
આશા વીરેન્દ્ર
દસમા ધોરણમાં હતો ત્યારે પપ્પાની બદલી થવાથી આ શહેર છોડેલું એ પછી આજે, લગભગ દસ-બાર વર્ષ પછી મૌલિક કંપનીના કામે ફરીથી ત્યાં જઈ રહ્યો હતો. નાનપણનો સુવર્ણકાળ જ્યાં વીતાવેલો ત્યાંનાં કેટકેટલાં સંભારણાં એ ટ્રેનમાં બેઠો ત્યારથી મધમાખીના ઝૂંડની માફક મનમાં ચકરાવો લઈ રહ્યાં હતાં. બીજું ઘણું યાદ આવતું હતું પણ એ બધાંમાં સૌથી ઉપર હતી જુલી. આમ તો આજ સુધીમાં જુલીને એણે કદી જોઈ પણ નથી. માત્ર વર્તમાનપત્રોમાં આવતી એના વિશેની ચટાકેદાર વાતો અને ફોટા જોઈને મનમાં એની મૂર્તિ ઘડાઈ ગયેલી.
શાળામાં રિસેસ પડે કે મિત્રો ટોળે વળીને જુલીના મહેલ જેવા વિશાળ બંગલાની, બંગલા સાથે એણે જે ક્લબ બનાવેલી એની, શહેરની કેવી કેવી હસ્તીઓ એ ક્લબનું સભ્યપદ ધરાવે છે એની વાતો મરી-મસાલા ભભરાવીને કરતા રહેતા. એમાં પણ શૈલેષનું ઘર તો વળી ઓપેરા હાઉસ ક્લબની સાવ નજીક હતું એટલે એના ગપગોળા વધુ સાચા માની લેવાતા.
“ખબર છે, કાલે તો મેં નવા હીરો રજનીકુમારને શેવરોલેટ કારમાંથી ઊતરતાં જોયો. શું હેંડસમ લાગે છે!”
“હેં? સાચું બોલે છે?”
“હા, તે વળી સાચું જ ને?” ગપ્પું પકડાઈ જવાની બીકે શૈલેષ વાત ઉડાવવાનો પ્રયત્ન કરતો. પણ જુલી અને ઓપેરા હાઉસની એ દિવસોમાં ગજબની મોહિની હતી એટલું તો નક્કી. જુલીની હવેલીની બહાર કેટલા ચોકીદાર ભરેલી બંદૂક સાથે ઊભા રહે છે, એને ત્યાં કેટલા અને કઈ જાતના કૂતરા છે, એ ખોરાકમાં શું લે છે – આવી બધી ઝીણી ઝીણી અને તદ્દન નકામી વાતો વાંચતાં અને સાંભળતાં કિશોરો તો શું, વૃદ્ધોનાં મોંમાંથી પણ લાળ ટપકતી. આમ તો આટલાં વર્ષોમાં જુલી સદંતર ભુલાઈ ગયેલી પણ હવે જ્યારે એ શહેર ભણી જઈ રહ્યો હતો ત્યારે મૌલિકને એની યાદ તીવ્રતાથી આવવા લાગી. આમ પણ શૈલેષે ખૂબ આગ્રહથી કહ્યું હતું, “પાછો ફાઈવ સ્ટાર હોટેલમાં રહેવા ન જતો. સીધો મારે ઘરે જ આવી જજે. રાત પડ્યે રખડવા નીકળીશું અને ગપ્પાં મારીશું.”
જમી પરવારીને શૈલેશે કહ્યું, “ચાલ, ગાડીમાં ચક્કર મારી આવીએ અને કલકત્તી પાન પણ ખાતાં આવીએ.”
વગર કહ્યે મારા મનની વાત સમજી ગયો હોય એમ એણે કાર એ રસ્તે જ લીધી. રસ્તામાં હું ઓપેરા હાઉસની ભવ્યતાને મનોમન વાગોળી રહ્યો હતો અને વિચારતો હતો કે, હવે તો ક્લબે નવા સાજ-શણગાર ધારણ કર્યા હશે! એક આંચકા સાથે ગાડી ઊભી રહી એ સાથે મને એક તીવ્ર ઝાટકો લાગ્યો. સામે ઊભેલી દસ માળની અદ્યતન ઈમારત પર નિયોન લાઈટથી ઝળહળતું નામ દૂરથી વંચાતું હતું – ‘ઓપેરા હાઉસ ફ્રી એઈડ્સ હૉસ્પિટલ’. મારું હૈયું ઘડીભર ધડકવાનું ભૂલી ગયું. હું કંઈ પૂછું એ પહેલાં શૈલેષે બહાર નીકળતાં કહ્યું, “આવ, આ હૉસ્પિટલ જોવા જેવી છે.” અમે બંને પ્રવેશદ્વાર તરફ ચાલ્યા તો મેં જોયું કે, વચ્ચોવચ જુલીની પૂરા કદની સંગેમરમરની મૂર્તિ મૂકેલી હતી અને નીચે એક તકતી પર લખેલું હતું ‘બધું ક્ષણભંગુર છે. કશું કાયમ રહેવાનું નથી.’
પાછા ફરતી વખતે મારી હાલત એવી હતી કે, જાણે એફિલ ટાવર જોવાની ઇચ્છાથી ગયેલા માણસને ધરતીકંપથી તારાજ થયેલી ઈમારતનું ખંડેર જોવા મળે. શૈલેષને મારે ઘણું પૂછવું હતું પણ જીભને તાળું દેવાઈ ગયું હતું. મારા મનની હાલત સમજીને એણે કહ્યું, “ચાલ, દરિયાકિનારે જઈને બેસીએ.”
“આ બધું કેવી રીતે?” માંડ માંડ મારા ગળામાંથી અવાજ નીકળ્યો.
“તમે અહીંથી ગયા ત્યારે તો ઓપેરા હાઉસ અને જુલીનો સિતારો ચમકતો હતો. શ્રીમંત ઘરોના નબીરા, ઉદ્યોગપતિઓ, ફિલ્મ સ્ટારો સૌ ક્લબનું સભ્યપદ મેળવવા લાઈન લગાવીને ઊભા રહેતા. રોજ રાત્રે મોડે સુધી નાચ-ગાન અને શરાબની મહેફિલો ચાલતી. આસપાસની વસ્તીવાળા લોકોએ ઘણી વાર પોલીસમાં ફરિયાદ પણ કરેલી કે, આવું જ ચાલશે તો બહેનો-દીકરીઓ સાથે અમે અહીં રહેશું શી રીતે? પણ પોલીસને ભરપૂર ખાયકી મળતી હતી એટલે સાંભળે કોણ?”
“પણ સભ્ય સમાજ પર અસર પડે એવું જુલીએ ન કરવું જોઈએ ને?”
“કોણ સભ્ય ને કોણ અસભ્ય એ નક્કી કરવાવાળા આપણે કોણ? મને તો ઘણી વાર વિચાર આવે છે કે, આપણો સમાજ દરેક વખતે સ્ત્રીઓનો જ વાંક કેમ જોતો હોય છે? જુલીને ઘરે આવનારા નબીરાઓનો કંઈ વાંક જ નહીં?”
“એ વાત જવા દે. મને કહે, પછી શું થયું?”
“એક દિવસ અચાનક દરેક વર્તમાનપત્રની હેડલાઈનમાં લખેલું હતું, ‘મીસ જુલીની કુખ્યાત ઓપેરા હાઉસ ક્લબના સભ્ય એવા એક ઉદ્યોગપતિને થયેલો અસાધ્ય રોગ’. શહેર આખામાં હાહાકાર મચી ગયો. જે ક્લબના સભ્ય બનનાર ભાગ્યશાળી ગણાતા એ ક્લબનો દરવાજો ઓળંગવા કોઈ તૈયાર નહોતું. આખી વાત પર ઢાંકપિછોડો કરવાની કોશિશ તો ઘણી થઈ પણ અંતે પાપ છાપરે ચઢીને પોકાર્યું. એ માણસને મોંઘી મોંઘી દવાઓ કે ડૉક્ટરો કશું કામ ન લાગ્યું. એનું મૃત્યુ થયું.” હું વાતમાં પૂરેપૂરો ખોવાઈ ગયો હતો.
“મને તો આ બધું બહુ આઘાતજનક લાગે છે.” મેં ધીમેથી કહ્યું.
“અરે, ખરી આઘાતજનક વાત તો હવે આવે છે. થોડા જ દિવસ પછી ખબર પડી કે, જુલીને પણ એ જ રોગ થયો છે. પછી તો જે ઈમારત રોશનીથી ઝગારા મારતી હતી એ કાળીધબ્બ થઈ ગઈ. એના ચોકીદારો, રસોઈઆ, કામવાળા બધા એક પછી એક ભાગી ગયા. શી ખબર એ શું ખાતી-પીતી હશે ને શી રીતે ગાડું ગબડાવતી હશે!”
“કેટલી કરુણ વાત!”
“એનું મૃત્યુ થયું ત્યારે શબને હાથ લગાડવા કોઈ તૈયાર નહોતું. મ્યુનિસિપાલિટીની ગાડી આવીને મૃતદેહને લઈ ગઈ ત્યારે સૌએ છુટકારાનો દમ ખેંચ્યો. જુલી પોતાની વસિયતમાં લખી ગઈ હતી એ મુજબ એની અઢળક સંપત્તિનો ઉપયોગ આ હૉસ્પિટલ બનાવવામાં કરવામાં આવ્યો.”
આ બધું સાંભળીને મૌલિકને થયું, પોતે જે વિચારીને આવ્યો હતો એના કરતાં જુલીના અલગ જ સ્વરૂપના દર્શન થયા. ભારે હૈયે એણે કહ્યું, “ચાલ, હવે ઘરે જઈએ.”
(અશોક પ્રજાપતિની અંગ્રેજી વાર્તાને આધારે )
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ફેબ્રુઆરી 2025; પૃ. 24