કલ્પના ઘાણેકરની મરાઠી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 જાન્યુઆરી 2025; પૃ. 24