આપણા જાણીતા કલાકાર – આ કલાકાર શબ્દ બહુ વિશાળ અર્થ ધરાવે છે, જેમાં બધી કલામાં સર્જન કરતાં સર્જકોના સંદર્ભમાં પ્રયોજાતો હોવાથી કલાકાર – કનુ પટેલનાં ચિત્રોનું પ્રદર્શન એપ્રિલની દસથી સોળ તારીખથી મુંબઈની જહાંગીર આર્ટગૅલેરીમાં યોજાઈ ગયું. તે નિમિત્તે કનુ પટેલનો, એમની કલાનો અને ચિત્રોનો થોડો મિતાક્ષરી પરિચય કરીએ.
કનુ પટેલ એક ચિત્રકાર ઉપરાંત એક બહુ સારા અભિનેતા અને નાટ્યદિગ્દર્શક પણ છે. એઓએ કલાનું અધ્યાપન પણ કર્યું છે અને ફાઇન આટ્ર્સ કૉલેજના તેઓ વિદ્યાર્થીપ્રિય પ્રિન્સિપાલ પણ હતા. એક નાટ્યકાર તરીકે એમણે ઘણાં નાટકોનું દિગ્દર્શન કર્યું છે તેમ અનેક નાટકોમાં અભિનય પણ આપ્યો છે. એમણે નાટકમાં રવીન્દ્રનાથ ટાગોરનું પાત્ર પણ ભજવ્યું છે, તે ઉપરાંત, અનેક ટેલિવિઝન-સિરિયલમાં અને ફિલ્મોમાં પણ અભિનય આપ્યો છે. એમણે પ્રસિદ્ધ દિગ્દર્શકો – રામાનંદ સાગર તથા શ્યામ બેનેગલ જોડે પણ કામ કર્યું છે. એમનું એક પુસ્તક ‘કલાનું મૌન’ ગુજરાત કલાપ્રતિષ્ઠાને પ્રગટ કર્યું છે. એમના આટલા મિતાક્ષરી પરિચય પછી હવે આપણે તેમનાં ચિત્રોની વાત કરીએ.
ફોટોગ્રાફ, શિલ્પ, ચિત્ર આ બધાં દૃશ્યમાધ્યમો છે. એમના વિશે વાત કરતાં ઉદાહરણતઃ એ કૃતિને મૂકી શકાય તો ઉત્તમ, અન્યથા શબ્દોથી જ કામ ચલાવવું પડે. આમ અહીં પણ મારે વાત તો કનુ પટેલના પ્રદર્શનની કરવાની છે, અને તે પણ શબ્દોમાં જ. એટલે તેને વર્ણનાત્મક રીતે જ વાચકોને કરવાની રહે.
હાલમાં જ પૂર્ણ થયેલા આ પ્રદર્શનમાં, એમનાં કેટલાંક છેલ્લાં વર્ષોનાં ચિત્રોને તેઓ આ પ્રદર્શનમાં રજૂ કરી રહ્યાં છે. આ ચિત્રો એટલે એમની વૈચારિક અભિવ્યક્તિ, કહો કે કવિતા, જે રંગો દ્વારા કૅનવાસ પર વ્યક્ત થઈ છે. આ ચિત્રોમાં રંગ અને રેખા દ્વારા અનેક શબ્દો વ્યક્ત થયા છે. ‘અતીતરાગ’ (Nostalgia), ‘રેઇનસ્કેપ’ (Rainscape) અને ‘માસ્ક’ (Mask) વિષય પરનાં એમનાં ચિત્રો પછીનું આ કામ છે.
આ પ્રદર્શનને ‘કનુ પટેલની સર્જનયાત્રા’ (Journey of Creativity)) તરીકે ઓળખાવ્યું છે. એક ચિત્રકાર તરીકે માનવીય ચિત્તતંત્ર પર પડેલા સદીઓના સંસ્કારોને એક કલાકાર તરીકે પ્રતિનિધિ રૂપે વ્યક્ત કરે છે. આપણા દેશનાં ધર્મ, ઇતિહાસ, સાહિત્ય અને કલાના આ બધા વારસાને તેઓ અનુભવે છે. અને આ બધું કંઈ એક પ્રાંત કે ભાષા પૂરતું મર્યાદિત ન રહેતાં સમગ્ર દેશકાળને આવરી લે છે. એટલે જ એમની ઇષિકા આ પરવર્તી સંદર્ભોના રંગોમાં ઝબકોળાયેલી છે. અને એટલે જ એમનાં ચિત્રો સમકાલીન શૈલીનાં હોવા છતાં આપણા સદીઓના વારસાને વ્યક્ત કરે છે.
આ પ્રદર્શનમાં આમ આપણામાં વ્યાપેલી આપણી પરંપરાઓ ધર્મ, દૈવિક તત્ત્વો, ઇતિહાસ, કલા અને ચિત્રકળા તથા સાહિત્યનાં કેટલાંક ચૈતસિક સ્વરૂપો કનુ પટેલની ચિત્રકળામાં વ્યક્ત થયાં છે. આ નરી અભિવ્યક્તિ નથી, પણ ક્રમિકપણે વિકસેલા વિચારોનું રંગો દ્વારા વ્યક્ત થયેલું સ્વરૂપ છે. કોઈ કલાકાર ક્યારેક કોઈ એકદંડીય મહેલમાં રહીને સર્જન ન કરી શકે. એની સાથે એના દેશકાળનો સમગ્ર પરિવેશ સંકળાયેલો હોય છે, અને એ કનુ પટેલનાં ચિત્રોમાં વ્યક્ત થયો છે.
આ ચિત્રપ્રદર્શનનું ઉદ્ઘાટન સાહિત્યકાર અનેે ‘નવનીત-સમર્પણ’ના તંત્રી દીપક દોશી અને જાણીતા સંગીતજ્ઞ, સંતુરવાદક અને ચાર્ટર એકાઉન્ટન્ટ સ્નેહલ મઝુમદારના વરદહસ્તે થયેલું. દીપક દોશીએ કનુ પટેલની ચિત્રકળા વિશે અને સ્નેહલ મઝુમદારે સંગીતના વર્ણ અને ચિત્રકળાના વર્ણ વિશે ચર્ચા કરી હતી. આપણાં સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃિત, ધર્મ અને અધ્યાત્મના સંદર્ભો કનુ પટેલનાં ચિત્રોમાં જોવા મળે છે. સવિશેષ ભારતીય પરંપરાને રંગ અને ઐતિહાસિક શિલ્પો દ્વારા પ્રસ્તુત કર્યા છે. ચિત્રોમાં રામ, હનુમાન, કૃષ્ણ, નટરાજ સાથે તુલસીદાસ, સૂરદાસ, રવીન્દ્રનાથ ઉપરાંત અવલોકિતેશ્વરના સંદર્ભો પણ ખૂબ સરસ રસ્તે પ્રયોજવામાં આવ્યા છે. પ્રદર્શિત ચિત્રોનો અનેરો પ્રભાવ દર્શકો પર પડે છે જે એમને અનેકવિધ રીતે વિચારતા કરે છે.
ઉદ્ઘાટન વખતે અને પ્રદર્શન દરમિયાન અનેક કલાપ્રેમીઓ, ચિત્રકારો, સંગીતકારો, અદાકારોએ ચિત્રોનો આસ્વાદ કર્યો. પ્રદર્શન જોવા આવ્યા હોય તેવાં ઉલ્લેખનીય નામોમાં ભાષાશાસ્ત્રી ડૉ. ઊર્મિ દેસાઈ, સંગીતકાર ઉદય મઝુમદાર, ફિલ્મવિતરક સુભાષ છેડા, વિખ્યાત ચિત્રકારો સુજાતા બજાજ, વિપ્તા કાપડિયા, બાબુભાઈ મીસ્ત્રી, પ્રશાંત શાહ, નીતા દેસાઈ, મુકુન્દભાઈ, મનીષ ચાવડા, રમેશ ભોસલે, શુભદા ભોસલે, જતિન માર્થક, યોગેશ પટેલ, ફિલ્મ દિગ્દર્શક દીપક અંતાણી, ફિલ્મસમીક્ષક અમૃત ગંગર, કલામર્મજ્ઞ વીરચંદ ધરમશી, કવિ મહેશ શાહ, અદાકારો મનોજ શાહ, મૃણાલ કુલકર્ણી, હેમા માલિની, રવિ જકાલ, રાજેન્દ્ર ગુપ્તા, નાટ્યસમીક્ષક બકુલ ટેલર વગેરે અનેક આવેલાં હતાં. કેટલાંયનાં નામો યાદ નથી તેમ અનેક અજાણ્યા ભાવકોએ પણ પ્રદર્શન જોવામાં ઉત્સાહ બતાવ્યો હતો.
આપણે ત્યાં આવાં કલાપ્રદર્શનોની નોંધ ખાસ લેવાતી નથી. કનુ પટેલના આ ચિત્રકલા-પ્રદર્શનની નોંધ મુંબઈના મરાઠી અને અંગ્રેજી અખબારોએ લીધી પણ ગુજરાતી મીડિયાને ખાસ ઉત્સાહ નહોતો. આવું કેમ એવો પ્રશ્ન થાય પણ એનો કોઈ જવાબ આપે તેવું પણ કોઈ મીડિયામાં નથી. એક પ્રદર્શન સમયે બધો સમય કલાકાર સાથે ગૅલેરીમાં ઉપસ્થિત રહેવાનો આ બીજો અવસર મારા માટે હતો. ૧૯૯૩માં કવિ, ચિત્રકાર અને ફોટોગ્રાફર પ્રદ્યુમ્ન તન્નાનું પ્રદર્શન મુંબઈમાં એન.સી.પી.એ.ના પરિસરમાં આવેલી પીરામલ આર્ટ ગૅલેરીમાં યોજાયેલું ત્યારે પણ પ્રદર્શનના બધા દિવસો એમની સાથે બેસીને માણેલા. ત્યારે પણ મીડિયાનો પ્રતિભાવ આવો જ હતો.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2018; પૃ. 15
છબિ સૌજન્ય : અભિજિતભાઈ વ્યાસની ફેઇસબુક વૉલ