એક ખેડૂત કે જેની પાસે સો સવાસો એકરની ખેતી હોય અને એ પણ ખબર હોય કે, યુનાઇટેડ કિંગ્ડમમાં, મોટે ભાગે ફેક્ટરીમાં મજૂરી કરવાની નોકરી મળે છે; ફેક્ટરીમાં કામ કરવા માટે યુવાન અને સશક્ત હોવું અનિવાર્ય છે તેમ છતાં હાજી આદમ કરોલ્યા યુ.કે. જવાનો નિર્ણય કરે, એ ઘણાંને અચંબારૂપ લાગેલું.
એમ તો બીજાં પણ એક બે કારણો એમના પક્ષે વિપરીત હતાં, જેમ કે બ્રિટન ખૂબ જ ઠંડી આબોહવાનો દેશ. વળી અંગ્રેજી ભાષાનો પણ એક મોટો પ્રશ્ન. આ બધાં કારણો હોવા છતાં એમના મક્કમ નિર્ણય પાછળ એક મુખ્ય કારણ એ હોઇ શકે, જે આજનો ભારતીય ખેડૂત અનુભવી રહ્યો છે. તે સમયે પણ એવી જ પરિસ્થિતિ પ્રવર્તી હોવી જોઇએ. આખું વર્ષ સખત કામ કર્યાં પછી પણ ખેડૂતને નાણાંભીડ અનુભવાતી હોય અને આવક-જાવકના બંન્ને છેડા મળતા ન હોય. પ્રતિ વર્ષ એ વધુ ને વધુ દેવાદાર બનતો જાય અને છેવટે આવી ભયંકર પરિસ્થિતિ સામે ઝઝૂમતાં હારી જઇને આત્મહત્યા એ જ માત્ર એક વિકલ્પ રહી જાય. જે આજના ભારતમાં દર વર્ષે કંઇ હજારો ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાના ચોંકાવનારા સમાચારો સામાન્ય થઇ રહ્યા છે.
હાજી આદમ ખેડૂતોના અંધકારમય ભવિષ્યનો અણસાર પારખી ગયા હોવા જોઇએ તેથી જ આવા હિંમતભર્યાં કદમ ઉપાડવાં વિવશ થયા હોવા જોઇએ. એમણે વિચાર્યું હશે એક ખેડૂત તરીકે મેં જે યાતનાઓનો સામનો કર્યો છે, મારાં સંતાનોને તેમ ન કરવું પડે. એમનાં ઉજ્જવળ ભાવિની આશામાં આ કઠોર નિર્ણય લીધો હોવો જોઇએ.
૧૯૬૦-૬૨ના ગાળામાં અમારા ગામમાંથી અસંખ્ય યુવાનો અને મધ્યમ ઉંમરના લોકો યુ.કે. આવીને વસી ગયા હતા. એમનાં વડીલોએ પોતાના સંતાનોને મોકલીને સંતોષ માનેલો. પણ સ્વયં જવાની હિંમત કરેલી નહીં. આખા ગામમાંથી માત્ર પાંચ છ જણાએ મોટી ઉંમરમાં યુ.કે. જવાનું સાહસ કરેલું.
અગાઉ કહેવાયું તે પ્રમાણે એઓ સો સવાસો એકર જમીનના માલિક હતા. જેમાં ડાંગર મુખ્ય પાક પણ એમની પાસે તો આંબાવાડીઓ અને વેંગણ, ટામેટાં, પપૈયા અને મરચાં વગેરેની મોટી ખેતી. ઉપરાંત શિયાળુ પાકની ખેતી પણ ખરી, જેમાં ચણાં, તુવેર વગેરેનો સમાવેશ થાય. આટલું હોવા છતાં પણ એમનું જીવન સદા સંઘર્ષમય રહેલું.
ચુસ્ત ધાર્મિક જીવન, નમાજ, રોજા વગેરેની સખત પાબંદી, વહેલી સવારે ઊઠીને નિયમિત કુરઆનનું પઠન અને એમનાં સંતાનોએ પણ સવારમાં પહેલું કામ કુરઆન પઢવાનું. ઉલેમાઓ પ્રતિ એમને ખાસ લાગણી, દક્ષિણ ગુજરાતના તમામ આગલી હરોળના આલિમો સાથે એમને સંબંધ, બુલબુલે ગુજરાત હઝ. મૌલાના અહમદુલ્લાહ પાલ (hn.), તો એમના ખાસ મિત્ર.
ખોટી રીતે પ્રસરી ગયેલી ધાર્મિક માન્યતાના ખાસ વિરોધી. અમારા ગામમાં અને ગામની બહાર ઓલિયાઓની ઘણી દરગાહો, લોકોથી મેં સાંભળેલું, આલીપોર ગામની આસપાસ અઢાર ઓલિયાઓની દરગાહો છે. એક પીરની દરગાહનું તો નામ જ ‘અઢાર પીર’ તરીકે પ્રખ્યાત છે. ત્યાં આખું વરસ શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળે છે.
ગામની અંદર પણ બે ત્રણ દરગાહો છે. જેમાંની એક તો છેક ગામની મધ્યમાં દિવાન મહોલ્લામાં છે. જે “બાવટ્ટા પીર” તરીકે પ્રખ્યાત.
એને માનનારાઓ વર્ષમાં એકવાર ઉર્સ મનાવે છે. એ દિવસે એક નાનો સરખો મેળો પણ ભરાતો. ઉર્સની આગલી રાત્રે દરગાહમાં થોડાક યુવાનો ભેગા થઇને રાતેબ પઢે. રાતેબ એટલે ૧૫-૨૦ યુવાનો ભેગા થઇ હાથમાં દારિયો લઇને વગાડતા દરગાહની આસપાસ બેસી નાત જેવા કલામ ગાઇ, એ પરંપરા વરસોથી ચાલતી આવેલી. જેના માટે ઉલમાઓથી સાંભળેલું કે, એ એક ખોટી પ્રથા છે, જેને ઇસ્લામ સાથે કોઇ લેવાદેવા નથી. આવી કુપ્રથા તો બંધ થવી જોઇએ. ઘણાં લોકો એવું માનતા કે એમને સમજાવવાનો કોઇ અર્થ નથી. જે ગાનારાઓ છે તેઓ આમ સમજાવેલા માનશે પણ નહીં. હાજી આદમભાઇ એ એને બંધ કરાવવા માટે કંઇ જુદો જ માર્ગ અપનાવેલો.
તે વર્ષે ઉર્સની રાત આવી. યુવાનો ભેગા થયા. અને દારિયાની તાલ પર યુવાનો ઓલિયાઓની શાનમાં લખાયેલ કલામ ગાવા લાગ્યા. જેવી ગાવાની શરૂઆત થઇ કે, આદમભાઇ ત્યાં પહોંચી ગયા અને યુવાનોને મારવાનું શરૂ કરી દીધું. આમ અચાનક થયેલા હુમલાથી અને આદમભાઇને જોઇને યુવાનો ગભરાઇ ગયા. એમને કંઇ સમજ પડી નહીં અને નાસભાગ શરૂ થઇ ગઇ. તે દિવસથી આજ પર્યત એ દરગાહમાં ‘રાતેબ’ થતી બંધ થઇ ગઇ. ઉર્સના દિવસે નાનો સરખો મેળો ભરાતો. જેમાં ખાવા-પીવાની વસ્તુઓ વેચાતી. પણ મુખ્ય પ્રવૃત્તિ તો યુવાનો મોડીરાત સુધી જુગાર રમતા. ત્યારપછી એ મેળો પણ બંધ થઇ ગયો.
આદમભાઇની જમીન બે ગામોમાં વહેંચાયલી હતી. ગણદેવી તાલુકાના કલવાચ ગામ અને આલીપોર ગામથી ૨ માઇલ દૂર વાંસદા રોડ પર આવેલ દાદરામાં હતી. કલવાચની જમીનમાં ખાસ્સી મોટી ખેતી. ત્યાંના ભરવાડોનાં બકરાંનો હંમેશાં ઉપદ્રવ રહેતો. એમને લાગતું કે ભરવાડો જાણી જોઇને ઇરાદાપૂર્વક એમની જમીનમાં બકરાંને ચરવા માટે છોડી મૂકે છે અને એમના પાકને ઘણું નુકસાન પહોંચાડે છે.
ઘણીવેળા ભરવાડોને ફરિયાદ પણ કરતા કે, એમનાં બકરાં ઊભેલા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. ભરવાડો એમની ફરિયાદ પ્રત્યે ધ્યાન આપતા ન હતા. એમની ખેતીમાં થતાં આ નુકસાનને કોઇપણ રીતે અટકાવવું અનિવાર્ય થઇ ગયું હતું. એક વેળા સાંજના સમયે ભરવાડો પોતાના બકરાં લઇને ઘર તરફ પરત જઇ રહ્યાં હતા. એમણે ભરવાડોને રોક્યા અને કહ્યું ગઇકાલે પણ તમારા બકરાંએ મારા પાકને નુકસાન પહોંચાડ્યું હતું. મેં તમને એ બાબતે વારંવાર વિનંતી કરી, પણ તમે તો કોઇ રીતે એના પર ધ્યાન આપવાને બદલે દિન પ્રતિદિન મારું વધુ નુકસાન કરી રહ્યા છો. હવે પછી હું જરા ય સાંખી લેવા માંગતો નથી. એટલું કહેવા છતાં ભરવાડો કંઇપણ સાંભળવાના મૂડમાં ન હતા. એમણે સમજાવવાની ખૂબ કોશિશ કરી પણ ભરવાડોએ તરફ જરાયે ધ્યાન ન દીધું. ભરવાડોને કદાચ એમ હશે કે, તેઓ તો છ – સાત છે અને એ તો એકલા, અમારું શુ કરી લેવાના. વળી બે ત્રણ ભરવાડો પાસે તો ધારિયા પણ હતાં. જ્યારે આદમભાઇ પાસે એક મજબૂત દંડો અને બીજી એમની હિંમત. જ્યારે એમને થયું કે, વાતથી કામ બનવાનું નથી એટલે કંઇપણ વિચાર્યા વિના ભરવાડો પર ત્રાટકી પડ્યા અને દંડાથી મારવાનું શરૂ કરી દીધું. અણધાર્યા હુમલાથી ભરવાડો ગભરાઇ ગયા અને સૂઝબૂઝ ખોઇ બેઠા. બેત્રણ ભરવાડોને જોરથી દંડાનો માર પડ્યો એટલે તેઓ ભાગવા માંડ્યા અને બાકી રહેલા પણ ભયભીત થઇ નાસવા માંડ્યા. બીજી એકવાત, આદમભાઇ ખૂબ તાકાતવર, હિંમતી અને બળવાન. આદમભાઇના વીંઝાતા દંડા આગળ ભરવાડો કંઇ કરી શક્યા નહીં. બધા ભાગી ગયા અને એમને કાયમી છૂટકારો થઇ ગયો.
દાદરાની જમીનમાં રીંગણાં, ટામેટાં, ભીંડા, મરચાં વગેરે ઊગાડવાની મોટા પ્રમાણમાં ખેતી. જેના વેચાણથી રોકડ રકમ પ્રાપ્ત થતી, એ રીતે એમની અર્થવ્યવસ્થા જળવાઇ રહેતી. ખેતરોની વચમાં એક કૂવો ખોદાવેલો અને તેના પર પાણી ખેંચવાનું મશીન ગોઠવેલું. જુદા જુદા પાક માટે નાના નાના ક્યારાઓ અને દરેક ક્યારાને ઉભારો દ્વારા પાણી પહોંચાડવામાં આવતું.
રીંગણાં, ટામેટાં, મરચાં, ભીંડા અને પપૈયાનો જે પાક ઉતરતો તેને ચીખલીના હોલસેલ વેપારીઓને વેચી દેવામાં આવતો. કેરીની સીઝનમાં તો એમને ત્યાં અઢળક કેરીનો પાક ઉતરતો. એને પણ હોલસેલના બજારોમાં વેચતાં રોકડ કમાણી થતી.
કદી કદી પાણી ખેંચવાનું મશીન બગડી જતું ત્યારે એને બીલીમોરાના ગૌહર બાગમાં એક ઓનેસ્ટ ઇન્જિનિયરિંગ નામક કંપનીમાં રિપેર માટે લઇ જતા. કદી માત્ર પાર્ટસ ખરીદવા માટે પણ ત્યાં જવું પડતું. કોકવાર મને અને એમના દીકરા ગુલામને પણ સાથે લઇ જતા. બીલીમોરા જવા માટે મોટેભાગે ઘોડાગાડીનો ઉપયોગ થતો. એક વેળાનો એક બનાવ મને યાદ આવે છે.
બીલીમોરા જતા માર્ગ પર ચીખલી અને બીલીમોરા વચ્ચે રસ્તાની આસપાસ એક નાની શી વસ્તી. જ્યાં રસ્તાની બન્ને બાજુ મોટાં મોટાં વૃક્ષો, જેના છાંયડામાં રસ્તે જતાં લોકો વિસામો કરે, એક બે નાની દુકાનો અને ફળફળાદિ વેચવાની એક બે લારીઓ પણ ત્યાં જોવા મળે.
વટેમાર્ગુઓ માટે પાણીની એક પરબ કોઇ દાનવીર તરફથી કાર્યરત હતી. તેની સંભાળ રાખવા માટે એક બહેનને નોકરીએ નિયુક્ત કરેલાં. તે દિવસે એમનાં સાથે હું અને ગુલામ હતા. અમે એ વસ્તી સુધી પહોંચ્યા એટલે અમે કહ્યું કે અમને તરસ લાગી છે. માટે ઘોડાગાડી ઊભી રાખો. અને અમે બન્ને પરબ તરફ દોડી ગયા. કાંઇપણ વિચાર્યા વિના સીધા જ માટલા પાસે જઇને ત્યાં મૂકેલા પ્યાલામાં પાણી ભરીને પીવાનો હજી તો પ્રયાસ કરતા હતા, ત્યાં જ પેલી બાઇ દોડતી આવી ગઇ અને જોર જોરથી હોબાળો મચાવી મૂક્યો. ‘હાયરે! આ છોકરાઓએ ખુદ પાણી લઇને માટલાંને અભડાવી દીધાં. હવે આ માટલાં તો બેકાર થઇ ગયાં. હવે શું થશે?” એની રોકકળ સાંભળીને બીજા બે ત્રણ જણાં દોડી આવ્યા. અમને લાગ્યું કે આજે તો આવી જ બન્યું. ખૂબ માર પડવાનો. જો કે મને એ સમજાયેલું નહીં કે માટલાંને અડકવાથી શું અભડાઇ જવાનું? ઘોડાગાડીમાં રાહ જોતા આદમભાઇની નજર પડી અને એમને લાગ્યું કે અમને એ લોકો ગભરાવી રહ્યા છે. જોઇને એઓ દોડી આવ્યા અને આવતાં જ ત્રાડ નાંખી “ખબરદાર! કોઇએ પણ છોકરાઓને હાથ અડાડ્યો તો!” પેલી બહેન કહેવા લાગી, “અમારું તો નુકસાન થઇ ગયું. આ માટલાં એમનાં અડકવાથી બેકાર થઇ ગયાં.” એમણે કહ્યું, “બોલ, તારાં માટલાંની કિંમત કેટલી?” પેલી બાઇએ જવાબ આપ્યો, “દોઢ રૂપિયો”. “આ લે તારો દોઢ રૂપિયો.” અને અમે પાણી પીધા વિના ઘોડાગાડીમાં બેસી ગયા.
યુનાઇટેડ કિંગ્ડમનું જીવન
આમ તો યુનાઇટેડ કિંગ્ડમ જવાની શરૂઆત ૧૯૫૪થી થઇ ગયેલી. ૧૯૫૯ સુધીમાં ગામના ઘણાં લોકો બ્રિટન પહોંચી ગયાં હતાં. એનું મુખ્ય કારણ એ હતું કે, ૧૯૬૨ના જૂન મહિનાથી ‘ફ્રિપોર્ટ’ બંધ કરવાનો બ્રિટિશ સરકારનો નવો કાયદો અમલમાં આવનાર હતો. તે પછી માત્ર વિઝા ધરાવનાર લોકોને જ પ્રવેશ મળશે. એવી જાહેરાત બ્રિટિશ સરકાર કરી ચૂકી હતી. તેનાં કારણે લોકોનો બ્રિટન જવાનો ઘસારો એકદમ વધી ગયો હતો. ગામના યુવાનો અને મધ્યમ ઉપરના લોકો ગમે તેમ કરીને યુ.કે. જવા માટે તનતોડ પ્રયાસો કરી રહ્યા હતા.
આદમભાઈ પણ પાકો નિર્ણય કરી ચૂક્યા હતા. ગમે તે ભોગે બ્રિટન જવું. જો કે બે ત્રણ વર્ષ પહેલાં એમના બે પુત્રો ગુલામ અને ઈબ્રાહિમે યુ.કે. જવાની કોશિશ કરી હતી. બગદાદ સુધી પહોંચી પણ ગયા હતા. પરંતુ ત્યાંથી યુ.કે. જવામાં નિષ્ફળતા મળી હતી, અને ઘર ભેગા થઈ ગયા હતા. ૧૯૬૧માં એમના પુત્ર ઈબ્રાહિમ સાથે તેઓ યુ.કે. આવવામાં સફળ થયા. બ્રિટનમાં ઠરીઠામ થવામાં એમના સાવકા પુત્ર હાજી ઈબ્રાહિમે ઘણી મદદ કરી હતી. ડ્યુઝબરીના વુલ્કન રોડ એરિયામાં અસવર્થ રોડ પર એમણે ચાર બેડરૂમનું ઘર ખરીદેલું. હું પણ જ્યારે બ્રિટન આવેલો ત્યારે પ્રથમ એ જ ૧૭ અસવર્થ રોડ પર મારો પહેલો મુકામ રહેલો.
તે સમયે ફેક્ટરીમાં ખાસ કરીને ટેક્ષટાઈલમાં કામ મળતું જો કે, ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પગાર ધોરણ ઘણું નીચું હતું. મશીન પર કામ કરનારને ૬થી ૮ પાઉન્ડ પગાર, અઠવાડિયે ૫૦ કલાક કામ કર્યાનો મળતો. મોટી ઉંમરની વ્યક્તિને તો કામ મળવું જ મુશ્કેલ હતું. એમને પણ ફેક્ટરીમાં કામ ન મળ્યું. કારણ કે મશીનની ઝડપી ગતિ માટેનો યુવાન વર્કર જ યોગ્ય ગણાય. ફેક્ટરીમાં જવા વગર કઈ રીતે કમાણી કરી શકાય, એના સતત વિચારો અને પ્રયાસો કરતા. તેઓ ખૂબ હિંમતવાન અને સાહસિક પણ ખરા. અંગ્રેજીમાં કહેવત છે ને “Where there is a will there is a way” એમણે વિચાર કર્યો. એમનું ઘર મોટું છે. એટલે બીજા ૬-૭ માણસો રહી શકે. એમને છ સાત માણસો (લોજરો) મળી ગયા. વ્યક્તિ દીઠ એક વીકનો એક પાઉન્ડ ચાર્જ. આ રીતે એમની વીકની કમાણી ૬-૭ પાઉન્ડ થઈ ગઈ. એટલી આવક એમના માટે પૂરતી ન હતી. તેથી હંમેશાં આવક કેમ વધારવી તેના પ્રયાસો કરતા રહેતા.
બાટલીમાં બ્રાડફોર્ડ રોડ પર એક ઈન્ડસ્ટ્રીઅલ પોપર્ટી હતી, જે પાછળથી ડીક્ષન હોલ તરીકે ખ્યાતિ પામેલી. તેમાં એક મોટી લોન્ડ્રી કાર્યરત હતી. જેમાં કપડાંની ધુલાઇ સાથે ઇસ્ત્રી પણ કરવામાં આવતી. આદમભાઇ કોઇ અંગ્રેજી જાણનારની મદદ સાથે ત્યાં પહોંચી ગયા. મેનેજર તરીકે એક આધેડ વયની અંગ્રેજ લેડી હોદ્દા પર હતી. ત્યાં એમને કામ મળી ગયું.
તે સમયે વસાહતીઓની ફેમિલી હજી આવી ન હતી. મોટેભાગે લોકો છ કે સાત દિવસ કામ કામ કરતા, એટલે એમની પાસે પોતાનાં કપડાં ધોવાનો સમય મળતો ન હતો. આદમભાઇનું કામ હતું એમના ઘરેઘર જઇને મેલાં કપડાં લઇ આવવાના અને લોન્ડ્રીમાં લઇ જવાના. બીજા વીકે ધોએલાં અને ઇસ્ત્રી કરેલાં કપડાં લોન્ડ્રીમાંથી લઇ આવી, ગ્રાહકના ઘરે પહોંચાડવાના. તે સમયે એક ઘરમાં ૮-૧૦ માણસો રહેતા હતા. એટલે પાંચ-છ ઘરમાંથી પૂરતું કામ મળી રહેતું. એ કામના કમિશન પેટે છ સાત પાઉન્ડની કમાણી થઇ જતી. એ કામ માટે એક જૂની પ્રામ પણ ખરીદેલી.
લોન્ડ્રી અને લોજરની આવક કર્યા પછી પણ વિચારતા કે લોન્ડ્રીનું કામ તો વીક એન્ડમાં થઇ જાય છે. અને લોજરો માટે તો ખાસ ટાઇમ કાઢવો પડતો નથી. સોમથી શુક્ર સુધી હજી પણ સમય બચે છે. એ સમયમાં એકાદ કામ મળી જાય તો આવકમાં વધારો થઇ શકે. જરાયે સંકોચ વિના લોકોને કામ માટે પૂછતા રહેતા. આધેડ વયે સાતે સાત દિવસ કામ કરવાની ધગશ, હિંમત અને માનસિક તૈયારી. ખરેખર આવી વ્યક્તિ તો જવલ્લે જ જોવા મળે. એક દિવસે એક ભાઇનો એમને ભેટો થઇ ગયો. તેણે કહ્યું, ખેતરમાં બટાકા ખોદવાનું કામ મળી શકે એમ છે. શું તમે એ કામ કરવા તૈયાર છો? એમણે તરત જ હા પાડી દીધી અને કહ્યું હું સ્વયં ખેડૂત છું. હું તો જમીન સાથે જોડાયેલો છું. મારા લોહીમાં ખેડૂત વસે છે. અને બટાકા ખોદવાના કામમાં જોડાઇ ગયા.
બટાકા ખોદવાનું કામ એટલે ખુલ્લા આકાશ નીચે કરવાનું કામ. ઘણીવેળા ઝરમર વરસાદ પડતો હોય તો ક્યારેક વધુ ધારદાર અને ક્યારેક ઠંડા પવનના સુસવાટા. ખાસ કરીને ભારતીય ઉપખંડથી આવેલા લોકો માટે તો આ પ્રકારનું કામ ઘણું જ મુશ્કેલ ભર્યું. તેથી આજ પર્યંત ન મેં કોઇ એશિયનને ખેતરમાં કામ કરતાં જોયો, ન મેં સાંભળેલું. ૫૮ વર્ષની વયે પણ આદમભાઇએ ખેતરમાં કામ કરવાનું સ્વીકારી લીધેલું. તે સમયે ખેતરમાં કામ કરનારાઓનો પગાર વિશે પણ જાણવા જેવું છે. એમને એક કલાક કામ કરવાનો પગાર બે શિલિંગ. આજના હિસાબે બે શિલિંગ એટલે ૧૦ પેન્સ. આખો દિવસ કામ કરે તો એક પાઉન્ડ અને ક્યારેક ૧ પાઉન્ડ ૨૦ પેન્સ થતી. ટૂંકમાં પાંચ દિવસ બટાકા ખોદવાના કામના એમને ૫ થી ૬ પાઉન્ડ મળી રહેતા. એ રીતે એમની ત્રણ જગ્યાની આવક ૧૬-૧૭ પાઉન્ડ થઇ જતી. જે ફેક્ટરીમાં કામ કરતા વર્કરો કરતાં બમણી થઇ જતી.
૧૯૬૩માં જ્યારે હું બ્રિટન આવ્યો ત્યારે ત્રણ-ચાર વીક એમના સાથે રહેલો. જ્યારે તેઓ ઘરે આવે ત્યારે એક ટબમાં ગરમ કરેલાં પાણીમાં બન્ને પગ મૂકી દેતા અને અડધો કલાક એ રીતે બેસી રહેતા. જ્યારે પગમાં થોડી ગરમીનો સંચાર થાય ત્યારે ઊઠી જતા. મારું માનવું છે કે, બાટલીમાં કદાચ એઓ એક માત્ર પહેલા અને છેલ્લા, ખેતરમાં કામ કરનાર, શખ્સ હશે.
એમના દૂરગામી વિચારોનું ઉમદા ઉદાહરણ અહીં રજૂ કરું છું. ૧૯૬૨માં મારા લગ્ન એમની દીકરી સાથે થયાં. સગાઇમાં એઓ મારી માતાના મામા થાય. તેથી એમના ઘર સાથે અમારે ઘરોબો. મારા લગ્ન થયાને થોડાક મહિનામાં એમના તરફથી મને એક પત્ર મળ્યો. તેમાં લખ્યું હતું કે, બીલીમોરામાં એક કોન્વેન્ટ અંગ્રેજી મિડિયમની સ્કૂલ છે. જેમાં મારા ત્રણે દીકરાઓ યુસૂફ, મુસા અને હસનને દાખલ કરવાના છે. એમને એકાદ બે વરસમાં બ્રિટન બોલાવી લઇશ. એઓ અહીં આવે તે પહેલાં થોડીઘણી અંગ્રેજી ભાષા શીખીને આવે તો અહીંની સ્કૂલમાં અંગ્રેજી સમજવામાં તકલીફ ન પડે. બલકે ફાયદરૂપ થશે. પહેલી વાત તો એ કે બીલીમોરામાં અંગ્રેજી મિડીયમની સ્કૂલ છે. એની જાણ કેટલા આલીપોર વાસીને હશે? બીજીવાત એ કે ૧૦-૧૨ વર્ષના છોકરાઓને દરરોજ બસમાં બીલીમોરા જવા-આવવાનું કેટલું અઘરું થઇ પડે, એનો પણ એમને જરૂર ખ્યાલ તો હશે જ. અને ત્રણે છોકરાઓની ફી પણ ભરવાની આટલી મુશ્કેલી ઊઠાવવાનો નિર્ણય લેવો એ તો કોઇ વિરલ દૂરંદેશી વિચાર ધરાવનાર જ કરી શકે.
અમારા ગામના અસંખ્ય ભાઇઓ યુ.કે.માં ઠરીઠામ થયા છે. તેમની ફેમિલી પણ યુ.કે.માં આવી છે. કોઇએ પણ પોતાના સંતાનોને યુ.કે. આવવા પહેલાં અંગ્રેજી મિડિયમની શાળામાં દાખલ કરાવેલા નહીં. આમ કરનાર આદમભાઇ એક માત્ર વ્યક્તિ હતી. હું ત્રણે છોકરાઓને બીલીમોરા લઇ ગયો અને તે સ્કૂલમાં દાખલ કરાવી દીધા. યુ.કે. આવ્યા ત્યાં સુધી તેઓ બસમાં આવજા કરીને ભણતા રહેલા. આવા દૂરંદેશ વિચારો કદાચ બીજા કોઇને પણ બનવા જોગ છે. પરંતુ એનો કોઇ પણ ભોગે અમલ કરવો એ તો એમના જેવી કોઇ વિશેષ વ્યક્તિ જ કરી શકે.
અગાઉ કહેવામાં આવ્યું છે તેમ, એમને હંમેશાં નાણાંભીડ રહેલી. એમને ઘર ચલાવવામાં અને સાત બાળકોના ઉછેરમાં સતત સંઘર્ષ કરવો પડતો, અને જરૂરત વેળા નાની મોટી રકમ સગાં સંબંધી અને મિત્રો કનેથી ઉછીની લેવી પડતી. કદી ભરપાઇ થઇ જતી તો ક્યારેક એને પરત કરવામાં વિલંબ થઇ જતો. વર્ષો જતાં એ નાની રકમોનું વણ-ચૂકવ્યું દેવું થઇ ગયેલું. એ દેવું એટલી મોટી રકમનું તો ન હતું. કદાચ ૨૫-૩૦ હજાર જેટલું હશે. એઓ માનતા કે ભલે પાંચ રૂપિયાનું હોય પણ એ તો દેવું જ ગણાય. એને પરત કરવાની જવાબદારી સમજતા.
લગભગ ૧૯૬૫ના વર્ષની આ વાત છે. તે વર્ષે મારા પિતા સાઉથ આફ્રિકાથી વતન ગયા હતા. આદમભાઇએ એમની દીકરી અને મારી પત્ની પર એક લાંબુ લીસ્ટ લેણદારોનું મોકલેલું. તેની સાથે લખ્યું હતું કે, તમને થોડા દિવસમાં એક રકમ મળશે. તેને આ લીસ્ટના આધારે રકમ પરત કરશો. મારા પિતાને સાથે રાખવાની ભલામણ કરી હતી. એ લીસ્ટમાં ઘણી વ્યકિતનાં નામો હતાં. જેમાં કોઇ માણસના પાંચ રૂપિયાથી લઇને ચારસો પાંચસો જેટલી રકમ દર્શાવવામાં આવી હતી. એ રકમ જે તે વ્યક્તિને અથવા હયાત ન હોય તેવા સંજોગોમાં તેના વારસદારને પરત કરવાનો આદેશ આપ્યો હતો.
આટલી ચીવટપૂર્વક લેણદારની નોંધ રાખનાર અને એને પરત કરવાના મક્કમ ઇરાદા રાખનાર આજના જમાનામાં ઘણાં ઓછા લોકો હોય છે. નોંધનીય વાત તો એ છે કે એ રકમનું લીસ્ટ તેઓ ઇંગ્લેન્ડ સાથે લઇને આવ્યા હતા. તેની પાછળ નિયત એ હતી કે, જ્યારે પણ શક્તિશાળી થઇશ ત્યારે પ્રથમ આ રકમ પરત કરીશ. મારા પિતા અને એમની દીકરીએ ઘરે ઘર જઇ લીસ્ટ પ્રમાણે એ રકમ ચૂકવી દીધેલી, તેમાંના ઘણાં લોકો તો આ દુનિયા છોડી ચૂકેલા હતા. તેમના વારસદારોએ તો રકમ લેવાની જ ના પાડેલી અને કહેલું કે, ગરીબોને આપી દેજો. એવા ઘણાં ઓછા લોકો મળશે કે જેમણે પાંચ-દસ રૂપિયા જેવી નાની રકમની નોંધ રાખેલી હોય. આદમભાઇએ આ રીતે દેવું ચૂકવી દઇને એક સંદેશ જરૂર આપ્યો છે કે ગમે તેટલી નાની રકમ ઊછીની લીધી હોઇ, તેને દેવું ગણીને પરત કરવાનો ઇરાદો રાખવો. જ્યારે પણ પરિસ્થિતિ સાનુકૂળ બને તો વિલંબ કર્યા વિના પરત કરી દેવા મુક્ત થવું જોઇએ.
૧૯૬૪માં એમની આખી ફેમિલિ યુ.કે. આવી ગઇ. માત્ર એક મોટો દીકરો જેની ઉંમર ૨૭-૨૮ વર્ષની હતી. એના લગ્ન પણ થઇ ગયાં અને ત્રણ સંતાનો હતાં. જેના કારણે યુ.કે. આવવાનું અશક્ય હતું. એમને દીકરા અને તેના સંતાનોના ભવિષ્યની હંમેશાં ચિંતા રહેતી. એમને એની સમજ હતી કે, જે ખેતીમાં આટલી મહેનત કર્યા પછી પણ ભલીવાર ન થયો. તે ખેતીમાં એમના દીકરા અને તેના સંતાનોનું ઉજ્જવળ ભવિષ્ય કઇ રીતે થઇ શકે?
સતત વિચારો કર્યા પછી એક વિચાર સૂઝ્યો, એમને ખબર હતી કે કોઇ બીઝનેસમેન અથવા કોઇ ફેક્ટરીનો માલિક કે મેનેજર અહીંની સરકારે પ્રસિદ્ધ કરેલા ફોર્મ પર સહી કરી નોકરી આપવાની સંમતિ દર્શાવે તો તે વ્યક્તિને અહીં આવી ઠરીઠામ થવાની વિઝા મળી શકે. જે લોન્ડ્રીમાં એક આધેડ વયની લેડી મેનેજરના હોદ્દા પર હતી. તે લોન્ડ્રી સંદર્ભે એમની મુલાકાત લગભગ દર અઠવાડિયે થતી. આદમભાઇની ઉંમર જોઇને એમની કામ કરવાની ધગશની હંમેશાં પ્રશંસા કરતી. અને આદમભાઇ પણ પોતાની ભાંગી તૂટી અંગ્રેજીમાં સમજાવવાની કોશિશ કરતા. જેનો ટૂંક સાર એ હતો કે, મારો એક દીકરો ઇન્ડિયામાં છે તેને મારે અહીં બોલાવવો છે. એને નોકરી આપવાની ખાતરી આપવામાં આવે તો અહીં આવી શકે. લેડી મેનેજરને કંઇ સમજ પડતી ન હતી કે, આદમ શું કહેવા માંગે છે. લગભગ દર અઠવાડિયે એ લેડી સમક્ષ એક જ પ્રકારની વિનંતી કરતા રહેતા. મેનેજર લેડીને થયું કે આદમ કંઇ કહેવા માંગે છે. પણ મને સમજાઇ એ રીતે કહી શકતો નથી. એક દિવસે એ લેડી મેનેજરે કહ્યું કે, “આદમ, કોઇ અંગ્રેજી જાણનારને અહીં લઇ આવ, જેથી હું સમજી શકું કે તું શું કહેવા માંગે છે.”
એમને સમજ પડી ગઇ કે મેનેજર કોઇ અંગ્રેજી જાણનારને લઇ આવવા કહે છે. ફકીરભાઇ દાજીને એમની સાથે લઇ ગયા. ફકીર ભાઇએ સમજાવ્યું કે, બ્રિટિશ સરકારના નવા કાયદા પ્રમાણે કોમનવેલ્થ સિટિઝન માટે યુ.કે. હવે ફ્રિપોર્ટ રહ્યું નથી, પણ એ કાયદામાં એક જોગવાઇ એવી છે કે, કોઇ કંપની સરકારે નક્કી કરેલા ફોર્મ પર નોકરી આપવાની ખાતરી આપી સહી કરે તો તે વ્યક્તિને બ્રિટન આવવાની અને કાયમી રહેવાની વિઝા મળી શકે. મેનેજરને પૂરી વાત સમજમાં આવી ગઇ અને કહ્યું કે, “આદમ, ફોર્મ લઇ આવ. હું તેના પર સહી કરી દઇશ.” આદમભાઇના ચહેરા પર ખુશીની એક લહેર દોડી ગઇ. બીજી વેળા ફકીરભાઇ દાજી સાથે ફોર્મ લઇને ગયા અને મેનેજરે સહી કરી દીધી અને એમના દીકરા ગુલામને અહીં આવવાની વિઝા મળી ગયા. એ પોતાની આખી ફેમિલી પત્ની અને સંતાનો સહિત કાયમી વસવાટ માટે યુ.કે. આવી ગયા. પોતાની ઔલાદના ભવિષ્યની આટલી હદે ચિંતા કરવી અને તે માટે સતત સતત કાર્યશીલ રહેવું અને તે પણ આટલી મોટી વયે?
ગણદેવી તાલુકાના કલવાચ ગામમાં એમની ઘણી જમીન. અને જમીનને લગતા અવારનવાર બનતા કાયદાકીય ફેરફારો અંગે એમને તાલુકાના મામલતદારને મળવું પડતું. એમના સ્વભાવ મુજબ હંમેશાં સરકારી ઓફિસરો સાથે સારા સંબંધો રાખતા અને ઓફિસરો પણ એમને માનભરી નજરે જોતા.
જ્યારથી તાલુકાના નવા મામલતદાર તરીકે જગદીશભાઇ સિસોદિયાએ કારભાર સંભાળેલો, ત્યારથી જ એમના સાથે આદમભાઇએ સારા સંબંધો વિકસાવેલા. જગદીશભાઇ એક રાજવંશ કુટુંબના રજપૂત હતા. એમના સ્વભાવમાં રાજવંશની ખાનદાની જોવા મળતી. લોકો સાથે તેઓ આદરપૂર્વક મળતા. આદમભાઇને એક વડીલ તરીકે આદરણીય માનતા અને આદમ કાકા તરીકે સંબોધતા.
આદમભાઇ તો બ્રિટન આવીને ઠરીઠામ થઇ ગયા. તે પછી બે એક વર્ષ વીત્યે એમના પર જગદીશભાઇનો પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું કે, કાકા મારો યુ.કે. આવવાનો ઇરાદો છે, તો મારા જેવા માટે ત્યાં કંઇક અવકાશ જેવું છે કે નહીં? બીજા અર્થમાં એક સારી નોકરી છોડીને સાહસ કરવા જેવું છે કે નહીં?
જગદીશભાઇની ઇચ્છાને આદમભાઇ સમજી ગયા અને આશાભર્યો સકારાત્મક જવાબ આપતાં લખ્યું, બ્રિટન મહેનત કરનારાઓ માટે ઉમદા દેશ છે, અહીં મહેનતુ માણસ માટે પ્રગતિની અનેક તકો ઊભી છે. માનવતા અને ન્યાયપ્રિય દેશ છે. કામ કરનારની કદર કરી જાણે છે. મારી તો ભલામણ છે કે આપ જરૂર આવો એક બીજી સલાહ આપવાનું મન થાય છે, આપ એક સારી અને માનભરી નોકરી પર બિરાજમાન છો, તો એક લાંબી રજા લઇને આવો. અલબત્ત શરૂઆતમાં અહીંનું ઠંડું વાતાવરણ નવા આગંતુકને ફાવતું નથી. પરંતુ લોકો સમય જતાં ટેવાઇ જાય છે. મારા પાસે પોતીકું ઘર છે. જે આપના માટે ખુલ્લું છે. અગર કોઇ કારણસર આપને ફાવટ ન આવે તો પાછા જઇ શકો છો. પણ એકવાર કિસ્મત અજમાવા જેવું તો છે જ.
એમના પત્રે જગદીશભાઇની બધી જ મૂંઝવણો દૂર કરી દીધી. પત્ર વાંચીને જગદીશભાઇએ કોઇ પોતીકા સ્વજનની અનુભૂતિ અનુભવી, એમણે યુ.કે. આવવાનો નિર્ણય કરી લીધો અને બે મહિનામાં જગદીશભાઇ ડ્યુઝબરી આવી ગયા. બીજી રીતે કહું તો મારા આવ્યાને બે અઠવાડિયા પછી એમનું આગમન થયેલું. અમે બન્ને શિક્ષિત હોવાથી બહુ જલદી મિત્રો બની ગયેલા.
બે ત્રણ અઠવાડિયા અમારી સાથે રહ્યા પછી જગદીશભાઇ એમના સગાં સંબંધીને Ashton under lyne મળવા ગયેલા. આશ્ટન માન્ચેસ્ટરની નજીક આવેલું લેન્કેશાયર પરગણાંનું એક શહેર છે ત્યાં એમને ખબર પડેલી કે ઓલ્ધમ શહેરના શો (Shaw) એરિયામાં એક મિલમાં રાતપાળી શરૂ થનાર છે. તે માટે મેનેજમેન્ટ એક શિક્ષિત એશિયનની શોધમાં છે. એમના સંબંધીએ મિલના મેનેજર સાથે જગદીશભાઇની મુલાકાત કરાવેલી અને રાત પાળીના મેનેજર તરીકે નિયુક્ત થયેલા. અહીં બાટલી – ડ્યુઝબરીમાં દસ-બારેક જેટલા લોકો બેકારી અનુભવી રહ્યા હતા તે બધાને જગદીશભાઇ ઓલ્ધમ લઇ ગયેલા. તેમાં હું અને મારા ભાઇ ઇસ્માઇલનો પણ સમાવેશ હતો.
આજે જગદીશભાઇ આપણી વચ્ચે નથી, પણ સાંભળવા આવ્યું છે કે એમના વારસદારોએ ખૂબ પ્રગતિ સાધી છે અને ઓલ્ધમ શહેરમાં એક આદર્શ અને નામાંકિત કુટુંબ તરીકેની નામના પ્રાપ્ત કરી છે. જેના મૂળમાં જગદીશભાઇને મળેલ આદમકાકાની હૂંફ નિમિત્ત ગણાય.
સૌજન્ય : ખમીરવંતા હાજી આદમ કરોલ્યા – તરકી (1905-1973); ‘ગુજરાતી રાઇટર્સ ફોરમ’, બાટલી, યુનાઇટેડ કિંગ્ડમ; પૃ. 21-36
મુદ્રાંકન સહાય : વલ્લભ નાંઢા તેમ જ કેતન રુપેરા