૨૦૧૮ પૂર્ણ થતાં એક આંચકો પણ આપી ગયું. પ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક મૃણાલ સેન(૧૪ મે, ૧૯૨૩ • ૩૦ ડિસેમ્બર ૨૦૧૮)ને પણ ઇતિહાસમાં નોંધતું ગયું. ફિલ્મના રસિકોને માટે એ એક દુઃખદ સમાચાર હતા. અલબત્ત, છેલ્લાં ઘણાં વર્ષોથી મૃણાલ સેન નિવૃત્ત હતા. પણ એમની પ્રતિભા અત્યંત મહત્ત્વની હતી.
સત્યજિત રાય પછી બંગાળના જે પ્રમુખ ફિલ્મ દિગ્દર્શકોએ દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચ્યું, તેમાં ઋત્વિક ઘટક અને મૃણાલ સેન બહુ મહત્ત્વના દિગ્દર્શકો હતા. આમ તો આ ત્રણેય પ્રમુખ ફિલ્મ દિગ્દર્શકોની સર્જક તરીકેની કારકિર્દી લગભગ સાથે જ શરૂ થયેલી. પાંચમા દાયકાના ઉત્તરાર્ધમાં ફિલ્મસર્જન તરફ વળેલા.
મૃણાલ સેને એમની ફિલ્મોનું સર્જન બંગાળી ઉપરાંત હિન્દી અને તેલુગુમાં પણ કર્યું છે. હિન્દીમાં આપણે એમની ફિલ્મો ‘ભુવન સોમ’, ‘એક અધૂરી કહાની’, ‘મૃગયા’, ‘ખંડહર’ અને ‘એક દિન અચાનક’થી પરિચિત છીએ. આ ઉપરાંત ‘કભી દૂર, કભી પાસ’ નામની એક ટેલિવિઝન સિરિયલ પણ એમણે સર્જી છે. હિન્દી સિનેમાજગતમાં એમની ફિલ્મ ‘ભુવનસોમ’થી કલાત્મક ફિલ્મોનું એક આંદોલન શરૂ થયું હતું. આપણે એ આંદોલનને ‘ન્યૂ વેવ’ કે ‘સમાંતર સિનેમા’ને નામે ઓળખીએ છીએ.
તત્કાલીન ભારતીય સિનેમામાં મૃણાલ સેન જ એક માત્ર એવા ફિલ્મ દિગ્દર્શક હતા જેમણે સમકાલીન સમસ્યાઓને લઈને ફિલ્મો સર્જવાનું પસંદ કરેલું. એમણે પોતાની મોટા ભાગની ફિલ્મોમાં રાજકીય બાબતોને સ્પર્શવાનું પસંદ કરેલું છે. એક પ્રતિબદ્ધ સર્જક તરીકે મૃણાલ સેન કહે છે, ‘I strongly feel that, as a social being, I am committed to my own time. And since poverty, drought, femine and social injustice are dominant facts of my own times, my business as a filmmaker is to understand them. I try to understand my own period. I try to put it across.’ મૃણાલ સેન એમ કહે છે કે “હું ઇરાદાપૂર્વક કદી પ્રચલિત ફિલ્મ બનાવતો નથી. ભારતીય દર્શક સિનેમા જોવા જાય છે, ત્યારે તેના રોજિંદા જીવનની ખૂબ નજીક હોય છે. મેં મારા સંદેશને પહોંચાડવાનો માર્ગ શોધી કાઢ્યો છે. હું એવું માનું છું, કે દર્શકોને ફક્ત વ્યગ્ર બનાવવા જ પૂરતા નથી. એમને ઉશ્કેરનાર તરીકે કાર્ય કરવું એ પણ જરૂરી છે. એક ફિલ્મમાં સમકાલીન પરિસ્થિતિ હોવી જ જોઈએ.”
એક વખત એક વાતચીતમાં મૃણાલદાએ એવું પણ કહ્યું હતું. “I feel what I am today is the logical extension of what I once was”. વિશ્વ વગેરેની એટલે કે મૃણાલ સેનની કલા ક્રમશઃ વિકાસ પામી છે, જે સતત એમના અનુભવના વગેરેની સાથે-સાથે – કદાચ વૈચારિક વિશ્વ વગેરેની પણ પરિણતિ છે.
મૃણાલ સેનની બે ફિલ્મો એકસરખા વિષય ઉપર સર્જાઈ છે – ‘એક દિન પ્રતિદિન’ અને ‘એક દિન અચાનક’. અહીં આ બે ફિલ્મનાં શીર્ષકોમાં જ સમાનતા નથી, પણ એમાંના વિષયમાં ઘણી સમાનતા છે. ‘એક દિન પ્રતિદિન’ બંગાળીમાં છે, જ્યારે ‘એક દિન અચાનક’ હિન્દીમાં છે. બંને ફિલ્મ વચ્ચે લગભગ નવ વર્ષનો સમય પથરાયેલો છે. … ‘પ્રતિદિન’ ૧૯૭૯નું સર્જન છે, જ્યારે ‘એક દિન અચાનક’ ૧૯૮૮નું સર્જન છે.
‘એક દિન પ્રતિદિન’ની કથામાં પુત્રી એક દિવસ સર્વિસ પરથી સાંજે ઘેર નથી આવતી. રાત પડી જાય છે, પછી ઘરના સભ્યો તેની શોધખોળ કરે છે. ભાઈ પોલીસ-સ્ટેશને જાય છે. પોલીસ તેને પકડાયેલી કેટલીક વેશ્યાઓને બતાવે છે. મારી બહેન આમાં ન હોઈ શકે કહી ચાલ્યો જાય છે. હૉસ્પિટલમાં જાય છે, માર્ગમાં તપાસ કરે છે. ઘેર સૌ ચિંતા કરે છે. અડોશીપડોશીને ખબર ન પડવી જોઈએ, નહીંતર આબરૂ જશે તેવી ગુસપુસ ચાલે છે. બીજે દિવસે સવારે પુત્રી ઘેર આવે છે. ફિલ્મ ત્યાં પૂર્ણ થાય છે. પણ મૃણાલ સેને શીર્ષકમાં જ એક દિવસ બન્યું, તે પ્રતિદિન પણ બની શકે એવી દહેશત વ્યક્ત કરી છે.
‘એક દિન અચાનક’માં પિતા પ્રોફેસર છે. આખો દિવસ પડેલા વરસાદથી કંટાળીને સાંજે જ્યારે વરસાદ બંધ થાય છે, ત્યારે હમણાં ફરીને આવું તેમ કહીને બહાર જાય છે. રાત પડે છે, પણ પાછા આવતા નથી. પત્ની અને બંને પુત્રીઓ રાહ જોઈને થાકે છે એટલે શોધખોળ કરવી શરૂ કરે છે. સ્નેહીમિત્રો અને સગાંને ત્યાં પૂછપરછ કરે છે. પ્રોફેસરની એક પ્રિય વિદ્યાર્થિનીને ત્યાં તપાસ કરવામાં આવે છે, પણ પત્તો મળતો નથી. ફરિયાદ લખાવવામાં આવે છે. જ્યોતિષ, સાધુસંતોનો આશરો લેવામાં આવે છે. આમ ચાલ્યા કરે છે. એમની ગેરહાજરીમાં એમનું બધું જોતાં પ્રોફેસર તેની વિદ્યાર્થિનીના પ્રેમમાં હોય છે, તેમ જાણવા મળે છે. વિદ્યાર્થિની આ બધું જોઈને અત્યંત દુભાય છે. જે વ્યક્તિને બહુ મહાન માનતા હતા તે કેવો માટીપગો અને સામાન્ય હતો, તેનો કુટુંબના સભ્યોને ખ્યાલ આવે છે. નિરંતર રાહમાં એક વર્ષ ચાલ્યું જાય છે. ક્યાં છે? ક્યારે આવશે? કેમ હશે? કોઈ માહિતી નથી. ફરી વર્ષની મોસમ આવે છે અને વરસતા વરસાદમાં બંને પુત્રીઓ સાથે મા વાત કરે છે, ‘આજે એક વર્ષ પૂર્ણ થયું, હજી પિતાજીના કોઈ ખબર નથી.’
બંને ફિલ્મોમાં ઉપલા મધ્યમવર્ગનાં કુટુંબોની વાત છે. શહેર કોલકાતા છે. પણ એ ભારતનું અન્ય કોઈ શહેર હોય તો પણ પરિસ્થિતિમાં કંઈ ફેર ન પડે. આપણા કહેવાતાં નૈતિક મૂલ્યો ઘસાઈ ગયાં છે. ગજા બહારની શક્તિનું પ્રદર્શન કરવા માંગીએ છીએ. આ સોશિયો – પોલિટિકલ અને ઇકોનૉમિક સિસ્ટમનો પ્રભાવ છે. એમાંથી કોઈ બચી શકવાનું નથી. એક જીવનમાં બે જિંદગી નથી જીવી શકાતી. મૃણાલ સેને આ ફિલ્મોના સંદર્ભમાં કહ્યું છે, ‘પહેલાં હું મારા દુ:શ્મન (એજાસી)ને મારી બહાર શોધતો હતો, પણ સમયના બદલાવ સાથે હું મારા દુ:શ્મનને મારી અંદર જ શોધવાની કોશિશ કરું છું.’
મૃણાલ સેને દરરોજ બનતા નાના બનાવોમાંથી એકને ઝડપીને તેના વિશેની અનેક શક્યતાઓનો આછોતરો ખ્યાલ પ્રક્ષકોને આપ્યો છે. ‘એક દિન પ્રતિદિન’ જોયા પછી કેટલા ય પ્રેક્ષકોએ મૃણાલ સેનને એવો પ્રશ્ન કરેલો કે સર્વિસ પરથી છોકરી ક્યાં ગઈ હતી? એણે રાત ક્યાં પસાર કરી? અને એમણે જ જવાબ આપેલો, ‘મેં આ ફિલ્મ તમે જુઓ અને સફર કરો માટે બનાવી છે. તમે સફર કરો, કારણ કે મારી પાસે આનો કોઈ જવાબ નથી.’ ‘એક દિન અચાનક’માં પત્ની જે પતિને અને પુત્રીઓ જે પિતાને મહાન ગણતા હતા, તેની અનેકવિધ મર્યાદાઓનો ખ્યાલ એમના ચાલ્યા ગયા પછી કરે છે અને મહાન પતિ કે પિતાને ફરી માનવીય સંદર્ભમાં જોવાની કોશિશ કરે છે.
મૃણાલ સેનની ફિલ્મો આપણા સમાજ ઉપર પડતાં આર્થિક, રાજકીય અનૈ નૈતિક મૂલ્યોના પ્રભાવને કારણે બદલાતી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. આપણામાંનાં જ ખોખલાપણાંનો એ અહેસાસ કરાવે છે.
અલવિદા મૃણાલ સેન. ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક આખું પ્રકરણ આપના નામે સદા જીવંત રહેશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 11 તેમ જ 15