પ્રિય કવિ રૉબર્ટ બ્લાયના એક ગમતા કાવ્યનો ગુજરાતી અનુવાદ. મૂળ અંગ્રેજી કાવ્યનું શીર્ષક છે: ‘Things to Think’. (https://www.writersalmanac.org/index.html%3Fp=9621.html)
•
પહેલાં ક્યારેય ન વિચાર્યું હોય, એ રીતે વિચારવું.
ફોન રણકે, તો વિચારો,
કે
તમે પહેલાં ક્યારેય ન સાંભળ્યો હોય એવો વિશાળ કોઇ સંદેશ આવ્યો છે –
યેટ્સની સો પંક્તિઓ કરતાં પણ વિશાળ.
વિચારો, કે
તમારા દ્વાર પર કોઇ લાવે છે
એક રીંછ, જે કદાચ
ઘાયલ અને પાગલ છે;
કે પછી,
કોઇ સરોવરમાંથી બહાર આવે છે
એક મોટું મૃગ –
એનાં શૃંગ પર એ લાવે છે એક બાળક :
તમારું પોતાનું બાળક, જેને તમે ક્યારેય દીઠું નથી.
કોઇ દરવાજો ખખડાવે,
તો વિચારો,
કે
તમને કોઇ અદ્ભુત વસ્તુ આપવામાં આવશે :
તમને કહેવામાં આવશે,
કે
તમને ક્ષમા આપવામાં આવી છે,
– કે
બધો સમય મહેનત કરવી જરૂરી નથી,
– કે
એવું નક્કી થયું છે કે તમે આરામથી લંબાવશો
તો કોઇ મરી નહીં જાય.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર