વર્ષોથી કેનેડામાં વસી ગયેલી પન્નાએ બહુ હોંશ કરીને બાને અહીં બોલાવ્યાં હતાં. બાની વધતી જતી ઉંમર જોતાં એને થતું હતું કે, હમણાં નહીં આવે તો બા ક્યારે ય એનો સુખી સંસાર જોવા નહીં આવી શકે. થોડી આનાકાની પછી બા આવવા તૈયાર થયાં હતાં અને આવીને ખુશ પણ હતાં. પહેલેથી જ એમને દરેક વસ્તુમાં રસ એટલે પન્નાનાં બાળકો પાસે રોજ અંગ્રેજી શીખવાની કોશિશ કરતાં અને પન્ના સાથે મોલમાં પણ જતાં.
બાને આનંદમાં જોઈને પન્ના રાજી હતી કે, ચાલો, અહીં બાનો સમય સરસ પસાર થઈ જશે. એના પતિ વિપુલને અમેરિકા જવાનું થયું ત્યારે પન્નાએ કહ્યું, “તું તારે નિરાંતે જા. અહીંની ચિંતા ન કરીશ. બાને ફાવી ગયું છે,” પણ હજી તો એને ગયાને માંડ બે દિવસ થયા ત્યાં અડધી રાતે બાને પેટમાં દુ:ખાવો ઊપડ્યો. એટલો સખત દુ:ખાવો કે એ બેવડ વળીને રડવા લાગ્યાં. પન્નાનો જીવ તાળવે ચોંટી ગયો. હંમેશાં હસતાં રહેતાં બા આ રીતે રડે એ ચિંતા ઉપજાવે એવું હતું. જે સૂઝ્યા એ બધા ઘરના ઉપચાર કરી જોયા પણ એમની સ્થિતિમાં કંઈ ફરક ન પડ્યો.
સવાર પડતાં સુધીમાં તો સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ કે, પન્નાએ એમને હૉસ્પિટલમાં લઈ જવાં પડ્યાં. ફરજ પરના ડોક્ટરે તપાસીને કહ્યું, “એમને સ્ટમક ફ્લુ થયો છે. બહુ હેવી ઈંફેક્શન છે, વળી ઉંમર પણ વધારે છે એટલે અહીં રાખીને જ સારવાર આપવી પડશે. ઓછામાં ઓછા ચાર-પાંચ દિવસ તો રહેવું જ પડશે.”
પન્ના ગભરાઈ ગઈ. હવે શું કરીશ? વિપુલ પણ નથી, છોકરાંઓને સ્કૂલે મોકલવાં, રસોઈ બનાવવી, જોબ પર જવું – આ બધામાં મારાથી આખો દિવસ બા પાસે થોડું બેસી રહેવાશે? એક મીઠડી નર્સે એને હિંમત આપતાં કહ્યું, “ડોંટ વરી. વી વીલ ટેક કેર ઓફ હર.”
પન્ના જાણતી હતી કે, બાને આ નવા વાતાવરણમાં સ્પેશિયલ રૂમમાં તદ્દન એકલાં રહેવું નહીં ફાવે. એ પોતે તો હવે જોબ પરથી છૂટીને સાંજે જ આવી શકશે. એણે બાને પૂછ્યું, “બા, તમને બીજા કોઈ સાથે રૂમ શેર કરવાનું ગમશે?”
અત્યાર સુધીમાં મળેલી સારવારને કારણે બાને થોડી રાહત લાગતી હતી. એમણે કહ્યું, “હા હોં બાપા, હાવ એકલાં પડ્યાં રે’વાનું તો મને જરા ય નો ગમે. કોઈ રૂમમાં હોય તો જરા વસ્તી ય લાગે ને બોલો-ચાલો ય રે.’
વસ્તી લાગે એ તો બરાબર, પણ બોલવા-ચાલવાનું રહે એવી બાની અપેક્ષા ફળે એમ નહોતું કેમ કે, બાના રૂમના બીજા ખાટલામાં એક ચીનો હતો. કદાચ એ થોડું-ઘણું અંગ્રેજી જાણતો હતો પણ બોલતો એવી રીતે કે, ચીની ભાષા બોલતો હોય એવું જ લાગતું. પહેલો દિવસ તો બંનેના જાત જાતના ટેસ્ટ અને સારવારમાં ગયો એટલે એકમેક વિશે જાણવાની જિજ્ઞાસા થાય એવું નહોતું. સાંજે પન્ના આવી એ ભેગી બાએ ફરિયાદ કરી, “આ ચીનાનું નામ શું હશે, ભગવાન જાણે પણ આખો વખત બેલ મારી મારીને નર્સને જ બોલાવ્યા કરે છે. વારે-ઘડીએ પથારી પણ બગાડી મૂકે છે. પેલી ય બચાડી થાકે કે નઈ?”
પન્નાએ હસીને કહ્યું, “એનું નામ તો મને ય નથી ખબર, પણ ચીનો છે એટલે આપણે એને ચેન કહીશું, ને બા, તમને એની સાથે ન ફાવતું હોય તો રૂમ બદલાવી નાખીએ.”
“ના રે, ઈ મને કંઈ નડતો નથ, ને મારે ક્યાં એની હારે જન્મારો કાઢવો છે?”
બીજે દિવસે બાની તબિયતમાં સારો એવો સુધારો લાગતો હતો એટલે એ ચેન વિશે વિચારવા લાગ્યાં. ‘કોણ જાણે કેટલા દિવસથી અહીં પડ્યો હશે! એને કોઈ મળવા ય આવતું હોય એવું લાગતું નથી. એને એકલતા લાગતી હશે એટલે જ વારે-ઘડીએ વગર કારણે નર્સને બોલાવ બોલાવ કર્યા કરે છે. હશે, એનું એ જાણે, મારે શું?’ આવું બધું વિચારતાં બપોરના સમયે બાની આંખ જરા મળી ત્યાં તો ચેને એકધારી બેલ વગાડીને એમની ઊંઘ ઉડાડી મૂકી.
“એ ય ચેન્યા, ચૂપ કર. તારા સિવાય રૂમમાં બીજું પણ કોઈ છે એનું ભાન નથી?” બાના ગુજરાતીમાં બોલાયેલા વાક્યમાં તો ચેનને કંઈ સમજ ન પડી પણ એમણે જે રીતે હોઠ પર આંગળી મૂકીને ગુસ્સાથી કહ્યું એનાથી એ ગભરાઈને શાંત થઈ ગયો. એના ચૂપ થવાથી બાને તાન ચઢ્યું હોય એમ બોલ્યાં, “ખબરદાર જો હવે મારી ઊંઘ ખરાબ કરી છે તો! ઊંચકીને રૂમની બહાર ફેંકી દઈશ.”
જાણે ચમત્કાર થયો હોય એમ બીજા દિવસથી ચેને બેલ મારવાનું સાવ ઓછું કરી નાખ્યું. પોતાનાથી આ અજાણ્યા છોકરા પર ગુસ્સો થઈ ગયો એ બદલ પસ્તાતાં હોય એમ બાએ ઈશારાથી પૂછ્યું, “તને કાં કોઈ મળવા નથી આવતું?”
હવે બેઉ વચ્ચે ભાષા અંતરાયરૂપ નહોતી બનતી. એણે કહ્યું, “મારું કોઈ નથી. આ દુનિયામાં સાવ એકલો છું. બાને લાગ્યું, જાણે બોલતી વખતે એની આંખો ભીની થઈ ગઈ હતી.”
“હશે ભાઈ, આ દુનિયામાં જેનું કોઈ નથી એનો ઉપરવાળો છે. ચાલ, ચેનુડા, હવે થોડી વાર સૂવાની કોશિશ કર.”
“કેવી રીતે સૂઉં? ઊંઘ નથી આવતી.”
“જો, આમ કરીને આમ.” બાએ આંખો મીંચીને એવી રીતે બતાવ્યું જાણે એ નાનું બાળક હોય.
“તમને જોઈને મને મા યાદ આવે છે. એ પણ તમારી જેમ જ મને ધમકાવતી ને પછી આમ જ પ્રેમથી સમજાવતી. આ મા પોતાના સંતાનને મૂકીને જતી કેમ રહેતી હશે?”
“મા કદી પોતાના બાળકથી દૂર જતી નથી. જો, તું આંખો બંધ કર. જ્યાં સુધી તારી માનો ચહેરો ન દેખાય ત્યાં સુધી ખોલતો નહીં.”
થોડી વારમાં તો બાને ચેનનાં નસકોરાંનો અવાજ સંભળાયો. બાએ ઊંડા સંતોષથી ગાઢ નીંદરમાં સૂતેલા ચેન સામે જોયું અને મનોમન બોલ્યાં, “રોયા, મને મા કહીને તેં તો મને બાંધી લીધી. એવું લાગ્યું કે, જાણે આજે જ મારી સુવાવડ થઈ છે ને આજે ફરીથી હું મા બની છું – દીકરાને ઠપકો આપવામાંથી જન્મેલી એક મા.”
એમના ચહેરા પર મમતાભર્યું સ્મિત હતું.
(હંસા દીપની હિંદી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ફેબ્રુઆરી 2025; પૃ. 24