રાધેશ્યામ શર્મા આપણી ભાષાના એક અગ્રગણ્ય સર્જક છે અને એમણે સાહિત્યનાં લગભગ બધાં જ સ્વરૂપોમાં સર્જનકાર્ય કર્યું છે. નવલકથા, વાર્તા, વિવેચન, ચરિત્રલેખન, ભાષાંતર, સંપાદન અને કવિતાઓનાં એમનાં અનેકવિધ પુસ્તકો પ્રગટ થયાં છે. કવિતાના જ એમના આઠ જેટલા સંગ્રહો છે, જેમાં એક અંગ્રેજી કવિતાનો સંગ્રહ પણ આવી જાય. ૧૯૬૩માં એમનો પહેલો કાવ્યસંગ્રહ ’આંસુ અને ચાંદરણું’ પ્રગટ થયેલો, ત્યારથી તેઓ સાતત્યપૂર્વક કાવ્યસર્જન કરતા રહ્યા છે. એમનો છેલ્લો અને આઠમો કાવ્યસંગ્રહ ’પ્રાસની રાસલીલા’ ર૦૧૯માં પ્રગટ થયો છે. સર્જન ક્ષેત્રે પ્રયોગશીલ સર્જક તરીકે તેઓ જાણીતા છે. એમના આ છેલ્લા કાવ્યસંગ્રહ વિષે થોડું મિતાક્ષરી –
કવિતામાં અને ખાસ કરીને ગઝલમાં પ્રાસનું મહત્ત્વ અનેરું છે. મુશાયરામાં કે સુગમસંગીતના કાર્યક્રમમાં પ્રાસ જ શ્રોતાઓને બાંધી રાખે છે. આ પ્રાસ ગળચટા હોય છે. શ્રોતાઓની દાદ મેળવવા માટે એ કદાચ મહત્ત્વના હશે, પણ અન્યથા એ લપસણો માર્ગ છે. કવિઓએ એનાથી બચવું રહ્યું. રાધેશ્યામ શર્મા તો મુખ્યત્વે અછાંદસ લખે છે. એટલે પ્રાસનું મહત્ત્વ છંદોબદ્ધ કૃતિઓને માટે જેટલું મહત્ત્વનું છે, તેટલું અછાંદસ કવિતાઓને માટે નહીં. તો પણ અછાંદસમાં પ્રાસને લયબદ્ધતા જાળવવા માટે કેટલાક કવિઓ અપનાવે છે. સંગ્રહના નિવેદન ’આંતરિક લયની પ્રયોગશીલ પ્રાસયાત્રા’માં તેઓ લખે છે, ’પ્રાસ વગર છંદોબદ્ધ કૃતિઓ કે ક્યારેક અછાંદસ રચનાઓનું નિર્વહણ ક્યારે ય થયું નથી, થશે પણ નહીં.(પૃ. પ).
કવિતા એ આમ તો લીલા જ છે. અને કવિતામાં પ્રાસ તો હોય જ છે. પણ અહીં તો ’પ્રાસની રાસલીલા’ છે. એટલે કે કવિએ સર્જનની લીલાને રાસલીલાની જેમ સર્જી છે. એટલે વાચકે પણ તેને લીલાની જેમ વાંચવાની. અછાંદસ કવિતામાં તેનું સ્ટ્રક્ચર અત્યંત મહત્ત્વનું હોય છે. એટલે કે છંદમાં આપણે જેને માત્રામેળ કહીએ છીએ, તેમ અછાંદસમાં પંક્તિઓની રજૂઆત કઈ રીતે થઈ છે, તેના આધારે કવિતા સર્જાય છે. અન્યથા એ એક સ્ટેટમેન્ટ (વિધાન) થઈ જાય. એટલે કૃતિની રચનાનો આકાર અત્યંત મહત્ત્વનો છે. અને કવિએ એ આકારમાં જ લીલા કરીને રાસલીલાનું સર્જન કર્યું. એક કવિતા ’શાહી’(૬૦)ની લીલાને જોઈએ –
ખડિયે
ખૂટી
તૂટી
એની
બૂટી
નહીં
તહીં
કલમ
ટટ્ટાર
થઈ
લટાર
મારવા
પાર્ક
બાગમાં
ગઈ
જ્યાં
છુપાયેલા
ચોરને
એકલા
મોરે
ટેહૂક
ગાઈ
ભગાડી
મૂક્યા
(પૃ. ૩૯)
રાધેશ્યામ શર્મા સાહિત્યમાં પ્રયોગ કરવાના સાહસવીર છે. ’પ્રાસની રાસલીલા’ એ સાહસનું સર્જન છે.
’પ્રાસની રાસલીલા’ – કવિ રાધેશ્યામ શર્મા : પ્રકાશક : રન્નાદે પ્રકાશન : મૂલ્યઃ રૂ. ૮૦/-
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 14