લતા મંગેશકર (જન્મઃ 28 સપ્ટેમ્બર 1929 – અવસાન 06 ફેબ્રુઆરી 2022) એ ભારતીય સંગીતનો એવો મધુર અવાજ છે જે સદીઓ સુધી ગુંજતો રહેશે.
ધ્વનિને મુદ્રિત કરવાની વૈજ્ઞાનિક શોધને કારણે જ આપણે આજ લતા મંગેશકર જેવી સ્વર સામ્રાજ્ઞીના કંઠને સાચવી શકયા છીએ. અન્યથા આ છ ફેબ્રુઆરીના રોજ એમના થયેલા અવસાનની સાથે જ એઓ તાનસેનની જેમ માત્ર દંતકથા જ થઈ જાત.
લતાજીની વિદાયને કારણે આ દિવસોમાં અનેક લોકોએ અનેક વાતો લખી છે. પ્રિન્ટ અને સોશિયલ મીડિયા તો આ બધાથી ઊભરાઈ રહ્યું છે. ત્યારે એ બધાથી કંઈક જુદી રીતે લખવાની ઇચ્છા થાય છે.
સિનેમાના પાર્શ્વગાયનક્ષેત્રે લતા મંગેશકર જેવી ગાયિકાનું આગમન નહોતું થયું, ત્યારે શમશાદ બેગમ, અમીરબાઈ કર્ણાટકી, રાજકુમારી, નૂરજહાં, કાનનદેવી વગેરે અનેક જુદી જુદી ગાયિકાઓનો અવાજ સાંભળવા મળતો હતો. આ પછી લતા મંગેશકરનું આગમન થયું. ફિલ્મ જગતમાં લતા મંગેશકરનો પ્રવેશ પહેલાં એક અભિનેત્રી તરીકે થયો હતો. પણ ગાયિકા તરીકે એને સફળતા મળતાં અભિનયનું કાર્ય છોડી દીધું. પ્રારંભનાં વર્ષો બાદ લતા મંગેશકર સેટ થઈ ગયાં તેમ તેમ આ બધી ગાયિકાઓ જૂની થતાં એ બધી સંભળાવી બંધ થઈ અને પછી કેટલાં ય વર્ષો સુધી લતા મંગેશકરનું જ એકચક્રી શાસન ચાલ્યું. બીજા અવાજો (સુમન કલ્યાણપુર) હોવા છતાં ભાગ્યે જ કોઈ સાંભળવા મળતા. આ પરિસ્થિતિ અનેક વર્ષો રહ્યાં બાદ આઠમા દાયકા બાદ તેમાં બદલાવ આવવો શરૂ થયો હતો.
ભારતીય ફિલ્મસંગીતને તેનો ચિરસ્મરણીય અવાજ લતા મંગેશકર દ્વારા મળ્યો. અનેક ગાયક અને ગાયિકાઓમાં લતા મંગેશકર પાર્શ્વગાયનમાં મોખરે રહી; એટલુ જ નહીં, તે બધા સંગીતકારો અને શ્રોતાઓની માનીતી ગાયિકા પણ બની. પ્રત્યેક સમયે લતાએ શ્રેષ્ઠતમ ગીતો આપ્યાં છે જે શાસ્ત્રીય સંગીત તથા હળવા સંગીતના પ્રકારોમાં અવર્ણનીય છે. લતા ઉપરાંત મંગેશકર કુટુંબની અન્ય બહેનો પાર્શ્વગાયનના ક્ષેત્રે આવી, જેમાં લતા પછી બીજા નંબરે બિરાજમાન એની બહેન આશા ભોસલેનું નામ યાદ આવે (ઉષા મંગેશકરે બહુ જૂજ ગીતો ગાયાં છે). અલબત્ત, આ બન્નેના અવાજમાં ઘણો જ તફાવત છે. આ બન્ને બહેનોના આગમનને યાદ કરતાં ખ્યાતનામ સંગીતદિગ્દર્શક અનિલ વિશ્વાસે એક વખત કહેલું કે, 'આશાના અવાજને શરીર છે, તો લતાના અવાજને આત્મા. જે દિવસોમાં અમને સંગીત દિગ્દર્શકોને નસીમબાનુ જેવી ગાયિકા પાસે પણ ગવડાવવું પડતું હતું, તે દિવસોમાં લતા આ ક્ષેત્રમાં આવી. અને અમને દેવદૂત આવ્યા જેવું લાગ્યું. ચિત્રપટસંગીતમાં બનેલો લતા એ સૌથી ઉત્તમ અકસ્માત છે.' અનિલ વિશ્વાસ જેવો જ અભિપ્રાય લગભગ બીજા તમામ સંગીતદિગ્દર્શકોનો રહ્યો છે. પ્રત્યેક સંગીતકારે એની બંદિશનું શ્રેષ્ઠ ગીત લતા મંગેશકર પાસે ગવડાવવાનો આગ્રહ રાખ્યો છે કે ગવડાવ્યું છે.
લતા મંગેશકરનાં શ્રેષ્ઠ ગીતોની સૂચિ લાંબી અને સરસ થઈ શકે તેમ છે. છતાં આ મધુર કોકિલકંઠી ગાયિકાએ પોતાનાં શ્રેષ્ઠ ગીતોની પસંદગી કરવામાં હંમેશાં અપરિપકવતા દેખાડી છે. એ ન સમજાય એવી અસાધારણ વાત છે – જેમ કે લતાને જ્યારે પૂછવામાં આવતું કે આપનું શ્રેષ્ઠ ગીત કયું, તો એક એવો ઉડાઉ જવાબ આપે કે 'આયેગા આનેવાલા’ (ફિલ્મઃ મહલ) પણ આ ગીત બંદિશની નજાકતની દૃષ્ટિએ કે ગાયિકીની દૃષ્ટિએ, એમ કોઈ જ રીતે પ્રશંસાત્મક નથી. આથી વધુ સારાં ગીતો લતાએ ગાયાં જ છે. જાણીતા મરાઠી લેખક શિરીષ કાણેકરે પણ નોંધ્યું છે કે, 'પોતાને ગમતાં ગીતો પંસદ કરતી વખતે લતાએ બહુ વિચાર કર્યો નથી. તરત સૂઝ્યાં તે ગીતો આપી દીધાં. લતા આવી બેદરકારી કેમ દેખાડે? તેની પસંદગી જાણવા માટે ઉત્સુક હોય એવા લાખો રસિકોને આમ છેતરવાનું તે શું કામ કરે? પોતાનો થોડો સમય આપીને, મહેનત કરીને તેણે પોતાની યાદી તૈયાર ન કરવી જોઈએ? ગીત પસંદ કરવાની લતાની ઉપરછલ્લી રીતને લીધે કુશળ સંગીતકારોની એક પણ રચનાનો નંબર નથી લાગ્યો.’ ('ગાયે ચલા જા' લેખક : શિરીષ કાણેકર, અનુવાદઃ જયા મહેતા, પૃષ્ઠ – પ) લતા મંગેશકરની આ ઉપરછલ્લી રસમનો અનુભવ શ્રોતાઓને લતાએ ગાઈને પ્રગટ કરેલી શ્રદ્ધાંજલિની કૅસેટોમાં પણ થશે. આ કૅસેટોમાં મૃત ગાયકોને અંજલિરૂપ તેઓનાં લતાએ ગાયેલાં ગીતો છે. તે ખૂબ સારી રીતે ગવાયેલાં હોવા છતાં જે બધાં ગીત પંસદ થયાં છે તે બધાં પુરુષગાયકોનાં શ્રેષ્ઠ નથી જ. એટલે લતાએ આ ગીતો કેમ પંસદ કર્યાં છે એવો પ્રશ્ન પણ રહે. અહીં શિરીષ કાણેકરનું અન્ય એક નિરીક્ષણ નોંધનીય છે. 'જે ગીતો લતાએ’ ગાયાં છે અને કોઈક ગાયકોએ પણ ગાયાં છે એવાં ‘દો પહેલુંવાલે’ ગીત ધ્યાનમાં લઈએ તો એક બાબત બહુ જ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે બધાં ગીતોમાં પુરુષગાયકોએ લતાને માત કરેલી જણાય છે; એટલું જ નહીં પણ દરેક ગીત લતા કરતાં વધારે પ્રભાવશીલ અને લોકપ્રિય રહ્યું છે. લતા કયાં ય ઊણી ઊતરતી ન હોવા છતાં આમ કેમ બને? કદાચ લતા પાસે આ પ્રશ્નનો સંતોષકારક જવાબ હશે.’ ('ગાયે ચલા જા’ લેખક : શિરીષ કાણેકર, અનુવાદઃ જયા મહેતા, પૃષ્ઠ – ૧૮)
લતા મંગેશકરે પોતે પણ કેટલીક મરાઠી ફિલ્મોમાં 'આનંદઘન’ના ઉપનામથી પાર્શ્વસંગીત આપેલું છે. આવી ફિલ્મોમાં 'સાધી મનસા’ કે 'થામ્બડી માટી’ અને બીજી ફિલ્મોનું લતાએ આપેલું પાર્શ્વસંગીત અને ગીતો વખણાયેલાં પણ છે. પણ આ જ લતાને હિન્દી ફિલ્મ પાર્શ્વસંગીતને માટે કે ગીતના સ્વરનિયોજન માટે ન મળી. સાતમા દાયકામાં જ્યારે લતાએ એવી ફરિયાદ કરવી શરૂ કરી કે સંગીતનું ધોરણ ઘણું જ કથળી ગયું છે, ત્યારે પણ તેણે કોઈ ઉત્તમ ગીતનું સ્વર નિયોજન કરીને બતાવી આપ્યું કે ગીતોનું ધોરણ કેવું જળવાવું જોઈએ. લતાએ ગાયેલાં ગેરફિલ્મી ગીતો જેવાં કે મીરાંનાં ભજનો તથા બીજાં ગીતોની બંદિશો પણ તેના ભાઈ હૃદયનાથ મંગેશકરે બાંધી હતી ત્યારે પ્રશ્ન જરૂર થાય કે લતાએ પોતે જ કેમ તે ગીતોની બંદિશ તૈયાર કરી નહીં? આ અને આવા બીજા અનેક પ્રશ્નો લતાના પ્રદાનની સાથે સંકળાયેલા રહેવાના છે.
કેટલાક શ્રોતાઓની ફરિયાદ છે કે લતા મંગેશકરનો અવાજ હવે નથી ગમતો. એ એકધારો ટેપ જેવો લાગે છે. આજે નવી ગાયિકાઓ પણ અનેક ઊભરી આવી છે. અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં લતા મંગેશકરે બહુ ઓછાં ગીતો ગાયાં છે. છતાં ભારતીય ફિલ્મસંગીતને લતાથી જુદું પાડીને વિચારી શકાય તેમ નથી અને એ રીતે લતા મંગેશકર ચિરસ્મરણીય જ રહેશે. આજની અનેક છોકરીઓને સૂરમાં ગાતાં લતાજીએ જ શીખવાડ્યું છે તેમ કહીએ તો પણ ચાલે.
સૂરની બાબતમાં લતાની તોલે કોઈ ન આવે. આપણે ત્યાં કેટલા ય ગાયકો એક 'સા’થી નથી ગાતા. એની સામે લતાના સૂરો બધાં જ ગીતોમાં અત્યંત ચોક્કસ હોય છે. આ સંદર્ભમાં ઉસ્તાદ બડે ગુલામ અલીખાં યાદ આવે. ઉસ્તાદ બડે ગુલામ અલીએ એક વખત એવું કહ્યું હતું કે, 'આ છોકરી (લતા) કદી બેસૂરી નથી થતી. શી અલ્લાહની દેન છે!' લતાના આ સુરીલાપણાએ જ અનેક છોકરીઓને સૂરમાં ગાતા શીખવ્યું. તમે લતાની નકલ કરો એટલે સમજ ન હોય તો પણ તેની નકલ પણ સૂરમય થઈ જાય છે. લતાને અનેક શાસ્ત્રીય ગાયકોને સાંભળવાનો શોખ હતો. ભીંડી બજાર ઘરાનાના ગાયક ઉસ્તાદ અમાનઅલી ખાન સાહેબનું શિષ્યત્વ લતાજીએ સ્વીકાર્યું હતું તેથી લતાજી ભીંડી બઝાર ઘરાનાના ગાયક કહેવાય. અનેક શાસ્ત્રીય ગાયકો અને વાદકોના કાર્યક્રમોમાં લતાજી ખાસ શ્રોતા તરીકે હાજર રહેતાં. કૌશિકી ચક્રવર્તીને સાંભળવાની ઈચ્છા લતા મંગેશકરને હતી અને તેને જાણવા મળ્યું કે મુંબઈમાં કૌશિકીનો કાર્યક્રમ છે કે તરત જ લતાએ ટિકિટ ખરીદી લીધી હતી. એમણે ધાર્યું હોત તો આ કાર્યક્રમનો પાસ મેળવી શક્યાં હોત કે ચીફ ગેસ્ટ પણ થઈ શક્યાં હોત. પણ લતાજીએ કૌશિકી ચક્રવર્તીનો કાર્યક્રમ ટિકિટ ખરીદીને સાંભળ્યો. લતાજીની આ જ મહાનતા છે.
લતા મંગેશકરનાં કેટલાંક ગીતો યાદ કરું તો મને સૌ પ્રથમ તો એમનાં ગેરફિલ્મી ગીતોમાં મીરાં ભજનોને યાદ કરવાં ગમે. 'નીસદીન બરસત નૈન હમારે’ પણ યાદ આવે. ખાસ તો ફિલ્મ 'અનુરાધા’નાં ગીતો અને તેમાં પણ 'સાંવરે સાંવરે’ને યાદ કરવું ગમે. આ ગીતની બંદિશ પંડિત રવિશંકરે રચેલી છે અને તેમાં આડી લય છે. જેથી લતાજીને પણ તે ગાવું અઘરું લાગેલું અને અનેક રિટેક લેવા પડેલા. પંડિત રવિશંકર પણ એમના પર ગુસ્સે થયેલા ત્યારે લતાજી રડી પડેલાં એવું એમણે જ એક વખત કહેલું. લતા મંગેશકરની ભગવદ્ગીતા’ (અધ્યાય ૮, ૧ર અને ૧પ), જ્ઞાનેશ્વરીની અને મીરાં ભજનની રેકૉર્ડ અત્યંત સાંભળવા જેવી છે. પણ ગાલિબની ગઝલની પ્રસ્તુતિ કરતી રેકૉર્ડ સદંતર નિષ્ફળ ગઈ હતી. લતાજીએ અનેક ગુજરાતી ગીતો પણ ગાયાં છે અને તેમાંનાં કેટલાંક પણ અત્યંત યાદગાર છે. લતાજીએ ફિલ્મ સંગીતને બે અણમોલ વાદકો આપ્યા તે પ્યારેલાલ (એમણે લતાજીનાં અનેક ગીતમાં વાયોલિન વગાડેલું અને લક્ષ્મીકાન્ત–પ્યારેલાલની જોડી તો પછી થઈ અને એ પછી પણ પ્યારેલાલે લતાજીનાં અનેક ગીતોમાં ફોલો કરેલું.) અને બીજા તે સારંગીવાદક ઉસ્તાદ સુલતાન ખાન.
લતા મંગેશકરનાં એક ગાયિકા ઉપરાંત બીજાં પણ કાર્યો યાદ કરવા જેવાં છે. લતાજીને ફોટોગ્રાફીનો ખૂબ શોખ હતો. તેઓ અવારનવાર ખાસ ફોટોગ્રાફી કરવા માટે આઉટિંગ પર જતાં. અને નેચર અને કેન્ડીડ શૈલીની ફોટોગ્રાફી કરવી બહુ ગમતી. આ માટે ખાસ ટેલિફોટોલેન્સ પણ એમણે વસાવેલાં હતાં. એમને તેમના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન કરવાની ઇચ્છા પણ હતી. એમ એમને રમતગમત અને ખાસ કરીને ક્રિકેટનો બહુ શોખ હતો અને ક્રિકેટ મૅચ ખાસ સ્ટેડિયમમાં બેસીને જોવાનો આગ્રહ રાખતા. એ જ રીતે લતાજીને અત્તર(પરફ્યૂમ)નો બહુ શોખ હતો અને હંમેશાં તેઓ બહાર નીકળતી વખતે લગાડીને જ નીકળતાં. આ બાબતને ધ્યાનમાં આખીને એક કંપનીએ 'લતા’ નામનું એક સેન્ટ પણ બજારમાં મૂકયું હતું. એનું લૉન્ચિંગ પણ એમણે કરેલું.
નાનપણમાં જોયેલી કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિ અને પૈસા અને મેડિકલ સુવિધાઓને અભાવે પિતાનું થયેલું મૃત્યુ લતાજીને હંમેશાં યાદ રહેલું. તેના પરિણામે એમણે 'ધ લતા મંગેશકર મેડિકલ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી હતી. એના ઉપક્રમે એમણે એક દસ માળની ૪પ૦ બેડની વિશાળ (ર૭,૦૦૦ સ્ક્વેર ફૂટના એક માળની) હૉસ્પિટલની યોજના કરી હતી જેમાં બધા વર્ગોના લોકોને જરૂરી સારવાર મળી રહે તેવું આયોજન હતું. આ હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને થતા ખર્ચના ત્રીસ ટકા એમનું ફાઉન્ડેશન ભોગવે એવી એમની યોજના હતી. આ હૉસ્પિટલનું હાલ પૂનામાં બાંધકામ ચાલી રહ્યું છે.
લતા મંગેશકર એ ભારતીય સંગીતનો એવો મધુર અવાજ છે જે સદીઓ સુધી ગુંજતો રહેશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 14-15